મમ્મી, સ્મિતાબહેન કોઠારી, આજે 83 વર્ષ પૂરાં કરીને 84મા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે. માતા વિશે, તે ઉંમરના આ પડાવે હોય ત્યારે કહી શકાય કે ‘એમનાં વિશે પુસ્તક લખી શકાય.’ પણ, અહીં તેમના વિશે થોડા લસરકામાં વાત કરવી છે.
મમ્મીનાં વિવિધ સ્વરૂપો-વિવિધ સંબંધોમાં તેમની ‘અસ્મિતા’—એક મુખ્ય ઓળખ ઉભરે છેઃ સૌને તે પ્રસન્નતામૂર્તિ અને પોતીકાં લાગે છે. ઘણાં લોકો માટે વાત કરવાનું, ક્યારેક હૈયું ઠાલવવાનું તે એક વિશ્વાસપાત્ર ઠેકાણું રહ્યાં છે, 1960માં સાંઢાસાલ જેવા નાનકડા ગામેથી પરણીને ઘણે દૂર મહેમદાવાદ આવ્યાં, ત્યાર પછી અનેક પ્રકારના સંજોગોમાં તે મુકાયાં છે. છતાં તેમના વર્તનમાં અને તેમના ચહેરા પરના સ્મિતમાં પરિવર્તન આવ્યું નથી. એવી અનેક ક્ષણોનો હું પણ સાક્ષી રહ્યો છું.
કામ વગર બેસી રહેવાનું તેમની પ્રકૃતિમાં જ નહીં. સિવણકામ તેમનો પ્રિય શોખ. એમાંય બાળકો માટે ઝભલાં સિવવાનું એમને બહુ ગમે. એમાં તે અવનવી ડિઝાઈન બનાવે. સગાંસ્નેહી ઉપરાંત આડોશીપાડોશીને ત્યાં પણ સંતાનજન્મ થયો હોય તો તે કાપડના નાના ટુકડામાંથી નવજાત શિશુ માટે ખાસ ઝભલું સીવે અને બહુ પ્રેમથી ભેટમાં આપે.
વસ્તુઓની જાળવણી કરવી, નાની નાની નોંધ રાખવી અને યોગ્ય લેબલિંગ કરવું તેમની વિશેષતા. હું અને ઉર્વીશ નાના હતા ત્યારનાં અમારાં સ્વેટર તેમણે એવાં જાળવેલા કે અમારાં સંતાનોએ પણ તે હોંશેહોંશે પહેર્યાં. એવી બીજી અનેક જૂની ચીજવસ્તુઓ તેમણે જાળવેલી. અમારા—મારા અને ઉર્વીશના—દસ્તાવેજીકરણના સંસ્કારનું મૂળ કદાચ તેમની આ ખાસિયતમાં હશે.
મારાં દાદીમા કપિલાબહેન કોઠારીનો સ્વભાવ એકદમ આકરો. દિલનાં ભલાં, પણ કશું ચલાવી ન લે. મમ્મીએ એમની સવલતો એવી રીતે જાળવી કે બા એમનો ઉલ્લેખ હંમેશાં ‘મારી સ્મિતા’ તરીકે કરતાં. એ વખતે કાયમ અમારા ઓટલે બેસતા એક પાડોશીનો કાયમી ડાયલોગ હતો, ‘આ ઘરમાં સાસુ-વહુ રહે છે કે મા-દીકરી, એ જ ખબર પડતી નથી.’
મારા પપ્પાના શિક્ષક અને વડીલ કનુકાકા દાયકાઓ સુધી અમારા પરિવારનો હિસ્સો બનીને રહ્યા. તેમના કરકસરના અને બીજા પણ આગ્રહો જુદા પ્રકારના. તે પણ મમ્મીથી અત્યંત પ્રસન્ન રહે. પપ્પા સ્વભાવે ઉગ્ર. આર્થિક અને તબિયતની ચડતીપડતી આવી. તેમના છેલ્લા બેએક દાયકા પેરાલીસીસની હળવી અસર તળે ગયા. તેમનો અકારણ ગુસ્સો પણ મમ્મીએ જ સૌથી વધુ વેઠવાનો આવ્યો. તેમ છતાં, આગળ કહ્યું તેમ, તેમણે તેમનો સ્મિતવાળો સ્થાયી ભાવ ન ખોયો.
અમારાં મિત્રો-સગાંવહાલાં એ બધાંને અમારું ઘર પોતીકું લાગતું રહ્યું છે, તેમાં પરિવારના બીજા સભ્યો ઉપરાંત ધરી તરીકે મમ્મીનો સૌથી મોટો હિસ્સો. તેમનો સસ્મિત આવકાર અને વડીલાઈના ભાર વગરનું પ્રેમાળપણું સૌ કોઈ અનુભવે અને પછીથી અમને કહે પણ ખરાં.
અમારાં બંને ભાઈઓનાં લગ્ન થયાં પછી તેમણે ભૂમિકા બદલી. પહેલાં કામિની અને પછી સોનલ આવ્યાં. ત્યાર પછી ધીમે ધીમે તેમણે કામ છોડ્યું નહીં, પણ કર્તાભાવ ખાસ્સી હદે છોડી દીધો. અમારાં સંતાનોને બાનો ભરપૂર લાભ મળ્યો. તેના કારણે શચિ, ઇશાન અને આસ્થા—ત્રણેને બા જોડે બહુ ફાવે. એ ત્રણે હવે પોતપોતાની રીતે બાના સંપર્કમાં રહે છે અને નિયમિત રીતે વાત કરે છે. કારણ કે, બા થોડા વખતથી મોબાઇલ ફોન પણ વાપરે છે. (વોટ્સએપ વાપરતાં નથી)
મોબાઇલ ફોનથી તે સિનિયર સિટીઝનનાં બહેનપણીઓ અને ઇન્દિરામાસી (પટેલ) જેવાં જૂનાં પરિચિતો સાથે નવેસરથી સંપર્કમાં અને આનંદમાં રહે છે. ઉપરાંત ઘરનું ઝીણું ઝીણું કામકાજ તેમણે જરાય છોડ્યું નથી. તે ન હોય તો ઘરમાં તેમની ગેરહાજરી વરતાય અને સાલે એ હદે તે સક્રિય છે. અમુક વાનગીઓ હજી એમની ‘મોનોપોલી’ ગણાય છે, જેમ કે, ઠોર (અથવા મઠડી). નવા પ્રયોગો કરવાનો અને નવું શીખવાનો તેમનો ઉત્સાહ ઓછો થયો નથી.
તેમનો ઉછેર અને ઘણુંખરું જીવન પરંપરાગત ધાર્મિકતા સાથે ગયું, પણ તે અંધશ્રદ્ધા તરફ કદી ન વળ્યાં. સેવાપૂજા અને હવેલીએ જવાનું ખરું, પણ તેમની આસ્તિકતા કોઈને નડે નહીં એવી. રૂઢ અર્થમાં ‘પ્રગતિશીલ’ ન કહેવાય કે ન લાગે, પણ મનની મોકળાશ અને ખુલ્લાપણું બહુ. એક વાર નિકટના વર્તુળમાં સજાતીય લગ્નનો પ્રસંગ આવ્યો ત્યારે મને મૂંઝવણ હતી કે તેમને કેવી રીતે સમજાવીશ? પણ તેમને સમજાવવાની જરૂર જ ન પડી. તેમણે એ સમાચાર સાવ સ્વાભાવિક રીતે, સ્વસ્થતાથી સાંભળ્યા અને આનંદ વ્યક્ત કર્યો. પછી તો એ દંપતિ ઘરે આવ્યું ત્યારે વડીલ તરીકે જે કંઈ વ્યવહાર કરવાનો હોય તે પણ કર્યો.
પાછું જોઈને વિચારતાં લાગે છે કે અમારા પર કોઈ પણ જાતની માન્યતાઓ કે વિચારો અનાયાસે સુદ્ધાં થોપી દેવાને બદલે અમને અમારી રીતે વિકસવા દીધા એ એમનું અમારા ઘડતરમાં કદાચ સૌથી મોટું પ્રદાન ગણી શકાય. સંતાનોનું ધ્યાન પણ રાખવું અને તેમના નિર્ણય પર વિશ્વાસ રાખવો, એ એટલું સહેલું નથી. માતાપિતા બનેલાં દરેકને તે સમજાતું જ હશે.
ખાસ આ નિમિત્તે ઉર્વીશે તૈયાર કરેલી આ વિડીયો ક્લીપમાં મમ્મીના વ્યક્તિત્ત્વનો કંઈક અંદાજ આવશે. (ક્લીપની અવધિ: 1 મિનીટ, 4 સેકન્ડ)
No comments:
Post a Comment