"મને બરાબર જાણ છે કે મારા વિરુદ્ધની ઝુંબેશ ક્યારે શરૂ થઈ. એ ચોક્કસ બૉલ હું કહી શકું એમ છું. મારે સ્વીકારવું જોઈએ કે એ બૉલે બેટ્સમેનને મોતના મોંમાં ધકેલી દીધેલો. ભારતીયો- જે ફાસ્ટ બૉલિંગના ચાહક નહોતા- તેઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે આવ્યા ત્યારે એ બધું શરૂ થયું.
ચાર્લિ ગ્રિફિથ, જેમની બૉલિંગ 'થ્રો બૉલિંગ' હોવાનો વિવાદ બહુ ચગેલો. |
ત્યારે હું ટેસ્ટ ટીમમાં નહોતો, પણ પેસ બૉલિંગનો મારો ખાસ પાર્ટનર વેસ્લી હોલ ટીમમાં હતો. તેના બૉલને બેટ્સમેનો ઉતાવળે રમવા જતા અને સ્ક્વેર લેગ તરફ ધરી દેતા. એ રીતે તે વિકેટો મેળવતો જતો હતો.
વેસ્ટ ઇન્ડિયન ખેલાડીઓએ પ્રવાસી ખેલાડીઓને ચીડવવાનું શરૂ કર્યું: 'તમે ચાર્લી ગ્રિફિથનો સામનો નહીં કરી શકો. એ તમને સાઈટ સ્ક્રીન સાથે જ જડી દેશે.'
'ચાર્લી ગ્રિફિથ? એ કોણ?' મૂંઝાયેલા ભારતીયો પૂછતા.
અને આ રીતે ચાર્લીની દંતકથાનો આરંભ થયો. બાર્બાડોસમાં ભારતીયોને હું મળ્યો એ પહેલાંથી જ તેમને મારી ધાક બેસી ગયેલી. એ વખતે જે કરુણ બનાવ બન્યો તેનાથી એમની નર્વસનેસ વધી ગઈ.
ભારતીયોને હલબલાવીને ટેસ્ટ જીતવા માટે હું તત્પર હતો. આથી વિજય માંજરેકરના દાવની શરૂઆતમાં જ મેં એક બાઉન્સર ફેંક્યો.
એક વાત મારે સ્પષ્ટપણે કહેવી જોઈએ. કોઈ પણ ફાસ્ટ બૉલર કદી બૅટ્સમેનને ઈજા પહોંચાડવાના ઈરાદે બૉલને ઉછાળતો નથી. એ યુક્તિપૂર્વક ફેંકવામાં આવે છે, જેથી બૅટ્સમેનને બૉલની લાઈનનો ખ્યાલ ન આવે અને તેનામાં આત્મવિશ્વાસ વિકસી ન શકે. બાઉન્સર એ કામ કરે છે.
મારા બાઉન્સરથી માંજરેકરને કશી તકલીફ ન થઈ, પણ ભારતીય કેપ્ટન નરી કોન્ટ્રાક્ટરને થયું હશે કે મારા બૉલનું ધ્યાન રાખવું પડશે...અને મારા જીવનની સૌથી કપરી પળ એ કારણે આવી.
નરી કોન્ટ્રાક્ટર |
મારી બૉલિંગનો સામનો કરતી વખતે કોન્ટ્રાક્ટર બાઉન્સરને ચૂકવવા ગયા, જે હકીકતમાં બાઉન્સર હતો જ નહીં. તે સ્ટમ્પની ઉંચાઈથી પણ નીચા વળ્યા અને બૉલ તેમના માથાના પડખે ટીચાયો.
હું તેમની તરફ ધસી ગયો અને ત્યાંનું દૃશ્ય જોઈને ભયભીત થઈ ગયો. મારા ભયાનક ડરને એ દૃશ્યની ઝલકે સાચો પાડ્યો.
કોન્ટ્રાક્ટરને કાનની નીચેના ભાગમાં બૉલ અથડાયેલો, પણ તેમના નાકમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. કશુંક અતિ ગંભીર બની ગયેલું.
ખોપરીમાંં થયેલા ફ્રેક્ચરની અવસ્થામાં તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા અને સાંજ સુધીમાં તો તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું. ટ્રીનીદાદથી એક બ્રેઈન સ્પેશ્યલિસ્ટ બોલાવવામાં આવ્યા અને બે ઈમર્જન્સી ઑપરેશન કરવામાં આવ્યાં.
હું અત્યંત ચિંતાતુર હતો. એ રાત્રે હું સૂતો, પણ કોન્ટ્રાક્ટર બેશુદ્ધ હતા અને કંઈ બોલી શકવાની સ્થિતિમાં નહોતા. ફિકરનો માર્યો હું ખાઈ શકતોઇ નહોતો અને મને જાત પર તેમજ આવી કરુણ પરિસ્થિતિ સર્જનાર રમત પર તિરસ્કાર છૂટતો હતો.
હું ત્યાંં ને ત્યાં જ રમવાનું છોડી દેવા તૈયાર હતો, પણ મારે રમવાનું હતું અને મેચ પૂરી કરવાની હતી, ભલે ને હું સાવ નિષ્પ્રાણ હોવાનું અનુભવતો હોઉં!
'મને બીજી ઈનિંગ્સમાં બૉલિંગ ન આપશો.' મેં બાર્બાડોસના કેપ્ટન કોનાર્ડ હન્ટને વિનંતી કરતાં કહ્યું.
'એમાંથી બહાર આવ, ચાર્લી.' તેમણે કહ્યું અને બૉલને મારી તરફ ફેંક્યો. પણ મારો રસ જ ઉડી ગયેલો અને હું અડધી ગતિએ જ ચાલી શકતો હતો. મેં નવ બૉલ ફેંક્યા અને છેલ્લે મેં એ શબ્દો સાંભળ્યા. જાણે કે મૃત્યુદંડની સજા સાંભળતો હોઉં એમ હું ઠરી ગયો. એ શબ્દો હતા: 'નો બૉલ!'
બાર્બાડોસના અમ્પાયર કોર્ટેઝ જોર્ડને એ કહેલા. મારી સમગ્ર કારકિર્દી દરમિયાન જરાય ફરિયાદ વિના તે મને નિહાળતા આવ્યા હતા. કદી મને કશાની ચેતવણી આપી નથી. હું ફાસ્ટ બૉલિંગ પણ નાખતો નહોતો, પણ જોર્ડને મને ચેતવણી આપી.
મને તરત ખ્યાલ આવી ગયો કે આ નો-બૉલનો પડઘો વિશ્વભરમાં પડવાનો. દરેક જણ કહેશે: 'નરી કોન્ટ્રાક્ટર મોતના મોંમાં છે, કેમ કે, ચાર્લી ગ્રિફિથે તેમના માથાને તાકીને બૉલ નાખેલો.'
મારા ગાલ પર આંસુ રેલાવા લાગ્યા. મેં તેને લૂછ્યા અને ઓવરને પૂરી કરી. હન્ટે મારી વાત ન માની અને બાકીની મેચ દરમિયાન મને બૉલિંગ આપી.
જોર્ડને મને ફરી કહેવું ન પડ્યું, પણ તે શાંત રહ્યા છતાં જે નુકસાન થવાનું હતું એ થઈ ચૂક્યું હતું. એક જ બૉલે મારી પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી દીધી હતી.
એ પછી ખેલાડીઓ મને એકલો મૂકી દેતા. તેઓ જાણતા કે તેમના સહાનુભૂતિના શબ્દોથી મને વધુ દુ:ખ થશે. એ રાત્રે ફરી વાર નરી કોન્ટ્રાક્ટરને મળવા માટે હું હોસ્પિટલ ગયો.
રોજ સાંજે હું તેમની પડખે બેસતો, અને જ્યારે તેમને ઠીક થયું ત્યારે જાણે કે મારી છાતી પરનો બોજ હળવો થયો.
એ દિવસ હું કદી ભૂલી શકીશ નહીં, જ્યારે તેમણે મને કહ્યું: 'ચિંતા કરવાનું બંધ કર, ચાર્લી. દોષ મારો હતો.'
તેમનાં પત્ની ભારતથી આવી ગયાં અને મને તેમનો પરિચય કરાવ્યો. એ ઘડી મારા માટે બિહામણી હતી. પણ કોન્ટ્રાક્ટરે મને જે કહેલું એ જ પોતાની પત્નીને કહ્યું- 'ચાર્લીનો દોષ નથી. એ નિર્દોષ છે. સુવાંગ મારો જ દોષ છે.'
કોન્ટ્રાક્ટર જાણતા હતા કે હું નિર્દોષ છું, છતાં ગોરિલા ગ્રિફિથ, નિર્દય બૉલર જેવી દંતકથાઓ સમગ્ર રમત દરમિયાન પ્રસરતી રહી."
|
ઘાયલ નરી કોન્ટ્રાક્ટરને સારવાર માટે લઈ જવાય છે. |
(ફાસ્ટ બૉલર ચાર્લી ગ્રિફિથનો કિસ્સો તેમના જ શબ્દોમાં આલેખાયેલો છે, એવા ગેરી સોબર્સ લિખીત પુસ્તક 'King Cricket'નો એક અંશ: પ્રથમ આવૃત્તિ: 1969, આ પુસ્તક ઈન્ગ્લેન્ડ- વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 1966માં રમાયેલી વિવાદાસ્પદ ટેસ્ટ શ્રેણીને જ કેન્દ્રમાં રાખીને લખાયેલું છે.)
No comments:
Post a Comment