પરીક્ષાની તારીખો આવવા લાગી છે. આ ખાસ સમય માટે હવે પ્રશ્નપત્રો પણ ખાસ કાઢવા પડશે. મોટે ભાગે એમ.સી.ક્યૂ.વાળા. એમાં પણ જવાબોના વિકલ્પ એવા મૂકવાના કે કોઈ પણ વિકલ્પે ટીક કરવામાં આવે તો જવાબ સાચો જ પડે. ઊંચી ટકાવારી માટે ચોરી કે શિરજોરી કરતાં આ વિકલ્પ નૈતિક રીતે બહેતર છે.
વિદ્યાર્થીઓના લાભાર્થે અહીં પેપરની સૂચિત શૈલી મૂકવામાં આવી છે.
કોઈ પણ એક સાચા જવાબ પર નિશાની કરો.
ખાસ નોંધ: તમને બધા જવાબ સાચા લાગે, તો પણ નિશાની એક જવાબ પર જ કરવાની રહેશે.
પ્રશ્ન 1
1. કોરોના એટલે.....
(અ) ચીની બનાવટનો વાયરસ (બ) 'તોડોના'નો મોટો ભાઈ (ક) ભારતીય ઈવેન્ટ યોજવા માટેનું ચીની બહાનું (ડ) ઉપરના બધા
2. રોમ ભડકે બળી રહ્યું હતું ત્યારે રોમનસમ્રાટ નીરો......
(અ) અમીર ઉમરાવોની ખરીદી કરી રહ્યો હતો (બ) ફીડલ વગાડી રહ્યો હતો (ક) લોકોને સ્થિતપ્રજ્ઞતાના પાઠ શીખવી રહ્યો હતો (ડ) દ્રાક્ષ-રુદ્રાક્ષની સંસ્કૃતિવાળી કાઠિયાવાડી હ્યુમર માણી રહ્યો હતો.
3. 'ઝૂમ એપ્લિકેશન' એટલે....
(અ) 'રૂમઝૂમ' કરતાં કરતાં આપવાની અરજી (બ) દૂર બેઠે બેઠે, પડદે યોજાતી બેઠક (ક) કોઈની સહમતિ વિના એકપક્ષી મંજૂરી આપી દેવાની જોગવાઈ (ડ) ઉપરના બધા
4. આપણા દેશમાં કયું દળ સંખ્યાબળમાં ઓછું, છતાં શક્તિબળમાં ભારે છે?
(અ) હવાઈ દળ (બ) ટ્રોલદળ (ક) મારુતિ દળ (ડ) ટોળાબળ
5. નેગેટીવ થીન્કિંગ એટલે...
(અ) પોતાનો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ આવશે એમ સતત વિચારવું (બ) કેન્દ્ર સરકાર હંમેશાં સાચું જ કરે, અને એ સિવાયની સરકાર કાયમ ખોટું જ કરે એમ વિચારવું (ક) આવું પેપર કાઢવું (ડ) ઉપરના બધા
પ્રશ્ન 2
(1) કોરોના સંદર્ભે પોઝીટીવ થીન્કિંગ એટલે શું તેને વિસ્તારથી સમજાવો.
(2) સાંપ્રત સમયનો આપદ્ધર્મ: આરોગ્યની સુવિધાને મજબૂત કરવી? કે ધારાસભ્યોની લે-વેચ?
અથવા
ટૂંકનોંધ લખો.
1. ખરીદાઈ જવા ઈચ્છતા, પણ ન ખરીદાતા એક ધારાસભ્યની મનો:સ્થિતિનું લાગણીસભર વર્ણન.
2. કવિતામાં વક્તવ્ય અને વક્તવ્યમાં કવિતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
નોંધ: માત્ર શૈલીનો ખ્યાલ આવે એટલા માટે તૈયાર કરેલું આ પ્રશ્નપત્ર છે. કુલ 4 પ્રશ્નો પૂછાશે, જેમાં પહેલા પ્રશ્નમાં દસ પેટાપ્રશ્નો- વિકલ્પવાળા હશે. એ સિવાયના દરેક પ્રશ્નોમાં 'અથવા' હશે.
સલાહ: માત્ર શૈલીનો ખ્યાલ આપવા માટે મૂકાયેલું આ પ્રશ્નપત્ર છે. તેના જવાબ અહીં આપવા ન માંડવા.
ચેતવણી: પ્રશ્નપત્રના પ્રશ્નો બદલવા અંગેનો કોઈ પણ 'વ્યવહાર' અહીં કરવો નહીં.
ધમકી: પ્રશ્નપત્રમાંના એકે જવાબ ન આવડે અને તે કોરું મૂકીને કોઈ ચાલ્યું આવશે તો પણ તેને પાસ કરી દેવામાં આવશે.
****
અગાઉના પ્રશ્નપત્રની જંગી સફળતા બાદ, 'લૉક'લાગણીને માન આપીને હવે પ્રસ્તુત છે કોરોના ક્વિઝ.
શાળાના વિદ્યાર્થીઓથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારોને મદદરૂપ થવા માટે કરેલી એક અનોખી પહેલ:
સૂચના: કોઈ પણ જવાબ પર નિશાની કરો, તે સાચા જ છે. આથી વિદ્યાર્થીઓએ નર્વસ થયા વિના માત્ર ને માત્ર એક જ જવાબ પર નિશાની કરવી.
નીચેનામાંથી કોઈ પણ એક વિકલ્પ પર નિશાની કરો. દરેક જવાબનો એક ગુણ છે. (કુલ અવગુણ: 10)
(1) 'હું પણ કોરોના વૉરિયર'નો સૂચિતાર્થ શો છે?
(ક) તું તારું જો (ખ) ચડ જા બેટા સૂલી પર (ગ) મુસાભાઈનાં વા ને પાણી (ઘ) જેણે મૂકી લાજ, તેનું નાનું સરખું રાજ
(2) 'લૉકડાઉનમાં લુપ્તેશકુમાર લાઈવ'નો અર્થ શો?
(ક) અગાઉ લુપ્તેશકુમાર 'ડેડ' હતા (ખ) લુપ્તેશકુમાર ફેસબુક પર લાઈવ થયા (ગ) લુપ્તેશકુમાર માત્ર લૉકડાઉનમાં જ લાઈવ છે (ઘ) વર્ણસગાઈ અલંકારનું ઉદાહરણ
(3) 'સોશ્યલ ડિસ્ટન્સિંગ'નો વિચાર આપણી ------- પરંપરા છે.
(ક) સાંસ્કૃતિક (ખ) વેદકાલીન (ગ) આદિ (ઘ) સનાતન
(4) કોરોના ક્યારે હારશે?
(ક) જ્યારે ગુજરાત જીતશે ત્યારે (ખ) વર્ચ્યુઅલ રેલીઓ વધુ પ્રમાણમાં નીકળશે ત્યારે (ગ) ધારાસભ્યોની ખરીદી પતી જશે ત્યારે (ઘ) કેન્દ્રીય આરોગ્યમંત્રી કોણ છે અને એમની ભૂમિકા શી છે એની ખબર પડશે ત્યારે
(5) ટ્રેન ગંતવ્યસ્થાનને બદલે જુદી દિશામાં ફંટાઈ જાય ત્યારે એમ કહેવામાં આવે કે 'એ તો જે તે સ્ટેશને ભીડ ઓછી કરવા માટેનું આયોજન હતું' - આ કઈ કહેવતની યાદ અપાવે છે?
(ક) મિયાંભાઈ ગિર ગયે તો કે મૈં તો નમાઝ પઢ રહા થા (ખ) ગાડી, દીકરી અને ગાય -દોરે ત્યાં જાય (ગ) જતા'તા જાપાન ને પહોંચી ગયા ચીન (ઘ) જીવ્યા કરતાં જોયું ભલું
(6) સરકાર કોઈ પણ મોરચે નિષ્ફળ જાય ત્યારે હકીકતમાં...
(ક) એ જનતાની નિષ્ફળતા છે (ખ) વિપક્ષની બેજવાબદારી છે (ગ) તે સફળ જ હોય છે (ઘ) તે સફળતા તરફ જવાનું વધુ એક પગથિયું ચણે છે
(7) કઈ ભાષામાં સૂત્રો લખવાથી કોરોના ભાગી જશે?
(ક) ગુજરાતી (ખ) ચીની (ગ) અંગ્રેજી (ઘ) જાપાની
( કોવિડ-19ના ઓછા ટેસ્ટ કરવાથી કોને ઉઠાં ભણાવી શકાય છે?
(ક) કોરોનાને (ખ) ચીની પ્રમુખને (ગ) ડોનાલ્ડ ટ્રમ્પને (ઘ) કોરિયાના પ્રમુખને
(9) 'હિંંદી ચીની ભાઈભાઈ' સૂત્રનો અર્થ....
(ક) ઝૂલે ઝુલાવ્યા જિનપિંગને (ખ) વેલકમ, કોરોના! (ગ) તુ છૂરા લે કે આ, મૈં સીના ધર કે ખડા હૂં (ઘ) નહેરુએ અનુભવેલો એવો જ થાય.
(10) માનો કે, કોઈ એક દિવસને 'વિશ્વ છાકા દિન' તરીકે ઉજવવાનું નક્કી થાય તો એની ઉજવણી શી રીતે કરવી જોઈએ?
(ક) સેલ્ફી મૂકીને (ખ) સમૂહમાં છીંક ખાઈને (ગ) ભરબપોરે સૂર્ય તરફ આંગળી ચીંધતા ફોટા મૂકીને (ઘ) તેને અલગથી ઉજવવાની જરૂર નથી.
****
"મિત્રો, આપને અગાઉનાં બે પેપર કેવાં લાગ્યાં?"
"બહુ ટફ હતાં, સર! હજી ઈઝીઅર ન કાઢી શકાય? સર, યુ નો, અમારે માથે કેટલું બધું પ્રેશર હોય છે. એમાં પાછાં આટલાં અઘરાં પેપર..."
"ઓકે, ઓકે, મિત્રો! આવું પેપર કાઢું તો ચાલે? જુઓ, આજે સામાન્ય જ્ઞાનનું પેપર છે. ઑલ ધ બેસ્ટ."
સૂચના: તમામ જવાબો સાચા લાગે તો પણ ગમે તે એક વિકલ્પ પર જ નિશાની કરવાની રહેશે. (કુલ અવગુણ: ટીક મુજબ)
(1) સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે?
(ક) ચેરાપુંજી (ખ) મોનસિનરમ (ગ) ઉપરવાસ (ઘ) બાથરૂમના શાવરમાં
(2) ભારતમાં સૌથી વધુ બરફ ક્યાંં પડે છે?
(ક) હિમાલય પર (ખ) ગોળાવાળાને ત્યાં (ગ) વ્હીસ્કીના ગ્લાસમાં (ઘ) ઉપરના બધા
(3) ટ્વીટ એટલે શું?
(ક) ભૂરા રંગના પક્ષીનો ચહેકાટ (ખ) મૂંગા મંત્રીઓને સાંભળવાનું સ્થળ (ગ) રક્તપાત વિનાનું રણમેદાન (ઘ) ધર્મનો રોજેરોજ ક્ષય થતો હોવા છતાં કોઈ કાકાનેય અવતાર લેવાનું મન ન થાય એવું સ્થળ
(4) 'આરપાર કી લડાઈ' એટલે?
(ક) ગુરુદત્તની 'આરપાર' ફિલ્મ વખતે ટિકિટબારી પર થતી લડાઈ (ખ) આરપાર નામના એક સામયિકના અંક મેળવવા માટે થતી લડાઈ (ગ) વેલકમ, બ્રો (ઘ) ઉપરનામાંથી એક પણ નહીં
(5) 'આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું' નીચેનામાંથી કઈ પરિસ્થિતિને લાગુ પડે છે?
(ક) સરકાર બનાવવાની હોય ત્યારે ધારાસભ્યો ખરીદવા (ખ) આગ લાગે ત્યારે તેલનો કૂવો ખોદવો કે પાણીનો એ સમજ્યા વિના ઉપરીના આદેશનું પાલન કરવું (ગ) ગયે વખતે કૂવો ખોદ્યો ત્યારે કેટલા ફીટે પાણી આવેલું એ માહિતી અગ્નિશામક દળના લાશ્કરોને આપવી (ઘ) બેઠે બેઠે કૂવો પણ ખોદી શકાય એનો દાખલો બેસાડવો
****
ગભરાશો નહીં, વિદ્યાર્થીમિત્રો!
'એક રાષ્ટ્ર-એક પરીક્ષા'ના પગલે પ્રસ્તુત છે- 'એક રાષ્ટ્ર, એક સ્યોર સજેશન'.
આપ સૌ જાણો છો એમ, પ્રશ્નપત્રની પદ્ધતિ નહીં બદલાય, પણ સવાલો વધુ અઘરા બનશે. તેની સામે ફાયદો એ છે કે કોઈ પણ વિકલ્પ પર નિશાની કરશો તો એ સાચો હશે.
એક સવાલ બે ગુણનો રહેશે.
(કુલ અવગુણ: 10)
(1) સરકાર જે પ્રતિબદ્ધતાથી કામ કરે છે એ જોતાં હવે કયો વધારાનો કર લાગુ કરવામાં આવે એ વાજબી ગણાય?
(a) મનોરંજન કર (b) સત્યવદમ કર (c) ગરીબી વેરો (d) પ્રચાર વેરો
(2) આગામી વરસોમાં કાગડા લુપ્ત થઈ જશે, કારણ કે-
(a) જૂઠુંં બોલનારાને કરડી કરડીને તે થાકી ગયા હશે (b) મંત્રીઓની લોકપ્રિયતા વધારવા માટે તેમને ત્રાસવાદી ગણાવીને એન્કાઉન્ટર કરી દેવાશે (c) વિવિધ તપાસ સમિતિઓના અહેવાલો વાંચવા માટે તેમની નિમણૂક કરવામાં આવશે (d) મૃતદેહોને ચૂંથવાનું કામ રાજકારણીઓને હસ્તક જતું રહેશે એટલે ભૂખમરાથી મરશે.
(3) નેતા કે સરકારની લોકપ્રિયતા વધારવા માટે કયાં પરિબળો અસરકારક ગણાય ?
(a) પાકિસ્તાનથી આવતા ત્રાસવાદીઓ (b) મુંબઈથી આવતા શાર્પ શૂટરો (c) સ્વદેશી રાષ્ટ્રદ્રોહીઓ (d) સ્થાનિક અર્બન નક્સલ
(4) 'એક રાષ્ટ્ર, એક કાર્ડ', 'એક રાષ્ટ્ર, એક વેરો', 'એક રાષ્ટ્ર, એક ', 'એક રાષ્ટ્ર, એક પરીક્ષા'ના ભવ્ય આયોજન પછી આગામી આયોજન શું હોઈ શકે?
(a) એક રાષ્ટ્ર, એક ગણવેશ (b) એક રાષ્ટ્ર, એક દેવ (c) એક રાષ્ટ્ર, એક દુશ્મન (d) એક રાષ્ટ્ર, એક જૂઠાણું
(5) પોપટ કોને કહેવાય?
(a) સરકારના ઈશારે કામ કરતી જાસૂસી સંસ્થાઓને (b) નેતાની હત્યા માટે આવેલા હત્યારાના પ્રેસમાં અપાતા બયાનને (c) વહુ અને વરસાદનો જશ પણ સરકારને આપે તેને (d) ગમે તે સાઈઝના પાંજરે પુરાયેલા કોઈ પણ જીવને
No comments:
Post a Comment