Saturday, April 16, 2022

વીતેલા સમયનું પ્રતિબિમ્બ

સમય એવી જણસ છે કે માણસને કાં વીતી ગયેલો સમય સારો લાગે, કાં આવનારો. વર્તમાનને ખરા અર્થમાં માણી શકનાર જૂજ હશે. ભૂતકાળ હંમેશાં વર્તમાનની સરખામણી માટે એક સંદર્ભબિંદુ પૂરું પાડે છે. એ ન્યાયે અહીં મારી હિસાબી ડાયરીનાં કેટલાક પાનાં મૂક્યાં છે.

મને હિસાબ કરતાં, રાખતાં કે લખતાં જરાય આવડતું નથી. આ હકીકત હું ગૌરવપૂર્વક નહીં, બલ્કે એકરારપૂર્વક જણાવું છું. મારી હિસાબી અણઆવડત જોઈને મારા નજીકના મિત્રોને આઘાત લાગે છે. પણ આ તબક્કે પહોંચતાં પહેલાં મેં ઘણી મથામણ કરી હતી. એનો એક નમૂનો.
1981માં વિજ્ઞાનપ્રવાહ સાથે બારમું ધોરણ પસાર કર્યા પછી ડિપ્લોમા ઈન કેમિકલ એન્જિ.માં પ્રવેશ મેળવ્યો. ત્રણ વર્ષના આ કોર્સમાં કુલ છ સેમેસ્ટર હતાં. પરીક્ષાની તૈયારીઓ સિવાય કોઈ દિવસ સૌથી આકરો લાગ્યો હોય તો કૉલેજના નોટીસબોર્ડ પર જે તે સેમેસ્ટરની ફી ભરી દેવાની સૂચના મૂકાતી એ દિવસ. આજે 'માત્ર ત્રણસો' જેવી તુચ્છ જણાતી એ રકમ ત્યારે પહાડ જેવી હતી. તેનો જોગ કરવો પણ એક કવાયત હતી. ભણવામાં હું એવો તેજસ્વી નહોતો કે ક્યાંયથી મને છાત્રવૃત્તિ મળે. મારા પપ્પાના મિત્ર, ઝામ્બીયા રહેતા સુરેશકાકાએ 'અંબાજી માતા ટ્રસ્ટ' બનાવેલું, જેનો વહીવટ કનુકાકાને હસ્તક હતો. એના થકી મને વરસે આઠસો રૂપિયા મળતા. અમારું પહેલું વર્ષ કૉમન હોવાથી તેમાં એન્‍‍જિનિયરીંગ ડ્રોઈંગ, વર્કશોપ (કારપેન્ટરી, સ્મીથી, ફીટીંગ, પ્લમ્બિંગ, ટીન સ્મીથી) વગેરે વિષયો પણ હતાં. તેનાં સાધનો પણ લાવવાનાં. મારા મામાનો દીકરો પંકજ દેસાઈ મને સાયકલ પાછળ બેસાડીને છેક મણિનગરથી સાબરમતીના પટમાં ભરાતા રવિવારી બજારમાં લઈ ગયેલો, જ્યાંથી અમે વર્કશોપનાં સાધનો ખરીદેલાં. પંકજના મોટા ભાઈ રાજેશભાઈ ઓટોમોબાઈલનું ભણ્યા હતા. તેમણે મને પોતાનાં ટી-સ્ક્વેર અને સેટ સ્ક્વેર ઉપરાંત ડ્રોઈંગ પેન્સિલો પણ આપી હતી. ટી-સ્ક્વેર અને સેટ સ્ક્વેરની અવેજીમાં મીની ડ્રાફ્ટર આવતું, જે લગભગ 65 રૂ.નું આવતું હોવાથી પોસાય એમ નહોતું. બીજા વર્ષમાં યુનિટ ઓપરેશન્સનું પાઠ્યપુસ્તક આશરે 100/-ની કિંમતનું હતું, જે McCabe & Smithનું હતું. એ તો ક્યાંથી પોસાય? પણ લીધા વિના છૂટકો નહીં, આથી સહાધ્યાયી- મિત્ર દેવેન્‍દ્રસિંહ ગોહિલ સાથે એ 'ભાગ'માં ખરીદેલું.
પહેલા સેમેસ્ટરનો કુલ ખર્ચ હજારેકની આસપાસનો હતો, જે ત્યારે ઘણો મોટો લાગતો હતો. આમાં ક્યાંય 'કૉલેજજીવન'ના મોજશોખનો સમાવેશ નથી, બલ્કે મુખ્યત્વે ફી તેમ જ આવનજાવનનો અનિવાર્ય ગણાય એવો જ ખર્ચ છે.
આ પાનાંઓમાં પહેલાં બે સેમેસ્ટર અને છેલ્લા સેમેસ્ટરનો હિસાબ મૂકેલો છે, જે માત્ર એ સમયની કંઈક ઝલક આપી શકે તો આપી શકે.





No comments:

Post a Comment