Friday, April 1, 2022

બોન્સાઈ એટલે શું નહીં?

એ હકીકતથી હવે દેવો અને દાનવો સૌ કોઈ જ્ઞાત છે કે અમે બોન્સાઈના પ્રેમી છીએ. અલબત્ત, મનુષ્યજગતમાં હજી કેટલાક લોકો આ હકીકતથી અજાણ છે, તેથી જ તેમના લાભાર્થે અને જ્ઞાનાર્થે અવારનવાર બોન્સાઈને લગતી પોસ્ટ મૂકવી જરૂરી બની રહે છે.
ઉમરડો એટલે કે ઉમરો એટલે કે ઓદુમ્બરનું વૃક્ષ બહુ પવિત્ર ગણાય છે. તેનું બોન્સાઈ કોઈ કરતું હોય તો ધ્યાનમાં નથી આવ્યું. અમે અમારા કૂંડામાં આવું એક વૃક્ષ ઉછેર્યું છે. હવે આ મોસમમાં તેને પહેલવહેલી વાર ફળો બેઠાં છે.

આ વૃક્ષનાં ફળોની વિશેષતા એ છે કે તે સીધાં થડ પર જ બેસે છે. કૂંડામાં રહેલા આ ઝાડની ઉંચાઈ ઠીક ઠીક ઉંચી હોવાથી કેવળ ફોટો લેવા માટે તેને નીચે ઉતારવું ઠીક ન લાગ્યું. છતાં આ તસવીરમાં તેનો ખ્યાલ આવી શકશે. 

ઓદુમ્બરના વૃક્ષ પર બેઠેલાં ફળ 

**** 

બોન્સાઈની વાત આવે કે તરત ઘણા લોકોનો જીવદયાપ્રેમ ફૂંફાડા મારતો જાગ્રત થઈ જાય છે. 'પણ એમાં તો છોડનાં મૂળ કાપવાં પડે ને? બિચારા છોડમાં પણ જીવ હોય છે. એ બોલે નહીં એટલે...!' આમ કહીને તેઓ હકીકતમાં એવું કહેવા માંગતા હોય છે કે જીવદયાનો મામલો ન હોત તો બોન્સાઈમાં અમે જાપાનીઝોનેય હંફાવી દઈએ, અને બોન્સાઈનો બાપ બનાવીને બતાવી દઈએ. એ વાત અલગ છે કે ઘર પાસેના રોડને કિનારે મહોરેલો બોન્સાઈનો બાપ એટલે કે વૃક્ષ તેઓ એ કારણે કપાવડાવી દે છે કે ભરબપોરે તેને છાંયે ફેરીયાઓ આરામ ન કરી શકે.

બોન્સાઈમાં રસ હોય કે ન હોય, પડવાનો હોય કે ન હોય એવા મિત્રોની જાણ સારું આ તસવીર મૂકું છું, જે થોડાં વરસ પહેલાંની છે. અમારા ઘરઆંગણે ખીલવેલા એક પામના ઝાડનું કૂંડું બદલવાની પ્રક્રિયા આમાં બતાવી છે.
પહેલી તસવીરમાં આખાં મૂળ સમેત વૃક્ષને બહાર કાઢવામાં આવ્યું છે.



બીજી તસવીરમાં એક પણ મૂળ કાપ્યા વિના તેને કૂંડામાં ગોઠવવામાં આવ્યું છે.



નીચેની તસવીરમાં તેમાં નવી માટી પૂરવામાં આવી છે. મતલબ કે મૂળ કાપ્યા વિના આખો છોડ એ જ કૂંડામાં ફરી ગોઠવવામાં આવ્યો છે.


આ કરતી વખતે મસ્ત ઝરમર પડતી હતી એટલે એ ચોંટી પણ ગયો.
આટલું વાંચ્યા પછી એક સ્પષ્ટતા. અમે ઝનૂની જીવદયાપ્રેમી નથી. આપણે સૌ શરીર પરના વધારાના વાળ પણ કેવળ સૌંદર્ય માટે ઉતારતા હોઈએ છીએ, રંગતા હોઈએ છીએ, સ્ટ્રેટ કે કર્લ કરતા હોઈએ છીએ. શરીરની એ જરૂર નથી, ફક્ત (આપણી કે અન્યની વ્યાખ્યા મુજબ) 'સારા' દેખાવા જ આપણે એ કરતા હોઈએ છીએ. જ્યારે બોન્સાઈમાં કદીક દેખાવ માટે નહીં, પણ તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મૂળ કાપવાં પડે તો એ કાપવામાં અમને વાંધો કે ખચકાટ જરાય નથી હોતો.
બોન્સાઈ ન આવડે કે એના પ્રત્યે લગાવ ન હોય એ કંઈ બંધારણીય ગુનો નથી. કે નથી એ કોઈ સ્ટેટસનો મુદ્દો. કશે જાવ, તમને જોવું ગમે અને ઠીક લાગે તો પ્રશંસા કરજો. ન કરો તોય વાંધો નથી. પણ જીવદયાનો મુદ્દો આગળ ધરીને 'અમે બોન્સાઈ નથી કરતા' એમ કહેશો તો હાસ્યાસ્પદ ઠરશો. મોં પર કોઈ નહીં કહે, પણ અક્કલ અને મિથ્યાભિમાનનું માપ સામેવાળો વગર પૂછ્યે કાઢી લેશે.
કવિ નયન હ. દેસાઈની મૂળ કાવ્યપંક્તિને જરા બદલીને કહીએ તો 'બોન્સાઈ એટલે વામન એટલે મૂળ કાપવું એટલે ગેરસમજણ એટલે અક્કલના પ્રદર્શનની ઘટના'. 
**** 

વરસાદ અને એ પછી નીકળતો ઉઘાડ છોડનાં કૂંડાની માટી બદલવા માટે એકદમ અનુકૂળ મોસમ છે. બોન્સાઈમાં મોટે ભાગે કૂંડાનું કદ નાનું હોય છે. જો કે, જાપાનીઝ બોન્સાઈની સરખામણીએ તે ઘણાં મોટાં લાગે. ઝાડનાં મૂળ ક્રમશ: તેની માટીમાં એવાં જડાઈ જાય અને માટીને પકડી લે છે કે એક તબક્કે તે કૂંડાને છોડી દે છે. એ પછી છોડને ખેંચીએ એટલે તે નીચેની માટી સહિત આસાનીથી આખો ખેંચી શકાય, જેમ અહીં તસવીરોમાં બતાવ્યું છે. નીચે બતાવેલું ઝાડ ચંપાનું છે.

ચંપો 


આ ઝાડ રાયણનું છે.

રાયણ 

અને આ એરેલીયા પ્રકારનું છે. (નામ ખબર ન હોય એવા છોડને 'શો પ્લાન્ટ' કહેવાય છે.)
એરીલીયા 

આ માટીને છૂટી કરીને નવી માટી વડે એના એ જ કૂંડામાં છોડને રોપી શકાય. એ પછી વરસની નિરાંત.
બોન્સાઈની અલગ અલગ વાતો અહીં એટલા માટે કરવાની કે તેના અંગે જાતજાતની ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને નાગરિકધર્મને (હા, નાગરિકધર્મને પણ) સાંકળવામાં આવે છે. સામાન્ય રીતે અમે કોઈને આપતા નથી, પણ એક સગા હક કરીને અમારે ત્યાંથી પીપળાનું બોન્સાઈ માંગીને લઈ ગયા. એક જ અઠવાડિયામાં તે લઈને પાછા આવ્યા, કેમ કે, ઘરના વડીલે જણાવ્યું કે પીપળાના મૂળમાં એક્સ દેવતાનો વાસ છે, ડાળીમાં વાય દેવતાનો, થડમાં ઝેડ દેવતાનો વાસ છે, उर्ध्वमूलम अध:शाखम વગેરે વગેરે. તેથી પીપળાને ઘરમાં ન રાખી શકાય. અમને પણ તેમણે કહેવડાવ્યું હતું કે પીપળાનાં બોન્સાઈને કાઢી નાંખીએ. ઘણા સ્નેહીઓના ઘેર જવાનું થાય ત્યારે અમારી નજર 'ભીંત ફાડીને પીપળો રે ઉગ્યો' શોધતી હોય. અમે તે સવિનય માંગીએ એટલે યજમાન અવિનયી થઈને હોંશે હોંશે અમને એ લઈ જવાનું કહે, કેમ કે, એ ખેંચવાની તેમની જફામાંથી અમે છૂટકારો મેળવી આપીએ. એ પછી અમારા માટે બનતી ચામાં પણ તેમનો એ હાશકારો ઘોળાયેલો જોવા મળે. માળી એક વીઝીટના દોઢસો-બસો રૂપિયા લઈ જાય અને ઝાડ ઉખાડવાનું કહેતાં 'એ મારું કામ નહીં' એમ સંભળાવે એ સંજોગોમાં અમે એમને 'ગૉડ સેન્ટ' લાગીએ.
આપણે કોઈકને દેવદૂત લાગીએ અને એમાં ભીંત કે ભોંયમાં ઉગી નીકળેલું નાનકું ઝાડ નિમિત્ત બને ત્યારે લાગે કે આ ભાવમાં આ શોખ ખોટો નહીં!
(તા.ક: આપ પોતે દેવદૂત હો તો અમને નિમંત્રણ આપવાની તસ્દી લેવી નહીં.)

(બોન્સાઈ વિશેનો કામિની કોઠારીએ લખેલો એક લેખ અહીં વાંચી શકાશે.)  

No comments:

Post a Comment