Sunday, April 10, 2022

હસતાં શીખીએ, હસાવતાં શીખીએ

(કાર્ટૂન ચીતરવાના માર્ગદર્શન અંગેની એક અનોખી શિબિરનો અહેવાલ)  


શાળા હોય એટલે વક્તવ્યના તેમજ અન્ય કાર્યક્રમો યોજાતા રહે એની નવાઈ નથી હોતી. આ કાર્યક્રમોમાં શક્ય હોય ત્યાં સુધી એકના એક પ્રકારના કાર્યક્રમનું પુનરાવર્તન ન થાય એ જોવાય છે. અલબત્ત, કોઈ સરકારી શાળામાં આવા કાર્યક્રમ યોજાય ત્યારે નવાઈ લાગે. એ સરકારી શાળા ખેડા જિલ્લાના ગુતાલ ગામની હોય ત્યારે ખાસ, કેમ કે, ગુતાલની ખ્યાતિ જરા જુદી રીતની છે.

આ શાળાના એક સન્નિષ્ઠ શિક્ષક અને મિત્ર પારસ દવે અહીં અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અનેક લેખકો-કવિઓને નિમંત્રીને વિદ્યાર્થીઓ સાથે તેમના સંવાદનું આયોજન તેઓ કરતા આવ્યા છે. એ મુજબ અમારી વાત થઈ ત્યારે અમે નક્કી કર્યું કે મારે આ શાળાનાં બાળકો સમક્ષ કાર્ટૂનકળાનો પરિચય આપવો. મૂળ વિચાર એ હતો કે વિદ્યાર્થીઓને કાર્ટૂન સૃષ્ટિની ઝાંખી કરાવવી. કોને ખબર, આમાંથી કોઈક ભવિષ્યમાં કાર્ટૂનિસ્ટ બનવાનું સપનું જુએ! એમ ન થાય અને તેઓ વિવિધ પ્રકારનાં કાર્ટૂન માણતા થાય તોય ઘણું.

એકાદ કલાકના એ કાર્યક્રમમાં કાર્ટૂન એટલે શું? તેને શી રીતે માણી શકાય? તેની સામાજિક/રાજકીય અસર વગેરે વિશે વાત કરવાનું ગોઠવાયું. 5 માર્ચ, 2021ના રોજ એ કાર્યક્રમ ગોઠવાયો, જેમાં મુખ્યત્વે માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓ સામેલ હતા. થોડાં સહેલાં, થોડાં અઘરાં એવાં વિવિધ કાર્ટૂનોનો સંચય કરીને પડદે તેમને બતાવવામાં આવ્યાં. ટી.વી.પરનાં એનિમેટેડ કાર્ટૂનોથી સૌ પરિચીત હતાં, પણ આ કાર્ટૂનોથી નહીં.

કાર્ટૂન વિશેનો પહેલી વારનો વાર્તાલાપ 

સાવ શબ્દ વિનાનાં, પહેલી નજરે ઊકેલવામાં વાર લાગે એવાં કાર્ટૂનોને આ વિદ્યાર્થીઓ જે રીતે ઊકેલી આપતાં હતાં એ જોઈને તેમના વિશે સાંભળેલી વાત સાચી હોવાનો અનુભવ થયો. અહીંના વિદ્યાર્થીઓની ગ્રામ્ય પૃષ્ઠભૂમિ, તેમનો દેખાવ અને તેમની બોલી થકી તેમને ઓછા આંકવા જેવા નથી. તેમનામાં જે જિજ્ઞાસા જોવા મળે છે, અને પોતાને થતો સવાલ જે બેધડકપણે રજૂ કરે છે એ જોઈને ખરેખર આનંદ થાય.

જો કે, સૌને એમ લાગ્યું કે આ તો તરસ્યાને કૂવા સુધી લાવવા જેટલું જ કામ થયું. પાણીનો સ્રોત મળ્યો, પણ તરસ છીપી નહીં, બલ્કે વધુ પ્રબળ બની. આથી બીજા કાર્યક્રમમાં વધુ સઘન અને કોઈ એક વિષયકેન્‍દ્રી કાર્ટૂન બતાવવા વિશે વાત થઈ.

એ પછી કોવિડની બીજી અને ખતરનાક લહેર આવી, જેમાં બધું ઠપ્પ થઈ ગયું. વર્ષની આખરમાં થોડી કળ વળવા લાગી એટલે ગોઠવાયો બીજી વારનો કાર્યક્રમ.

****

બીજી વારના કાર્યક્રમમાં વિષય રાખેલો વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી’. પહેલી વાર એક શાળાનાં વિદ્યાર્થીઓ સમક્ષ 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમ કર્યો ત્યારે મને એમ લાગેલું કે વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ જરા ઉપલા સ્તરનો થઈ પડે છે. સીધેસીધાં ગાંધીજી વિષયક વિવિધ કાર્ટૂનો તેમને બતાવતાં અગાઉ કાર્ટૂનકળા વિશે પ્રાથમિક પરિચય આપવો જોઈએ એમ લાગ્યું. આ વખતે વિદ્યાર્થીઓ પણ નવા હતા. આ વખતે એવું રાખ્યું કે સૌ પ્રથમ પોણા કલાક જેટલા સમય માટે કાર્ટૂનકળાનો પ્રાથમિક પરિચય આપવો. એ પછી દસેક મિનીટનો બ્રેક રાખવો. ત્યાર પછી 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિશે વાત કરવી. 

'વ્યંગચિત્રોમાં ગાંધી' વિશે વાર્તાલાપ 

પચાસેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એક ખંડમાં હતાં. પડદા પર નવું કાર્ટૂન દેખાય એ સાથે ગૂંજતા અટ્ટહાસ્યના અવાજો સાંભળીને લાગ્યું કે કરેલી મહેનત એકદમ વસૂલ થઈ ગઈ. જે ઝડપે આ વિદ્યાર્થીઓ કાર્ટૂનને ઊકેલીને પ્રતિભાવ પાઠવતાં હતાં એ કારણે મને પણ કાર્ટૂનકળા વિશેની બીજી અનેક બાબતો યાદ આવવા લાગી અને તેમને એ કહેતો ગયો. આ શાળાના વિદ્યાર્થીઓનો અગાઉ  અનુભવ હતો આથી અહીં પ્રશ્નોત્તરી માટે પણ સમય રાખેલો. છૂટા પડતી વખતે પણ વિદ્યાર્થીઓ અનેક પ્રશ્નો પૂછતા હતા. આમ, એક જ શાળામાં, એક જ વર્ષમાં એક જ વિષય પરના બબ્બે કાર્યક્રમ યોજાયા. કદાચ બીજી કોઈ શાળા કે શિક્ષક હોત તો એને થાય કે બસ! બહુ થયું. એને બદલે કાર્ટૂનમાં વિદ્યાર્થીઓને પડતો રસ જોઈને પારસભાઈએ વધુ એક આયોજન સૂચવ્યું. એ આયોજન હતું કાર્ટૂન માટેની શિબિરનું. એટલે કે વિદ્યાર્થીઓને કાર્ટૂન ચીતરતાં શીખવવાનું.

****

અગાઉ 2 ડિસેમ્બર, 2021ના રોજ તરલાબહેન શાહના નિમંત્રણથી વનસ્થળીની મુલાકાત લીધી અને ત્યાંના બાળકો સમક્ષ કાર્ટૂનકળા વિશે રજૂઆત કરી એ વખતે આચાર્ય મનીષભાઈએ કાર્ટૂન ચીતરવા અંગેની શિબિર બાબતે વાત કરેલી. એ અગાઉ મને કદી આવો વિચાર આવ્યો નહોતો. હવે પારસભાઈએ પણ કાર્ટૂન ચીતરવા માટેની શિબિર વિશે વાત કરી એટલે એમાં શું શું અને કેવી રીતે હોવું જોઈએ એ વિશેની રૂપરેખા અમે વિચારી. 

અત્યાર સુધી કોઈકના દ્વારા ચીતરાયેલા કાર્ટૂનને માણવાની વાત હતી, તેને બદલે હવે જાતે જ કાર્ટૂન ચીતરવાનું હતું. આથી પહેલી તૈયારી તો મારે પોતાને જ કરવાની હતી. એ મુજબ મેં આ શિબિરના પોસ્ટરની સાથે મૂકવા માટે તેને અનુરૂપ એક કાર્ટૂન ચીતરીને મોકલ્યું.


કાર્ટૂન શિબિરની ઘોષણા 

 બીજા દિવસે પારસભાઈનું અને મારું પોતાનું એક કેરિકેચર ચીતરીને મોકલ્યું. જો કે, મારું પોતાનું કેરિકેચર બરાબર નહોતું, પણ મહાવરા માટે એ દોરેલું હોવાથી જેવું આવ્યું એવું મોકલ્યું.

પારસ દવેનું કેરિકેચર 

બીરેન કોઠારીનું કેરિકેચર 

આ પ્રકારની આ પહેલવહેલી હોવાથી શિબિરનો સમય ચારેક કલાકનો હોય તો એ પૂરતો થઈ પડે.

આમાં પહેલા એક કલાકમાં કાર્ટૂન ચીતરવા અંગે માર્ગદર્શન આપવું એમ નક્કી થયું. 

શિબિરના આરમ્ભે કાર્ટૂન દોરવા અંગે વાતચીત 

વિદ્યાર્થીઓને કાર્ટૂન દોરવા માટે બે કલાક આપવાના હતા, જેમાં તેમણે ઓછામાં ઓછા બે કાર્ટૂન ચીતરવાનાં હતાં. એ પૈકી એક કાર્ટૂન અને એક કેરિકેચર તેમણે બનાવવાનું હતું. આમ તો વિદ્યાર્થીઓ કોઈ પણ વિષય પર કાર્ટૂન બનાવવા માટે મુક્ત હતા, છતાં તેમને કંઈક દિશાસૂચન મળે એ માટે ત્યાં ને ત્યાં જ, સૌને પૂછીને પાંચેક વિષય નક્કી કર્યા. કેરિકેચર બાબતે પણ એમ જ કર્યું.

સર્વાનુમતે નક્કી થયેલા વિષય અને બે-ત્રણ કેરિકેચરનું નિદર્શન 

બધું મળીને વીસ-પચીસ વિદ્યાર્થીઓ ભાગ લેશે એવો અંદાજ હતો તેને બદલે પચાસેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હોંશેહોંશે જોડાયા. 

ભારતીબહેન ચૌહાણ પણ કાર્ટૂન ચીતરવા બેઠાં 

આ બે કલાક દરમિયાન કેવળ વિદ્યાર્થીઓ જ ચીતરવા બેસે એવું નહોતું. કામિની અને હું તો જાણે ચીતરવા બેઠા જ, પણ પારસભાઈ, અને શાળાની બે શિક્ષિકાઓ દીપિકાબહેન ચૌધરી અને મનીષાબહેન પરમાર સુદ્ધાં કાગળ પેન્‍સિલ લઈને બેઠા. સેવક ભાઈ રાકેશે સૌ વિદ્યાર્થીઓને કાગળ અને પેન્‍સિલ વહેંચેલા. એ કામ પતાવ્યા પછી તે પોતે પણ કાગળ અને પેન્‍સિલ લઈને ચીતરવા માટે ગોઠવાયા. ચોકીદાર ભાઈ રાજુ સતત સહયોગમાં રહ્યા. 

અગાઉ આ શાળાની મુલાકાતે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને તેમનાં પત્ની ભારતીબહેન આવેલાં. શાળાની પ્રવૃત્તિઓ જોઈને ભારતીબહેને પારસભાઈને જણાવેલું કે શાળાના કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપતાં પોતે આનંદ અનુભવશે. એ મુજબ ભારતીબહેન કોઈ વી.આઈ.પી. તરીકે નહીં, કાર્યક્રમના એક હિસ્સેદાર તરીકે ઉપસ્થિત હતાં. તેમણે પણ કાગળ અને પેન્‍સિલ પકડીને ચીતરવાનું શરૂ કર્યું. નડિયાદના ખ્યાતનામ વકીલ સંતોષ દુબે આ શાળાના શુભેચ્છક છે. તે આ આખા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા. આમ, શાળામાં ઉપસ્થિત સહુ કોઈ કાર્ટૂન ચીતરી રહ્યું હોય એવો માહોલ થઈ ગયો અને ખરા અર્થમાં આ 'શિબિર' બની રહી. એવી શિબિર, જ્યાં કોઈ કોઈને કશું શીખવતું ન હોય, પણ સહુ એકબીજાનું કામ જુએ અને શીખવા પ્રયત્ન કરે. 


વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાયેલી કે તેઓ પોતપોતાના જૂથમાં બેસીને ચીતરી શકે, એકબીજાનું કામ જોઈ શકે, સૂચન આપી શકે અને નિયત સમયમર્યાદામાં પૂરું કરવાની ઉતાવળ ન કરે, કેમ કે, આ પરીક્ષાનું પેપર નથી. 

અમે લોકો પણ અમારું કામ કરતાં કરતાં વિદ્યાર્થીઓનું કામ જોવા ફરતા હતા. અમુક વિદ્યાર્થીઓએ કોઈક વર્ગખંડનો ખૂણો શોધેલો. એકાદ જૂથ પાછળ લીમડા નીચે ગોઠવાયેલું, તો બીજું જૂથ પાછલી દિવાલને ટેકે કામ કરતું હતું.

કાર્ટૂનની નીચે જમણે ખૂણે સૌને પોતાનું નામ અને તારીખ લખવા જણાવેલું.

મોટા ભાગના વિદ્યાર્થીઓએ બે કલાક પહેલાં પોતાનું કામ પૂરું કર્યું. એ પછી વારો હતો તમામ કાર્ટૂનોના પ્રદર્શનનો. શાળાના ચારેક બૉર્ડ પર દરેકે દરેક જણે ચીતરેલાં કાર્ટૂન લગાવી દેવામાં આવ્યાં. 





વિદ્યાર્થીઓએ ચીતરેલાં કાર્ટૂન અને કેરિકેચર 

શિક્ષક/શિક્ષિકા, અતિથિ, માર્ગદર્શકે ચીતરેલાં કાર્ટૂન 

એ પછી દરેક બોર્ડ પાસે જઈએ, દરેક જણ પોતાના કાર્ટૂન વિશે વાત કરે એવું આયોજન કરાયેલું. આ ભાગ કાર્યક્રમનો સૌથી મજેદાર હિસ્સો હતો. વિદ્યાર્થીસહજ ઘોંઘાટ તો હોય, પણ દરેક વિદ્યાર્થી પોતાના કાર્ટૂન વિશે જણાવે એ વાત જ બહુ મસ્ત હતી. 


પોતે ચીતરેલાં કાર્ટૂન વિશે વાત કરતા વિદ્યાર્થીઓ 
તેમના દિમાગમાં શું ચાલી રહ્યું હશે એનો આછેરો અણસાર તેમના આ કથનમાંથી મળતો હતો. હજી આ પહેલો પ્રયાસ હતો એટલે કામ શિખાઉ હશે, પણ પ્રયત્નો પૂરેપૂરા પ્રામાણિક હતા. કોને ખબર, આ રીતે બે-ચાર જણને પણ વ્યંગ્યના અસરકારક માધ્યમ જેવી કાર્ટૂનકળામાં રસ પડે! તેઓ ભલે કાર્ટૂન ચીતરતા થાય કે ન થાય, પણ વ્યંગ્યને માણતાં થાય તોય ઘણું! સબળ રમૂજવૃત્તિ જીવનની ભલભલી વિપરીતતાઓ સામે ટકી રહેવાનું બળ પૂરું પાડે છે એ હકીકત છે.

આવા મસ્ત આયોજન બદલ ગુતાલ માધ્યમિક શાળા સાથે સંકળાયેલા સહુ કોઈને અભિનંદન. આવાં આયોજનો આપણી આવડતની ધાર કાઢવાનો પણ મોકો પૂરો પાડતાં રહે છે.

**** 

શિબિરમાં વિદ્યાર્થીઓએ ચીતરેલાં કેટલાંક કાર્ટૂનો 


માસ્ક પહેરવાની ગણેશજીની મૂંઝવણ 

નિષ્ફળ ગયેલા એસ.એલ.વી.બાબતે 'અમૂલ' દ્વારા 
પોતાની જાહેરખબરમાં કરાયેલી ટીપ્પણીના 
સંદર્ભે કાર્ટૂન અને અબ્દુલ કલામનું કેરિકેચર 

સૂરજમુખી અને વૃક્ષ સંવાદ 

પારસસરે કહેલું કે આત્માનો 
અવાજ સાંભળો. એટલે 
વિદ્યાર્થી કહે છે- સર, 
કેટલા અવાજ સાંભળીએ? 

No comments:

Post a Comment