'ફાંટાબાજ' એટલે 'ભગવદ્ગોમંડળ'ના અર્થ મુજબ મનમોજી, મનસ્વી, તરંગી. જો કે, છાપાના ઘરેડ વાચકોને 'ફાંટાબાજ' શબ્દની પછવાડે જ 'કુદરત' શબ્દ સંભળાઈ ગયો હશે. ઘણાને તો મોટા માથાવાળું બાળક, ઓમનો આકારવાળું રીંગણું કે ગણેશજી જેવું દેખાતું પપૈયું સુદ્ધાં દેખાઈ ગયું હશે. એ હદે આપણાં અખબારોએ આ શબ્દયુગ્મને પ્રચલિત કરી દીધું છે. અલબત્ત, કુદરત ફાંટાબાજ છે એમાં ના નહીં. તેની કેટલીય રચનાઓ વિશે જેટલું પણ જાણવા મળે ત્યારે આશ્ચર્ય થયા વિના રહે નહીં.
સર્જનનો જ દાખલો લઈએ. સર્જનને સુનિશ્ચિત કરવા માટે કુદરતે પ્રજનન જેવી વ્યવસ્થાનું આયોજન વિચાર્યું. મનુષ્ય કે પશુપક્ષીઓમાં તો ખરું, પણ 'સજીવ' ગણાતી વનસ્પતિમાંય તેની જોગવાઈ કરી. ફૂલછોડમાં બીજ સર્જન માટેનો મુખ્ય એકમ કહી શકાય. (ઘણા સેમિનારમાં 'બીજરૂપ' વક્તવ્ય ત્રાસ અને કંટાળાનું સર્જન કરે છે, જેને માટે કુદરત જવાબદાર નથી.) બીજમાં પણ નર અને માદાનો સંયોગ જરૂરી. બીજના કેવા અને કેટકેટલા પ્રકાર! કવચ ધરાવતા કઠણ ઠળિયા, (વડના) ટેટા પ્રકારના નરમ બીજ, શિંગના કવચમાં હારબંધ ઢંકાયેલાં નરમ બીજ. બલ્બ જેવી રચના અને બીજી અનેક! આમાંના મોટા ભાગના બીજ જ્યાં પડે ત્યાંં જ ઊગી નીકળે યા પંખીઓ તેને ખાય અને ચરક મારફતે તે જ્યાં ત્યાં પડે અને અનુકૂળતા મળતાં ઊગે.
એડેનિયમનાં બી |
અસલમાં રણપ્રદેશનો આ છોડ કે વૃક્ષ આપણા દેશમાં સીંગાપુરી ચંપા તરીકે ઓળખાય છે. કદાચ પ્રદેશ મુજબ તેનાં અન્ય નામ પણ હશે. શોખીનોને ખ્યાલ હશે કે નર્સરીમાં તેના રોપાની કિંમત કેટલી હોય છે. આ છોડનાં બે મુખ્ય આકર્ષણ કહી શકાય. એક તો તેની પર બેસતાં મોસમી ફૂલ, જે છોડના પ્રકાર મુજબ લાલ, ગુલાબી કે અન્ય રંગનાં હોઈ શકે. અને બીજું તેના પ્રકાંડની ગાંઠ. ઘણા ઉસ્તાદ કલાકારો આ છોડનો ઉછેર એ રીતે કરે કે તેની ગાંઠ એકદમ મોટી થાય. નર્સરીમાંથી ખરીદવા જતાં આ છોડની કિંમત તેની ગાંઠ મુજબ પણ હોય છે. ગાંઠ જેટલી તગડી એમ કિંમત વધુ.
આ કારણે ઘરમાં આવા છોડ ઉછેર્યા હોય તો સામાન્ય જ્ઞાન ધરાવતા લોકો પણ છોડના દેખાવ કે માવજતની પ્રશંસા કરવાને બદલે તેને કિંમતની રીતે જ જુએ. 'ઓહોહો! આ તો બહુ મોંઘા હોય છે હોં!' આવું સાંભળીને આપણાથી બીજું તો શું થઈ શકે! બીજો એક વર્ગ જરા સ્માર્ટ લોકોનો હોય છે. તેઓ સિફતથી વિગતો પૂછી લે અને છેલ્લે કહે, 'તમારો શોખ બહુ સારો છે. મનેય બહુ શોખ છે, પણ શું કરું? સમય જ નથી મળતો.' આવા 'વ્યસ્ત' લોકો માટે પણ આપણે કશું ન કરી શકીએ. યૂ ટ્યુબ પર ફૂલછોડને લગતી વિવિધ વિડીયો ક્લીપ્સ જોઈને, કે ફેસબુક પર ચાલતાં ફૂલછોડનાં વિવિધ ગૃપમાં જોડાઈને પોતાનો બાગકામનો શોખ સંતોષતો વર્ગ પણ ઓછો નથી.
હોય! આનંદ લેવાની સૌની આગવી રીતરસમ હોય છે.
પાછા સર્જનની વાત પર આવીએ તો, નીચેની તસવીરમાં આ બીજ પર માટી પાથરવામાં આવી છે. માનવદેહ પર માટી પાથરવામાં આવે ત્યારે તેને દફન કર્યો કહેવાય છે. એ જીવનનો અંત હોય છે. બીજ પર માટી પાથરવાને 'રોપવું' કે 'વાવવું' કહેવાય છે. એ જીવનનો આરંભ હોય છે. થોડા દિવસમાં આ બીજમાં ફૂટ થશે અને નાના રોપા નીકળી આવશે.
બીજ પર પાથરેલી માટી |
****
વનસ્પતિ અને માનવજાતમાં ઘણું સામ્ય છે, એમ લાગ્યા વિના રહે નહીં.
માત્ર બીજને રોપી દેવાથી તે છોડ બની જાય એવું કદી બનતું નથી. નીચેની તસવીરમાં જોઈ શકાય છે એમ, સાત-આઠ દિવસ પહેલાં રોપેલા બીજમાંથી ધીમે ધીમે ફૂટ થવા લાગી છે અને માટીમાંથી તે 'માથું કાઢી રહ્યા છે'.
બીજમાં થઈ રહેલી ફૂટ |
પણ શું ફૂટ થાય એટલે વાત પૂરી? ના. ફૂટ થયા પછી તે સહેજ મોટા થવા લાગે ત્યારે તેની પ્રતિકારક શક્તિ અનુસાર તે ટકે છે કે નાશ પામે છે. (આવી ધારણા છે.) નીચેની તસવીરમાં જોઈ શકાય છે એમ, બીજમાંથી ફૂટ થયા પછી સહેજ મોટા થયેલા છોડમાંના ઘણા (રાગ દરબારીની જબાનમાં કહીએ તો) 'વીરગતિ કો પ્રાપ્ત હુએ હૈ યાનિ કિ ટેં બોલ ગયે હૈ.'
'વીરગતિ'ને પ્રાપ્ત થયેલા રોપા |
આ છોડ એક યા બીજા કારણસર ટકી શક્યા નથી. આ તબક્કાને પાર પાડીને જે છોડ આગળ વધે એ નીચેની તસવીરમાં દેખાય છે એમ ફૂલવાફાલવા માંડે છે.
નીચેની બે તસવીરોમાં આવા પૂર્ણ કદના છોડનું સ્વરૂપ છે. આ છોડ તેના જાડા પ્રકાંડ માટે જાણીતો છે. આ પ્રકાંડને શી રીતે મોટું કરવું તેની કળા પણ ઘણા ઉસ્તાદો જાણતા હોય છે. કામિનીએ આવા એક પ્રકાંડને તેની વિકાસાવસ્થામાં જ ગાંઠ લગાવી છે, જે વિકસતાં ઓર મજબૂત બને છે. આવા મોટા, વિકસીત છોડ પણ કેટલું ટકે એ નક્કી નથી હોતું. માણસની જેમ જ, તેનું જીવન અનિશ્ચિત હોય છે. અને તેના અકાળે અંતનું કારણ ઝટ જાણી શકાતું નથી. એમ બની શકે કે, ઉછેરનારની અણઆવડત કે અજ્ઞાનને કારણે આવું બન્યું હોય, છતાં એ ખબર પડતી નથી. કેમ કે, મૃતકનાં સ્વજનો ઝઘડવા આવતા નથી.
વધુ પડતા લાડમાં બાળકો વંઠી જાય એમ, વધુ પડતું લાલનપાલન પણ આ છોડના મૃત્યુનું કારણ બની શકે છે.
પૂર્ણ વિકસીત પ્રકાંડવાળું એડેનિયમ |
ગાંઠવાળું પ્રકાંડ |
(તસવીરમાં જણાતો તમામ ઉદ્યમ કામિનીનો છે. મારે ભાગે માત્ર તસવીરો લેવાની અને લખાણનું કામ છે. શાસ્ત્રોમાં તેને શ્રમવિભાજન કહે છે. )
"તસવીરમાં જણાતો તમામ ઉદ્યમ કામિનીનો છે. મારે ભાગે માત્ર તસવીરો લેવાની અને લખાણનું કામ છે. શાસ્ત્રોમાં તેને શ્રમવિભાજન કહે છે. )"👍👍👍👍👍❤
ReplyDelete