રાજ કપૂરની 'આવારા'માં 'ઘર આયા મેરા પરદેસી' ગીત થકી સ્વપ્નશ્રેણીનો આરંભ થયા પછી આજ દિન સુધી ઘણી ફિલ્મોનું તે આકર્ષણ બની રહી છે. મે-જૂન દરમ્યાન અમે ગ્રહણ (હિમાચલ પ્રદેશ)ના પ્રવાસે ગયા ત્યારે ધુમ્મસની લીલા જોઈને દંગ રહી જવાયું હતું. એ વખતે સપનેય ખ્યાલ નહોતો કે આ જ લીલા અમને ઘેરબેઠે જોવા મળશે.
ચારેક વરસ પહેલાં, ઑગષ્ટની એક સવારે વાદળછાયું વાતાવરણ હતું. તાજા પડી ચૂકેલા વરસાદથી રસ્તા ભીંજાયેલા હતા. એવે વખતે 'ડ્રુંઉંઉંઉંઉં' અવાજ સતત આવવાનો શરૂ થયો અને જોતજોતાંમાં અમારી ગલી ઘેરા, સફેદ ધુમ્મસથી આચ્છાદિત થઈ ગઈ. પહેલાં જાદુગરોના શોમાં જોયેલું કે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડે અને કોઈક પ્રગટ થાય, કાં અલોપ થઈ જાય. ફિલ્મોમાં પણ જોયેલું કે ધુમાડાના ગોટા એ રીતે નીકળે અને પછી પ્રસરે કે સામેના દૃશ્યોના કેટલાક ભાગ દેખાય, તો કેટલાક ઢંકાયેલા રહે. જેમ કે, મકાનની બાલ્કની દેખાય, અને ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ધાબાનો ભાગ ઢંકાયેલો રહે. એને લઈને આપોઆપ એક સ્વર્ગીય અનુભવ થાય. (અલબત્ત, આપણે કલ્પેલું સ્વર્ગ)
એક ટેમ્પાના પાછળ રહેલા છાપરાવાળા ભાગમાં એક કર્મચારી મોંએ રૂમાલ બાંધીને અને આંખે ચશ્મા પહેરીને બેઠા હતા. તેમનો એક હાથ લાઈટ મશીનગનના નાળચા જેવા દેખાતા એક ભૂંગળા પર હતો અને ભૂંગળામાંથી સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. કોણ જાણે કેમ, આ ભાઈને જોઈને મને કિશોરાવસ્થામાં વાંચેલી એ શ્રેણીની એક માત્ર નવલકથા કે જેનું નામ હું ભૂલી ગયો છું, એનું પાત્ર મૅક બોલાન, ધ એક્ઝિક્યુશનર યાદ આવી ગયો. (અંગ્રેજી નવલકથાઓનો જ્યારે પણ ઉલ્લેખ આવે ત્યારે સમજવું કે એ ગુજરાતીમાં અનુવાદિત થયેલી વાંચી છે.) બોસ્ટન શહેરમાં તે આ રીતે જ, એક સૈન્ય પાસે હોય એવાં સાધનો વડે માફિયાઓનો ખાત્મો બોલાવતો હતો. આજે વિચારતાં લાગે છે કે એને 'રેમ્બો'ની શહેરી આવૃત્તિ કહી શકાય. ગૂગલે જણાવ્યું કે મૅક બોલાનના પાત્રસર્જક ડોન પેન્ડલટન હતા, અને આ પાત્ર અતિશય લોકપ્રિય બનેલું, જેને કેન્દ્રમાં રાખીને સેંકડો નવલકથાઓ લખાયેલી.
એ બોસ્ટન હતું, અને આ બરોડા છે. મૅક બોલાન સ્વયંભૂ નીકળેલો, અને આ અનામી ભાઈ નોકરીના ભાગરૂપે, પણ બન્નેનો હેતુ એક જ હતો- દુશ્મનોનો ખાત્મો બોલાવવો. એકના દુશ્મન મચ્છર જેવા હાનિકારક માણસો હતા, જ્યારે બીજાના દુશ્મન ખુદ મચ્છર છે. પણ આ મચ્છરો ભારતવર્ષના છે. આ સફેદ ધુમાડો આખા વિસ્તારમાં પ્રસરવા લાગ્યો એ જોઈને મચ્છરોની પ્રતિક્રિયા શી હોઈ શકે?
અમારા વિસ્તારના મચ્છરોમાં ભાગદોડ મચી ગઈ હશે, અને છુપાયા હોય ત્યાંથી નીકળીને મચ્છરો બહાર આવવા પડાપડી કરવા લાગ્યા હશે. 'ગુન ગુન'નો અનુવાદ કંઈક આવો કરી શકાય. 'દોડો, ચાલો, આજનાં ફૂડ પેકેટ આવી ગયાં છે.' , 'આજે બહાર જમવા જવાનું વિચારતા હતા, પણ હવે માંડી વાળીએ. આજે ઘેર જ જમી લઈશું.' સ્વાસ્થ્ય અંગે ચિંતીત મચ્છરો કહેતા હશે, 'અલ્યા, લઈ લો આ ધુમાડો. Smoking is advantageous to health.અમે કહી કહીને મરી ગયા, પણ આ જુવાનિયાં સમજતા જ નથી.'
એકાદુ સાહસિક મચ્છર પશ્ચાદ્ભૂમાં એક્ઝિક્યુશનર દેખાય એ રીતે સેલ્ફી પણ લેવા માંડ્યું. એને એવી રીતે સેલ્ફી લેવી હતી કે ફ્રેમમાં કાળો ધુમાડો અને સફેદ ધુમાડો બન્ને દેખાય.
ટૂંકમાં, પળવારમાં અને પળવાર માટે એક ભેદી, ગેબી સૃષ્ટિ રચાઈ ગઈ. પછી તો ભઈ, એય ને ધુમાડા ઓસર્યા, ઉઘાડ નીકળ્યો ને અમારી બુદ્ધિ આડેથી વાદળ પણ હટ્યાં. સૌર ઉર્જા થકી દિમાગમાં બત્તી થઈ, સ્કેચબુક ખૂલી ને હાથ ચાલતા રહ્યા.
ધુમાડિયું યંત્ર જેવું અમને ફળ્યું તેવું સૌને ફળજો.
ધુમ્રયંત્ર (ચિત્રાંકન: બીરેન) |
ગૌમાતાનું પૂંછડું ન ચીતરીને આપે અમ ભક્તોની લાગણી કસોટીએ ચડાવી છે. અમારે શું એમનાં શિંગડાં પકડીને શુકન લેવા?
ReplyDelete