“ છોડ ગયે બાલમ, મુઝે હાયે અકેલા છોડ ગયે- ગીત કઇ ફિલ્મનું છે?”
“ લગભગ ‘આવારા’નું.”
“ના, મને ખ્યાલ છે ત્યાં સુધી એ ‘બરસાત’નું છે.”
આવા અતિ પ્રસિદ્ધ ગીતની ફિલ્મ જાણવા માટેય હજી એંસી-નેવુંના દાયકા સુધી આ પરિસ્થિતિ હતી. આનો જવાબ મેળવવા માટે કાં ફિલ્મ જોવી પડે કે પછી રેડિયો પર એ વગાડાય એની રાહ જોવી પડે. તો શું એવું કોઇ સંદર્ભપુસ્તક નથી કે જેમાંથી આપણે ઇચ્છીએ એ ગીતની વિગત કે કોઇ પણ માહિતી સાચી રીતે મળી શકે?
કળિયુગના ભગીરથ |
હિન્દી ફિલ્મસંગીતના અનેક ચાહકોની જેમ આવી મૂંઝવણ કાનપુર (ઉત્તર પ્રદેશ) માં રહેતા સોળ સત્તર વરસના એક જુવાનિયા હરમંદિરસીંઘ સચદેવને પણ થયેલી. રેડિયો સિલોન/Radio Ceylon ની જબરદસ્ત લોકપ્રિયતાના એ યુગમાં તેના પરથી પ્રસારિત થતા હિંદી ગીતોને લગતા વૈવિધ્યસભર ઉચ્ચ રુચિના કાર્યક્રમો લાખો શ્રોતાઓ એકકાને સાંભળતા. આવો જ એક વિશિષ્ટ કાર્યક્રમ હતો દર રવિવારે સાંજે પ્રસારિત થતો ‘વાક્ય ગીતાંજલિ’. તેમાં અપાતી કોઇ પંક્તિના દરેક શબ્દથી શરૂ થતું ગીત શ્રોતાઓએ પંદર દિવસની અવધિમાં મોકલવાનું રહેતું. રેડિયો સિલોનના અસંખ્ય શ્રોતાઓની જેમ હરમંદિરસીંઘ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેતો. કાર્યક્રમને અંતે સાચાં ગીતો મોકલનાર શ્રોતાઓનાં નામ બોલાય ત્યારેય હરમંદિરનું ધ્યાન પોતાનું નામ સાંભળવા કરતાં પોતે મોકલેલાં ગીતો સાચાં છે કે નહીં તેની પર જ રહેતું. ક્યારેક કોઇ અઘરા શબ્દ પરથી ગીત યાદ ન આવે ત્યારે મનમાં ચચરાટીયે થતી. છેવટે તેણે આના ઉકેલરૂપે એક સીધીસાદી, સરળ પદ્ધતિ અપનાવી. એક નોટબુક લઇને એમાં અકારાદિ ક્રમ મુજબ ગીતો નોંધવાનું શરૂ કર્યું, જેથી વાક્ય ગીતાંજલિમાં ભાગ લેવા માટે જરૂરી શબ્દ મુજબનું ગીત શોધવામાં સરળતા રહે.
હતી તો આ સાવ નાનકડી ચેષ્ટા, પણ હરમંદિરના સંગીતપ્રેમની, ફિલ્મી ગીતો તરફના અદમ્ય લગાવની એ પરિચાયક હતી. ક્યાંથી પ્રગટ્યો હતો તેનામાં આવો સંગીતપ્રેમ?
**** **** ****
પિતા સરદાર સુમેરસીંઘ અને માતા સુરીન્દર કૌરનાં ચાર સંતાનો- મહિન્દર કૌર, જનકરાજસીંઘ, હરમંદિરસીંઘ અને સતનામ કૌર- માં ૧૮મી નવેમ્બર, ૧૯૫૧ના રોજ જન્મેલો હરમંદિર ત્રીજા નંબરનો. માતા સુરીન્દર કૌર અને તેમનીય માતા રૂપ કૌર તો સંગીતનાં જાણકાર હતાં. માતાએ સંગીતમાં ડીગ્રી પણ મેળવેલી. સુરીન્દર કૌરનાં લગ્ન મૂળ પાકિસ્તાનના ખુશઆબના સરદાર સુમેરસીંઘ સાથે થયેલા, અને લગ્ન કરીને તેઓ શરૂઆતમાં મુંબઇ અને ત્યાર પછી કાનપુરમાં સ્થાયી થયેલા. ઘરગૃહસ્થીમાંથી સમય કાઢીનેય સુરીન્દર કૌર ક્યારેક હારમોનિયમ લઇને ભજન, શબદ કે હળવાં ગીતો ગાવા બેસી જતાં. નાનકડો હરમંદિર માતાની સન્મુખ આવીને બેસી જતો અને માના મધુર કંઠનું એકચિત્તે પાન કરતો. હરમંદિરની સંગીતપ્રિતીની જે ગણો એ આ પૃષ્ઠભૂમિ. આ ઉપરાંત લાઉડસ્પીકર પર મોટેથી વાગતાં ગીતો સાંભળવા તેને ગમતાં. મેટ્રીકમાં આવ્યો ત્યાં સુધીમાં તો હરમંદિરને રેડિયો પરથી ગીતો સાંભળવાનો નાદ બરાબરનો લાગી ગયો હતો. તેને વધુ આકર્ષણ હતું પચાસના દાયકા સુધીનાં ગીતોનું. જેના પરિણામસ્વરૂપ તેણે નોટબુકમાં ગીતો નોંધવાનું શરૂ કર્યું હતું. હરમંદિરસીંઘ સચદેવને અંદાજ સુદ્ધાં નહોતો કે સાવ સામાન્ય ગણાતી એ નોટબુક હિન્દી ફિલ્મી ગીતોના ઇતિહાસની વિરાટ ઇમારતના પાયાના પહેલા પથ્થર સમાન બની રહેવાની છે!
હમરાઝ |
નાનકડી નોટબુકથી શરૂ કરેલી યાદી લંબાતી ગઇ અને ધીમે ધીમે હરમંદિરને લાગ્યું કે અત્યાર સુધી બનેલાં તમામ ફિલ્મી તેમજ બિનફિલ્મી ગીતોનું સંકલન કરવું જોઇએ. પણ માહિતી મળે ક્યાંથી? મળે તો એને શી રીતે ગોઠવવી? કેમ કે, આવું કોઇ સંકલન અગાઉ થયાનું જાણમાં નહોતું. હરમંદિરસીંઘ જૂન,૧૯૭૨માં વિજ્ઞાનના સ્નાતક થયા એ પછીને મહિને જ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી મળી ગઇ. આર્થિક સ્વાવલંબનનો પ્રશ્ન રહ્યો નહીં. તેથી હરમંદિરે આ કાર્ય અંગે પૂરેપૂરી ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. જો કે, તેઓ કહે છે, “ એને અજ્ઞાનતાનો આશીર્વાદ કહી શકાય. મને આ કામમાં કેટલો સમય અને શક્તિ વપરાશે એ તો ઠીક, કામના જથ્થાનો સુદ્ધાં અંદાજ નહોતો, નહીંતર મેં આ કામ શરૂ કરવાની હિંમત કરી હોત કે કેમ એ સવાલ છે.”
તેમણે ૧૯૩૧માં બનેલી સૌ પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’થી લઇને છેક ૧૯૭૦ સુધીમાં બનેલી ફિલ્મોનાં તમામ ગીતોની સૂચિ આપતું પુસ્તક તૈયાર કરવાનો મનસૂબો ઘડ્યો. નવાઇની વાત એ હતી કે ફિલ્મ સાથે સંકળાયેલા સરકારના કોઇ એકમને કે ‘ફિલ્મ ઉદ્યોગ’ના કોઇ જણને આ વાત સૂઝી નહોતી. દસ્તાવેજીકરણ તો ઠીક, ફિલ્મઉદ્યોગ શરૂ થયાને ચાર દાયકા માંડ થયા હતા અને અનેક કલાકારો, ફિલ્મો કે તેને લગતી વિગતો દુર્લભ બનવા લાગી હતી. હરમંદિરના મનમાં એક વાત સ્પષ્ટ હતી કે એકલપંડે આ કામ શક્ય નહોતું. બલ્કે આ કામ માટે દેશભરમાં પથરાયેલા અનેકાનેક સંગીતપ્રેમીઓ, સંગ્રાહકો ઉપરાંત સંબંધિત કલાકારો પાસેથી માહિતી મળી શકે તો જ પોતે ઇચ્છે છે એવું સંકલન તૈયાર થઇ શકે. અને એક વાર જો આવું સંકલન તૈયાર થાય તો...? ‘તો’ ના અનેક જવાબો હોઇ શકે. હિન્દી ફિલ્મઉદ્યોગના ગીતોના ઇતિહાસકાર તરીકે પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાઇ જાય. કોઇ ધંધાદારી પ્રકાશક આ આખીય યોજનાના પ્રકાશનની જવાબદારી ઉપાડી લે તો માલામાલ થઇ જવાય એટલી નકલો તેની ખપી જાય. કેમ કે, દેશ આખાના સંગીતપ્રેમીઓ ઉપરાંત તમામ રેડિયો સ્ટેશન, ફિલ્મ પત્રકારત્વ તેમજ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો માટે આવો સંદર્ભગ્રંથ અનિવાર્ય બની રહે. પણ હરમંદિરના મનમાં ‘તો’નો જવાબ એક જ હતો કે આવું પુસ્તક તૈયાર થાય તો તેના થકી કોઇ પણ સંગીતપ્રેમીને ગમતા ગીતની માહિતી હાથવગી થઇ જાય. કેમ કે, તેનો મૂળભૂત જીવ સંગીતપ્રેમીનો હતો.
આ કામના આરંભ માટે સૌ પ્રથમ જરૂર હતી દેશભરના સંગીતપ્રેમીઓ તેમજ વિવિધ નગરોમાં રચાયેલા રેડિયો શ્રોતાસંઘો સાથે સંપર્કસૂત્રથી જોડાવાની, જે માટેનું અસરકારક અને પ્રચલિત માધ્યમ હતું પત્રિકા શરૂ કરવાનું. ઓક્ટોબર, ૧૯૭૧માં આવી પહેલવહેલી માસિક પત્રિકા ‘રેડિયો ન્યુઝ’નો આરંભ કરવામાં આવ્યો. આ અગાઉ ૮મી જૂન, ૧૯૭૧ના રોજ રેડિયો સિલોન પરના ‘ભૂલેબીસરે ગીત’ કાર્યક્રમમાં ઉદઘોષક મનોહર મહાજન/ Manohar Mahajan દ્વારા અપીલ જારી કરવામાં આવી હતી કે એક શ્રોતા હરમંદિરસીંઘ સચદેવ ૧૯૩૧ થી ૧૯૭૧ સુધીનાં તમામ ફિલ્મી-બિનફિલ્મી ગીતોનો સંગ્રહ ધરાવતા ગ્રંથ તૈયાર કરવા ઇચ્છે છે, અને શ્રોતાઓ પાસેથી માહિતીના સહકારની અપેક્ષા છે.
‘રેડિયો ન્યુઝ/ Radio News’ પત્રિકાના મે-જૂન-જુલાઇ ’૭૨ ના અંકમાં આ અપીલ સૌ પ્રથમ વાર પ્રકાશિત કરવામાં આવી. હરમંદિરસીંઘ સચદેવ એટલે કે હરમંદિરસીંઘ ‘હમરાઝ’ દ્વારા એક એવા ઐતિહાસીક મહાકાર્યનો આ આરંભ હતો કે જે ક્યારે અને કેવી રીતે સંપન્ન થશે એની તેમને ખુદને ખબર નહોતી.
ચાલીસ વરસથી એકધારું સંપર્કસૂત્ર બની રહેલું 'એલ.બી.' |
જૂન-જુલાઇ’૭૩ના અંકથી ‘રેડિયો ન્યુઝ’ પત્રિકાનું ‘લિસ્નર્સ બુલેટીન/ Listeners' Bulletin’ તરીકે પોસ્ટ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું. આશ્ચર્ય લાગે એવી બાબત એ છે કે ફિલ્મને લગતાં ભલભલાં સામયિકો ચાલુ થઇને બંધ થઇ ગયાં છે, જ્યારે ચચ્ચાર દાયકા છતાં આજેય આ ત્રિમાસિક પત્રિકાનું પ્રકાશન જારી છે. સાવ મામૂલી લવાજમમાં આ છ-આઠ પાનાંની પત્રિકા જે રીતે અધિકૃત, સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર માહિતી ઠસોઠસ પીરસે છે એ જોઇને ભલે ચવાઇ ગયેલી પણ ‘ગાગરમાં સાગર’ સિવાય બીજી કોઇ ઉપમા યાદ આવે નહીં. આ પત્રિકા ‘લીસ્નર્સ બુલેટીન’ વિષે અહીં વિસ્તૃત લખવાની ઈચ્છા છે જ.
‘લીસ્નર્સ બુલેટીન’નું માધ્યમ બહુ અસરકારક બની રહ્યું અને તેના થકી સંગીતપ્રેમીઓ ગીતકોશની ગતિવિધીઓની જાણકારી મેળવતા રહ્યા. ગીતકોશમાં સાલવાર, કક્કાવારી મુજબ દરેક ફિલ્મની વિગત જેમ કે- તેનો પ્રકાર (સામાજિક, સ્ટન્ટ, હાસ્ય, વેશભૂષાપ્રધાન વગેરે), નિર્માતા, નિર્દેશક, કલાકારો, સંગીતકાર, દરેક ગીતની પ્રથમ પંક્તિ, તેના ગાયકો અને ગીતકાર, રેકોર્ડ નંબર તેમજ અન્ય વિશેષ જાણકારી સમાવવાનો ઉપક્રમ હતો. ‘માધુરી/ Madhuri’, ‘સ્ક્રીન/Screen’ જેવાં ફિલ્મી સામયિકોમાં પણ મદદ માટેની અપીલ તેમણે પ્રકાશિત કરાવી. રેડિયો સિલોનના સત્તાવાળાઓએ તો વારંવાર આ અપીલ પ્રસારીત કરી. આ કાર્યમાં સહાયરૂપ થવા બદલ કશું આર્થિક વળતર કોઇને મળવાનું નહોતું. બલ્કે તેને મોકલવાનો ખરચોય જાતે જ વેંઢારવાનો હતો. કેમ કે, હરમંદિરસીંઘે તો આ કોશ પ્રકાશિત કરવા માટેય રીતસરની ટહેલ નાંખવી પડી હતી. હા, તેમણે એટલી ખાતરી આપી હતી કે પોતે જે તે સામગ્રીનો ઉપયોગ કરીને સાચવીને મૂળ માલિકને પરત કરશે. આ અપીલના પ્રતિસાદરૂપે સામગ્રીનો ધોધ વછૂટ્યો. હરમંદિરસીંઘને કદી મળ્યાય ન હોય એવા એવા સંગીતપ્રેમીઓએ ઉદારતાપૂર્વક પોતાનો ખજાનો આ પાવનકાર્ય માટે ખુલ્લો મૂકી દીધો.
એક માહિતીયાત્રા દરમ્યાન: (વચ્ચે) હમરાઝ, તેમની ડાબે રજનીકુમાર પંડ્યા અને છેક જમણે ઇન્દુકુમાર પંડ્યા |
ઉજ્જૈન નજીકના નરવર ગામના વીરભદ્રસિંહ ઝાલા નામના એક સજ્જન પોતે સ્વતંત્ર રીતે ૧૯૬૨થી ૧૯૭૩ની ફિલ્મોનું સંકલનકાર્ય આ જ પ્રકારે કરી રહ્યા હતા. તેમણે શું કર્યું? પતરાંની ત્રણ મોટી ટ્રંકમાં પોતે કરેલું તમામ કામ અને સામગ્રી ભરીને ઉપડ્યા કાનપુર અને હાથોહાથ હરમંદિરસીંઘને સુપરત કરી. કશા વળતરની અપેક્ષા તો ઠીક, આભારના બે શબ્દો સાંભળવા પૂરતાય રોકાયા નહીં. જાણે કે એક મહાયજ્ઞમાં અર્ઘ્ય સમર્પીને પોતે ઉપકૃત ન થતા હોય!
કેકડી(રાજસ્થાન)ના રતનલાલ કટારિયાએ પોતાના પિતાજીએ એકઠી કરેલી ત્રીસીના દાયકાની ભારતીય ફિલ્મોને લગતી અસંખ્ય દુર્લભ માહિતી પત્રિકાઓ અને અન્ય સામગ્રી ‘હમરાઝ’ને હવાલે કરી દીધી. બદલામાં અપેક્ષા? એનો સદુપયોગ થાય એટલી જ. આગ્રાના વિજયસિંહ ચંદેલ, પતીયાલાના એન. ડી. પ્રકાશ ‘પટીયાલવી’, દિલ્હીના ભીમરાજ ગર્ગ જેવા અનેક ઉદારદિલ સજ્જનોએ ઢગલાબંધ માહિતી મોકલી આપી. ઘણા સંગીતપ્રેમીઓએ પણ કૃપણતા દાખવી, તો કલાકારો તરફથીય વિપરીત અનુભવો થયા. આવા અનુભવો તેમણે ‘લીસ્નર્સ બુલેટીન’માં સમયાંતરે આલેખ્યા છે, જેમાંથી પસાર થવું કોઈ પણ સંગીતપ્રેમી માટે અનેરો લ્હાવો છે.
ખંડ-૧ના વિમોચન પ્રસંગે નૌશાદ સાથે |
ઘણા કલાકારોએ રૂબરૂ મળવાની જ ના પાડી દીધી. અમુક કલાકારો મળ્યા, પણ માહિતી આપવાની ના પાડી દીધી. છતાં જે સામગ્રી પ્રાપ્ત થઇ તેમજ સંગીતપ્રેમીઓના સૂચનો મળ્યા એના આધારે એક વાત નક્કી થઇ શકી કે બિનફિલ્મી ગીતોનો સમાવેશ પડતો મૂકવો. ગીતકોશને દાયકા મુજબ વિભાજીત કરી દેવા અને એમાં સૌ પ્રથમ પ્રકાશન ખંડ-૩ (૧૯૫૧ થી ૧૯૬૦)નું કરવું. ‘લીસ્નર્સ બુલેટિન’માં જે ફિલ્મોની માહિતી ખૂટતી હતી તેની યાદી વારંવાર આપવામાં આવી. ખૂટતી માહિતી એકઠી કરવા માટે મુંબઇ- પૂના-ઇન્દોર- બીકાનેર જેવાં સ્થળોએ રૂબરૂ જવું જરૂરી લાગ્યું, તો ત્યાં પણ હરમંદિરસીંઘ ગાંઠના ખર્ચે ગયા. સંગીતપ્રેમીઓએ તેમને આવકાર્યા, યથાયોગ્ય સહકાર પણ આપ્યો. મુંબઇ અને પૂનામાં અનેક સંગીતપ્રેમીઓ, કલાકારોને મળીને જરૂરી માહિતી એકઠી કરતાં અનેક ખાટામીઠા અનુભવો થયા. કોઇકે સહકાર આપવાની ખાતરી આપી, અને છેલ્લી ઘડીએ ફરી ગયા. એક સંગીતકારે તો પૂછ્યું, “આ ગ્રંથમાં મારું નામ વારંવાર આવશે. તો તમે મને કેટલી રોયલ્ટી આપશો?” મનમાં ધમધમાટી થઇ ગઇ છતાં ‘હમરાઝે’ ઠંડકથી કહ્યું, “ એમ હોય તો આપણે તાનસેનના વારસોનેય રોયલ્ટી ચૂકવવી પડે.”
‘હમરાઝ’ની નજર સામે એક જ લક્ષ હતું કે કોઇ પણ રીતે ગીતકોશ તૈયાર કરીને સંગીતપ્રેમીઓ સમક્ષ મૂકવો. આખરે નવ-દસ વરસની જહેમતને અંતે ખંડ-૩ તૈયાર થયો. તેના પ્રકાશન માટે એક પ્રકાશકને હસ્તપ્રત દેખાડી, પણ આ ગ્રંથની સામગ્રી તેના સમજણપ્રદેશની સીમા બહારની હતી. છેવટે કાનપુરની એલ્ગીન મીલમાં એકાઉન્ટીંગ વિભાગમાં નોકરી કરતા હરમંદિરના પિતાજીએ આ પડકાર ઝીલ્યો. સંગીતપ્રેમીઓએ પણ નાણાંકીય સહાય કરી. જેમ તેમ ખર્ચનો જોગ થયો અને ૧૯૮૦ના મેમાં હીન્દી ફિલ્મ ગીતકોશ/ Hindi Film Geet Kosh ખંડ -૩ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના વરસોની તમામ (કુલ ૧૧૬૩) ફિલ્મોનાં ગીતોની વિગતો સામેલ હતી. આવું અભૂતપૂર્વ અને યશોદાયી કામ પોતાના નામે ચડતું હોવા છતાં એક સાચા જીજ્ઞાસુ તેમજ સંશોધકને છાજે એમ જ્યાં માહિતી મળી શકી ન હતી, ત્યાં ખાલી જગા છોડવામાં આવી હતી,જેથી કોઇ સંગીતપ્રેમીને ગમે ત્યારે એ માહિતી મળે તો ત્યાં લખી શકે,
એટલું જ નહીં, તેની જાણકારી પણ પોતાને મોકલવાની વિનંતી કરવામાં આવી હતી. અત્યાર સુધી હિંદી ફિલ્મોને લગતી વિગતોની જાણકારી આપવાનો વ્યવસ્થિત પ્રયત્ન ફિરોઝ રંગૂનવાલા/ Firoze Rangoonwala ના પુસ્તક ‘ઇન્ડીયન ફિલ્મોગ્રાફી/ Indian Filmography’ દ્વારા જ થયો હતો, પણ તેમાં ગીતસંગીતની વિગતો નહોતી. એ રીતે ફિલ્મોનાં ગીતો તેમજ તેના કલાકારો વિષે અધિકૃત માહિતી આપતો પહેલવહેલો ગ્રંથ ‘ગીતકોશ’ બની રહ્યો. જો કે, પ્રસિદ્ધીના અભાવને લઇને તેની નોંધ જોઇએ એવી લેવાઇ નહીં. આ ગીતકોશના એક પાનાની ઝલક જોવાથી તેના કામ અંગે અંદાજ આવી શકશે.
આ ગ્રંથ થકી એક એવો રાજમાર્ગ ખૂલ્યો હતો કે જેમાંથી ભવિષ્યમાં અનેક નાનીનાની સંગીતકેડીઓ નીકળી શકે એમ હતી. એટલે કે કોઇ એક ગાયક,ગીતકાર કે સંગીતકારના ગીતોના ચાહકો ઇચ્છે તો આમાંથી એવું અલાયદું સંકલન આસાનીથી કરી શકે એમ હતું. સુરતના સંશોધક હરીશ રઘુવંશીએ ૧૯૮૫માં કોઇ પણ એક ગાયકના ગીતોનો સર્વપ્રથમ સંગ્રહ ‘મુકેશ ગીતકોશ/Mukesh Geet Kosh’ કર્યો પણ ખરો. આજે તો એ દિશામાં ઘણું કામ થયું છે.
હીન્દી ફિલ્મ ગીતકોશ-૩ |
ખંડ-૫નું વિમોચન સંગીતકાર સુધીર ફડકેના હસ્તે |
ગીતકોશમાં ગીતોની માહિતી આ રીતે પીરસાઈ છે. |
યાત્રાનો હજી તો આરંભ હતો. સંગીતપ્રેમીઓએ ગીતકોશને ઉમળકાભેર આવકાર આપ્યો અને બાકીના ખંડ માટે ઉત્સાહભેર સહયોગ આપવાની ખાતરી આપી. એકઠી થયેલી માહિતીને આધારે હવે ખંડ-૨ (૧૯૪૧થી ૧૯૫૦)નું આયોજન શરૂ થયું.
ફરી એક વાર ખૂટતી માહિતી એકત્ર કરવા માટે શરૂ થયો પ્રવાસોનો દૌર અને ફરી વાર ખાટામીઠા અનુભવો. માધુલાલ માસ્ટર/ Madhulal Master જેવા ત્રીસીના દાયકાના સંગીતકાર સાવ ઉપેક્ષિત દશામાં જીવન ગુજારતા હતા. તેમને મળવા ‘હમરાઝ’ ગયા ત્યારે માધુલાલના માનવામાં ન આવ્યું કે કોઇ વ્યક્તિ તેમની ફિલ્મોની માહિતી લેવા આવી છે. તેમણે કહ્યું, “ મુંબઇના લોકોએ તો મને કચરાપેટીમાં ફેંકી દીધો હતો, પણ તમે મને સજાવીને પાછો ડ્રોઇંગ રૂમમાં બેસાડ્યો.” અમુક માહિતી એવી હતી કે આ યુગના કલાકારો પોતે વીસરી ગયા હતા. બોલતી ફિલ્મોની સૌ પ્રથમ હીરોઇન ઝુબેદા/ Zubeida ના એક પગનો ઘૂંટણથી નીચેનો ભાગ ગેંગ્રીનને કારણે કાપી નાંખવો પડ્યો હતો. તેઓ પથારીવશ હોવાથી મળવાની ચોખ્ખી ના ભણી દીધી. પણ ‘હમરાઝે’ ગીતકોશની સાથે ‘આલમઆરા/Alam ara’ની બુકલેટ તેમને મોકલાવી એટલે તરત જ મુલાકાત આપી, જે દોઢ કલાક ચાલી. વિખ્યાત ગાયિકા ઝોહરાબાઇ અંબાલાવાલી/ Zohrabai Ambalawali ને એક ગીત ‘તુમ્હારી જાનેતમન્ના સલામ કરતી હૈ’ (ફિલ્મ: લૈલા મજનૂ) વિશે પૂછવામાં આવ્યું તો સ્મૃતિ પર જોર દઇને તેમણે કહ્યું કે એવું ગીત પોતે કદાચ ગાયું હતું ખરું. પણ તેમને ગાયિકા રાજકુમારીનો તેમજ સંગીતકાર નૌશાદનો હવાલો આપીને કહેવામાં આવ્યું કે એ ગીત ઝીનત બેગમે/ Zeenat Begum ગાયું હોવાનું તેઓ કહે છે. આ સાંભળીને ઝોહરાબાઇ તરત બોલી ઉઠ્યાં, “તો પછી એ લોકો કહે એ બરાબર હશે.” અંગ્રેજીમાં જેને ‘ફ્રોમ ધ હોર્સીસ માઉથ’ કહે છે, એવી રીતે મળેલી પ્રથમદર્શી માહિતીમાં પણ આ દશા હતી. મુંબઇમાં જ રહેતા ફિલ્મસંગીત ઇતિહાસકાર નલિન શાહે અનેક કલાકારોને વારંવાર મળીને કેટલીય માહિતી એકઠી કરી અને મોકલાવી. એ જ રીતે કેટલાય સંગ્રાહકોએ પોતાની પાસેની ફિલ્મોની બુકલેટ્સ માહિતી માટે મોકલી આપી. મુદ્રણકાર્ય ચાલુ થયા પછી પણ માહિતી સતત આવતી રહી.
પરિણામસ્વરૂપ ખંડ-૨ નું પ્રકાશન ૧૯૮૪માં થયું. આના જ પગલે ૧૯૮૬માં ખંડ-૪ (૧૯૬૧થી ૧૯૭૦ સુધીની ફિલ્મોનાં ગીતો), ૧૯૮૮માં ૧૯૩૧થી ૧૯૪૦ સુધીની ફિલ્મોનાં ગીતો ધરાવતા ખંડ-૧નું પ્રકાશન હરમંદિરસીંઘે કર્યું. અનિલ બિશ્વાસ, નૌશાદ જેવા સંગીતકારો તેમજ અન્ય પ્રતિષ્ઠીત ફિલ્મી હસ્તીઓના મનમાં ‘હમરાઝ’ની એક શાખ બંધાઇ હતી, પણ પ્રકાશન તો ‘હમરાઝે’ ગાંઠના ખર્ચે જ કરવું પડ્યું. આમ, પહેલાં શ્રોતા, પછી સંપાદક, ત્યાર પછી પ્રકાશક, અને છેવટે વિક્રેતાની ભૂમિકા પણ હરમંદિરસીંઘે સફળતાપૂર્વક ભજવી. તેમની પોતાની રૂચિ ૧૯૭૦ સુધીના ગીત-સંગીત પૂરતી જ હતી, પણ આ પ્રકારના દસ્તાવેજીકરણનું કામ શરૂ થયું જ છે, તો તે ચાલુ રહેવું જોઇએ, એવી લાગણી મોટા ભાગના સંગીતરસિકોની હતી. નાગપુરના સંગીતપ્રેમી વિશ્વનાથ ચેટર્જીએ પોતે આ કામ આગળ વધારવાનું બીડું ઝડપ્યું, જે આગલા ચાર ગીતકોશની જ કડીરૂપે હતું. ૧૯૯૧માં ખંડ-૫નું પ્રકાશન થયું, જેમાં ૧૯૭૧થી ૧૯૮૦ના દાયકાનાં ગીતોનો સમાવેશ થતો હતો.
આ તમામ ગીતકોશોના પ્રકાશનને લઇને પહેલવહેલી વખત હિંદી ફિલ્મો તેમજ તેનાં ગીતો વિશે નક્કર આંકડાકીય માહિતી લોકો સમક્ષ આવી. એ સાથે જ કેટલીય દંતકથાઓ આપમેળે કપોળકલ્પના સાબિત થઇ. લતા મંગેશકરે પચીસ હજાર ગીતો ગાયાં હોવાની વાયકા એ હદે પ્રચલિત બનેલી કે ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સ/Guiness Book Of World Records’માંય તેની નોંધ લેવાઇ ચૂકી હતી. પણ ગીતકોશ થકી ખબર પડી કે ૧૯૩૧માં બોલતી ફિલ્મનો આરંભ થયો ત્યારથી ૧૯૮૦ સુધીનાં કુલ ગીતોની સંખ્યા જ ૪૫,૦૦૦ જેટલી હતી, જેમાં સૌથી વધુ ગીતો આશા ભોંસલેના નામે બોલે છે,જેની સંખ્યા દસેક હજારની આસપાસ છે. ત્યાર પછી છેક હમણાં ઓક્ટોબર, ૨૦૧૧માં આશા ભોંસલેના નામે આ અધિકૃત રેકોર્ડ ગિનેસ બુકમાં દાખલ કરવામાં આવ્યો.
અમૂલ્ય ખજાના જેવા આ પાંચ ગીતકોશ તો પ્રકાશિત થઇ ગયા અને પ્રમાણમાં કિફાયત કહેવાય એવી કિંમતે સંગીતપ્રેમીઓ માટે ઉપલબ્ધ થયા. હરમંદિરસીંઘ માટે તો આ પોતે જોયેલા સ્વપ્નની જ પરિપૂર્તિ હતી, જેને સાકાર કરવા માટે તેમણે કશાય સ્વાર્થ વિના પોતાના જીવનના ત્રણ ત્રણ દાયકા હોમી દીધા હતા. જો કે, આટલું કર્યા પછી જંપીને બેસી રહેવાને બદલે ૨૦૦૪માં ‘કુંદનલાલ સાયગલ જન્મશતાબ્દિ વર્ષ’ દરમ્યાન હરીશ રઘુવંશીના સૂચનથી ‘હમરાઝ’ અને હરીશભાઇએ સંયુક્તપણે સાયગલકોશ તૈયાર કરવાનું નક્કી કર્યું. દંતકથાસમા ગાયક કુંદનલાલ સાયગલ/ Kundanlal Saigal અંગેની તમામ જાણકારી તેમજ તેમણે ગાયેલાં તમામ ભાષાનાં ગીતોના પાઠને સમાવતો એ ગ્રંથ ‘જબ દિલ હી તૂટ ગયા’ ૨૦૦૪માં તેમણે પ્રકાશિત કર્યો. સાયગલ અંગે અઢળક દળદાર પુસ્તકો પ્રકાશિત થયાં છે, પણ ‘જબ દિલ હી તૂટ ગયા/ Jab Dil hi toot gaya’ જેવી અધિકૃતતા અને સભરતા બીજા એકેય ગ્રંથમાં જોવા મળતી નથી.
હીન્દી ફિલ્મ ગીતકોશ-૨ |
હીન્દી ફિલ્મ ગીતકોશ-૪ |
હીન્દી ફિલ્મ ગીતકોશ-૧ |
હીન્દી ફિલ્મ ગીતકોશ-૫ |
અમૂલ્ય ખજાના જેવા આ પાંચ ગીતકોશ તો પ્રકાશિત થઇ ગયા અને પ્રમાણમાં કિફાયત કહેવાય એવી કિંમતે સંગીતપ્રેમીઓ માટે ઉપલબ્ધ થયા. હરમંદિરસીંઘ માટે તો આ પોતે જોયેલા સ્વપ્નની જ પરિપૂર્તિ હતી, જેને સાકાર કરવા માટે તેમણે કશાય સ્વાર્થ વિના પોતાના જીવનના ત્રણ ત્રણ દાયકા હોમી દીધા હતા. જો કે, આટલું કર્યા પછી જંપીને બેસી રહેવાને બદલે ૨૦૦૪માં ‘કુંદનલાલ સાયગલ જન્મશતાબ્દિ વર્ષ’ દરમ્યાન હરીશ રઘુવંશીના સૂચનથી ‘હમરાઝ’ અને હરીશભાઇએ સંયુક્તપણે સાયગલકોશ તૈયાર કરવાનું નક્કી કર્યું. દંતકથાસમા ગાયક કુંદનલાલ સાયગલ/ Kundanlal Saigal અંગેની તમામ જાણકારી તેમજ તેમણે ગાયેલાં તમામ ભાષાનાં ગીતોના પાઠને સમાવતો એ ગ્રંથ ‘જબ દિલ હી તૂટ ગયા’ ૨૦૦૪માં તેમણે પ્રકાશિત કર્યો. સાયગલ અંગે અઢળક દળદાર પુસ્તકો પ્રકાશિત થયાં છે, પણ ‘જબ દિલ હી તૂટ ગયા/ Jab Dil hi toot gaya’ જેવી અધિકૃતતા અને સભરતા બીજા એકેય ગ્રંથમાં જોવા મળતી નથી.
૧૯૮૧ પછીની ફિલ્મોની (ગીતો સિવાયની) તમામ માહિતી આપતી સૂચિ ' હીન્દી ફિલ્મોગ્રાફી/ Hindi Filmography' દર વરસે ‘હમરાઝ’ નિયમીત પ્રકાશિત કરે જ છે, જેમાં ૨૦૧૦ સુધીની સૂચિ પ્રકાશિત થઇ ગઇ છે. છેલ્લા થોડા સમયથી એક મહત્વાકાંક્ષી પુસ્તક ‘હિંદી ફિલ્મોંકે સંગીતકાર’ નું આયોજન તે હરીશ રઘુવંશી સાથે કરી રહ્યા છે, જેમાં આજ દિન સુધી હિંદી ફિલ્મોમાં સંગીત આપનાર લગભગ અઢારસો-ઓગણીસસો સંગીતકારો અંગેની તમામ માહિતી ટૂંકમાં સમાવી લેવાનો ઉપક્રમ છે. આ ઉપરાંત ૧૯૮૧થી આગળનાં વરસોના ગીતકોશનું આયોજન તો ખરું જ. (તેમનાં પુસ્તકો અંગેની તેમજ અન્ય માહિતી તેમની વેબસાઈટ www.hamraaz.org પર ઉપલબ્ધ છે, જેની લિન્ક આ બ્લોગની જમણી તરફ મૂકેલી છે.) આ ઉપરાંત સૌથી મોટો પ્રોજેક્ટ હાલ હાથ પર છે તે તમામ ગીતકોશની માહિતીના કમ્પ્યુટરાઇઝેશનનો, જે સંપન્ન થતાં કોઇ પણ પ્રકારની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની રહેશે. પત્નિ સતીન્દર કૌરનો સાથ સહકાર તો તમામ કાર્યોમાં રહે છે જ, ઉપરાંત સંતાનો કંવલજીતસીંઘ અને પુત્રી તરનજીતકૌર પણ પિતાજીને કમ્પ્યુટર બાબતે મદદરૂપ થતા રહે છે.
કેવળ શોખના આંતરિક ધક્કે આરંભાયા પછી ભારતીય સંસ્કૃતિના મહત્વના પણ અવગણાયેલા અંગ જેવી ફિલ્મો અને તેના સંગીતના ઇતિહાસની જાળવણીનું આ કામ ચોકસાઇપૂર્વક એટલા વ્યાપ અને પ્રમાણમાં થયું છે કે ભવિષ્યમાંય ફિલ્મને લગતા કોઇ પણ પ્રકારના સંશોધન માટે તે આધારરૂપ બની રહે.
૨૦૦૫માં બીમલ રોય મેમોરીયલ સોસાયટી/ Bimal Roy Memorial Society દ્વારા આશુતોષ ગોવારીકર, કિરણ ખેર, શૌકત આઝમી જેવી હસ્તીઓની ઉપસ્થિતિમાં ‘સ્વદેશ’ ફિલ્મની હીરોઇન ગાયત્રી જોશી દ્વારા હરમંદિરસીંઘને ‘બીમલ રોય મેમોરીયલ ટ્રોફી/ Bimal Roy Memorial Trophy’ અર્પણ કરવામાં આવી. આ તેમને મળેલું એકમાત્ર સન્માન. બાકી તો ફિલ્મસંગીતના ઇતિહાસને જીવંત રાખીને જેમનું સદાય ઋણ ફિલ્મઉદ્યોગ પર રહેવાનું છે એવા આ સંગીતપ્રેમી સરદારજીનું બહુમાન કરવાનું ફિલ્મઉદ્યોગને કે સરકારને સૂઝ્યું નથી. જો કે, હરમંદિરસીંઘને આ બાબતનો અફસોસ નથી. તેમને અફસોસ છે એક જ વાતનો. થોડા સમય અગાઉ કાનપુરમાં તેમને મળવાનું બન્યું ત્યારે તેમણે કહ્યું, “કાશ, હું દસ વરસ વહેલો જન્મ્યો હોત! તો એવા અનેક કલાકારોને હું મળી શક્યો હોત અને માહિતી મેળવી શક્યો હોત, જેઓ મેં કામ શરૂ કર્યું ત્યારે સદગત થઇ ગયા હતા.” આપણને અફસોસ જુદો થાય. ફિલ્મ કલાકારોને ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ/ Dadasaheb Phalke Award’ જેવું સર્વોચ્ચ સન્માન અપાય છે એ બરાબર, પણ તેમના પ્રદાનનો ખરેખરો ખ્યાલ જ ગીતકોશ થકી આવે છે. તો ગીતકોશના રચયિતાને આ એવોર્ડ કેમ નહીં?
એક માત્ર સન્માન |
**** **** ****
આજે હરમંદિરસીંઘ ‘હમરાઝ’ સાઠ વર્ષ પૂરા કરી રહ્યા છે, અને આ જ મહિને, ૩૦મી નવેમ્બરથી તેમની ‘સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડીયા’ની નોકરીમાંથી નિવૃત્ત પણ થઈ રહ્યા છે. તેમની આ નિવૃત્તિ બમણી પ્રવૃત્તિમય બની રહેશે, એ તેમના મિત્રો-ચાહકો જાણે છે. ‘હમરાઝ’ ખુદ કહે છે, “કામ તો ઘણું કરવું છે. અને હરીશભાઈ (રઘુવંશી) જેવા સાથે હશે તો ઘણું બધું કરવાની ઈચ્છા છે જ.” સંપાદકોની આ જોડી હિન્દી ફિલ્મસંગીતના રસિયાઓને ન્યાલ કરતી રહે, એવી અપેક્ષા તેમના ચાહકો રાખે એ અસ્થાને નથી.
આજે એમના એકસઠમા જન્મદિને ‘હમરાઝ’ને સ્વસ્થ જીવનની અનેક શુભેચ્છાઓ તેમજ અનેક અપેક્ષાઓ. ફોન પર તેમનો સંપર્ક +91 94509 36901 (આ નંબર ૩૦ નવેમ્બર, ૨૦૧૧ સુધી જ અમલમાં છે. ત્યાર પછી તેમનો સંપર્ક + 91 94154 85281 પર જ કરવો.) અથવા +91 512 228 1211 પર થઈ શકશે. ઈ-મેલ hamraaz18@yahoo.com દ્વારા તેમના સુધી પહોંચી શકાશે.
તેમનું સરનામું છે:
HAR MANDIR SINGH 'HAMRAAZ'
‘DREAMLAND’, H.I.G.-545,
RATAN LAL NAGAR,
KANPUR- 208 022.
हरमिँदरसिँघ 'हमराझ' के ईस भगीरथ कार्य के लिए संगीतरसिक लोग सदा ईनके रुणी रहेँगे।हमराझजी आप दिर्घायु एवं स्वस्थ जीवन व्यतित करो और आपका ये यज्ञ चलता रहे,यही शुभकामना हमारे दिल से निकलती है।
ReplyDeleteDear Har Mandir Sinh,
ReplyDeleteYou are really HAMRAAZ.
Hats off to your persivierance, Deligence and Sincerity.
All the best for your Long, Healthy, Joyful and Rewarding Life.
Best Regards,
Priyavadan Upadhyaya.
Canada.
Thank you very much for such great artical.
ReplyDeleteThis is really a BHAGIRATH deed which Harmandir ji have taken in hand and fulfilled with utmost care..
For details visit http://hamraaz.org/
ReplyDeletefound from http://www.indianscreen.com/
This comment has been removed by the author.
ReplyDeleteખૂબ જ સુંદર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર...
ReplyDeleteઅનન્ય વ્યક્તિત્વની ઓળખ આપતો અદભુત લેખ !
ReplyDelete