Wednesday, August 14, 2024

દમણપ્રવાસ (3): તપસ્વીઓ ગમે છે કેવળ વેદી પર

 દમણના કોટવિસ્તારમાં પગપાળા ફરતાં તેના દરિયા તરફના મુખ્ય પ્રવેશદ્વારને બિલકુલ અડકીને એક નાનકડું, આકર્ષક મકાન નજરે પડે છે. બેઠા ઘાટનું, નળિયાં ધરાવતું આ મકાન પોર્ચુગીઝ શૈલીનું છે એ જણાઈ આવે. મકાન જો કે, બંધ હાલતમાં છે, પણ તેનો જિર્ણોદ્ધાર થયેલો હોવાનો ખ્યાલ આવી જાય. નજીક જઈને જોતાં તેની પર પોર્ચુગીઝમાં લખાયેલી એક તકતી પણ જોવા મળી. તકતીનો ફોટો લઈ લીધો, અને ઘેર આવીને એ વિશે વધુ તપાસ કરતાં જણાયું કે આ મકાનમાં એક સમયે પોર્ચુગીઝ કવિ બોકાઝ/Bocage રહી ચૂકેલા.

તેમનું આખું નામ મનુઅલ મારીઆ બર્બોસા દ બોકાઝ. તેઓ અલ્મેન સડીનોના નામે કવિતા લખતા. ઈ.સ. 1786માં તેઓ પોર્ચુગીઝ નૌકાદળ તરફથી ગોવામાં નિયુક્ત થયા. કહેવાય છે કે એશિયામાં પ્રસરી રહેલા પોર્ચુગીઝ સામ્રાજ્યની ખ્યાતિ સાંભળીને તેઓ નૌકાદળમાં જોડાવા પ્રેરાયેલા. અલબત્ત, ભારત આવ્યા પછી તેમણે અસલિયત જોઈ, અને તત્કાલેન પોર્ચુગીઝ ગવર્નર અને ભારતના પોર્ચુગીઝ વાઈસરોયને તાકીને તેઓ વ્યંગ્યાત્મક સોનેટ લખવા માંડ્યાં. સ્વાભાવિકપણે જ તેમને ગોવા છોડવાની 'સલાહ' આપવામાં આવી. તેઓ 1789ના પૂર્વાર્ધમાં દમણ આવ્યા અને લેફ્ટનન્ટ તરીકે પાયદળમાં જોડાયા. સાવ ઓછા સમય માટે તે દમણમાં રહ્યા અને પછી મકાઉ ભાગી છૂટ્યા.
તેમની ગણના નવશાસ્ત્રીય પોર્ચુગીઝ કવિ તરીકે થાય છે.
સ્વપરિચય આપતી તેમની એક પોર્ચુગીઝ રચનાના એક અંશના અંગ્રેજી ભાષાંતરનો ગુજરાતી મુક્તાનુવાદ.
પાતળો, આંખો માંજરી, તામ્રવર્ણો ચહેરો,
આના પ્રમાણમાં પગ, મધ્યમ ઊંચાઈ,
ચહેરો ઉદાસ, અને એવી જ આકૃતિ,
વચ્ચે ઊભું છે નાનું નહીં, પણ ઊંચું નાક
પગમાં એને છે ભમરો,
નજાકતથી નહીં, પણ આવેશથી યુક્ત,
ફિક્કા હાથમાં પકડેલા ઘેરા રંગના કપમાંથી પીતો એ
જીવલેણ વિષ, નારકીય લિજ્જતથી
અર્પણ કરી છે ધૂપસળીઓ હજારો દેવીઓને
(મતલબ કે હજારો યુવતીઓને) એક ક્ષણમાં,
તપસ્વીઓ ગમે છે કેવળ (બલિદાનની) વેદી પર,
આ છે બોકાઝ, ઝળકે છે જેનામાં પ્રતિભા,
પ્રાપ્ત થયાં છે આ સત્યો ખુદ તેની પાસેથી,
એવા દિવસે, જ્યારે એ અનુભવતો હતો કંટાળો.
દમણમાં સાવ ટૂંકા ગાળા માટે રહેલા આ કવિના આવાસનો સ્કેચ.

No comments:

Post a Comment