Sunday, August 11, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-25): ચાઉમાઉના કથાકારે ઊપાડી સૂટકેસ

ચાઉમાઉનાં પરાક્રમોની કથાઓ અનંત છે. એમ થાય કે કહ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. કહેનાર કહેતાં ન કંટાળે, અને સાંભળનાર સાંભળતાં ન સૂઈ જાય એટલો રસ એમાં પડે છે. પણ આખરે આ પૃથ્વી પર દરેક જીવે પોતાનું અવતારકાર્ય કરવાનું હોય છે, આથી ચાઉમાઉની આ છેલ્લી કથા લખીને વિરામ લઈએ, જેથી સૌ પોતપોતાના કામધંધે પાછા લાગી શકે.

ચાઉમાઉને ચીનના નગરજનો સાથે હળવુંમળવું બહુ ગમતું. એ સૌને સવાલ પૂછતો, જવાબ સાંભળતો. સામે નગરજનો પણ ચાઉમાઉને સવાલ પૂછતા અને ચાઉમાઉ એના જવાબ આપતો. આ સવાલજવાબ મોટે ભાગે ‘કેમ છો?’, ’સારું છે.’, ‘બીજું શું ચાલે?’, ‘કંઈ નહીં. બેઠા છીએ.’ પ્રકારના રહેતા. ચાઉમાઉના હાથમાં વાંસનો બનેલો બાઉલ રહેતો. એ બાઉલમાં સૂપ ભરેલો રહેતો. ક્યારેક કોઈક ચીનો ચાઉમાઉને અણધાર્યો કે અનપેક્ષિત સવાલ પૂછે ત્યારે ચાઉમાઉ બાઉલ મોંએ માંડતો અને સૂપ ગટગટાવી જતો. એ પછી બોલતો, ‘આપણો સંબંધ ટકી રહેવો જોઈએ.’ ચાઉમાઉના આવા વાક્યનો પ્રતિકાર થઈ શકતો નહીં, કેમ કે, સૌ કોઈ આમ જ ઈચ્છતું. જો કે, લોકોને એ સમજાતું નહીં કે આમ કહેવામાં સૂપ ભરેલો આખો બાઉલ ગટગટાવી જવાની શી જરૂર હતી! ક્યારેક એમ પણ બનતું કે આવા સવાલ પૂછનારા વધી પડતા, અને ચાઉમાઉના બાઉલમાં સૂપ ખલાસ થઈ જતો, તેમજ એને ભરવાનો સમય પણ ન મળતો. એ સંજોગોમાં ચાઉમાઉ ખાલી બાઉલ મોંએ માંડતો અને એ ભરેલો હોવાનો અભિનય કરતો.
ચાઉમાઉની આ આદત એવી ચેપી નીવડી કે ધીમે ધીમે આખા ચીનમાં પ્રસરતી ચાલી.
ચીનના પતિઓ અધરાતમધરાતે લથડિયાં ખાતાં ઘેર આવે અને એમની પત્ની પૂછે, ‘ક્યાં ગુડાણા હતા?’ જવાબમાં ચીની પતિ પોતાના રોબમાંથી વાંસનો બનેલો બાઉલ કાઢીને મોંએ માંડતો અને સૂપ ન હોય તો પણ સબડકા બોલાવવાનો અભિનય કરતો. કહેતો, ‘આપણો સંબંધ ટકી રહેવો જોઈએ.’ આ સાંભળીને મોટા ભાગની ચીની પત્નીઓ ચૂપ થઈ જતી. પણ અમુક સામું પૂછતી, ‘એ તો જ ટકી રહેશે, જો તમે મારા સવાલનો જવાબ આપશો.’ બસ, આ સાંભળીને ચીની પતિ તાડૂકી ઉઠતો અને કહેતો, ‘સમ્રાટ ચાઉમાઉ કા અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન.’ આ સાંભળીને ચીની પત્ની ઓર અકળાતી અને બરાડતી, ‘તમે નશામાં છો. હિન્દુસ્તાન અને ચીનનો ફરક તમારે મન રહ્યો નથી.’ ચીની પતિ લથડતી જીભે કહેતો, ‘નથી રહ્યો તો નથી રહ્યો. પણ આ સૂત્રમાં ચીનનો પ્રાસ બેસતો નથી. તું જ વિચાર. ‘સમ્રાટ ચાઉમાઉ કા અપમાન, નહીં સહેગા ચીન’ બોલીએ તો જામે છે? બીજું એ કે આનાથી એમ પણ સાબિત થાય છે કે સમ્રાટની ધાક છેક હિન્દુસ્તાન લગી છે. ત્યાં તો રાત્રે છોકરાં રડે તો એની મા કહે છે....’ ચીની પત્ની લમણે હથેળી પછાડતી અને કહેતી, ‘ચીનની મા પોતાનાં રડતાં છોકરાંને હસાવવા ચાઉમાઉનાં ચિત્રો દેખાડે છે, ને છેક હિન્દુસ્તાનમાં એમ કહે કે સૂઈ જા, નહીંતર ચાઉમાઉ આવી જશે? ફેંકવામાં કંઈક તો માપ રાખો!’
ચીની પતિ દારૂના નશામાં શરીરનું સંતુલન ભલે ન જાળવી શકે, દિમાગનું સંતુલન બરાબર જાળવતો. તેને ખાતરી થાય કે પત્ની હવે દલીલ કરવાના મૂડમાં આવી ગઈ છે એટલે કહેતો, ‘અહીં જ હિન્દુસ્તાન અને ચીન જુદું પડે છે. અહીંનાં છોકરાં જે બાબતે હસે છે એનાથી ત્યાંનાં છોકરાં થથરે છે! બસ, આ જ ફરક છે ચીન અને હિન્દુસ્તાન વચ્ચેનો!’
ચીની પત્ની બોલતી, ‘ભઈસા’બ, મને તમારી જેમ દારૂ પીને દલીલ કરતાં નથી ફાવતું, પણ....’ આ સાંભળીને ચીની પતિ બોલતો, ‘તો દલીલ નહીં કરવાની! એ ક્યાં ફરજિયાત છે! દારૂ પીને ચૂપચાપ સૂઈ જવાનું. કશું ના થાય. શરબત જેવો જ લાગે.’ ચીની પત્ની કહેતી, ‘હા. એ ખરું, પણ મને લાગે છે કે હિન્દુસ્તાન અને ચીનનાં બાળકોમાં આટલો મોટો ફરક હોય નહીં! સાચું કહો, આવું તમે ક્યાં સાંભળ્યું?’ ચીની પતિ માંડમાંડ શરીરને ટેકો આપીને ઊભું રાખતો હતો. ઊંઘ પણ ચડી હતી. અઘરો સવાલ આવ્યો એટલે તેણે ફરી પેલો ખાલી બાઉલ કાઢ્યો, મોંએ માંડવા જતો હતો કે પત્નીને દયા આવી અને સામેથી બોલી ઉઠી, ‘આપણો સંબંધ ટકી રહેવો જોઈએ.’
બસ, એ સંવાદ સાથે હિન્દુસ્તાન અને ચીનનો ભેદ ભૂંસાઈ ગયો. ચીની પત્નીએ પોતાના પતિને ખભેથી પકડ્યો, ટેકો આપ્યો. આ જોઈને પતિ ગળગળો થઈ ગયો અને ફરી બોલ્યો, ‘સમ્રાટ ચાઉમાઉ કા અપમાન, નહી સહેગા હિન્દુસ્તાન’. ચીની પત્ની બોલી, ‘ઈન મીન નેએએએ....’ ચીની પતિએ જોરથી કહ્યું, ચી....ઈઈઈઈન.’
એ પછી બેઉએ ખાધું, પીધું અને લીલાલહેર કરી.
તો સુજ્ઞજનો, આ સાથે ચાઉમાઉની કથા વિરામ લે છે. કથાકાર સૂટકેસ ઊપાડીને જવા નીકળે છે. ક્યાં જશે, આ વિરામ કામચલાઉ છે કે કાયમી એ ચાઉમાઉ નક્કી કરશે, પણ આપે તેને શ્રદ્ધા સાથે વાંચી હશે, અને માણી પણ હશે તો એનો અનેકગણો બદલો આપને મળશે.
મોંગોલિયામાં એક જણે આ તમામ કથાની પારાયણનું આયોજન કર્યું તો થોડા જ મહિનામાં મોંગોલિયામાં પણ એવો શાસક ગાદીએ આવ્યો કે જેણે ચાઉમાઉનેય ભૂલવાડી દીધો. ચીનથી સહેજ દૂર આવેલા યુક્રેન નામના દેશમાં એક પરિવારે આ કથાઓ વાંચી અને એને હસી કાઢી. પરિણામે એ દેશમાં જે શાસક ગાદીએ આવ્યો એણે ચાઉમાઉની યાદ અપાવી દીધી. આમ, સૌ જેવી શ્રદ્ધા સાથે વાંચે એ મુજબ એને ફળ મળે છે.
આ કથાઓને પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવાની વિનંતી ન કરવી, કેમ કે, મંચુરિયા દેશમાં એક મોટીવેશનલ સ્પીકરે આ કથા પુસ્તકરૂપે છપાવી, તો એની બધી જ નકલો વેચાઈ ગઈ, પણ કઝાખસ્તાનના એક ધનપતિએ આ કથાઓ ગમી હોવા છતાં એ પુસ્તકરૂપે ન છપાવી તો એ લખપતિ થઈ ગયો. અગાઉ એ કરોડપતિ હતો.
આમ, ચાઉમાઉના પરચા અપાર છે. એને મન ચીન, હિન્દુસ્તાન, તુર્કી, યુક્રેન, કઝાખસ્તાન જેવા ભૌગોલિક ભેદ નથી. એ તો પૃથ્વીના દરેક સ્થળે, દરેક કાળે અવતાર લે છે. લોકો એને અવતાર ગણે કે પનોતી, ચાઉમાઉઓ એનાથી પર હોય છે. બસ, તેઓ અવતાર લે છે, લોકોને હસાવવાનું પોતાનું અવતારકાર્ય સંપન્ન કરે છે, અને ઈતિહાસના પાને નોંધાઈ જાય છે, એ યાદ કરાવવા કે ‘સંભવામિ યુગે યુગે’.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

1 comment: