Wednesday, August 7, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન- 21): ચીની સંતો, ચીની ભક્તો અને ચાઉમાઉ

ચાઉમાઉ ધર્મપ્રિય રાજવી હતો. તેને સંતસમાગમ (સમાસવિગ્રહ: સંત અને સમાગમ) ખૂબ ગમતો. સંત પાસે ન હોય ત્યારે તે સમાગમમાં વ્યસ્ત રહેતો. આ કારણે ચીનના સંતો રાજપ્રિય હતા. તેઓ પણ રાજા પાસે ન હોય ત્યારે સમાગમમાં મગ્ન રહેતા. 'સમાગમ' શબ્દ ચીનમાં ખૂબ લોકપ્રિય હતો. કોઈક તેને માટે 'સત્સંગ' શબ્દનો ઉપયોગ કરતું, કોઈક 'સમાધિ' શબ્દ વાપરતું, કેટલાક આધુનિક સંતો 'નાઈટ મેચ' જેવો શબ્દ પણ વાપરતા. આમ, ચીનમાં વિવિધ કોટિ સંતોનું ચલણ હતા. 'ચલણ' પરથી યાદ આવ્યું કે અમુક સંતોને લોકો લાડથી 'મોટી નોટ', 'ફાટલી નોટ', 'ખોટો સિક્કો' જેવાં વિશેષણોથી પણ સંબોધતા. એમ કરવામાં એ સંતો પ્રત્યે લોકોનો આદરભાવ છતો થતો.

ચાઉમાઉના રાજના સંતોમાં અનેક પ્રકારનું વૈવિધ્ય જોવા મળતું. એવા એક સંત પૂ. ન્યૂ રા ધૂપનો પરિચય અગાઉ અપાઈ ચૂક્યો છે. બીજા એક સંત હતા લો લુ પકામી. આ સંતનો દેખાવ એકદમ વિકરાળ હતો, અને તેમનો અવાજ પણ દેખાવને અનુરૂપ. લોકો તેમનાથી ડરતા પણ ખરા, કેમ કે, તેઓ તંત્રવિદ્યા જાણતા હોવાનો દાવો કરતા અને જેની પર ગુસ્સો કરે એને વંદો, ગરોળી, ઉંદર વગેરેમાંથી કંઈ પણ બનાવી દેતા. અલબત્ત, આવી અને એની વાઈસેવર્સા સિદ્ધિ તો ચીનમાં અનેક સંતો પાસે હતી, પણ આ સંતથી ડરવાનું વિશેષ કારણ એ હતું કે આ રીતે વંદો, ગરોળી કે ઉંદર બનાવ્યા પછી તેમના અનુયાયીઓ ચાઈનીઝ રાઈસમાં ભેળવીને એને 'પ્રસાદ' તરીકે વહેંચી દેતા, અને એની પાછા માણસ બનવાની શક્યતા શૂન્ય થઈ જતી. આ પરંપરા પરથી ભારતના ગીતકાર કમર જલાલાબાદીએ વરસો પછી એક ગીત લખેલું, જેમાં એકાદ શબ્દનો ફેર કરેલો. એ ગીત હતું: 'એક દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ યહાં ગીરા, કોઈ વહાં ગીરા'. સુજ્ઞજનો આ ગીતનું ચીની અનુસંધાન તરત પામી શકશે.
ચીનના અન્ય એક સંત વ્યવસાયી હતા, જેમનું નામ હતું કો મેડી અન. પોતાના નામમાં 'મેડી' આવતું એને અનુરૂપ તેમણે ચીની ઔષધિઓ(મેડીસીન)નો ઉદ્યોગ સ્થાપેલો. ચીની ઔષધ પરંપરા અને ધ્યાન પરંપરાના તેઓ વાહક મનાતા. આમ તો તેમનું મુખ્ય લક્ષ્ય જિનસેંગ વેચવાનું હતું, પણ એમાં તેઓ સ્ટેરોઈડ ભેળવતા. ચાઉમાઉનો તેમને સીધો આશ્રય હતો.
ખુદ ચાઉમાઉનો જેમને સીધો આશ્રય હોય એવા સંતોને પૂજવામાં ચીનાઓ પાછા પડે? આને કારણે પ્રત્યેક ચીની ભક્તની મહત્ત્વાકાંક્ષા રહેતી કે પોતાનો દીકરો મોટો થાય અને પોતાની જેમ જ અમુકતમુક સંતનો પ્રખર અનુયાયી બને. દીકરીઓ માટે ચીનાઓ આવી મહત્ત્વાકાંક્ષા ન રાખતા. કેમ કે, દીકરીઓ મોટી થાય એ પહેલાં જ તેમને ચીની સંતોની સેવામાં મોકલી દેવાતી.
કાળક્રમે કેટલાક ચીની સંતોને રાજકીય મહત્ત્વાકાંક્ષા જાગી, તો સામે પક્ષે સંતસમાગમને કારણે ચાઉમાઉને પણ આધ્યાત્મિક મહત્ત્વાકાંક્ષા જાગી. તેણે જાહેર કર્યું કે પોતે કોઈ રાજાબાજા નથી, પણ લામા છે. પોતાને મન થશે ત્યારે તે પોતાનો રોબ ફગાવીને નીકળી પડશે.
આ સાંભળીને ચીની સંતો ગેલમાં આવી ગયા, પણ તેમને એક વાંધો પડ્યો. 'લામા' એ બૌદ્ધ ધર્મનો શબ્દ છે. ચાઉમાઉ પોતે લામા હોવાનું જાહેર કરે તો એની સીધી અસર પોતાની દુકાનો પર, એટલે કે પોતાના અનુયાયીઓ પર થાય અને એ બધા બૌદ્ધધર્મી સાધુઓના ચેલા બનવા હડી કાઢે. આથી ચીની સંતોનું મંડળ ચાઉમાઉને મળવા ગયું. તેમણે એક અવાજે રજૂઆત કરી કે હે રાજન! અમે ભલે સંસાર ત્યાગી દીધેલા છીએ, પણ અમારો વંશ નિર્મૂળ થવાનો નથી. આપ તો રાજવંશી છો, આપ લામા બની જશો તો...."
ચાઉમાઉ મંડળની વાત સાંભળીને હસી પડ્યો અને બોલ્યો, "બાવલાઓ, તમે એમ ધારો છો કે હવે હું બૌદ્ધ મઠોને સબસિડી આપીશ અને તમને બંધ કરી દઈશ? હું લામો હોઉં, રામો હોઉં કે પાયજામો હોઉં, આ રોબ કદી ફગાવવાનો નથી, સમજ્યા ને! આ તો રાજા હોઈએ એટલે અમુક જુમલા ફટકારવા પડે, સમજ્યા? જાવ, તમતમારે મોહમાયામાં ધ્યાન પરોવો અને ભક્તોને વિરક્તિનો ઉપદેશ ચાલુ રાખો. ડોન્ટ વરી, બી હેપ્પી."
ચાઉમાઉ અંગ્રેજી બોલે એટલે સંતો સમજી જતા કે એ મજાકના મૂડમાં છે. કેમ કે, સાચું અંગ્રેજી એ ગમ્મતમાં જ બોલી શકતો.
ચીની સંતોના મંડળે 'શંગ યી ચાઉમાઉ' (ચાઉમાઉનો જય), 'છાંગમીંગ ચાઉમાઉ' (ચાઉમાઉ ઝિંદાબાદ)ના પોકારો કર્યા. ચાઉમાઉએ હાઉવાઉને હુકમ કર્યો, 'હાઉવાઉ, આ બધા બાવલાઓને બબ્બે જોડી લંગોટી વધારાની આપજો. ગમે ત્યાં ખોઈ આવે છે!"
સંતમંડળે ફરી એક વાર ચાઉમાઉનો જયઘોષ કર્યો. ચીનનો રાજા ચાઉમાઉ ઉદાર અને ધાર્મિક હતો. આથી તેના રાજમાં સંતો સુખી હતા. રાજા ધાર્મિક, સંતો સુખી, એટલે લોકોને લીલાલહેર જ હોય ને!
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

No comments:

Post a Comment