Thursday, August 8, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-22): ચાઉમાઉનો ભવ્યતાપ્રેમ

ચાઉમાઉ મૂળભૂત રીતે ભવ્યતાનો પ્રેમી હતો. કોઈ પણ ચીજ અંદરથી ભલે ખાલી હોય, પણ બહારથી ભવ્ય દેખાવી જોઈએ એમ તે માનતો. આને કારણે તેણે ગાદી સંભાળતાંની સાથે જ સમગ્ર રાજનું નવિનીકરણ કરી દીધું. એટલે કે એકે એક વિભાગ, એના મંત્રી, અધિકારી વગેરેનાં નામ અને હોદ્દાનાં નવાં નામ પાડ્યાં. જેમ કે, શિક્ષણવિભાગનું નામ વિદ્વત્તાવિભાગ કર્યું અને એમાં કામ કરતા તમામ કર્મચારીઓના હોદ્દા પાછળ ‘વિદ્વાન’ લગાવવાનું કહ્યું. સૌથી ઉપલા હોદ્દે વરિષ્ઠ વિદ્વાન અને સૌથી નીચલા હોદ્દે રંગરુટ વિદ્વાન. આ બન્ને વચ્ચે આવતી તમામ શ્રેણીના અનેક વિદ્વાનો જોવા મળતા. એ જ રીતે નાણાંવિભાગનું નામ બદલીને કરોડપતિ વિભાગ રાખ્યું. એ વિભાગમાં પણ વરિષ્ઠ કરોડપતિથી લઈને રંગરુટ કક્ષાના અનેક કરોડપતિ કર્મચારીઓ થયા.

સાંસ્કૃતિક વિભાગ તેને અતિ પ્રિય હતો. તેનું નામ શું રાખવું એ બાબતે તેણે અન્ય તમામ વિભાગોના વડાઓની સભા બોલાવી. આ વડાઓ અત્યંત લાયક અને કાર્યશીલ હતા. તેમની મુખ્ય લાયકાત ચાઉમાઉનો પડ્યો બોલ ઝીલવાની અને ‘તુમ દાલ કો અગર ભાત કહો, ભાત કહેંગે’ કહેવાની હતી. લાયકાત એ જ ચીનમાં કાર્યશીલતા ગણાતી, કાર્યશીલતા વફાદારી ગણાતી, વફાદારી દેશપ્રેમ ગણાતી, અને દેશપ્રેમનો અર્થ થતો ચાઉમાઉપ્રેમ. ચાઉમાઉએ સૌ વડાને સાંસ્કૃતિક વિભાગના નવા નામ માટે સૂચન આપવા જણાવ્યું. એક પછી એક સૂચન આવવા લાગ્યાં. જેમ કે, ફેક મફે ક વિભાગ, લો લમ લોલ વિભાગ, ગ પોડી વિભાગ વગેરે. ચાઉમાઉને બધાં નામ ગમ્યાં, પણ હજી તેનું મન માનતું નહોતું. તેણે સૌને બીજા દિવસે વધુ વિચાર કરીને ફરી આવવા જણાવ્યું.
વિભાગીય વડાઓને બિચારાને વિચાર કરવો એટલે શું એનો અભ્યાસ નહોતો. તેઓ ખોરાકમાં માત્ર નમક લેતા, જે ચાઉમાઉના રસોડામાંથી સીધું જ તેમને ત્યાં પહોંચાડાતું. માત્ર નમક ખાતા રહેવાને કારણે તેમના દિમાગના કેટલાક કોષો વિકસ્યા જ નહોતા. તેઓ વારેવારે ચાઉમાઉને કહેતા, ‘અમે તમારું નમક ખાધું છે.’ ચાઉમાઉ મલકાતો અને કહેતો, ‘હવે ગોળીઓ ખાજો.’ આ સાંભળીને વિભાગીય વડા જોરથી હસતા.
બીજા દિવસે સૌ ભેગા થયા અને ફરી એક વાર નામ સૂચવવાનો સીલસીલો ચાલ્યો. ચાઉમાઉ જોતો કે ચીનના વિભાગીય વડાઓ બહુ મથતા, પણ તેમને નવાં નામ સૂઝતાં નહોતાં. એમ નહોતું કે તેઓ કામચોર હતા. ચાઉમાઉ જાણતો હતો કે તેઓ ચોર હશે, પણ કામચોર હરગીઝ નહીં. કેમ કે, કામચોરી માટે ચીનમાં ચોરી કરતાંય આકરી સજા હતી. ચોરી કરનારને ચીની સુરક્ષા દળમાં મોકલી દેવામાં આવતો અને તેનું પોસ્ટિંગ ચીનની દીવાલ પર થતું. ચીનની દિવાલ પર સ્થિતિ એવી હતી કે ત્યાં વાત કરવા માટે સુદ્ધાં કોઈ માણસ મળતું નહીં. આથી ત્યાં આમ કરનારા મોટા ભાગના કર્મચારીઓ જાત સાથે સંવાદ કરતા થઈ જતા, જેને ચીનના તબીબો ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા ગણાવતા, પણ સામાન્ય લોકો એમને ‘પાગલ’ માનતા. અલબત્ત, ચીનમાં કોઈને જાહેરમાં ‘પાગલ’ કહી શકાતું નહીં, એટલે તેમને ‘કર્મયોગી’ જેવા અધિકૃત નામે ઓળખવામાં આવતા. કામચોરી કરનાર કર્મચારીને આવા કર્મયોગીઓની શિબિરનું સંચાલન કરવાનો હવાલો સોંપાતો.
આને કારણે ચીનમાં ચોરી કે કામચોરી નહીં, પણ શિરજોરી ફૂલીફાલી હતી. શિરજોરીને પ્રાયોગિક ધોરણે સમજાવી શકાય, પણ સૈદ્ધાંતિક રીતે સમજાવવી મુશ્કેલ છે. સાદી ભાષામાં કહી શકાય કે ‘લાજવાને બદલે ગાજવું’ એટલે શિરજોરી. ચાઉમાઉ પોતે શિરજોરીનો પ્રેમી હતો. તેણે કરેલાં શિરજોરીનાં ઉદાહરણો ચીનનાં પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓને ભણવામાં આવતાં.
મૂળ વાત એ હતી કે સાંસ્કૃતિક વિભાગ માટે ચાઉમાઉને ફક્કડ નામ જોઈતું હતું. ચાઉમાઉએ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધાની ઘોષણા કરાવડાવી અને સૌ ચીનીઓને પોતાના દેશના ગૌરવ કાજે સાંસ્કૃતિક વિભાગનું નવું નામ સૂચવવા અનુરોધ કર્યો. ચીનમાં વિવિધ વિભાગીય વડાઓની વિચારશીલતાની આવી હાલત હોય ત્યાં સામાન્યજનનું શું ગજું!
છેવટે પ્રબુદ્ધ દેખાતા અબુધ સાહિત્યકાર હૂ કાય છૂને યાદ કરવામાં આવ્યા. તેમણે પોતાને લમણે પોતાની પ્રથમ આંગળી મૂકી. બાકીની ત્રણ આંગળીઓને વાળી. ઘુવડ જેવી મુખમુદ્રા કરી. આ મુદ્રામાં તેઓ એટલા પ્રબુદ્ધ જણાતા હતા કે ભલભલા છેતરાઈ જાય. કશુંક વિચારી રહ્યા હોવાનો દેખાવ કરીને તેમણે કહ્યું, ‘પૂરી એક મિનીટ અને સવા ચોત્રીસ સેકન્ડ વિચાર કર્યા પછી....” હજી તેઓ વાક્ય પૂરું કરે એ પહેલાં જ ચાઉમાઉ તાડૂક્યો, “આને એટલે જ હું બોલાવતો નથી. કાયમ આ રીતે જ પકાવે છે.” હૂ કાય છૂએ ચહેરા પરથી પ્રબુદ્ધતાનું આવરણ હટાવ્યું અને અબુધપણે મલકાયા. કહે, “નામદાર, મારું એક જ સૂચન છે.” ચાઉમાઉ કહે, “એક હોય કે હજાર, ઝટ ભસી મર.” છૂએ હવે શ્વાન જેવી મુખમુદ્રા કરવાનો પ્રયત્ન કર્યો અને હોઠ સહેજ વંકાવીને ‘ભાઉ ભાઉ’ કરવા જતા હતા કે હાઉવાઉએ કહ્યું, “નામદાર ભસવાનું નહીં, ભસી મરવાનું કહે છે.” હૂ કાય છૂના મનમાં અજવાળું થઈ ગયું. તેમણે એક શ્વાસે કહ્યું, “સાંસ્કૃતિક વિભાગનું નામ બદલીને ચાઉમાઉ વિભાગ જ રાખવું જોઈએ. કેમ કે, ચાઉમાઉ એ સંસ્કૃતિનો પર્યાય છે અને સંસ્કૃતિ ચાઉમાઉનો. તાઓના ગ્રંથ નંબર પાંચની છઠ્ઠી આવૃત્તિના પૃષ્ઠ નંબર એકસો ને...” ચાઉમાઉ એટલો અકળાઈ ગયો કે એણે જોરથી રાડ પાડી, “બસ કરો, હવે. આજથી તમારું નામ બદલીને ‘હૂ કાય છૂ’ને બદલે ‘તૂ કાય ની’ રાખવામાં આવે છે. મને એમ કે, તમે નથી બોલતા તો જરા પ્રબુદ્ધ દેખાવ છો. પણ જોયું કે તમે ન બોલો એમાં જ તમારી ગરિમા છે, સમજ્યા ને!” હૂ કાય છૂએ બે હાથ જોડ્યા અને કહ્યું, “નામદાર, આ તો મેં અમેરિકાની વેસ્ટવર્ડ યુનિવર્સિટીમાં પ્રવચન આપવા માટે જે નોંધ કરેલી એ આપને જણાવતો હતો.” ચાઉમાઉ કહે, “હજી મને પ્રભાવિત કરવા જાવ છો કે તમારી અમેરિકામાં બહુ ડિમાન્ડ છે ને તમને ભાષણો ઠોકવા લોકો બોલાવે છે! રાજા આગળ આવું કરો છો તો ભૂંડા લાગો છો. જાવ હવે!”
હૂ કાય છૂ સ્થિતપ્રજ્ઞ બની રહ્યા. શું કરવું એની તેમને ખબર હતી. તેમણે પોતાની મુખમુદ્રા ઘુવડ જેવી હતી એને ચીબરી જેવી કરી. પછી સહેજ હસીને કહ્યું, “નામદારનો જય હો!”
ચાઉમાઉ હવે હસી પડ્યો. બોલ્યો, “હા, હવે! તમે અત્યાર સુધી જે કર્યું છે એ હું ભૂલું એમ નથી. તમને ડ્રેગનશ્રીનો એવોર્ડ આપવાનું આ વરસે નક્કી જ છે, હોં!”
હૂ કાય છૂએ લમણા પરથી આંગળીને નીચે ઊતારી. તેમનું સૂચન સ્વીકારાઈ ગયું અને સાંસ્કૃતિક વિભાગ ચાઉમાઉ વિભાગ તરીકે ઓળખાવા લાગ્યો.
નવું નામ, અને એ પણ પોતાના રાજાનું, મળતાં ચીનાઓ રાજીરાજી થઈ ગયા. ચાઉમાઉના રાજમાં સૌને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

1 comment: