Thursday, August 1, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-15): ચીની સાહિત્યકારોએ ઝીલેલો પડકાર

ચાઉમાઉ પુસ્તકવાંચનનો ખૂબ શોખીન હતો. અઘરા અઘરા, ઝટ સમજાય નહીં એવા વિષય પરનાં પુસ્તકો તે રાજના ખર્ચે વસાવતો. આનું કારણ એ હતું કે આવાં પુસ્તક લઈને તે રાત્રે પથારીભેગો થાય અને બે- ચાર લીટી વાંચે ન વાંચે કે એને ઊંઘ આવી જતી. બીજા દિવસે સવારે એ પુસ્તક રાજ્યના પુસ્તકાલયમાં પહોંચાડી દેવામાં આવતું. રાતે ફરી નવું પુસ્તક અને ફરી એ જ ઝપાટાભેર ઊંઘ! પૂરતી ઊંઘ લેવાને કારણે તેનું સ્વાસ્થ્ય સારું રહેતું. તેને થતું કે પોતાનું જ નહીં, પોતાના રાજના નાગરિકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેવું જોઈએ. સૌ ચીની નાગરિકો પુસ્તક વાંચતાં થાય તો તેમને તરત ઊંઘ આવી જાય અને પૂરતી ઊંઘ મળે તો તેઓ સ્વસ્થ રહી શકે.

ચાઉમાઉના મનમાં એક વિચાર ઝબકે એટલે તેનો અમલ થયે જ છૂટકો. ચાઉમાઉના રાજના આયોજનને સરખાવવું હોય તો કહી શકાય પહેલાં ત્યાં રેલવેનું એન્જિન લાવી દેવાતું. પાટાબાટા ભલે પછી આવવાના હોય તો આવે. ચીનમાં આવતા વિદેશી પ્રવાસીઓને એ જોઈને બહુ આશ્ચર્ય થતું કે ચીનમાં લોકો(મોટિવ)શેડ પુષ્કળ જોવા મળે છે, પણ રેલવેલાઈન ક્યાંય દેખાતી નથી! એ જ તો ચાઉમાઉના આયોજનની કમાલ હતી! લોકો અમથા લીલાલહેર કરતા હશે?
ચાઉમાઉને લાગ્યું કે ચીનીઓએ સારા સ્વાસ્થ્ય માટે અઘરાં પુસ્તકો વાંચવા જોઈએ. તેણે ફરમાન બહાર પાડ્યું કે સૌ ચીની નાગરિકોએ અઘરું પુસ્તક ખરીદવું અને એની ખરીદીનું બીલ નજીકની શાળાના આચાર્ય સમક્ષ રજૂ કરવું. શાળાના આચાર્યે તેમને એક પ્રમાણપત્ર આપવું, જેની એક નકલ ચાઉમાઉના રાજના શિક્ષણ વિભાગને મોકલવી. આ બધી વ્યવસ્થા સાવ સહેલી હતી, કેમ કે, ચીની શાહુકારો નકલી બીલ, પ્રમાણપત્ર વગેરે બનાવવામાં ઉસ્તાદ હતા. પણ ચાઉમાઉની ધાક એટલી બધી હતી કે તેની મંજૂરી વિના કોઈ સ્વતંત્રપણે સદાચાર આદરી શકતું નહીં. સદાચાર માટે પણ ચાઉમાઉના ‘સદાચાર વિભાગ’માંથી લાઈસન્સ લેવું પડતું. ચીની સદાચાર વિશ્વમાં અન્યત્ર ‘ભ્રષ્ટાચાર’ તરીકે ઓળખાતો, કેમ કે, એ દેશોના શાસકો પાસે આવી વ્યવસ્થાશક્તિ નહોતી.
મૂળ મુદ્દો હતો અઘરાં અને ન સમજાય એવાં પુસ્તકોનો. આવાં પુસ્તકો રાતોરાત લાવવા ક્યાંથી? ચાઉમાઉને આ સમસ્યાની આગોતરી જાણ ન હોય એમ બને? તેણે ફરમાન બહાર પાડ્યું કે રાજના તમામ સાહિત્યકારોએ શક્ય એટલી ઝડપથી અઘરાં અને ન સમજાય એવાં પુસ્તકો લખી કાઢવા. એના પ્રકાશનની વ્યવસ્થા રાજ કરશે. આ જાણીને લેખકો ગેલમાં આવી ગયા, કેમ કે, ચાઉમાઉના રાજમાં પુસ્તકો લખવાનો તેમનો મહાવરો લગભગ છૂટી ગયો હતો. આનું કારણ એ કે ઘણા સમયથી તેઓ ‘ચાઉમાઉચાલીસા’, ‘ચીનગુરુ ચાઉમાઉ’, ‘દિવ્યપુરુષ ચાઉમાઉ’, ‘ચાઉમાઉનામા’ વગેરે જેવી નાની નાની પુસ્તિકાઓ લખવા લાગ્યા હતા. આ પુસ્તિકાઓનું પ્રકાશન રાજના ‘સંરક્ષણ વિભાગ’ દ્વારા કરવામાં આવતું, જેનો વડો દીવાન હાઉવાઉ હતો. આથી આ લેખકોએ પહેલાં ‘હક્કા નૂડલના પિતામહ હાઉવાઉ’, ‘હટકે હૈ યે હાઉવાઉ’, ‘ચીનનો ચાણક્ય હાઉવાઉ’, ‘હવેલી હાઉવાઉની, ચમેલી ચાઉમાઉની’ પ્રકારની પુસ્તિકાઓ લખવી પડતી. અલબત્ત, હાઉવાઉ સુધી તેમનાથી સીધા જવાતું નહીં. એ અગાઉ સેનાપતિ કાઉકાઉ પાસે નોંધણી કરાવવી પડતી. આથી તેમણે ‘કવિ કાઉકાઉ’, ‘કાઉકાઉનું કટક’, ‘કાઉકાઉ કહે છે’, ‘કાઉકાઉએ કહેલું’, ‘કાઉકાઉ કહેશે’ વગેરે શિર્ષક ધરાવતી પુસ્તિકાઓ પણ લખવી પડતી. આને કારણે તેમને બીજું કશું વાંચવા કે લખવાની નવરાશ ન મળતી. પણ એક વાર આ તમામ કોઠા વટાવીને પુસ્તક ચાઉમાઉ સુધી પહોંચે અને રાજનો સંરક્ષણ વિભાગ તેને મંજૂર કરે એ પછી લેખકોનું જીવન બની જતું. કેમ કે, તેમની કૃતિઓ પાઠ્યપુસ્તકમાં લેવાતી. આ જ તેમનો સૌથી મોટો સરપાવ! જીવનનિર્વાહ માટે તેઓ છૂટક મજૂરી કરી લેતા.
હવે ચાઉમાઉએ એ સહુને અઘરાં અને ન સમજાય એવાં પુસ્તક લખવાનું ફરમાન કર્યું અને એ પણ ઝડપથી! ચીની સાહિત્યકારો ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે ચીની પંડિત હ્યુએન ત્સાંગ, ફાહિયાન જેવા ચીની પંડિતોનાં થોથાં ફંફોસવા માંડ્યાં. એમાંથી તેમણે સીધેસીધા ઊતારા કરવા માંડ્યા. તેમને એમાંથી એક અક્ષર સુદ્ધાં પલ્લે પડતો નહોતો, અને એ જ આ ઝુંબેશનું મુખ્ય આકર્ષણ હતું.
આખરે પુસ્તકો લખાઈ રહ્યાં. સાહિત્યકારોનું પ્રતિનિધિમંડળ ચાઉમાઉને મળવા ગયું. એમાં પીઢ, યુવાન, બાળક એમ તમામ બુદ્ધિક્ષમતા ધરાવતા સાહિત્યકારો હતા. ચાઉમાઉને મળીને તેમણે પોતે પાર પાડેલા પ્રકલ્પ વિશે જણાવ્યું. તેમને એમ કે ચાઉમાઉ ખુશ થશે, શાબાશી આપશે. તેને બદલે ચાઉમાઉએ બાજુમાં ઊભેલા હાઉવાઉને પૂછ્યું, ‘અરે હાઉવાઉ, આ લોકોને આવું બધું લખવા કોણે કહેલું?’ હાઉવાઉએ ચાઉમાઉ સામું જોયું. પ્રતિનિધિમંડળ સામું જોયું. પછી બોલ્યો, ‘મહારાજ, આ લોકો હવે લખવામાં રહ્યા નથી. એમને મન ફાવે એવું લખે છે. આવું અઘરું અને ન સમજાય એવું કોઈ લખે તો એને વાંચવાનું કોણ?’ ચાઉમાઉએ કહ્યું, ‘કાઉકાઉ ક્યાં?’ પડદા પાછળથી કાઉકાઉ હાજર થયો. ચાઉમાઉએ કહ્યું, ‘કાઉકાઉ, આ લોકોએ લખેલાં તમામ પુસ્તકો જપ્ત કરી લો.’ કાઉકાઉએ ગરદન હલાવી. પ્રતિનિધિમંડળ ઘડીમાં ચાઉમાઉની, ઘડીક હાઉવાઉની, તો ઘડીક કાઉકાઉની સામું જોતું હતું. આ શું ચાલી રહ્યું છે એ એમને સમજાતું નહોતું. કેવળ ટી પ લ્યૂસ નામના એક બુઝુર્ગ સાહિત્યકાર સ્વસ્થ ઊભેલા.
અચાનક ચાઉમાઉ હસી પડ્યો. એ જોઈને હાઉવાઉ પણ હસ્યો. એને જોઈને કાઉકાઉ હસવા લાગ્યો. ત્રણેને હસતા જોઈને પ્રતિનિધિમંડળ પણ હસવા લાગ્યું. ચાઉમાઉએ એમને કહ્યું, ‘તમે સાહિત્યકાર છો. થોડું સ્વાભિમાન, સ્વમાન જેવું રાખો. આમ ગભરાઈ જવાતું હશે? કાલે ઉઠીને તમને વિદેશના કવિસંમેલનમાં મોકલવામાં આવે તો તમે ચીનનું નામ જ બોળો ને!’
ટી પ લ્યૂસ આગળ આવ્યા. બોલ્યા, ‘નામદાર, અમને સ્વમાન પણ છે, અને સ્વાભિમાન પણ! છતાં એ ચીનથી મોટું નથી. કદાચ ચીનથી મોટું હોય તો પણ સમ્રાટ ચાઉમાઉથી મોટું તો નથી, નથી અને નથી જ.’
આ સાંભળીને ચાઉમાઉ બોલ્યો, ‘ચાઉમાઉ ખુસ હુઆ, ડોહા. તમારું નામ હું કાયમ ભૂલી જાઉં છું. એ જે હોય એ, પણ તમારા આ રંગરુટોને આવું બધું શીખવાડો. પ્રતિનિધિમંડળની ગરિમા, અસ્મિતા એટલે શું એ સમજાવો.’
ટી પ લ્યૂસ ચાઉમાઉના ચરણોમાં રીતસર આળોટ્યા. પ્રતિનિધિમંડળ પણ એમને અનુસર્યું. ચાઉમાઉએ કહ્યું, ‘બસ, હવે! તમને ‘ચીનભૂષણ’ તો અપાઈ ગયો ને? કે બાકી છે?’ લ્યૂસ કહે, ‘નામદાર, મને હવે કોઈ એવોર્ડની ખેવના નથી. બસ, આપના ચરણોમાં સ્થાન મળે પછી....’ ચાઉમાઉ કહે, ‘એટલે તમારે મારી મોજડી બનવું છે, ડોહા?’ લ્યૂસ હસી પડ્યા. ચાઉમાઉ પણ હસી પડ્યો. બોલ્યો, ‘આવું બધું એવોર્ડના સમારંભ માટે બાકી રાખો ને! અહીં શું કામ ઠપકારો છો?’ લ્યૂસ મલકાઈને કહે, ‘મને ફાવે છે કે નહીં એ ચકાસતો હતો.’
સૌ હસી પડ્યા. ચાઉમાઉ, હાઉવાઉ અને કાઉકાઉએ પ્રતિનિધિમંડળને દરવાજાની દિશા દેખાડી. ‘સમ્રાટ ચાઉમાઉનો જય!’ બોલતાં પ્રતિનિધિમંડળે વિદાય લીધી.
બહાર નીકળીને એમાંના એક સભ્યે લ્યૂસસાહેબને કહ્યું, ‘સાહેબ, હું તો બે ઘડી ગભરાઈ ગયેલો. મેં જ લખેલા ‘ચાઉમાઉચાલીસા’ બોલવા હું જતો હતો. પણ તમે ખરે ટાણે બાજી સંભાળી લીધી. હવે ‘ચાઉમાઉ સાહિત્ય ટોળકી’ના આજીવન પ્રમુખ તમે જ રહેજો, ભઈસા’બ.’
ટી પ લ્યૂસ બોલ્યા, ‘ચાઉમાઉનો જય!’ પ્રતિનિધિમંડળના બાકીના સભ્યોએ પણ ઝીલ્યું, ‘ચાઉમાઉનો જય!’ રસ્તા પરથી પસાર થતા બાકીના લોકોએ પણ સાદ કર્યો, ‘ચાઉમાઉનો જય!’
રસ્તે પસાર થતા લોકો સકારણ-અકારણ પોતાના રાજાનો જયઘોષ કરે એનો અર્થ જ એ કે ચાઉમાઉના રાજમાં સૌને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

1 comment: