Tuesday, August 6, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન- 20) : ચાવીવાળો મગર, ચીની સમુદ્ર અને ચાઉમાઉ

 ચાઉમાઉને મન બધા જીવ સમાન હતા, પણ કેટલાક જીવ અન્યો કરતાં વિશેષ સમાન (more equal than others) હતા. ચીની ભોજન પરંપરા અનુસાર તે માનતો કે હાલે એ બધું ચાલે. એનો અર્થ એ કે જે જીવ (હાલી)ચાલી શકે છે એ તમામ ભોજનમાં ચાલી શકે. બાળપણમાં તેના શિક્ષકોએ આ બરાબર ગોખાવેલું. એ કારણે ચાઉમાઉ બે-ત્રણ વખત ચાવી વડે ચાલતાં ડ્રેગન, વિમાન, મગર જેવાં રમકડાં ચાવી ગયેલો. એમાંથી મગરનો સ્વાદ તેને ગમી ગયેલો, કેમ કે, એની પીઠ પર ભીંગડાં હતાં. આ કારણે તેના પિતાજી તેને ચાવીવાળો મગર લાવી આપતા. આમ, મગર સાથે રમતાં રમતાં એ મોટો થતો ગયો. જી હા, મગર નહીં, ચાઉમાઉ મોટો થતો ગયો. આ ચાવીવાળા મગરને કંઈ તરતાં ન આવડે. પણ ચાઉમાઉને એમ કે મગર આમ તો જળચર છે, તો એને પાણીમાં મૂકી જોઈએ. રાજાનો દીકરો હતો એટલે એ કંઈ નાના તપેલામાં પાણી ભરીને મગર મૂકે? મગરને લઈને એ એક વાર ઊપડ્યો ચીની સમુદ્રના તટે.

એ વખતે પશ્ચાદભૂમાં જાવેદ અખ્તરનું લખેલું ‘સાગર કિનારે, દિલ યે પુકારે’ ગીત વાગી રહ્યું હતું. ગીત તો ચીની ભાષામાં હતું, પણ એની ધૂન પરથી ખ્યાલ આવતો હતો કે આ એ જ ગીત છે. કોણે કોની ઊઠાંતરી કરી એ કહેવું મુશ્કેલ હતું. ચીની સમુદ્રની લહેરો કિનારે આવ-જા કરી રહી હતી. ચાઉમાઉએ મગરને ચાવી ભરી અને તેને કિનારે મૂક્યો. એક લહેર આવી અને મગરને તાણી ગઈ. ચાઉમાઉએ રડારોળ કરી મૂકી. એનાથી કંઈ ન વળ્યું. એટલે એણે રાડારાડ કરી, ચીની સમુદ્રને ઉદ્દેશીને મોટે મોટેથી અપશબ્દો કહ્યા અને એને ચોપસ્ટીકે ચોપસ્ટીકે ખાલી કરી દેવાની લુખ્ખી દાટી આપી. એવામાં વધુ એક લહેર કિનારા તરફ આવી અને પેલા ચાવીવાળા મગરને કિનારે ફેંક્યો. ચાઉમાઉને લાગ્યું કે ચીની સમુદ્ર પોતાની ધમકીથી ગભરાઈ ગયો છે અને ગભરાઈને તેણે ચાવીવાળો મગર ચાઉમાઉને પરત કરી દીધો છે.
રાજી થતો ચાઉમાઉ મગરને લઈને પોતાના મહેલે પરત ફર્યો. પોતાના પિતાજીને બધી વાત કહેવાને બદલે તે સીધો મહેલની સામે આવેલા ઝૂંપડાંમાં ગયો. એ ઝૂંપડાંમાં ચીની ઈતિહાસકારો વસતા. ચીનના દવાખાનામાં ચિકિત્સક મળે કે ન મળે, ચીની શાળાઓમાં શિક્ષક હોય કે ન હોય, પણ પથરો ફેંકતાં કોક ને કોક ઈતિહાસકાર અવશ્ય મળી રહેતા. ચાઉમાઉએ મહેલની સામે રહેતા ઈતિહાસકારો સમક્ષ સઘળું વર્ણન કર્યું. ચાઉમાઉનું વર્ણન સાંભળીને ઈતિહાસકારોએ એકમેકની સામું જોયું. કાલે રાજા જણાવે ત્યારે આ ઘટના ઈતિહાસમાં સમાવવી કે અત્યારે એટલું જ વિચારવાનું હતું. ચાઉમાઉએ એ ઈતિહાસકારો પર મગર છોડી મૂકવાની ચીમકી આપી. ચીની ઈતિહાસકારો પણ ચીનનો ઈતિહાસ લખી લખીને ઈતિહાસકાર બન્યા હતા. તેઓ જાણતા હતા કે ચાવીવાળા મગરમાં દરિયાનું ખારું પાણી પેસી ગયું હશે તો મગર કશા કામનો નહીં રહ્યો હોય. આ ઈતિહાસકારો પાસે આવા અનેક મગરોનો સંગ્રહ હતો, કેમ કે, મગરને જેર કર્યો હોવાની કથા ચીનમાં દરેક રાજા કરતો. ઈતિહાસલેખન તેમની આજીવિકા હોવાથી શાહી પરિવારના સભ્ય લખાવે એ લખવું પડતું, પણ મનથી તેઓ સમજતા કે ભવિષ્યની પેઢી ઈતિહાસમાં બે લીટી વચ્ચે લખાયેલું વાંચશે તો તથ્ય જાણી શકશે.
ભાવિ પેઢી વાંચે ત્યારે ખરી, ચાઉમાઉના રાજમાં વર્તમાન પેઢીને કશું વાંચવાની ફુરસદ નહોતી. તેઓ ઉજવણીમાંથી ઊંચા આવે તો કશું વાંચે ને!
આમાં ને આમાં ચીનના ઈતિહાસમાં ક્યારે ચાવીવાળા મગરને બદલે સાચો મગર આવી ગયો એનું કોઈને ભાન જ ન રહ્યું. સાથે જ એ વાત પણ આવી કે ચાઉમાઉએ ચીની સમુદ્રને ચોપસ્ટીકે ચોપસ્ટીકે ખાલી કરી દીધેલો.
ઠેરઠેર મગરનાં પૂતળાં મૂકાવા લાગ્યા. એની નીચે ચીની ભાષામાં લખેલું, ‘સમ્રાટ ચાઉમાઉની ધમકીથી ચીની સમુદ્રે પરત કરેલો એ મગર’. થોડા સમયમાં ચીનના બજારોમાં ખારા પાણીની શીશીઓ વેચાવા લાગી. એની પર લેબલ રહેતું: ‘સમુદ્રે ડરીને સમ્રાટને પાછો આપેલો એ મગરના આંસુ’. આ શીશીઓનું વેચાણ એટલું બધું વધી ગયું કે ચીનાઓ વિવિધ વાનગીઓ પર એ આંસુનાં બે ટીપાંનો છંટકાવ કરતા અને પછી ખાતા. બજારમાં વધુ એક વાનગી મળતી થઈ. એ હતી મંચુરિયન બૉલ્સ. આ બૉલ્સની વિશેષતા એ હતી કે તેનો લોટ પેલા મગરના આંસુથી બાંધવામાં આવતો. આમ તો, સૌ ચીનાઓ જાણતા કે મંચુરિયન બૉલ્સ બનાવવામાં લોટની જરૂર પડતી નહીં, છતાં ‘દિલ કો બહલાને કે લિયે ખયાલ અચ્છા હૈ’ માનીને તેઓ એ હોંશે હોંશે ખરીદતા.
ચાઉમાઉને પોતાને પણ નવાઈ લાગતી કે મગર એવા તો કેટલાં આંસુ પાડતો હશે કે એની શીશીઓ ભરાય ને વેચાય, મંચુરિયન બૉલ્સનો લોટ બાંધવામાં વપરાય તો પણ એ ખૂટે નહીં. આ બધી ગણતરીમાં તે એ વીસરી ગયેલો કે દરિયાકિનારે ચાવીવાળો મગર દરિયામાંથી બહાર ફેંકાયેલો. તેને એમ લાગવા માંડેલું કે ચીની સમુદ્રે ડરીને તેને મગર પાછો આપી દીધેલો.
ઈતિહાસકારો ઈતિહાસમાં કોઈ ઘટના લખે એ પછી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ચાઉમાઉ અને મગરને લગતા સવાલો પૂછાતા. આવી પરીક્ષાઓમાં બેસતા ચીની વિદ્યાર્થીઓ મોટા ભાગે સહેલા સવાલના જવાબ લખતા નહીં, કેમ કે, શું અઘરું કે શું સહેલું! એમને મન બધું એકનું એક જ હતું! પણ ચાઉમાઉ અને મગરને લગતા સવાલના જવાબ તેઓ હોંશેહોંશે અને વિસ્તારથી લખતા, કેમ કે, એમાં તેમની કલ્પનાશક્તિ ખીલી ઉઠતી. ચીનના મગર વિશે કાલ્પનિક લખાણો લખી લખીને ઘણા લોકો નિબંધકાર ગણાવા લાગ્યા હતા. અને આજનો નિબંધકાર આવતી કાલનો ચિંતક છે એ ન્યાયે તેઓ ચિંતક ગણાતા પણ થઈ ગયા. ચિંતક બનો એટલે ચાઉમાઉના દરબારમાં સ્થાન મળી જતું. તેમની ફરજ મુખ્યત્વે ચાઉમાઉની અતાર્કિક વાતોને તર્ક, ધર્મ અને અધ્યાત્મનો આધાર બક્ષવાની રહેતી.
આ મગરકાંડની સચ્ચાઈ એક મગર જાણતો અને બીજો ચીની સમુદ્ર. પણ ચાવીવાળા મગરમાં ચીની સમુદ્રનું ખારું પાણી ભરાઈ જવાથી એ કટાઈ ગયો. કટાયો ન હોત તો પણ એ બોલી શકવાનો હતો નહીં. ચીની સમુદ્ર કેવળ ઘૂઘવાટા કર્યા કરતો. એ ઘૂઘવાટાની બોલી ઊકેલનારા નિષ્ણાતો ચીનમાં હતા ક્યાં!
પણ એથીય ઉપરની વાત એ હતી કે ચીનાઓ આ બધાથી પર હતા. ધારો કે ખુદ ચાવીવાળો મગર કે ચીની સમુદ્ર મનુષ્યની ભાષા બોલે અને ચીનાઓને વાસ્તવિકતા જણાવે તો પણ ચીનાઓને કશો ફેર પડવાનો નહોતો. ચાઉમાઉને તો આમે કશો ફેર નહોતો પડતો. સરવાળે ચાઉમાઉના રાજમાં ચીનાઓને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

No comments:

Post a Comment