Sunday, August 18, 2024

નિશાળેથી નીસરી કદી ન જતાં પાંસરાં ઘેર

હવે તો બાળકો શરૂઆતથી જ વાહનોમાં શાળાએ જવા લાગ્યા છે, પણ પગપાળા શાળાએ જવાનું આગવું મહત્ત્વ છે. હવે એ વધુ પડતા અંતર, ટ્રાફિક વગેરેને કારણે શક્ય નથી એ અલગ વાત થઈ. ભરૂચના શિક્ષણવિદ્ રણછોડભાઈ શાહે એક લેખ દ્વારા પગપાળા શાળાએ જવાના ફાયદા ગણાવેલા. રસ્તે કેટકેટલી વસ્તુઓ આવે? બાળક એ જોતાં જોતાં આગળ વધે. ક્યાંક એ અટકે, ક્યાંક ચાલતાં ચાલતાં પાછું વાળીને જોતું જાય! વચ્ચે બજાર આવે, લારીઓ આવે, વૃક્ષો આવે, પશુપંખીઓ પણ આવે, અને એ બધાંની વિવિધ ગતિવિધિઓ જોવા મળે.

અમે શાળાએ જતા ત્યારે બપોરની મોટી રિસેસમાં બહારગામના વિદ્યાર્થીઓ સિવાયના સૌ કોઈ ઘેર જ જતા અને પાછા આવતા. એની એક જુદી મજા હતી. રિસેસ પડે એટલે એક સાથે કેટલાય વિદ્યાર્થીઓ ઘર તરફ જવા નીકળે. સમય પૂરો થતાં સૌ એ જ રસ્તે પાછા આવતા દેખાય. લુહારવાડમાં આવેલા મારા ઘરથી મહુધા રોડ પર આવેલી શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ જવું હોય તો બે રસ્તા. એક નડિયાદી દરવાજે થઈને ભીમનાથ મહાદેવ વટાવીને જકાતનાકાવાળો રોડ, જે મુખ્ય માર્ગ હતો. બીજો નાગરકુઈ થઈને નવજીવન સોસાયટીના પાછલા ભાગે થઈને. અમે આ બીજો માર્ગ પસંદ કરતા. પણ નાગરકુઈથી જવાને બદલે મારા ઘરની સામે આવેલા ખાંટ વગામાંથી નીકળતા. આ ખાંટ વગામાં મુખ્યત્વે ઠાકરડા કોમની વસતિ. સાંકડો રસ્તો, માટીથી લીંપાયેલાં ઘર (સાવ ઝૂંપડાં નહીં), સ્વચ્છ આંગણાં, અને સાંકડા રસ્તાની એક કોરે ગાયભેંસ બંધાયેલાં હોય, જેમનો પૃષ્ઠભાગ રસ્તા તરફ હોય. તેમની પૂંછડીના મારથી બચીને ચાલવાનું. આ રસ્તો અવરજવર માટે ખાસ વપરાતો નહીં. મારા ઘરની બરાબર સામે વિજય (ડૉક્ટર) અને ત્રાંસમાં મુકેશ પટેલ (મૂકલો) રહેતા, એટલે અમે ત્રણે લગભગ સાથે જ જતાઆવતા.
અહીં એક ઘર હતું. એમાં એક બહેન રહેતાં. બહુ હસમુખાં. અમે ગાયભેંસની પૂંછડીના મારથી બચવા પ્રયત્ન કરીએ તો ક્યારેક એ અમને કહે, 'બેટા, સાચવીને જજો.' એમનું હાસ્ય એકદમ પ્રેમાળ. એક દિવસ મુકાએ બાતમી આપી, "આ બહેન છે ને....એ માતાજીને બહુ માને છે. ધરો આઠમને દા'ડે એ સૂઈ જાય અને જાગે તો એમની બન્ને હથેળીમાં ધરો (ઘાસ) ઊગેલું હોય છે, બોલ! બધા એમના દર્શન કરવા આવે." આ સાંભળીને બહુ નવાઈ લાગી. મનમાં અનેક પ્રશ્નો થયા. એમ પણ વિચાર્યું કે ધરો આઠમે જોવા આવવું પડશે, પણ ધરો આઠમ ક્યારે આવે અને જાય એ ખબર પડે નહીં, અને આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયા પછી આવતી નવી સૃષ્ટિમાં બધું ભૂલાઈ જાય.
ખાંટ વગાવાળે રસ્તે બહાર નીકળીએ ત્યાં જ એક લીમડાનું ઝાડ હતું. એની બખોલમાં એક ચીબરી જોવા મળતી. એ ઘુવડ છે કે ચીબરી એ વિશે ચર્ચા ચાલી. આખરે એનું નાનું કદ જોઈને એ ચીબરી હોવાનું નક્કી થયું. અમે એ રસ્તે જઈએ અને આવીએ ત્યારે એ તરફ નજર કરતાં અને એ જાણે કે અમારી પર નજર રાખી રહી હોય એ રીતે બખોલ આગળ બેઠેલી દેખાતી. એક દિવસ એક જણે માહિતી આપી, ‘ચીબરી(કે ઘુવડ)ને ભૂલેચૂકેય પથ્થર નહીં મારવાનો.’ ‘કેમ?’ના જવાબમાં એણે કહ્યું, ‘ એ છે ને, એ પથ્થર ચાંચમાં ઉઠાવી લે અને તળાવમાં ફેંકી આવે. એ પછી એ પથ્થર પાણીમાં રહીને ઓગળતો જાય એમ આપણું શરીર પણ લેવાતું જાય.’ આ જાણીને થથરી જવાયું. ચીબરીનો દેખાવ પણ એવો કે એ આવું કરી શકે એમાં ના નહીં, એમ લાગતું. મોટા થયા પછી આ જાણકારી સંદર્ભબિંદુ બની રહી. કોઈ મિત્ર બહુ વખતે મળે અને એનું શરીર ઊતરેલું દેખાય તો અમે પૂછતા, ‘કેમ’લ્યા? ચીબરીને પથ્થરબથ્થર મારેલો કે શું?’ જો કે, મોટા ભાગના કિસ્સામાં આ સંદર્ભ પછી સમજાવવો પડતો.
લીમડાવાળા વિસ્તારમાંથી બહાર નીકળતાં એક તળાવ હતું, જે કૃત્રિમ, પણ બારેમાસ ભરેલું રહેતું. અમે એમાં આવેલા રસ્તા પરથી જતા. જે.જે. ત્રિવેદીસાહેબ આ જ તળાવને કાંઠે આવેલા નવજીવન સોસાયટીના બંગલામાં રહેતા. એ કાયમ કહેતા, 'આ તળાવ નાઈલની સંસ્કૃતિની યાદ અપાવે છે. એક તરફ સમૃદ્ધિ (નવજીવન સોસાયટી) અને બીજી તરફ ઉજ્જડ પ્રદેશ (ઝૂંપડાં). આ તળાવના પાણીમાં પથરા મારી એક જ પથરાની કેટલી 'છાછર' વાગે છે એની હરિફાઈ કરવાની.
તળાવમાંના રસ્તાથી બહાર નીકળતાં સોની પરિવારનો વિશાળ બંગલો હતો, જે હજી છે. મગનકાકા સોનીના ત્રણે દીકરાઓ રતિલાલ, ચુનીલાલ અને ચંદુલાલ તેમજ એમનો બહોળો પરિવાર અહીં રહેતો. કોઈ કારણથી મગનકાકાની ડાગળી ચસકી ગયેલી એટલે એ કાયમ 'ગોળીબાર...'ની બૂમો પાડતા રહેતા અને વચ્ચે કશુંક અસંબદ્ધ બોલતા રહેતા. સફેદ લુંગી, સફેદ સદરો અને બાગમાં કામ કરતા મગનકાકા રસ્તે જતા વિદ્યાર્થીઓનું પ્રિય પાત્ર. એકાદ જણ એમને જોઈને 'ગોળીબાર' કહે એટલે મગનકાકા એના પડઘા પાડ્યા કરે. મારા એકાદ મિત્રે એક વાર મારી તરફ આંગળી ચીંધીને ઓળખાણ આપેલી, 'આ કપિલાબહેનનો છોકરો.' (કપિલાબહેન એટલે મારાં દાદી) ત્યારથી મગનકાકાની નજર મારી પર પડે તો એ કપિલાબહેનની ખબર પૂછે અને પછી તરત 'ગોળીબાર' ચાલુ.
આ આખા પરિવાર સાથે અમારો બહુ જૂનો અને ગાઢ સંબંધ. બહુ પ્રેમાળ લોકો. હવે એ સહુ અમદાવાદ સ્થાયી થયા છે.
મગનકાકાનો બંગલો વટાવીને આગળ વધતાં મુખ્ય રોડ આવે, જેને ઓળંગતાં જ સામે અમારી શાળા દેખાય. આ રોડના જમણે ખૂણે લુહારીકામની એક દુકાન હતી, જે એક વૃદ્ધ કાકા સંભાળતા. બંડી અને ધોતિયું પહેરતા, દુબળા અને લાંબા એ કાકા. સાવ નાનકડી ચોરસ જગ્યામાં એ હતી. વિપુલના એ ઓળખીતા. એમના દીકરાઓ ગિરીશ અને બીજા બે. વિપુલને ક્યારેક પાણી પીવું હોય તો એ અહીં જતો.
આ જ રુટ પર પાછા આવતાં આ કશું ધ્યાને ન પડતું, કેમ કે, ઘેર પહોંચવાની જ એટલી ઊતાવળ રહેતી.
નડિયાદી દરવાજાવાળા રસ્તાની વાત જ કંઈક જુદી. એ વળી ફરી ક્યારેક, મન થશે ત્યારે.
આ બધું મનમાં સતત રમતું હોય, હજી મહેમદાવાદ જઈએ ત્યારે આંખો એ જ જૂના સ્થળોને શોધતી હોય. પણ મૂળ વાત એ કે આવું બધું જોવાનું, જોતા રહેવાનું હજીય બહુ ગમે.

***** **** ****

કટ ટુ વડોદરા.
આજકાલ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ચાર પર બહુ મોટું કામ ચાલી રહ્યું છે, જેને કારણે અનેક ટ્રેનો વડોદરાને બદલે બાજવાથી ઊપાડવામાં આવે છે. આ કામના સંદર્ભે આ પ્લેટફોર્મ નજીક આવેલા પાટા સાવ કાઢી નાખવામાં આવ્યા છે, અને નીચે આર.સી.સી.કામ થઈ રહ્યું છે. મને જે મજા આવે છે તે એ કે રેલવે પ્લેટફોર્મ પર જવલ્લે જ જોવા મળે એવાં દૃશ્યો અહીં જોઈ શકાય છે. પ્લેટફોર્મ પર ટ્રેક્ટરો આંટાફેરા મારે છે. નીચે પાટાની જગ્યાએ બુલડોઝર સહેલ મારે છે. સ્ટેશને જાઉં ત્યારે એમ થાય કે આ જોયા જ કરીએ, જોતા જ રહીએ. પણ 'નાના' હોવામાં જે 'અજ્ઞાનતા'નું સુખ હતું એ હવે ક્યાં? હવે એ વાહનોની પછવાડે કામ કરતા શ્રમિકો દેખાય. માથે તગારાં ઊંચકીને જતી બહેનો, એમનાં છોકરાં ત્યાં જ રમતાં હોય! સુરક્ષા, સ્વચ્છતા, કાળજી, વાત્સલ્ય, શ્રમ બધું આ દૃશ્યમાં ભેળસેળ થઈ જાય.

રેલવે ટ્રેક પર ફરતું બુલડોઝર


પ્લેટફોર્મ પર ફરતું ટ્રેક્ટર

કોઈ નવા સ્થળે જવાનું થાય ત્યારે પણ આ જ કુતૂહલભાવ રહે છે, પણ હવે એની સાથે વાસ્તવિકતા વિશે પણ વિચાર આવી જાય. એને જ કદાચ ‘મોટા થવું’ કહ્યું હશે!

Saturday, August 17, 2024

સમય કા યે પલ, થમ સા ગયા હૈ

જવા નીકળેલા નાશિક, અને નાશિક પહોંચ્યા પછી ખબર પડી કે હકીકતમાં અમારે દેવલાલી જવાનું છે. નાશિકથી સહેજ આગળ. એક વ્યાવસાયિક કામ હતું. દેવલાલી અત્યાર સુધી નામ જ સાંભળેલું. ગુરુવારે વહેલી સવારે સાડા ચારે મુસાફરી આરંભ્યા પછી બપોરે એકના સુમારે દેવલાલી 'ટચ' થઈ ગયા. અનેક લોકોને મળવાનું હતું, અને સૌ એક જ સ્થળે આવી ગયેલા એટલે અઢી ત્રણ કલાક એ કાર્યવાહી ચાલી. એ પછી અમુક સ્થળો જોવા નીકળ્યા, જે પણ સાંદર્ભિક હતાં. પણ અહીં અંગ્રેજોએ બનાવેલાં અનેક મકાનો જોવા મળ્યા. એક સમયે ટી.બી.ના દરદીઓ માટે શુદ્ધ હવા માટેનું આ આદર્શ સ્થળ મનાતું. આને કારણે અહીં અનેક ટી.બી. સેનેટોરિયમ આવેલાં છે. અહીંનું સૌથી આકર્ષક પાસું એટલે આ અંગ્રેજી શૈલીનાં મકાનો. અહાહા! શી એની મોકળાશ! શું એનું ફર્નિચર! શી એની જાળવણી! હા, આમાંના મોટા ભાગના કાર્યરત સ્થિતિમાં છે અને સરસ રીતે જળવાયેલાં છે.

શંકુ આકારની, નળિયાંવાળી છત, પ્રવેશતાંમાં જ મોટો ઓટલો, અંદર વિશાળ ખંડ, હવાઉજાસ માટે છતમાં વ્યવસ્થા...એમ લાગે કે સમય અહીં થંભી ગયો છે.
આવી એક ઈમારતના સ્કેચ પરથી તેની સાદગીયુક્ત ભવ્યતાનો કંઈક અંદાજ મળી શકશે.


Friday, August 16, 2024

દમણપ્રવાસ (4): દમણમાં મારિયો સાથે મુલાકાત

જૂનના ત્રીજા સપ્તાહમાં એક કામ અંગે દમણ જવાનું થયું ત્યારે કામ પત્યા પછી છેલ્લે મારા યજમાન મને સ્ટેશને મૂકવા જતાં અગાઉ દમણમાં એક આંટો મરાવવા લઈ ગયા. દમણના કિલ્લામાં દરિયા તરફના પ્રવેશદ્વારેથી અંદર પ્રવેશીને સામેની તરફના મુખ્ય પ્રવેશદ્વારમાંથી બહાર નીકળવાનું હતું. કારમાં બેઠાં બેઠાં જ ડાબી તરફ એક દિવાલ પર નજર પડી તો એક મોટી દીવાલ પર મારિયોનાં ચિત્રો જણાયાં. એમની સહી પણ જોવા મળી. પણ એ વિગતે જોઉં, સમજું એ પહેલાં કાર આગળ વધી ગઈ. સમયની અછત હોવાથી પાછા વળવું શક્ય નહોતું. પણ એટલું મારા મનમાં રહી ગયેલું કે મારિયોનું કશુંક છે ખરું.

યોગાનુયોગે તરત બીજી વાર આવવાનું થયું એટલે આ સ્થળ જોવાની ઈચ્છા હતી. ગોવામાં મારિયોનાં ચિત્રો ઠેકઠેકાણે જોવા મળે છે, પણ દમણ સાથે તેમનું કોઈ જોડાણ હોવાનું ધ્યાનમાં નહોતું.
કિલ્લાની એક તરફની રાંગ પર ચાલી ચાલીને અમે દરિયા તરફના પ્રવેશદ્વારેથી પાછા વળ્યાં અને પગપાળા બીજી તરફના પ્રવેશદ્વારા તરફ આગળ વધવા લાગ્યા. વરસાદ ઘડીક આવે, ઘડીક અટકે એટલે મજા આવતી હતી.
આખરે એ સ્થળ આવી પહોંચ્યું. કાટખૂણે આવેલી બે દિવાલો પર મારિયોની આખી સૃષ્ટિ ચીતરાયેલી હતી. એક તરફ મારિયોનું કેરિકેચર, સહી વગેરે પણ હતાં. આગળ ચોક જેવી, નાનકડી ખુલ્લી જગ્યા. હસિત મહેતાએ દમણની સરકારી કૉલેજના બન્ને પ્રાધ્યાપકો પ્રો. ભાવેશ વાલા અને પ્રો. પુખરાજ સાથે નક્કી કર્યું કે વિદ્યાર્થી વિનિમયના આગામી કાર્યક્રમ દરમિયાન છેલ્લે સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત હોય છે એ મારિયોની સૃષ્ટિની નિશ્રામાં કરવી. આ વિચાર જ રોમાંચિત કરી મૂકનારો હતો!




અહીં ખબર પડી કે દમણનું પોર્ચુગીઝ નામ 'દમાઉ' (damão) છે, અને મારિયોનો જન્મ અહીં જ થયેલો. બન્ને ઊંચી દિવાલો ઉપરાંત બાજુની લાંબી દિવાલ પર પણ મારિયોની સૃષ્ટિ પથરાયેલી હતી. આ બધું જોઈને અમે રીતસર પાગલ થઈ ગયા. કેમ કે, આ એક સરપ્રાઈઝ હતું.




આ સ્થળની તસવીરો લીધી, અને પછી આગળ ચાલ્યા, જ્યાં સામે પોર્ચુગીઝ કવિ બોકાઝનો આવાસ જોવા મળવાનો હતો, અને વચ્ચે ચર્ચ પણ.

Thursday, August 15, 2024

ઘર ઘર...

 "જયહિંદ, અંકલ! તમને ખ્યાલ છે ને કે પાકિસ્તાન સાથેનું આપણું યુદ્ધ પૂરું થઈ ગયું છે."

"હા, ભઈ. 1971વાળું તો પતી ગયું, ને એ પછી કારગીલવાળુંય પતી ગયું."
"તો પછી તમે તમારે ઘેર આ શરણાગતિનો સફેદ વાવટો કેમ ફરફરતો રાખ્યો છે? તમારા ઘરનો મામલો છે?"
"એ ને..? એ એકચ્યુલી સફેદ નથી. એમાં તમે આમ જુઓ તો બીજા રંગો..."
"ખબર છે. હુંય ફિઝિક્સમાં ન્યૂટનનો નિયમ ભણ્યો છું. એમાં સાત રંગ સમાયેલા છે એમ જ કહેવું છે ને તમારે?"
"ના, ભઈલા. તારામાં દેશભક્તિનો છાંટોય નથી જણાતો. એમાં માત્ર ત્રણ જ રંગ દેખાશે. આપણા ત્રિરંગાના."
"હેં?? એવું?"
"ભઈ, જોને! ગઈ સાલ તારા જેવું કોઈક પેલું કંઈક 'ઘર ઘર' કે 'હર ઘર' બોલતું આવેલું ને આપી ગયેલું. તે આપણે ફરકાવ્યો એ ફરકાવ્યો. હવે નીચે કોણ ઉતારે?"
"તમે!"
"ભઈ, મને હવે આ ઉંમરે એ બધું ન ફાવે. પણ પહેલાં તું એ તો કહે કે તું શા કામે આવ્યો છે?"
"હું પણ 'હર ઘર' અભિયાન માટે જ આવ્યો છું. લ્યો, આ નવો ત્રિરંગો. કોઇકની પાસે ઉપર લગાવડાવી દેજો."
"ભઈ ભક્ત! આઈ મીન, દેશભક્ત! એક કામ કર ને! તું જ એ લગાવી આપ ને! મને સ્ટૂલ પર ચડતાં હવે બીક લાગે છે."
"અંકલ! સોરી! બીજો કોઈ દિવસ હોત તો લગાવી આપત, પણ આજે તો મારે તમારા જેવા કેટલાય લોકોમાં દેશભાવના જાગ્રત કરવા જવાનું છે. સોરી હોં!"
"ભઈ, એવું હોય તો કાલે આવજે ને! હું તો ઘેર જ હોઉં છું."
"સોરી, કાકા! કાલ સુધીમાં રાષ્ટ્રભાવનાનો ઊભરો શમી જાય. અને એ શમી જાય તો પછી હું મારી જાતનુંય ન સાંભળું. ઓકે? જયહિંદ!"
"હા, ભઈ! તને સ્વતંત્રતા દિવસ મુબારક! તારે એની બહુ જરૂર લાગે છે."

Wednesday, August 14, 2024

દમણપ્રવાસ (3): તપસ્વીઓ ગમે છે કેવળ વેદી પર

 દમણના કોટવિસ્તારમાં પગપાળા ફરતાં તેના દરિયા તરફના મુખ્ય પ્રવેશદ્વારને બિલકુલ અડકીને એક નાનકડું, આકર્ષક મકાન નજરે પડે છે. બેઠા ઘાટનું, નળિયાં ધરાવતું આ મકાન પોર્ચુગીઝ શૈલીનું છે એ જણાઈ આવે. મકાન જો કે, બંધ હાલતમાં છે, પણ તેનો જિર્ણોદ્ધાર થયેલો હોવાનો ખ્યાલ આવી જાય. નજીક જઈને જોતાં તેની પર પોર્ચુગીઝમાં લખાયેલી એક તકતી પણ જોવા મળી. તકતીનો ફોટો લઈ લીધો, અને ઘેર આવીને એ વિશે વધુ તપાસ કરતાં જણાયું કે આ મકાનમાં એક સમયે પોર્ચુગીઝ કવિ બોકાઝ/Bocage રહી ચૂકેલા.

તેમનું આખું નામ મનુઅલ મારીઆ બર્બોસા દ બોકાઝ. તેઓ અલ્મેન સડીનોના નામે કવિતા લખતા. ઈ.સ. 1786માં તેઓ પોર્ચુગીઝ નૌકાદળ તરફથી ગોવામાં નિયુક્ત થયા. કહેવાય છે કે એશિયામાં પ્રસરી રહેલા પોર્ચુગીઝ સામ્રાજ્યની ખ્યાતિ સાંભળીને તેઓ નૌકાદળમાં જોડાવા પ્રેરાયેલા. અલબત્ત, ભારત આવ્યા પછી તેમણે અસલિયત જોઈ, અને તત્કાલેન પોર્ચુગીઝ ગવર્નર અને ભારતના પોર્ચુગીઝ વાઈસરોયને તાકીને તેઓ વ્યંગ્યાત્મક સોનેટ લખવા માંડ્યાં. સ્વાભાવિકપણે જ તેમને ગોવા છોડવાની 'સલાહ' આપવામાં આવી. તેઓ 1789ના પૂર્વાર્ધમાં દમણ આવ્યા અને લેફ્ટનન્ટ તરીકે પાયદળમાં જોડાયા. સાવ ઓછા સમય માટે તે દમણમાં રહ્યા અને પછી મકાઉ ભાગી છૂટ્યા.
તેમની ગણના નવશાસ્ત્રીય પોર્ચુગીઝ કવિ તરીકે થાય છે.
સ્વપરિચય આપતી તેમની એક પોર્ચુગીઝ રચનાના એક અંશના અંગ્રેજી ભાષાંતરનો ગુજરાતી મુક્તાનુવાદ.
પાતળો, આંખો માંજરી, તામ્રવર્ણો ચહેરો,
આના પ્રમાણમાં પગ, મધ્યમ ઊંચાઈ,
ચહેરો ઉદાસ, અને એવી જ આકૃતિ,
વચ્ચે ઊભું છે નાનું નહીં, પણ ઊંચું નાક
પગમાં એને છે ભમરો,
નજાકતથી નહીં, પણ આવેશથી યુક્ત,
ફિક્કા હાથમાં પકડેલા ઘેરા રંગના કપમાંથી પીતો એ
જીવલેણ વિષ, નારકીય લિજ્જતથી
અર્પણ કરી છે ધૂપસળીઓ હજારો દેવીઓને
(મતલબ કે હજારો યુવતીઓને) એક ક્ષણમાં,
તપસ્વીઓ ગમે છે કેવળ (બલિદાનની) વેદી પર,
આ છે બોકાઝ, ઝળકે છે જેનામાં પ્રતિભા,
પ્રાપ્ત થયાં છે આ સત્યો ખુદ તેની પાસેથી,
એવા દિવસે, જ્યારે એ અનુભવતો હતો કંટાળો.
દમણમાં સાવ ટૂંકા ગાળા માટે રહેલા આ કવિના આવાસનો સ્કેચ.

Tuesday, August 13, 2024

દમણપ્રવાસ (2): સદીઓથી ઊભેલો સાક્ષી

કિલ્લા વિશે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હોઈએ એ આખી વાત અલગ, પણ કિલ્લાની રૂબરૂ મુલાકાત લેવાની થાય ત્યારે ખરેખરો રોમાંચ થઈ આવે. દમણના કિલ્લાની મુલાકાત લેતાં પણ આવી જ લાગણી થાય.

આ કિલ્લો પોર્ચુગીઝોએ ઈ.સ.1559માં બંધાવવાનો આરંભ કરેલો, અને ઈ.સ.1581માં તેનું બાંધકામ પૂર્ણ થયેલું. આ અરસો એટલે દેશમાં સમ્રાટ અકબરનો શાસનકાળ. કિલ્લાનો આરંભ મોગલોએ કર્યો હોવાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.
ત્રીસેક હજાર ચો.મી.નો વિસ્તાર ધરાવતો આ કિલ્લો આજે પણ અડીખમ ઊભેલો છે. તેની અંદર વિવિધ સરકારી કાર્યાલયો આવેલાં છે. કિલ્લાની રાંગ પર ઠેકઠેકાણે બુરજ ઊભા કરાયેલા છે, જે સંભવિત આક્રમણ સામે વ્યૂહાત્મક રક્ષણ પૂરું પાડે છે. કિલ્લાની બહાર ચોફેર નાનકડી ખાઈ આવેલી છે.
કિલ્લાના બુરજ તેમજ અન્ય બાંધકામોમાં અસલ પોર્ચુગીઝ શૈલી ઝળકે છે. આ શૈલીમાં ગુંબજને બદલે અણિયાળી, શંકુ આકારની ટોચ હોય છે, જે ગોથિક કે રોમન શૈલીને મળતી આવે છે. બારીઓ કે હવાજાળી સિવાય ગોળાકાર ભાગ્યે જોવા મળે.
વરસાદી માહોલમાં અમે લોકો કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશીને રાંગ પર ચડી ગયા, જ્યાં ઠીક ઠીક પહોળો કહી શકાય એવો રસ્તો હતો. અને કેમ ન હોય? એક સમયે અહીં ઘોડેસવાર સૈનિકોની અવરજવર રહેતી હશે.
કિલ્લા પર આવેલા આવા એક બુરજનો આ સ્કેચ છે.



Monday, August 12, 2024

દમણપ્રવાસ (1): દમણમાં મારિયોને યાદ કરતાં....

 

કાર્ટૂનિસ્ટ મારિયો મીરાન્ડાએ અનેક લેન્ડસ્કેપ તેમજ સીટીસ્કેપ દોરેલાં છે, જેની છાપ મનમાં એવી જડાયેલી છે કે ક્યાંક એવું સ્થળ જોવા મળે કે તરત એ યાદ આવી જાય.
દમણના પ્રવાસ દરમિયાન સાંજે અમે દમણના કિલ્લે ગયા. અગાઉ અહીં આવેલો છું, પણ આ વખતે અમારી સાથે દમણની સરકારી કૉલેજના પ્રો. પુખરાજ હતા. અભ્યાસી, અને જાણકાર. પ્રવાસસાહિત્યના વિવેચક. દમણના કિલ્લાના મુખ્ય દરવાજેથી પ્રવેશીને તેમણે અમને જમણી તરફની રાંગ પર ચડાવી દીધા અને એ જ રાંગે રાંગે ચાલીને અમે છેક બીજા છેડાના દરવાજા સુધી પહોંચ્યા. એટલા વખત પૂરતો વરસાદ થંભેલો હતો એટલે ચોફેર લીલોતરી વચ્ચે કિલ્લાના કાળા પથ્થર ધોવાઈને સાફ થયેલા લાગતા હતા.
રાંગ પર ચડીને પાછળ નજર કરતાં જ જે દૃશ્ય દેખાયું એ સાથે યાદ આવી ગયા મારિયો મિરાન્ડા. અહીં પેન વડે એ દેખાતા દૃશ્યનું ચિત્ર મૂકેલું છે, પણ આગળ જતાં મારિયો અને દમણના જોડાણની જાણકારી મળી. એ વિશે પછી વાત.

Sunday, August 11, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-25): ચાઉમાઉના કથાકારે ઊપાડી સૂટકેસ

ચાઉમાઉનાં પરાક્રમોની કથાઓ અનંત છે. એમ થાય કે કહ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. કહેનાર કહેતાં ન કંટાળે, અને સાંભળનાર સાંભળતાં ન સૂઈ જાય એટલો રસ એમાં પડે છે. પણ આખરે આ પૃથ્વી પર દરેક જીવે પોતાનું અવતારકાર્ય કરવાનું હોય છે, આથી ચાઉમાઉની આ છેલ્લી કથા લખીને વિરામ લઈએ, જેથી સૌ પોતપોતાના કામધંધે પાછા લાગી શકે.

ચાઉમાઉને ચીનના નગરજનો સાથે હળવુંમળવું બહુ ગમતું. એ સૌને સવાલ પૂછતો, જવાબ સાંભળતો. સામે નગરજનો પણ ચાઉમાઉને સવાલ પૂછતા અને ચાઉમાઉ એના જવાબ આપતો. આ સવાલજવાબ મોટે ભાગે ‘કેમ છો?’, ’સારું છે.’, ‘બીજું શું ચાલે?’, ‘કંઈ નહીં. બેઠા છીએ.’ પ્રકારના રહેતા. ચાઉમાઉના હાથમાં વાંસનો બનેલો બાઉલ રહેતો. એ બાઉલમાં સૂપ ભરેલો રહેતો. ક્યારેક કોઈક ચીનો ચાઉમાઉને અણધાર્યો કે અનપેક્ષિત સવાલ પૂછે ત્યારે ચાઉમાઉ બાઉલ મોંએ માંડતો અને સૂપ ગટગટાવી જતો. એ પછી બોલતો, ‘આપણો સંબંધ ટકી રહેવો જોઈએ.’ ચાઉમાઉના આવા વાક્યનો પ્રતિકાર થઈ શકતો નહીં, કેમ કે, સૌ કોઈ આમ જ ઈચ્છતું. જો કે, લોકોને એ સમજાતું નહીં કે આમ કહેવામાં સૂપ ભરેલો આખો બાઉલ ગટગટાવી જવાની શી જરૂર હતી! ક્યારેક એમ પણ બનતું કે આવા સવાલ પૂછનારા વધી પડતા, અને ચાઉમાઉના બાઉલમાં સૂપ ખલાસ થઈ જતો, તેમજ એને ભરવાનો સમય પણ ન મળતો. એ સંજોગોમાં ચાઉમાઉ ખાલી બાઉલ મોંએ માંડતો અને એ ભરેલો હોવાનો અભિનય કરતો.
ચાઉમાઉની આ આદત એવી ચેપી નીવડી કે ધીમે ધીમે આખા ચીનમાં પ્રસરતી ચાલી.
ચીનના પતિઓ અધરાતમધરાતે લથડિયાં ખાતાં ઘેર આવે અને એમની પત્ની પૂછે, ‘ક્યાં ગુડાણા હતા?’ જવાબમાં ચીની પતિ પોતાના રોબમાંથી વાંસનો બનેલો બાઉલ કાઢીને મોંએ માંડતો અને સૂપ ન હોય તો પણ સબડકા બોલાવવાનો અભિનય કરતો. કહેતો, ‘આપણો સંબંધ ટકી રહેવો જોઈએ.’ આ સાંભળીને મોટા ભાગની ચીની પત્નીઓ ચૂપ થઈ જતી. પણ અમુક સામું પૂછતી, ‘એ તો જ ટકી રહેશે, જો તમે મારા સવાલનો જવાબ આપશો.’ બસ, આ સાંભળીને ચીની પતિ તાડૂકી ઉઠતો અને કહેતો, ‘સમ્રાટ ચાઉમાઉ કા અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન.’ આ સાંભળીને ચીની પત્ની ઓર અકળાતી અને બરાડતી, ‘તમે નશામાં છો. હિન્દુસ્તાન અને ચીનનો ફરક તમારે મન રહ્યો નથી.’ ચીની પતિ લથડતી જીભે કહેતો, ‘નથી રહ્યો તો નથી રહ્યો. પણ આ સૂત્રમાં ચીનનો પ્રાસ બેસતો નથી. તું જ વિચાર. ‘સમ્રાટ ચાઉમાઉ કા અપમાન, નહીં સહેગા ચીન’ બોલીએ તો જામે છે? બીજું એ કે આનાથી એમ પણ સાબિત થાય છે કે સમ્રાટની ધાક છેક હિન્દુસ્તાન લગી છે. ત્યાં તો રાત્રે છોકરાં રડે તો એની મા કહે છે....’ ચીની પત્ની લમણે હથેળી પછાડતી અને કહેતી, ‘ચીનની મા પોતાનાં રડતાં છોકરાંને હસાવવા ચાઉમાઉનાં ચિત્રો દેખાડે છે, ને છેક હિન્દુસ્તાનમાં એમ કહે કે સૂઈ જા, નહીંતર ચાઉમાઉ આવી જશે? ફેંકવામાં કંઈક તો માપ રાખો!’
ચીની પતિ દારૂના નશામાં શરીરનું સંતુલન ભલે ન જાળવી શકે, દિમાગનું સંતુલન બરાબર જાળવતો. તેને ખાતરી થાય કે પત્ની હવે દલીલ કરવાના મૂડમાં આવી ગઈ છે એટલે કહેતો, ‘અહીં જ હિન્દુસ્તાન અને ચીન જુદું પડે છે. અહીંનાં છોકરાં જે બાબતે હસે છે એનાથી ત્યાંનાં છોકરાં થથરે છે! બસ, આ જ ફરક છે ચીન અને હિન્દુસ્તાન વચ્ચેનો!’
ચીની પત્ની બોલતી, ‘ભઈસા’બ, મને તમારી જેમ દારૂ પીને દલીલ કરતાં નથી ફાવતું, પણ....’ આ સાંભળીને ચીની પતિ બોલતો, ‘તો દલીલ નહીં કરવાની! એ ક્યાં ફરજિયાત છે! દારૂ પીને ચૂપચાપ સૂઈ જવાનું. કશું ના થાય. શરબત જેવો જ લાગે.’ ચીની પત્ની કહેતી, ‘હા. એ ખરું, પણ મને લાગે છે કે હિન્દુસ્તાન અને ચીનનાં બાળકોમાં આટલો મોટો ફરક હોય નહીં! સાચું કહો, આવું તમે ક્યાં સાંભળ્યું?’ ચીની પતિ માંડમાંડ શરીરને ટેકો આપીને ઊભું રાખતો હતો. ઊંઘ પણ ચડી હતી. અઘરો સવાલ આવ્યો એટલે તેણે ફરી પેલો ખાલી બાઉલ કાઢ્યો, મોંએ માંડવા જતો હતો કે પત્નીને દયા આવી અને સામેથી બોલી ઉઠી, ‘આપણો સંબંધ ટકી રહેવો જોઈએ.’
બસ, એ સંવાદ સાથે હિન્દુસ્તાન અને ચીનનો ભેદ ભૂંસાઈ ગયો. ચીની પત્નીએ પોતાના પતિને ખભેથી પકડ્યો, ટેકો આપ્યો. આ જોઈને પતિ ગળગળો થઈ ગયો અને ફરી બોલ્યો, ‘સમ્રાટ ચાઉમાઉ કા અપમાન, નહી સહેગા હિન્દુસ્તાન’. ચીની પત્ની બોલી, ‘ઈન મીન નેએએએ....’ ચીની પતિએ જોરથી કહ્યું, ચી....ઈઈઈઈન.’
એ પછી બેઉએ ખાધું, પીધું અને લીલાલહેર કરી.
તો સુજ્ઞજનો, આ સાથે ચાઉમાઉની કથા વિરામ લે છે. કથાકાર સૂટકેસ ઊપાડીને જવા નીકળે છે. ક્યાં જશે, આ વિરામ કામચલાઉ છે કે કાયમી એ ચાઉમાઉ નક્કી કરશે, પણ આપે તેને શ્રદ્ધા સાથે વાંચી હશે, અને માણી પણ હશે તો એનો અનેકગણો બદલો આપને મળશે.
મોંગોલિયામાં એક જણે આ તમામ કથાની પારાયણનું આયોજન કર્યું તો થોડા જ મહિનામાં મોંગોલિયામાં પણ એવો શાસક ગાદીએ આવ્યો કે જેણે ચાઉમાઉનેય ભૂલવાડી દીધો. ચીનથી સહેજ દૂર આવેલા યુક્રેન નામના દેશમાં એક પરિવારે આ કથાઓ વાંચી અને એને હસી કાઢી. પરિણામે એ દેશમાં જે શાસક ગાદીએ આવ્યો એણે ચાઉમાઉની યાદ અપાવી દીધી. આમ, સૌ જેવી શ્રદ્ધા સાથે વાંચે એ મુજબ એને ફળ મળે છે.
આ કથાઓને પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવાની વિનંતી ન કરવી, કેમ કે, મંચુરિયા દેશમાં એક મોટીવેશનલ સ્પીકરે આ કથા પુસ્તકરૂપે છપાવી, તો એની બધી જ નકલો વેચાઈ ગઈ, પણ કઝાખસ્તાનના એક ધનપતિએ આ કથાઓ ગમી હોવા છતાં એ પુસ્તકરૂપે ન છપાવી તો એ લખપતિ થઈ ગયો. અગાઉ એ કરોડપતિ હતો.
આમ, ચાઉમાઉના પરચા અપાર છે. એને મન ચીન, હિન્દુસ્તાન, તુર્કી, યુક્રેન, કઝાખસ્તાન જેવા ભૌગોલિક ભેદ નથી. એ તો પૃથ્વીના દરેક સ્થળે, દરેક કાળે અવતાર લે છે. લોકો એને અવતાર ગણે કે પનોતી, ચાઉમાઉઓ એનાથી પર હોય છે. બસ, તેઓ અવતાર લે છે, લોકોને હસાવવાનું પોતાનું અવતારકાર્ય સંપન્ન કરે છે, અને ઈતિહાસના પાને નોંધાઈ જાય છે, એ યાદ કરાવવા કે ‘સંભવામિ યુગે યુગે’.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Saturday, August 10, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન- 24): ચાઉમાઉનો દરબાર અને દરબારીઓ

ચાઉમાઉને અંગ્રેજી ખાસ ફાવતું નહીં, અને એ બાબતની એને કશી સભાનતા પણ નહીં. ક્યારેક ગમ્મતે ચડે તો તે અંગ્રેજી બોલતો. ગુસ્સે થાય ત્યારે તે ફ્રેન્ચમાં બોલવા પ્રયત્ન કરતો, પણ ફ્રેન્ચ તેને આવડતી ન હોવાથી એ ગુસ્સે થવાનું માંડી વાળતો. એ શાળામાં ભણતો ત્યારે અંગ્રેજી વિષય શીખવવા એના સાહેબે ખૂબ પ્રયત્ન કરેલા. છેવટે શાળાના સંચાલકોએ પોતાની શાળામાં અંગ્રેજી વિષય ભણાવવાનું માંડી વાળ્યું, અને અંગ્રેજીના શિક્ષકોને કૂંગ ફૂનો વિષય આપી દીધો.

ચાઉમાઉએ આ જોયું અને એને મઝા પડી. તેને થયું કે પોતે ગાદી સંભાળશે ત્યારે આવું જ કરશે. એટલે કે એક વિષયનિષ્ણાતને જેની સાથે લેવાદેવા ન હોય એવો વિષય આપી દેવાથી ઘણો લાભ થાય છે. એ વિષયનિષ્ણાત પોતાના માટેના સાવ નવા ક્ષેત્રમાં કંઈક નવિન અને નિર્દોષ વિચાર લઈને આવે છે, જે અગાઉ કોઈએ કર્યા નથી હોતા.
એ મુજબ, રાજા બન્યા પછી ચાઉમાઉએ નવિનીકરણ કરવા માંડ્યું. તેના દરબારમાં અનેક દરબારીઓ હતા. આ દરબારીઓ રોજેરોજ દરબારમાં આવતા, બેસતા, ઝોકા મારતાં અને ચા પીને પાછા ચાલ્યા જતા. ચાઉમાઉને આ બાબતનો ખ્યાલ ઝટ ન આવતો, કેમ કે, તે પોતે પણ ઝોકાં મારતો. જો કે, એને એ ‘પાવર મેડિટેશન’ જેવા અંગ્રેજી નામે ઓળખાવતો. એ જાગીને જોતો તો ‘જગત’ દીસતું નહીં, એટલે કે દરબારીઓ ચાલ્યા ગયેલા જણાતા. ચાઉમાઉને થયું કે આ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવો જોઈશે.
તેણે દરબારીઓને જણાવ્યું કે હવે એ સૌએ અલગ અલગ ક્ષેત્રે તાલીમ માટે જવું પડશે. દરબારમાં હવે નવા અને વધુ બુદ્ધિશાળી લોકોને લાવવામાં આવશે. તાલીમ લેવાનું દરબારીઓને બહુ ગમતું, કેમ કે, ચાઉમાઉના દરબારમાં સળંગ સૂવા મળતું નહીં, માત્ર ઝોકાં ખાઈને સંતોષ માનવો પડતો. તેને બદલે તાલીમમાં સળંગ ઊંઘ મળતી. દરબારીઓને ઊંઘની આટલી સખત જરૂર કેમ રહેતી એ કોયડો હતો. ઘણા સમાજશાસ્ત્રીઓ એ કોયડાને ચીનની ફાટફાટ થતી વસતિ સાથે સાંકળતા.
ચાઉમાઉએ પોતાના દરબારનું પરિવર્તન પણ કર્યું અને વિસ્તરણ પણ. કેટલાક દરબારીઓને તેણે પત્રકાર બનવા મોકલ્યા, અને તેમનું સ્થાન ભરવા અમુક પત્રકારોને દરબારમાં લઈ લીધા. એ જ રીતે, કેટલાક દરબારીઓને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલ્યા, અને સામે પક્ષે અર્થશાસ્ત્રીઓને દરબારમાં સ્થાન આપ્યું. આમ, ચાઉમાઉના દરબારમાં ધીમે ધીમે ડૉક્ટરો, પ્રાધ્યાપકો, શિક્ષકો, વકીલ, ન્યાયાધીશ, ફિલસૂફ, સાધુસંતો, સાહિત્યકારો, બૅન્કૉરો સહિત વિવિધ પ્રજાતિના લોકોને સ્થાન મળવા લાગ્યું. તો તેમને સ્થાને ગોઠવાયેલા દરબારીઓને પણ આવાં વિવિધ ક્ષેત્રોનો પરિચય થતો ગયો. સરવાળે ચીનને ફાયદો હતો.
આ પરિસ્થિતિ પરથી વરસો પછી ભારતના એક ગીતકાર નિદા ફાઝલીએ એક પંક્તિ લખેલી, ‘જહાં ભી જાઉં યે લગતા હૈ, તેરી મહેફિલ હૈ’. આવી તો કેટલીય પંક્તિઓનો ચાઉમાઉ પ્રેરક બની રહ્યો. ખાસ કરીને ભારત દેશના ફિલ્મી ગીતકારોને તેણે ખૂબ પ્રેરણા આપી. હસરત જયપુરી નામના ગીતકારે ચાઉમાઉના પ્રભાવ હેઠળ લખેલું, ‘તેરા જલવા જિસને દેખા, વો તેરા હો ગયા’. બીજા એક કવિ ભરત વ્યાસે તો ત્યાં સુધી લખ્યું કે, ‘સૈયાં જૂઠોં કા બડા સરતાજ નીકલા’. આવાં અનેક ઉદાહરણ આપી શકાય એમ છે.
ચાઉમાઉના અંગ્રેજી કરતાં તેનો આત્મવિશ્વાસ ઘણો બહેતર હતો. આથી તે નવા નવા અંગ્રેજી શબ્દો બનાવતો રહેતો. એક વખત તેણે પોતાના મહેલની બારીમાંથી જોયું તો નીચે એક માણસ બળદગાડું ચલાવીને જઈ રહ્યો હતો. બળદો પોતાની મસ્તીમાં, સીધી લીટીમાં ચાલી રહ્યા હતા અને ગાડું ચલાવનાર રીતસર ઊંઘી ગયો હતો. ચાઉમાઉના મનમાં શબ્દ સ્ફૂર્યો, ‘બુલડોઝર’ એટલે ‘બુલ’ ચલાવતાં ચલાવતાં ‘ડોઝીંગ’ કરે એ.
એક વાર કશીક વાત નીકળતાં તેના દરબારમાં ભરતી થયેલા એક બૅન્ક મેનેજરે કહ્યું, ‘આઈ હેવ અ કાઉન્ટર ટુ સેલ.’ ચાઉમાઉને મસ્તી સૂઝી. એ કહે, ‘કાઉન્ટરની આગળ આર્ટિકલ ‘એ ’ ન આવે, ‘એન’ આવે. એન કાઉન્ટાર!’ બૅન્ક મેનેજર આમ હોંશિયાર હતો. તેણે તરત કહ્યું, ‘આપની વાત સાચી છે, નામદાર. એન્કાઉન્ટર જ બોલાય.’ ચાઉમાઉ હસીને કહે, ‘મેનેજર, તમે તમારાં કૌભાંડો સિફતથી ઢાંકી શકો છો, એમ મારા માટેનો ભક્તિભાવ પણ છુપાવો છો. બોલો, સાચું ને?’ મેનેજરને સમજાયું નહીં કે શો જવાબ આપવો. તેણે હાઉવાઉ સામું જોયું. હાઉવાઉ હસતા હતા. મેનેજર સમજી ગયા કે રાજા અંગ્રેજીની ચર્ચા કરે છે એનો અર્થ એ કે એ ગમ્મતે ચડ્યા છે. બૅન્કરને બૅન્કિંગની તાલિમ દરમિયાન શીખવવામાં આવેલું કે હાથી, ડ્રેગન અને રાજા મસ્તીએ ચડે ત્યારે આપણે સલામત અંતરેથી જોયા કરવાનું, વચ્ચે નહીં આવવાનું. તેણે એમ જ કર્યું. ચાઉમાઉ કહે, ‘બોલો, એન્કાઉન્ટર.’ મેનેજરે પુનરાવર્તન કર્યું.
આવા તો અનેક અંગ્રેજી શબ્દોને ચાઉમાઉએ જન્મ આપ્યો અને સદીઓ અગાઉ અંગ્રેજોએ ચીન સાથે કરેલા દુર્વ્યવહારનો ગુપ્ત રીતે બદલો લીધો. ગુપ્ત રીતે એટલા માટે કે અંગ્રેજોને આની ગંધ સુદ્ધાં આવી નહીં. પછી તો આ શબ્દોને નિકાસ કરવાનો નિર્ણય લેવાયો, જેથી ચીનને વિદેશી હૂંડિયામણની આવક થઈ શકે. ચીન સાથે વ્યાપારી સંબંધો ધરાવતા દેશોમાં આ શબ્દોની માંગ ઊભી કરાઈ.
શિક્ષણ વિભાગમાં ચાઉમાઉના કેટલાક દરબારીઓ હતા, જેમણે ચાઉમાઉના અનેક પ્રયોગોને ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં સ્થાન આપ્યું. જો કે, આ હકીકતની જાણ ઘણી મોડી થઈ, કેમ કે, વિદ્યાર્થીઓ શાળાએ જાય તો પાઠ્યપુસ્તક જુએ ને!
ચાઉમાઉના રાજની પરિસ્થિતિ પરથી પ્રેરિત થઈને ભવિષ્યમાં પ્રદીપ ઊપનામ ધરાવતા એક કવિએ લખેલું, ‘ઊપર ગગન વિશાલ, નીચે ગહરા પાતાલ, બીચ મેં ધરતી, વાહ મેરે માલિક, તૂને કિયા કમાલ! વાહ મેરે માલિક ક્યા તેરી લીલા, તૂને કિયા કમાલ!’ સાદો અર્થ એ કે ચીનની ધરતી એવી વચ્ચોવચ્ચ છે કે ઉપર આકાશ છે, અને નીચે સાવ પાતાળ. એટલે કે ચાઉમાઉના શાસનમાં ‘સદાચાર’ આકાશને આંબતો અને નૈતિકતા પાતાળને સ્પર્શતી, છતાં ચીન ટકી રહ્યું હતું એ કેવી કમાલ! વધુમાં ‘લીલા’ શબ્દ ‘લીલાલહેર’નો સૂચક છે.
ધન્ય હજો રાજા ચાઉમાઉને કે જેમણે દેશદેશાવરના અનેક કવિઓ-ગીતકારોને પ્રેરણા આપી. ધનભાગ ચીનના લોકોનું કે એમને આવા રાજા મળ્યા, જેના રાજમાં સૌને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Friday, August 9, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉમાઉ (અનુસર્જન-૨૩) ચીનમાં ચાઉમાઉનાં ચિત્રો

ચાઉમાઉને ચીનાઓ બહુ પ્રેમ કરતા. એ હદે કે ઠેરઠેર તેઓ ચાઉમાઉનાં ચિત્રો મૂકતાં. આને લઈને ચીનમાં આવતા વિદેશી પ્રવાસીઓને લાગતું કે ચાઉમાઉ ખુદ પોતાની જાતના પ્રેમમાં છે અને એ જ બધે પોતાનાં ચિત્રો મૂકાવે છે. ચાઉમાઉને ઘણી વાર લાગતું કે પ્રજાનો આટલો બધો પ્રેમ સારો નહીં! પણ કરવું શું? ચાઉમાઉનો વિકલ્પ હજી શોધાયો નહોતો.

ચીનાઓ બિચારા ભોળા હતા એટલે એમને કંઈ એવું ભાન ન હોય કે ચાઉમાઉનાં ચિત્રો ક્યાં મૂકાય અને ક્યાં ન મૂકાય! એટલે જાહેર સ્થાનો પર તો ઠીક, ઘરમાં પણ દીવાલો પર, સૂપના બાઉલ પર, ચોપસ્ટીક પર, નેનચાકુ પર, ધાબળા, ચાદર કે ઓશિકાનાં કવર પર એમ વિવિધ જગ્યા કે વસ્તુઓ પર ચાઉમાઉનાં ચિત્રો જોવા મળતાં.
ચિત્રો મૂકાવાનું કારણ એ હતું કે ચીનમાં હજી છબિકળા પ્રવેશી નહોતી. અલબત્ત, સમસ્ત વિશ્વને છબિકળાની ભેટ ચીને જ આપેલી. ખરું જોતાં, વિશ્વની પ્રત્યેક શોધ સૌથી પહેલી ચીનમાં જ થયેલી, પણ પછી વિદેશી આક્રમણખોરો એ બધું તફડાવી ગયેલા. એટલે ચીનમાં કશું રહેલું નહીં. આથી વર્તમાન સમયમાં બિચારા ચીનાઓએ વિદેશ પર આધાર રાખવો પડતો. ચાઉમાઉએ એક વિભાગ જ અલાયદો રાખેલો કે જેનું કામ હતું વિશ્વની કઈ શોધ ચીનમાં નથી થઈ એ શોધવું. આ વિભાગના કર્મચારીઓ પાસે કશું કામ જ નહોતું. ટૂંકમાં, ચાઉમાઉની છબિઓને બદલે ચિત્રો ચલણમાં હતાં એનું કારણ આ હતું.
એમ તો, ચીનમાં હજી શૌચાલય પણ ચલણમાં નહોતાં આવ્યાં. શૌચાલય માટે ચીનાઓ પ્રાકૃતિક વાતાવરણનો ઉપયોગ કરતા. તેઓ વાંસના ડબલામાં પાણી લઈને નીકળતા. આ ડબલા પર ચાઉમાઉનું ચિત્ર હોય એ સ્વાભાવિક ગણાય, પણ કેટલાક વિજ્ઞાનીઓએ એવી શોધ કરેલી કે ડબલાની અંદર રહેલા પાણીમાં પણ ચાઉમાઉનો ચહેરો દેખાય. એ પાણી જે કામ માટે ડબલામાંથી બહાર કઢાય ત્યારે જમીન પર પડતાં પણ એમાંથી ચાઉમાઉના ચહેરાની આકૃતિ બનતી. આટલું ઓછું હોય એમ ચીનાઓ દ્વારા કરાતા ઉત્સર્ગ થકી પણ ચાઉમાઉની આકૃતિ બનતી.
હાઉવાઉને આ બધું ગમતું નહીં. આથી તેણે એક વાર ચાઉમાઉને કહ્યું, "સમ્રાટ, જુઓ, આપ ડ્રેગન ફ્રૂટ કાપીને ખાવ કે ચૂસીને, એનો વાંધો નથી. પણ આપણા લોકો આમ જ્યાં ને ત્યાં તમારાં ચિત્રો મૂકે એ યોગ્ય ન કહેવાય." ચાઉમાઉ હસીને કહે, "એમાં તમને શું પેટમાં દુ:ખ્યું? પ્રજાનો આવો પ્રેમ પામવા માટે પણ લાયકાત જોઈએ. મને લાગે છે કે મારો જનમ એના માટે જ થયો છે. ઈન ફેક્ટ, મારો જનમ નથી, અવતાર છે. યુ નો, અવતાર!" હાઉવાઉ સમજી ગયો કે મહારાજ હવે સાચું અંગ્રેજી બોલવા પર ચડી ગયા છે એટલે ગમ્મતના મૂડમાં છે. તેણે હળવેકથી કહ્યું, "મહારાજ, આપ અત્યારે 'પાન્ડા કી લાદ' કાર્યક્રમમાં નથી બોલી રહ્યા. મારી સાથે વાત કરી રહ્યા છો." ચાઉમાઉએ સહેજ અકળાઈને કહ્યું, "એમ? તો દીવાન તરીકે તમારી એ ફરજ બને છે કે મને જાણ કરવી. દીવાન છો કે કોણ છો?" હાઉવાઉ બોલ્યો, "દીવાન જ છું. પણ તમારો પગાર નથી ખાતો. આપણે ભેગા મળીને જનતાનું સહિયારું ખાઈએ છીએ."
ચાઉમાઉ કહે, "સોરી, આઈ ગૉટ અ બીટ ઈમોશનલ. તમે ઈચ્છો છો શું એ કહો ને!" હાઉવાઉ કહે, 'લોકો તમારા એકલાનું જ ચિત્ર બધે મૂકે છે. તો પાછળ મારુંય ચિત્ર મૂકે એવું કંઈક કરો ને!" ચાઉમાઉ કહે, "ઠીક છે. તમારે જ આદેશનો અમલ કરાવવાનો છે. તમને ઠીક લાગે એ રીતે કરાવી દેજો."
ચીની ચિત્રકારો કાબેલ હતા. હવે પછી ચીનમાં દરેક ચીજો પર ચાઉમાઉ અને હાઉવાઉ બન્નેના ચિત્રો મૂકાવા લાગ્યાંં. અલબત્ત, ચાઉમાઉનું ચિત્ર આગળ અને મોટું, અને હાઉવાઉનું ચિત્ર પાછળ અને સહેજ નાનું.
હાઉવાઉ ખુશ થયો. ચાઉમાઉ તો ખુશ હતો જ. આ બન્ને ખુશ હોય તો ચીનાઓને કયું દુ:ખ હતું! ચાઉમાઉના રાજમાં એમને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Thursday, August 8, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-22): ચાઉમાઉનો ભવ્યતાપ્રેમ

ચાઉમાઉ મૂળભૂત રીતે ભવ્યતાનો પ્રેમી હતો. કોઈ પણ ચીજ અંદરથી ભલે ખાલી હોય, પણ બહારથી ભવ્ય દેખાવી જોઈએ એમ તે માનતો. આને કારણે તેણે ગાદી સંભાળતાંની સાથે જ સમગ્ર રાજનું નવિનીકરણ કરી દીધું. એટલે કે એકે એક વિભાગ, એના મંત્રી, અધિકારી વગેરેનાં નામ અને હોદ્દાનાં નવાં નામ પાડ્યાં. જેમ કે, શિક્ષણવિભાગનું નામ વિદ્વત્તાવિભાગ કર્યું અને એમાં કામ કરતા તમામ કર્મચારીઓના હોદ્દા પાછળ ‘વિદ્વાન’ લગાવવાનું કહ્યું. સૌથી ઉપલા હોદ્દે વરિષ્ઠ વિદ્વાન અને સૌથી નીચલા હોદ્દે રંગરુટ વિદ્વાન. આ બન્ને વચ્ચે આવતી તમામ શ્રેણીના અનેક વિદ્વાનો જોવા મળતા. એ જ રીતે નાણાંવિભાગનું નામ બદલીને કરોડપતિ વિભાગ રાખ્યું. એ વિભાગમાં પણ વરિષ્ઠ કરોડપતિથી લઈને રંગરુટ કક્ષાના અનેક કરોડપતિ કર્મચારીઓ થયા.

સાંસ્કૃતિક વિભાગ તેને અતિ પ્રિય હતો. તેનું નામ શું રાખવું એ બાબતે તેણે અન્ય તમામ વિભાગોના વડાઓની સભા બોલાવી. આ વડાઓ અત્યંત લાયક અને કાર્યશીલ હતા. તેમની મુખ્ય લાયકાત ચાઉમાઉનો પડ્યો બોલ ઝીલવાની અને ‘તુમ દાલ કો અગર ભાત કહો, ભાત કહેંગે’ કહેવાની હતી. લાયકાત એ જ ચીનમાં કાર્યશીલતા ગણાતી, કાર્યશીલતા વફાદારી ગણાતી, વફાદારી દેશપ્રેમ ગણાતી, અને દેશપ્રેમનો અર્થ થતો ચાઉમાઉપ્રેમ. ચાઉમાઉએ સૌ વડાને સાંસ્કૃતિક વિભાગના નવા નામ માટે સૂચન આપવા જણાવ્યું. એક પછી એક સૂચન આવવા લાગ્યાં. જેમ કે, ફેક મફે ક વિભાગ, લો લમ લોલ વિભાગ, ગ પોડી વિભાગ વગેરે. ચાઉમાઉને બધાં નામ ગમ્યાં, પણ હજી તેનું મન માનતું નહોતું. તેણે સૌને બીજા દિવસે વધુ વિચાર કરીને ફરી આવવા જણાવ્યું.
વિભાગીય વડાઓને બિચારાને વિચાર કરવો એટલે શું એનો અભ્યાસ નહોતો. તેઓ ખોરાકમાં માત્ર નમક લેતા, જે ચાઉમાઉના રસોડામાંથી સીધું જ તેમને ત્યાં પહોંચાડાતું. માત્ર નમક ખાતા રહેવાને કારણે તેમના દિમાગના કેટલાક કોષો વિકસ્યા જ નહોતા. તેઓ વારેવારે ચાઉમાઉને કહેતા, ‘અમે તમારું નમક ખાધું છે.’ ચાઉમાઉ મલકાતો અને કહેતો, ‘હવે ગોળીઓ ખાજો.’ આ સાંભળીને વિભાગીય વડા જોરથી હસતા.
બીજા દિવસે સૌ ભેગા થયા અને ફરી એક વાર નામ સૂચવવાનો સીલસીલો ચાલ્યો. ચાઉમાઉ જોતો કે ચીનના વિભાગીય વડાઓ બહુ મથતા, પણ તેમને નવાં નામ સૂઝતાં નહોતાં. એમ નહોતું કે તેઓ કામચોર હતા. ચાઉમાઉ જાણતો હતો કે તેઓ ચોર હશે, પણ કામચોર હરગીઝ નહીં. કેમ કે, કામચોરી માટે ચીનમાં ચોરી કરતાંય આકરી સજા હતી. ચોરી કરનારને ચીની સુરક્ષા દળમાં મોકલી દેવામાં આવતો અને તેનું પોસ્ટિંગ ચીનની દીવાલ પર થતું. ચીનની દિવાલ પર સ્થિતિ એવી હતી કે ત્યાં વાત કરવા માટે સુદ્ધાં કોઈ માણસ મળતું નહીં. આથી ત્યાં આમ કરનારા મોટા ભાગના કર્મચારીઓ જાત સાથે સંવાદ કરતા થઈ જતા, જેને ચીનના તબીબો ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા ગણાવતા, પણ સામાન્ય લોકો એમને ‘પાગલ’ માનતા. અલબત્ત, ચીનમાં કોઈને જાહેરમાં ‘પાગલ’ કહી શકાતું નહીં, એટલે તેમને ‘કર્મયોગી’ જેવા અધિકૃત નામે ઓળખવામાં આવતા. કામચોરી કરનાર કર્મચારીને આવા કર્મયોગીઓની શિબિરનું સંચાલન કરવાનો હવાલો સોંપાતો.
આને કારણે ચીનમાં ચોરી કે કામચોરી નહીં, પણ શિરજોરી ફૂલીફાલી હતી. શિરજોરીને પ્રાયોગિક ધોરણે સમજાવી શકાય, પણ સૈદ્ધાંતિક રીતે સમજાવવી મુશ્કેલ છે. સાદી ભાષામાં કહી શકાય કે ‘લાજવાને બદલે ગાજવું’ એટલે શિરજોરી. ચાઉમાઉ પોતે શિરજોરીનો પ્રેમી હતો. તેણે કરેલાં શિરજોરીનાં ઉદાહરણો ચીનનાં પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓને ભણવામાં આવતાં.
મૂળ વાત એ હતી કે સાંસ્કૃતિક વિભાગ માટે ચાઉમાઉને ફક્કડ નામ જોઈતું હતું. ચાઉમાઉએ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધાની ઘોષણા કરાવડાવી અને સૌ ચીનીઓને પોતાના દેશના ગૌરવ કાજે સાંસ્કૃતિક વિભાગનું નવું નામ સૂચવવા અનુરોધ કર્યો. ચીનમાં વિવિધ વિભાગીય વડાઓની વિચારશીલતાની આવી હાલત હોય ત્યાં સામાન્યજનનું શું ગજું!
છેવટે પ્રબુદ્ધ દેખાતા અબુધ સાહિત્યકાર હૂ કાય છૂને યાદ કરવામાં આવ્યા. તેમણે પોતાને લમણે પોતાની પ્રથમ આંગળી મૂકી. બાકીની ત્રણ આંગળીઓને વાળી. ઘુવડ જેવી મુખમુદ્રા કરી. આ મુદ્રામાં તેઓ એટલા પ્રબુદ્ધ જણાતા હતા કે ભલભલા છેતરાઈ જાય. કશુંક વિચારી રહ્યા હોવાનો દેખાવ કરીને તેમણે કહ્યું, ‘પૂરી એક મિનીટ અને સવા ચોત્રીસ સેકન્ડ વિચાર કર્યા પછી....” હજી તેઓ વાક્ય પૂરું કરે એ પહેલાં જ ચાઉમાઉ તાડૂક્યો, “આને એટલે જ હું બોલાવતો નથી. કાયમ આ રીતે જ પકાવે છે.” હૂ કાય છૂએ ચહેરા પરથી પ્રબુદ્ધતાનું આવરણ હટાવ્યું અને અબુધપણે મલકાયા. કહે, “નામદાર, મારું એક જ સૂચન છે.” ચાઉમાઉ કહે, “એક હોય કે હજાર, ઝટ ભસી મર.” છૂએ હવે શ્વાન જેવી મુખમુદ્રા કરવાનો પ્રયત્ન કર્યો અને હોઠ સહેજ વંકાવીને ‘ભાઉ ભાઉ’ કરવા જતા હતા કે હાઉવાઉએ કહ્યું, “નામદાર ભસવાનું નહીં, ભસી મરવાનું કહે છે.” હૂ કાય છૂના મનમાં અજવાળું થઈ ગયું. તેમણે એક શ્વાસે કહ્યું, “સાંસ્કૃતિક વિભાગનું નામ બદલીને ચાઉમાઉ વિભાગ જ રાખવું જોઈએ. કેમ કે, ચાઉમાઉ એ સંસ્કૃતિનો પર્યાય છે અને સંસ્કૃતિ ચાઉમાઉનો. તાઓના ગ્રંથ નંબર પાંચની છઠ્ઠી આવૃત્તિના પૃષ્ઠ નંબર એકસો ને...” ચાઉમાઉ એટલો અકળાઈ ગયો કે એણે જોરથી રાડ પાડી, “બસ કરો, હવે. આજથી તમારું નામ બદલીને ‘હૂ કાય છૂ’ને બદલે ‘તૂ કાય ની’ રાખવામાં આવે છે. મને એમ કે, તમે નથી બોલતા તો જરા પ્રબુદ્ધ દેખાવ છો. પણ જોયું કે તમે ન બોલો એમાં જ તમારી ગરિમા છે, સમજ્યા ને!” હૂ કાય છૂએ બે હાથ જોડ્યા અને કહ્યું, “નામદાર, આ તો મેં અમેરિકાની વેસ્ટવર્ડ યુનિવર્સિટીમાં પ્રવચન આપવા માટે જે નોંધ કરેલી એ આપને જણાવતો હતો.” ચાઉમાઉ કહે, “હજી મને પ્રભાવિત કરવા જાવ છો કે તમારી અમેરિકામાં બહુ ડિમાન્ડ છે ને તમને ભાષણો ઠોકવા લોકો બોલાવે છે! રાજા આગળ આવું કરો છો તો ભૂંડા લાગો છો. જાવ હવે!”
હૂ કાય છૂ સ્થિતપ્રજ્ઞ બની રહ્યા. શું કરવું એની તેમને ખબર હતી. તેમણે પોતાની મુખમુદ્રા ઘુવડ જેવી હતી એને ચીબરી જેવી કરી. પછી સહેજ હસીને કહ્યું, “નામદારનો જય હો!”
ચાઉમાઉ હવે હસી પડ્યો. બોલ્યો, “હા, હવે! તમે અત્યાર સુધી જે કર્યું છે એ હું ભૂલું એમ નથી. તમને ડ્રેગનશ્રીનો એવોર્ડ આપવાનું આ વરસે નક્કી જ છે, હોં!”
હૂ કાય છૂએ લમણા પરથી આંગળીને નીચે ઊતારી. તેમનું સૂચન સ્વીકારાઈ ગયું અને સાંસ્કૃતિક વિભાગ ચાઉમાઉ વિભાગ તરીકે ઓળખાવા લાગ્યો.
નવું નામ, અને એ પણ પોતાના રાજાનું, મળતાં ચીનાઓ રાજીરાજી થઈ ગયા. ચાઉમાઉના રાજમાં સૌને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Wednesday, August 7, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન- 21): ચીની સંતો, ચીની ભક્તો અને ચાઉમાઉ

ચાઉમાઉ ધર્મપ્રિય રાજવી હતો. તેને સંતસમાગમ (સમાસવિગ્રહ: સંત અને સમાગમ) ખૂબ ગમતો. સંત પાસે ન હોય ત્યારે તે સમાગમમાં વ્યસ્ત રહેતો. આ કારણે ચીનના સંતો રાજપ્રિય હતા. તેઓ પણ રાજા પાસે ન હોય ત્યારે સમાગમમાં મગ્ન રહેતા. 'સમાગમ' શબ્દ ચીનમાં ખૂબ લોકપ્રિય હતો. કોઈક તેને માટે 'સત્સંગ' શબ્દનો ઉપયોગ કરતું, કોઈક 'સમાધિ' શબ્દ વાપરતું, કેટલાક આધુનિક સંતો 'નાઈટ મેચ' જેવો શબ્દ પણ વાપરતા. આમ, ચીનમાં વિવિધ કોટિ સંતોનું ચલણ હતા. 'ચલણ' પરથી યાદ આવ્યું કે અમુક સંતોને લોકો લાડથી 'મોટી નોટ', 'ફાટલી નોટ', 'ખોટો સિક્કો' જેવાં વિશેષણોથી પણ સંબોધતા. એમ કરવામાં એ સંતો પ્રત્યે લોકોનો આદરભાવ છતો થતો.

ચાઉમાઉના રાજના સંતોમાં અનેક પ્રકારનું વૈવિધ્ય જોવા મળતું. એવા એક સંત પૂ. ન્યૂ રા ધૂપનો પરિચય અગાઉ અપાઈ ચૂક્યો છે. બીજા એક સંત હતા લો લુ પકામી. આ સંતનો દેખાવ એકદમ વિકરાળ હતો, અને તેમનો અવાજ પણ દેખાવને અનુરૂપ. લોકો તેમનાથી ડરતા પણ ખરા, કેમ કે, તેઓ તંત્રવિદ્યા જાણતા હોવાનો દાવો કરતા અને જેની પર ગુસ્સો કરે એને વંદો, ગરોળી, ઉંદર વગેરેમાંથી કંઈ પણ બનાવી દેતા. અલબત્ત, આવી અને એની વાઈસેવર્સા સિદ્ધિ તો ચીનમાં અનેક સંતો પાસે હતી, પણ આ સંતથી ડરવાનું વિશેષ કારણ એ હતું કે આ રીતે વંદો, ગરોળી કે ઉંદર બનાવ્યા પછી તેમના અનુયાયીઓ ચાઈનીઝ રાઈસમાં ભેળવીને એને 'પ્રસાદ' તરીકે વહેંચી દેતા, અને એની પાછા માણસ બનવાની શક્યતા શૂન્ય થઈ જતી. આ પરંપરા પરથી ભારતના ગીતકાર કમર જલાલાબાદીએ વરસો પછી એક ગીત લખેલું, જેમાં એકાદ શબ્દનો ફેર કરેલો. એ ગીત હતું: 'એક દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ યહાં ગીરા, કોઈ વહાં ગીરા'. સુજ્ઞજનો આ ગીતનું ચીની અનુસંધાન તરત પામી શકશે.
ચીનના અન્ય એક સંત વ્યવસાયી હતા, જેમનું નામ હતું કો મેડી અન. પોતાના નામમાં 'મેડી' આવતું એને અનુરૂપ તેમણે ચીની ઔષધિઓ(મેડીસીન)નો ઉદ્યોગ સ્થાપેલો. ચીની ઔષધ પરંપરા અને ધ્યાન પરંપરાના તેઓ વાહક મનાતા. આમ તો તેમનું મુખ્ય લક્ષ્ય જિનસેંગ વેચવાનું હતું, પણ એમાં તેઓ સ્ટેરોઈડ ભેળવતા. ચાઉમાઉનો તેમને સીધો આશ્રય હતો.
ખુદ ચાઉમાઉનો જેમને સીધો આશ્રય હોય એવા સંતોને પૂજવામાં ચીનાઓ પાછા પડે? આને કારણે પ્રત્યેક ચીની ભક્તની મહત્ત્વાકાંક્ષા રહેતી કે પોતાનો દીકરો મોટો થાય અને પોતાની જેમ જ અમુકતમુક સંતનો પ્રખર અનુયાયી બને. દીકરીઓ માટે ચીનાઓ આવી મહત્ત્વાકાંક્ષા ન રાખતા. કેમ કે, દીકરીઓ મોટી થાય એ પહેલાં જ તેમને ચીની સંતોની સેવામાં મોકલી દેવાતી.
કાળક્રમે કેટલાક ચીની સંતોને રાજકીય મહત્ત્વાકાંક્ષા જાગી, તો સામે પક્ષે સંતસમાગમને કારણે ચાઉમાઉને પણ આધ્યાત્મિક મહત્ત્વાકાંક્ષા જાગી. તેણે જાહેર કર્યું કે પોતે કોઈ રાજાબાજા નથી, પણ લામા છે. પોતાને મન થશે ત્યારે તે પોતાનો રોબ ફગાવીને નીકળી પડશે.
આ સાંભળીને ચીની સંતો ગેલમાં આવી ગયા, પણ તેમને એક વાંધો પડ્યો. 'લામા' એ બૌદ્ધ ધર્મનો શબ્દ છે. ચાઉમાઉ પોતે લામા હોવાનું જાહેર કરે તો એની સીધી અસર પોતાની દુકાનો પર, એટલે કે પોતાના અનુયાયીઓ પર થાય અને એ બધા બૌદ્ધધર્મી સાધુઓના ચેલા બનવા હડી કાઢે. આથી ચીની સંતોનું મંડળ ચાઉમાઉને મળવા ગયું. તેમણે એક અવાજે રજૂઆત કરી કે હે રાજન! અમે ભલે સંસાર ત્યાગી દીધેલા છીએ, પણ અમારો વંશ નિર્મૂળ થવાનો નથી. આપ તો રાજવંશી છો, આપ લામા બની જશો તો...."
ચાઉમાઉ મંડળની વાત સાંભળીને હસી પડ્યો અને બોલ્યો, "બાવલાઓ, તમે એમ ધારો છો કે હવે હું બૌદ્ધ મઠોને સબસિડી આપીશ અને તમને બંધ કરી દઈશ? હું લામો હોઉં, રામો હોઉં કે પાયજામો હોઉં, આ રોબ કદી ફગાવવાનો નથી, સમજ્યા ને! આ તો રાજા હોઈએ એટલે અમુક જુમલા ફટકારવા પડે, સમજ્યા? જાવ, તમતમારે મોહમાયામાં ધ્યાન પરોવો અને ભક્તોને વિરક્તિનો ઉપદેશ ચાલુ રાખો. ડોન્ટ વરી, બી હેપ્પી."
ચાઉમાઉ અંગ્રેજી બોલે એટલે સંતો સમજી જતા કે એ મજાકના મૂડમાં છે. કેમ કે, સાચું અંગ્રેજી એ ગમ્મતમાં જ બોલી શકતો.
ચીની સંતોના મંડળે 'શંગ યી ચાઉમાઉ' (ચાઉમાઉનો જય), 'છાંગમીંગ ચાઉમાઉ' (ચાઉમાઉ ઝિંદાબાદ)ના પોકારો કર્યા. ચાઉમાઉએ હાઉવાઉને હુકમ કર્યો, 'હાઉવાઉ, આ બધા બાવલાઓને બબ્બે જોડી લંગોટી વધારાની આપજો. ગમે ત્યાં ખોઈ આવે છે!"
સંતમંડળે ફરી એક વાર ચાઉમાઉનો જયઘોષ કર્યો. ચીનનો રાજા ચાઉમાઉ ઉદાર અને ધાર્મિક હતો. આથી તેના રાજમાં સંતો સુખી હતા. રાજા ધાર્મિક, સંતો સુખી, એટલે લોકોને લીલાલહેર જ હોય ને!
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Tuesday, August 6, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન- 20) : ચાવીવાળો મગર, ચીની સમુદ્ર અને ચાઉમાઉ

 ચાઉમાઉને મન બધા જીવ સમાન હતા, પણ કેટલાક જીવ અન્યો કરતાં વિશેષ સમાન (more equal than others) હતા. ચીની ભોજન પરંપરા અનુસાર તે માનતો કે હાલે એ બધું ચાલે. એનો અર્થ એ કે જે જીવ (હાલી)ચાલી શકે છે એ તમામ ભોજનમાં ચાલી શકે. બાળપણમાં તેના શિક્ષકોએ આ બરાબર ગોખાવેલું. એ કારણે ચાઉમાઉ બે-ત્રણ વખત ચાવી વડે ચાલતાં ડ્રેગન, વિમાન, મગર જેવાં રમકડાં ચાવી ગયેલો. એમાંથી મગરનો સ્વાદ તેને ગમી ગયેલો, કેમ કે, એની પીઠ પર ભીંગડાં હતાં. આ કારણે તેના પિતાજી તેને ચાવીવાળો મગર લાવી આપતા. આમ, મગર સાથે રમતાં રમતાં એ મોટો થતો ગયો. જી હા, મગર નહીં, ચાઉમાઉ મોટો થતો ગયો. આ ચાવીવાળા મગરને કંઈ તરતાં ન આવડે. પણ ચાઉમાઉને એમ કે મગર આમ તો જળચર છે, તો એને પાણીમાં મૂકી જોઈએ. રાજાનો દીકરો હતો એટલે એ કંઈ નાના તપેલામાં પાણી ભરીને મગર મૂકે? મગરને લઈને એ એક વાર ઊપડ્યો ચીની સમુદ્રના તટે.

એ વખતે પશ્ચાદભૂમાં જાવેદ અખ્તરનું લખેલું ‘સાગર કિનારે, દિલ યે પુકારે’ ગીત વાગી રહ્યું હતું. ગીત તો ચીની ભાષામાં હતું, પણ એની ધૂન પરથી ખ્યાલ આવતો હતો કે આ એ જ ગીત છે. કોણે કોની ઊઠાંતરી કરી એ કહેવું મુશ્કેલ હતું. ચીની સમુદ્રની લહેરો કિનારે આવ-જા કરી રહી હતી. ચાઉમાઉએ મગરને ચાવી ભરી અને તેને કિનારે મૂક્યો. એક લહેર આવી અને મગરને તાણી ગઈ. ચાઉમાઉએ રડારોળ કરી મૂકી. એનાથી કંઈ ન વળ્યું. એટલે એણે રાડારાડ કરી, ચીની સમુદ્રને ઉદ્દેશીને મોટે મોટેથી અપશબ્દો કહ્યા અને એને ચોપસ્ટીકે ચોપસ્ટીકે ખાલી કરી દેવાની લુખ્ખી દાટી આપી. એવામાં વધુ એક લહેર કિનારા તરફ આવી અને પેલા ચાવીવાળા મગરને કિનારે ફેંક્યો. ચાઉમાઉને લાગ્યું કે ચીની સમુદ્ર પોતાની ધમકીથી ગભરાઈ ગયો છે અને ગભરાઈને તેણે ચાવીવાળો મગર ચાઉમાઉને પરત કરી દીધો છે.
રાજી થતો ચાઉમાઉ મગરને લઈને પોતાના મહેલે પરત ફર્યો. પોતાના પિતાજીને બધી વાત કહેવાને બદલે તે સીધો મહેલની સામે આવેલા ઝૂંપડાંમાં ગયો. એ ઝૂંપડાંમાં ચીની ઈતિહાસકારો વસતા. ચીનના દવાખાનામાં ચિકિત્સક મળે કે ન મળે, ચીની શાળાઓમાં શિક્ષક હોય કે ન હોય, પણ પથરો ફેંકતાં કોક ને કોક ઈતિહાસકાર અવશ્ય મળી રહેતા. ચાઉમાઉએ મહેલની સામે રહેતા ઈતિહાસકારો સમક્ષ સઘળું વર્ણન કર્યું. ચાઉમાઉનું વર્ણન સાંભળીને ઈતિહાસકારોએ એકમેકની સામું જોયું. કાલે રાજા જણાવે ત્યારે આ ઘટના ઈતિહાસમાં સમાવવી કે અત્યારે એટલું જ વિચારવાનું હતું. ચાઉમાઉએ એ ઈતિહાસકારો પર મગર છોડી મૂકવાની ચીમકી આપી. ચીની ઈતિહાસકારો પણ ચીનનો ઈતિહાસ લખી લખીને ઈતિહાસકાર બન્યા હતા. તેઓ જાણતા હતા કે ચાવીવાળા મગરમાં દરિયાનું ખારું પાણી પેસી ગયું હશે તો મગર કશા કામનો નહીં રહ્યો હોય. આ ઈતિહાસકારો પાસે આવા અનેક મગરોનો સંગ્રહ હતો, કેમ કે, મગરને જેર કર્યો હોવાની કથા ચીનમાં દરેક રાજા કરતો. ઈતિહાસલેખન તેમની આજીવિકા હોવાથી શાહી પરિવારના સભ્ય લખાવે એ લખવું પડતું, પણ મનથી તેઓ સમજતા કે ભવિષ્યની પેઢી ઈતિહાસમાં બે લીટી વચ્ચે લખાયેલું વાંચશે તો તથ્ય જાણી શકશે.
ભાવિ પેઢી વાંચે ત્યારે ખરી, ચાઉમાઉના રાજમાં વર્તમાન પેઢીને કશું વાંચવાની ફુરસદ નહોતી. તેઓ ઉજવણીમાંથી ઊંચા આવે તો કશું વાંચે ને!
આમાં ને આમાં ચીનના ઈતિહાસમાં ક્યારે ચાવીવાળા મગરને બદલે સાચો મગર આવી ગયો એનું કોઈને ભાન જ ન રહ્યું. સાથે જ એ વાત પણ આવી કે ચાઉમાઉએ ચીની સમુદ્રને ચોપસ્ટીકે ચોપસ્ટીકે ખાલી કરી દીધેલો.
ઠેરઠેર મગરનાં પૂતળાં મૂકાવા લાગ્યા. એની નીચે ચીની ભાષામાં લખેલું, ‘સમ્રાટ ચાઉમાઉની ધમકીથી ચીની સમુદ્રે પરત કરેલો એ મગર’. થોડા સમયમાં ચીનના બજારોમાં ખારા પાણીની શીશીઓ વેચાવા લાગી. એની પર લેબલ રહેતું: ‘સમુદ્રે ડરીને સમ્રાટને પાછો આપેલો એ મગરના આંસુ’. આ શીશીઓનું વેચાણ એટલું બધું વધી ગયું કે ચીનાઓ વિવિધ વાનગીઓ પર એ આંસુનાં બે ટીપાંનો છંટકાવ કરતા અને પછી ખાતા. બજારમાં વધુ એક વાનગી મળતી થઈ. એ હતી મંચુરિયન બૉલ્સ. આ બૉલ્સની વિશેષતા એ હતી કે તેનો લોટ પેલા મગરના આંસુથી બાંધવામાં આવતો. આમ તો, સૌ ચીનાઓ જાણતા કે મંચુરિયન બૉલ્સ બનાવવામાં લોટની જરૂર પડતી નહીં, છતાં ‘દિલ કો બહલાને કે લિયે ખયાલ અચ્છા હૈ’ માનીને તેઓ એ હોંશે હોંશે ખરીદતા.
ચાઉમાઉને પોતાને પણ નવાઈ લાગતી કે મગર એવા તો કેટલાં આંસુ પાડતો હશે કે એની શીશીઓ ભરાય ને વેચાય, મંચુરિયન બૉલ્સનો લોટ બાંધવામાં વપરાય તો પણ એ ખૂટે નહીં. આ બધી ગણતરીમાં તે એ વીસરી ગયેલો કે દરિયાકિનારે ચાવીવાળો મગર દરિયામાંથી બહાર ફેંકાયેલો. તેને એમ લાગવા માંડેલું કે ચીની સમુદ્રે ડરીને તેને મગર પાછો આપી દીધેલો.
ઈતિહાસકારો ઈતિહાસમાં કોઈ ઘટના લખે એ પછી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ચાઉમાઉ અને મગરને લગતા સવાલો પૂછાતા. આવી પરીક્ષાઓમાં બેસતા ચીની વિદ્યાર્થીઓ મોટા ભાગે સહેલા સવાલના જવાબ લખતા નહીં, કેમ કે, શું અઘરું કે શું સહેલું! એમને મન બધું એકનું એક જ હતું! પણ ચાઉમાઉ અને મગરને લગતા સવાલના જવાબ તેઓ હોંશેહોંશે અને વિસ્તારથી લખતા, કેમ કે, એમાં તેમની કલ્પનાશક્તિ ખીલી ઉઠતી. ચીનના મગર વિશે કાલ્પનિક લખાણો લખી લખીને ઘણા લોકો નિબંધકાર ગણાવા લાગ્યા હતા. અને આજનો નિબંધકાર આવતી કાલનો ચિંતક છે એ ન્યાયે તેઓ ચિંતક ગણાતા પણ થઈ ગયા. ચિંતક બનો એટલે ચાઉમાઉના દરબારમાં સ્થાન મળી જતું. તેમની ફરજ મુખ્યત્વે ચાઉમાઉની અતાર્કિક વાતોને તર્ક, ધર્મ અને અધ્યાત્મનો આધાર બક્ષવાની રહેતી.
આ મગરકાંડની સચ્ચાઈ એક મગર જાણતો અને બીજો ચીની સમુદ્ર. પણ ચાવીવાળા મગરમાં ચીની સમુદ્રનું ખારું પાણી ભરાઈ જવાથી એ કટાઈ ગયો. કટાયો ન હોત તો પણ એ બોલી શકવાનો હતો નહીં. ચીની સમુદ્ર કેવળ ઘૂઘવાટા કર્યા કરતો. એ ઘૂઘવાટાની બોલી ઊકેલનારા નિષ્ણાતો ચીનમાં હતા ક્યાં!
પણ એથીય ઉપરની વાત એ હતી કે ચીનાઓ આ બધાથી પર હતા. ધારો કે ખુદ ચાવીવાળો મગર કે ચીની સમુદ્ર મનુષ્યની ભાષા બોલે અને ચીનાઓને વાસ્તવિકતા જણાવે તો પણ ચીનાઓને કશો ફેર પડવાનો નહોતો. ચાઉમાઉને તો આમે કશો ફેર નહોતો પડતો. સરવાળે ચાઉમાઉના રાજમાં ચીનાઓને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Monday, August 5, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-19): સતત નવિનતાનું પગેરું દાબતો ચાઉમાઉ

ચીનમાં થઈ ગયેલા અગાઉના શાસકોને દૃષ્ટિવંત ન કહી શકાય. તેઓ બસો-પાંચસો વરસનું વિચારતા, પણ વર્તમાનનું વિચારી ન શકતા. તેમની સરખામણીએ ચાઉમાઉ અલગ હતો. તે વર્તમાનનું વિચારતો. એ હદે કે આવતી કાલનું પણ નહીં, આ ક્ષણનું વિચારતો. આથી ચીનીઓ તેને બહુ ચાહવા લાગ્યા હતા.

ચીનમાં અનેક જૂનાંપુરાણાં બાંધકામો હતાં, જે અગાઉના શાસકોએ બંધાવડાવેલાં. એ એટલાં મજબૂત, ટકાઉ અને ભવ્ય હતાં કે એને કશું થતું જ નહીં. પેઢીઓની પેઢીઓ એ જોતી જોતી મોટી થઈ હતી. ચાઉમાઉને ખબર હતી કે પ્રજાને શું ગમે છે. તેણે રાતોરાત નવાં નવાં બાંધકામ તૈયાર કરાવવા માંડ્યા. ખાસ કરીને જાહેર સ્થળોનાં. સદીઓથી એકની એક ઈમારતો અને માળખાં જોતા આવેલા ચીનાઓ બહુ ઉત્સાહમાં આવી ગયા. નવી ઈમારતોને જોવા માટે લોકોની ભીડ ઉમટવા લાગી. ચીનમાં આમેય લોકો પાસે કામધંધો ખાસ હતો નહીં. આથી તેઓ દરેક નવી ઈમારતોની મુલાકાત લેવા લાગ્યા, ચાહે એ મહેસૂલ ખાતાની કચેરી હોય, જાહેર દવાખાનું હોય, શાઓલીન ટેમ્પલ હોય, કરાટે સ્કૂલ હોય કે બીજું કંઈ પણ હોય. ચાઉમાઉએ આ તમામ સ્થળની મુલાકાતની ટિકિટ બહાર પાડી. ચીનાઓને એ ખરીદવા સામે કશો વાંધો નહોતો, બલકે તેઓ હોંશેહોંશે ચૂકવતા અને કહેતા, ‘આટલો બધો ખર્ચ રાજ્યે કર્યો હોય તો આપણે આટલું તો કરી જ શકીએ ને!’
ચાઉમાઉએ જૂના રસ્તાઓ ખોદાવવા માંડ્યા અને નવા બનાવવા શરૂ કર્યા. વરસોથી આ રસ્તાની બન્ને બા8જુએ ઊગાડેલા વૃક્ષોનો છાંયો રસ્તાને ઢાંકી દેતો હતો. સૂરજના તાપમાં રસ્તા કેવા લાગતા હશે એ ચીનાઓએ પહેલવહેલી વાર જોયું. અનેક ઉત્સાહી ચીની કવિઓએ ‘ઊઘાડા રસ્તા’ પર કવિતા લખવા માંડી.
ચાઉમાઉએ પોતાનો સંદેશો દરેક ચીનાઓને પહોંચે એ સુનિશ્ચિત કર્યું કે ચીન સતત નવિનતા ઝંખે છે. અગાઉના શાસકોએ પ્રજાને એનું એ જ દેખાડ દેખાડ કર્યું છે અને પોતાનાં ખિસ્સાં ભરતા રહ્યા છે. આજનું ચીન જુઓ, એકે એક ઈમારત તમને નવી લાગશે. તમે ઘરમાં ન બેઠા રહો, મારા વહાલા ચીનીઓ, બહાર નીકળો, ફરો, ટિકિટ ખરીદીને આ બધી ઈમારતની મુલાકાત લો અને રાષ્ટ્રની આગેકૂચમાં તમારું પ્રદાન આપો. બસ, પછી તો જોઈતું શું હતું! રજા હોય કે ચાલુ દિવસ, ચીનાઓ નીકળી પડતા.
એક સરકારી ઈમારતના ધાબે કેટલાક ચીનાઓ ચડેલા. આટલે ઊંચેથી પોતાનું શહેર કેવું દેખાય છે એ તેઓ જોવા માગતા હતા. આઠ-દસ જણા એ રીતે ઊપર ચડ્યા. એ જ વખતે અચાનક ધાબાની છત કડાકા સાથે તૂટી. તૂટેલી છત સૌથી ટોચના માળની ભોંયે પડી, જે એની નીચેના માળની છત હતી. આમ, જોતજોતાંમાં એ ઈમારત આખી જમીનદોસ્ત થઈ ગઈ. એમાં રહેલા કર્મચારીઓ તેમજ આવેલા મુલાકાતીઓ દટાઈ ગયા. આમ છતાં, ચીનાઓની ચાઉમાઉમાં શ્રદ્ધા અડગ રહી. તેઓ છત પર ચડેલા આઠ-દસ ચીનાઓને દોષિત માનીને એમને ભાંડવા લાગ્યા કે એ લોકોનું વજન પચાસ કિલો હતું. આવા જાડિયાઓ એક સાથે ધાબે ચડી જાય પછી છત પડે નહીં તો બીજું શું થાય? ચાઉમાઉએ દટાઈ ગયેલા લોકો પ્રત્યે શોક અને તૂટી ગયેલી ઈમારત પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો. તેણે કહ્યું, ‘હવે આની જગ્યાએ એકદમ અદ્યતન ઈમારત બનાવવામાં આવશે. અગાઉની ઈમારતના ધાબે આઠદસ જણા ચડવાથી એ તૂટી ગયેલી. હવે આપણે ખાસ વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું, અને વધુમાં વધુ ત્રણ-ચાર લોકો ધાબે ચડશે કે એ તૂટી પડશે. હરેક તૂટતી ઈમારતને સ્થાને બનતી નવી ઈમારતમાં આ બાબતનું ખાસ ધ્યાન રખાશે. આ સાંભળીને ચીનાઓએ ચાઉમાઉનો જયજયકાર કર્યો.
બસ, એ પછી તો જાતભાતની ઈમારતો પડી ભાંગવાનો દૌર શરૂ થયો. કોઈ એ બન્યાના બે વરસમાં, કોઈ એક વરસમાં, તો કોઈ એના બન્યાના છ મહિનામાં તૂટી પડતી. એમાં મુલાકાતીઓ દટાઈ જતા, એમ અંદર રહેલા બીજાઓ પણ! છતાં ચાઉમાઉનો જયજયકાર થઈ જતો.
નવા બનેલા રસ્તાઓ પહેલા વરસાદમાં બેસવા લાગ્યા. ઠેરઠેર ભૂવા પડવા લાગ્યા. ચીનમાં એવા ઘણા બુઝુર્ગો હતા કે જેમની ઈચ્છા જીવનમાં એક વાર રસ્તા પર પડેલો ભૂવો જોવાની હતી. ચાઉમાઉએ એ મોકો તેમને પૂરો પાડ્યો અને તેમને ધન્ય કર્યા. રસ્તે પડેલા ભૂવાને તેણે જાણી જોઈને ન પૂરાવ્યા. આને કારણે ચીનના ઈતિહાસમાં કદી ન નોંધાયું હોય એવા ‘ભૂવા ટુરિઝમ’નો આરંભ થયો. આ પ્રવાસનને વધુ ‘જીવંત’ બનાવવા માટે તેમાં ફસાઈ ગયેલા લોકોને અંદર જ રહેવા દેવામાં આવતા. પ્રવાસીઓ તેમને જોવા આવે ત્યારે ખાડામાંના લોકો હાથ લાંબા કરીને પોતાને બહાર કાઢવાના પોકાર કરતા. પ્રવાસીઓને ચીની ભાષા સમજાતી નહીં. આથી તેમની સાથે આવેલા ચીની ગાઈડ તેમને જણાવતા કે ખાડામાંના લોકો તેમનું અભિવાદન કરી રહ્યા છે. પ્રવાસીઓ પોતાની હૅટ ઊતારીને એમને સામું અભિવાદન કરતા. ખાડામાં જે લોકો જીવતા રહ્યા હોય તેમને રાજ્ય તરફથી ભોજન પૂરું પાડવામાં આવતું. આમ, સાવ ખાડામાંના માણસની દરકાર ચાઉમાઉ રાખતો.
સતત નવિનતા ઝંખતા કરવાની ટેવ ચાઉમાઉએ જ ચીનાઓને પાડી હતી. અને એ બાબતે તે તનતોડ મહેનત કરી રહ્યો હતો. સાથોસાથ ચીનમાં બેકાબૂ બની રહેલા વસતિવધારાની સમસ્યાને પણ તેણે સિફતપૂર્વક ઊકેલવાની શરૂઆત કરી દીધી હતી. જે રાજમાં રાજા આવો હોય, અને પ્રજા પણ આવી હોય, ત્યાં લીલાલહેર ન હોય તો બીજું શું હોય!
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

Sunday, August 4, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-18): ચીનમાં રાજ્યાશ્રિત કળાકૌશલ્યો

ચાઉમાઉના રાજમાં વિવિધ કળાકૌશલ્યમાં નિષ્ણાત કલાકારો હતા, અને તેમને રાજ્યાશ્રય પણ મળતો. આને કારણે રોજબરોજના જીવનમાં સામાન્ય મનાતાં ઘણાં કળાકૌશલ્યો ચીનમાં વિકસ્યાં હતાં. અનેક ચીની શાહુકારો બૅન્કો ધરાવતા હતા અને તેઓ જરૂરતમંદોને નાણાં ધીરતા. ધીરેલાં નાણાં પર વ્યાજની ગણતરી બાબતે ચીની શાહુકારો બહાર પાડે એ જ આંકડો અંતિમ ગણાતો. આ કૌશલ્યને રાજ્યાશ્રય મળેલો. સમાંતરે બીજું એક કૌશલ્ય પણ રાજ્યાશ્રયે ફૂલ્યુંફાલ્યું હતું. કેટલાય ઉસ્તાદ કલાકારો ચીની શાહુકારો પાસેથી નાણાં ઊછીના લેતા, અને એ પછી તેઓ ફુર્રર્ર કરતાકને ઊડીને વિદેશમાં સ્થાયી થઈ જતા. તેમને પણ રાજ્યાશ્રય મળતો. ચીની શાહુકાર બિચારા ફરિયાદ કરે તો કોને કરે? કેમ કે, તેઓ વિદેશમાં જઈને આવું જ કરીને ચીનમાં રાજ્યાશ્રય પામીને સ્થાયી થયા હતા. ચાઉમાઉના શૈક્ષણિક અનીતિના સલાહકારોએ ચાઉમાઉને અનેક વાર સલાહ આપી કે આવાં કૌશલ્યોનો યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવેશ થઈ જાય તો રાજ્યની તિજોરી પરનો બોજ ઘટી શકે. ચાઉમાઉએ તેમને ચેતવતાં જણાવ્યું કે સલાહકારોએ શૈક્ષણિક અનીતિ બાબતે જ સલાહ આપવી, તિજોરી કે અન્ય બાબતોમાં માથું મારવું નહીં. સલાહકારો કહ્યાગરા અને સમજુ હતા. ચાઉમાઉ ઉપરાંત પોતાના જીવનને પણ તેઓ ચાહતા. આથી તેમણે ચાઉમાઉની ચેતવણીનો અમલ કર્યો.
ચીનનો વિસ્તાર ઘણો વિશાળ હતો. તે વિવિધ પ્રાંતમાં વિભાજીત હતું. એ દરેક પ્રાંતમાં સુચારુ વહીવટ માટે સૂબેદારની નિમણૂક ચાઉમાઉ પોતે જ કરતો. આને કારણે ચીનમાં કાષ્ઠકામ કરતા કારીગરોને રોજગારી મળતી. કારણ એ કે આ સૂબેદારો તરીકે કઠપૂતળી રહેતી, જેનું ખુરશીના પાયા પાસે સ્થાપન કરાતું. ખુરશી પર ચાઉમાઉની મોજડી નહીં, પણ તેના પંજાના માપનું પૂંઠાનું કટઆઉટ રહેતું. આ કઠપૂતળીઓને અગ્નિ બાળી શકતો નહીં, પાણી ભીંજવી શકતું નહીં, કે શસ્ત્રોથી તે છેદાઈ શકતી નહીં, કેમ કે, કઠપૂતળીઓને બાળી, ભીંજવી કે છેદીને કરવાનું શું? ક્યારેક જે તે પ્રાંતમાં કશી ગંભીર દુર્ઘટના થાય ત્યારે જ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કઠપૂતળીને બદલવામાં આવતી. આને કારણે કાષ્ઠકામ કરતા કારીગરો પાસે સમગ્ર વર્ષ દરમિયાન ખાસ કામ રહેતું નહીં. તેમના મંડળે ચાઉમાઉ સમક્ષ આની રજૂઆત કરી. તેમણે કહ્યું કે અમે ભલે રાજ્યાશ્રયી છીએ,પણ અમને બેઠેબેઠે તમારા નૂડલ્સ ચૂસવા ન ખપે. અમારે તો કામ જોઈએ. ચાઉમાઉએ હસીને કહ્યું, ‘ચાઉમાઉ ખુસ હુઆ. મંય કુછ જુગાડ કરતા હૂં.’ કોઈને એમ લાગે કે ચાઉમાઉ અચાનક હિન્દી બોલતો ક્યાંથી થઈ ગયો? આવી શંકા કરનારા કદાચ જાણતા નથી કે રાજાઓને ભાષા-બોલીનું વરદાન હોય છે. તેઓ કોઈ પણ દેશની ભાષા બોલી-સમજી શકતા હોય છે, એમ તેના પ્રજાજનો માને છે, એવું રાજા ધારી લે છે.
મુખ્ય વાત એ કે ચાઉમાઉએ લાં...બો વિચાર કીધો. બે દિવસ સુધી તેને જગાડવાની કોઈએ હિંમત ન કરી. એ પછી ચાઉમાઉએ કાષ્ઠકારો માટે ફરમાન બહાર પાડ્યું, ‘તમતમારે કઠપૂતળીઓ બનાવતા રહો. તમારી પાસે કામ નહીં ખૂટે.’ કાષ્ઠકારો આ સાંભળીને રાજી થઈ ગયા.
ચાઉમાઉએ એ પછી ચીનના પ્રાંતમાં જ નહીં, નાના ગામોમાં, મધ્યમ નગરોમાં, શહેરોમાં, સંસ્થાઓમાં, શાઓલીન ટેમ્પલમાં, કરાટે સ્કૂલોમાં, ચીનની દિવાલ પર આવેલા થાણાઓમાં- એમ બધે જ મુખ્ય સ્થાને આ કઠપૂતળીઓ ગોઠવવાનો આદેશ જાહેર કર્યો. આનું પરિણામ એ આવ્યું કે લોકો પોતાના ઘરમાં પણ કઠપૂતળીઓની સ્થાપના કરવા લાગ્યા.
ચીનના કાષ્ઠકારો સતત પોતાના સંઘેડા પર કામ કરતા રહ્યા. તેઓ નવરા પડતા જ નહીં. ચીનના લોકો પણ કઠપૂતળીઓના હેવાયા થઈ ગયા. તેમને લાગવા માંડ્યું કે ચીનની સૃષ્ટિના સંચાલક એક જ છે- ચાઉમાઉ અને આ બધી તેમની કઠપૂતળીઓ.
જો કે, ચીનમાં ‘સદાચાર’ નામનું જે રાજ્યાશ્રયી કૌશલ્ય વિકસેલું એના અંતર્ગત પેલા કાષ્ઠકારોએ લાકડાને બદલે માટીની ‘મટ’પૂતળીઓ બનાવવા માંડેલી. તેઓ તેની પર વુડન ફીનીશ લગાવી દેતા, જેથી એ લાકડાની બનેલી હોય એવી દેખાતી. બે વરસ સમગ્ર ચીનમાં દુષ્કાળ પડતો રહ્યો ત્યાં સુધી એ ‘મટ’પૂતળીઓ રહી. એ પછી જેવો વરસાદ આવ્યો કે એ બધી ઓગળવા લાગી. ચીનના લોકો બહુ જ કલાપ્રેમી અને સતત નવિનતા ઝંખનારા હતા. તેમણે જાતે જ કહ્યું, ‘આ બે વરસ ચાલી એ તો બહુ કહેવાય. ભલે માટીની, પણ પૂતળી તો હતી ને! બીજા દેશોમાં તો કાષ્ઠકારો સીધા રાજ્ય પાસેથી નાણાં ખંખેરી લે છે, અને કશું આપતા પણ નથી. તેના કરતાં આપણા ચીનમાં લોકો પ્રામાણિક છે.
આમ, ચીનમાં કઠપૂતળીઓ બદલાતી રહેતી જે હકીકતે ‘મટ’પૂતળીઓ એટલે કે માટીની રહેતી. લોકોને આ સહજસ્વીકાર્ય હતું. પોતાના રાજામાં પૂરી શ્રદ્ધા હોવાને કારણે તેઓ માનતા કે આ વ્યવસ્થા ખુદ ચાઉમાઉએ જ ગોઠવી હોય તો નવાઈ નહીં. કેમ કે, એ જે કરે એ પ્રજાના હિત માટે જ હોય.
ચાઉમાઉ પણ આ વ્યવસ્થાથી ખુશ હતો. ચીનમાં બધી વાતે લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)