કિસકા મહલ હૈ, કિસકા યે ઘર હૈ, લગતા હૈ યે કોઈ સપના
તુર્તુકની વિવિધ ચીજોનું, માત્ર બે નાના ઓરડામાં સમાવાયેલું મ્યુઝિયમ જોયા પછી અમે ગામના સાંકડા રસ્તે આગળ વધતા ગયા. રસ્તામાં 'યબ્ગો પેલેસ' લખેલું પાટિયું વંચાયું, પણ અમને જરાય અંદાજ ન હતો કે એ શું છે. ખરેખર એ કોઈ મહેલ છે કે એવા નામવાળું કોઈ અન્ય સ્થળ? આખરે એ સાંકડો માર્ગ પૂરો થયો અને સહેજ પહોળી જગા દેખાઈ. સામે જ પથ્થરની દિવાલ વચ્ચે લાકડાનો બનેલો દરવાજો, અને એની ઉપર બનાવાયેલું લાકડાનું મોટું પક્ષી નજરે પડ્યું. અહીં 'યબ્ગો પેલેસ'નું બોર્ડ લગાવેલું હતું.
યબ્ગો પેલેસનું પ્રવેશદ્વાર |
અંદર જઈને અમે ટિકિટ ખરીદી. ટિકિટ આપનાર બહેને ટેબલ પર એક થાળીમાં જરદાલુ મૂકેલાં હતાં. અમે એક એક જરદાલુ ઉઠાવ્યું અને મોંમાં મૂક્યું. પણ ઠંડીને કારણે એ એટલું બરડ થઈ ગયેલું કે ચાવવું મુશ્કેલ બને.
અહીં જમણી તરફ કશુંક બાંધકામ ચાલી રહ્યું હતું. ડાબે આગળ જ પ્રવેશદ્વાર હતું, જ્યાં સફેદ ઝભ્ભા અને પાયજામામાં સજ્જ એક દેખાવડો યુવાન ઊભેલો હતો. તેણે મોં પર માસ્ક લગાવેલો. અમારી ટિકિટો તેણે માગી. ટિકિટો લીધા પછી તેણે મહેલ વિશે વાત કરવાની તૈયારી શરૂ કરી. એ જ સમયે અન્ય એક ગુજરાતી પરિવાર ટિકિટ ખરીદી રહ્યો હતો, અને પેલો યુવાન વાત શરૂ કરતાં અગાઉ એમના આવવાની રાહ જોઈ રહ્યો હતો. અમે એ લોકોને બૂમ મારીને ગુજરાતીમાં જ કહ્યું, 'જલ્દી કરજો. આ ભાઈ મહેલ વિશે વાત કરે છે.' આ સાંભળીને યુવાન અમને કહે, 'એ લોકો તમારી સાથે છે?' અમે કહ્યું, 'ના. કેમ?' તો એ કહે, 'તમે તમારી ભાષામાં એમને બોલાવ્યા એટલે મને એમ લાગ્યું.' ભાષાનું સામ્ય એણે પકડી પાડ્યું એ જોઈને અમને આશ્ચર્ય થયું. ખેર! પેલા લોકો પણ આવી ગયા. અને અમે અંદર પ્રવેશ્યા. એ સાથે જ પેલા યુવાને ઉર્દૂમિશ્રિત હિન્દીમાં આ સ્થળના માહાત્મ્ય વિશે વાત શરૂ કરી. તેણે કહ્યું, 'હું તમને ભૂગોળ વિશે કહીશ. ઈતિહાસ વિશે અંદરથી માહિતી મળશે.' પછી કહે, 'મને એક વાર સાંભળી લો. તમારા મોટા ભાગના સવાલના જવાબ મળી જશે. છતાં એ પછી તમને પૂછવા જેવું લાગે તો પૂછજો.'
પેલેસનો ઉપલો માળ |
આ બારી ગુલાબના બગીચામાં પડે છે |
વાત એમ હતી કે, તુર્તુક અગાઉ સિલ્ક રૂટના માર્ગે આવેલું હતું. અહીંના રાજા ઉનાળાના થોડા મહિના દરમિયાન આ સ્થળે રહેવા આવતા. એ વખતે તેઓ અહીંથી પસાર થતા વેપારીઓ પાસેથી કર વસૂલતા. 'યબ્ગો' અહીંના શાસકના વંશનું નામ હતું. આ મહેલની બાંધણી અદ્ભુત હતી. મોટા ભાગનું બાંધકામ લાકડાનું અને પથ્થરનું. વચ્ચે ચોક જેવી ખુલ્લી જગ્યા. તેની ફરતે પરસાળ અને પરસાળની પાછળ ઓરડા. ઓરડાનો વિસ્તાર નાનો, છત નીચી. કેમ કે, સખત ઠંડીમાં ગરમાવો કરવાની જરૂર પડે ત્યારે એ ઝડપથી થઈ જાય. નાના ઓરડાને કારણે જગ્યાનું વ્યવસ્થાપન ખૂબીપૂર્વક કરવું પડે. એ અનુસાર રસોડાના ભાગમાં બારીની 'સીલ'નો ઉપયોગ બે રીતે થતો. એક તો બારીએ બેસવા માટે, અને બીજો- એ સીલની નીચેનો ભાગ સંગ્રહ તરીકે વપરાતો. અહીં રસોડામાં વિવિધ વાસણો, કોઠીઓ, પ્યાલા વગેરે સુંદર રીતે ગોઠવાયેલું હતું. અહીં દિવાન-એ-ખાસ' અને 'દિવાન-એ-આમ' પણ હતાં. નીચેનો ભાગ જોયા પછી અમે ઉપર ગયા. ઉપરના માળે પ્રવેશતાં દાદર ચડીને જે પ્રવેશદ્વાર આવે ત્યાં એક બારસાખ હતી. તેમાં નાનાં કાણાં જોવા મળ્યા. જાણવા મળ્યું કે એ કાણામાં મૂલ્યવાન 'સ્ટોન્સ' જડેલા હતા. પણ પાકિસ્તાનની ફોજે આ સ્થળ ખાલી કર્યું ત્યારે તેઓ એ બધું કાઢીને લઈ ગયા હતા. ઉપરના માળે બહારના ભાગમાં ઉભા રહીને વાત કરતા યુવાને એક ઓરડા તરફ આંગળી ચીંધતાં કહ્યું, 'હવે ઈતિહાસનો ભાગ જાણવા માટે અંદર જાવ.' ત્યારે અમને સહેજે અંદાજ નહોતો કે અંદર શું છે.
નાનકડા પ્રવેશદ્વારમાંથી અંદર જતાં જ જાજમ બિછાવેલો પહોળો ઓરડો નજરે પડ્યો. સ્વાભાવિક રીતે નજર સામેના ભાગે ગઈ તો ત્યાં વિવિધ તસવીરો હતી. એમ જમણી તરફ પણ તસવીરો અને અમુક ચીજો, શસ્ત્રો વગેરે મૂકેલાં હતાં. પ્રવેશદ્વારની દિવાલની હરોળમાં જ ડાબી તરફ એક શાહી ખુરશી મૂકેલી હતી, અને તેની પર એક જાજરમાન સજ્જન બિરાજમાન હતા. ઓરડામાં પ્રવેશતાં તરત એમની તરફ નજર ન જાય, પણ પછી ખ્યાલ આવે કે તેઓ બેઠેલા છે. આ દાઢીધારી સજ્જને માથે વિશિષ્ટ ટોપી પહેરી હતી, ગરમ રોબ પહેરેલો હતો અને હાથમાં વિશિષ્ટ પ્રકારની લાકડી હતી. તેમણે હસીને સૌનું અભિવાદન કર્યું. તેઓ બેઠા હતા એની કાટખૂણે આવેલી દિવાલ પર અંગ્રેજીમાં લખાણ લખેલું હતું. એ બેએક હજાર પુરાણા આ રાજવંશનું વંશવૃક્ષ હતું.
ઓરડામાં સૌ આવી ગયા એટલે એમણે બધાને સામેની બારીએ બેસવા જણાવ્યું અને વાત શરૂ કરી. એક શિક્ષકની અદાથી તેઓ દીવાલે લખેલા વંશવૃક્ષ તરફ જોઈને યબ્ગો વંશનો ઈતિહાસ વર્ણવવા લાગ્યા. તેમના ઉચ્ચારો ઝડપથી સમજાય એવા હતા. એમાં ઉર્દૂમિશ્રિત હિન્દી હોવાથી સાંભળવાની પણ મજા આવતી હતી.
યબ્ગો વંશના વર્તમાન વંશજ મહમ્મદખાન કચો |
પશ્ચિમ તુર્કસ્તાનના 'ખાકાન' તરીકે ઓળખાતા શાસકો 'ગઝ' જનજાતિના હતા, જેમની અટક 'યબ્ગો' હતી. તેમનું શાસન અફઘાનિસ્તાનથી લઈને ચીની તુર્કસ્તાન સુધી પ્રસરેલું હતું. આ મહાશય એ જ વંશના વારસદાર હતા, જેમનું નામ હતું મહમ્મદખાન કચો. જન્મ 1958માં. તેમણે ઉભા થઈને પેલી વિશિષ્ટ લાકડી વડે વંશવૃક્ષની વાત કરી. પોતે એમાં ક્યાં છે એ અમે પૂછતાં તેમણે એ પણ બતાવ્યું. તેમની વાત બહુ રસપ્રદ હતી, એમ અમને થતા સવાલ પણ એવા જ હતા. શી રીતે તુર્તુક પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યું, પોતાનાં અમુક સગાં હજી ત્યાં જ છે એ બધું તેમણે જણાવ્યું.
દીવાલ પર ચીતરેલું યબ્ગો વંશનું વંશવૃક્ષ |
કામિનીએ એમના પાકિસ્તાનસ્થિત પરિવારજનો વિશે પૂછતાં તેમણે કહ્યું, 'હમારી બાત હોતી રહતી હૈ.' 'એમની અને તમારી આવનજાવન ચાલે?'ના જવાબમાં એ કહે, 'નહીં.' પછી કહે, 'મુઝે ડર હૈ કિ મૈં અગર વહાં જાઉં તો વો લોગ મુઝે યહાં વાપસ નહીં આને દેંગે.' પોતાનાં પરિવારજનો તેમને ત્યાં આવી જવા માટે બોલાવતા રહે છે એ બાબતે તેમણે કહ્યું, 'મૈંને ઉન્હેં કહા, યહાં કે લોગ કિતને અચ્છે હૈ. અરે! યહાં તો સોના હૈ સોના. મૈં વહાં નહીં આઉંગા.' કામિનીએ સહેજ આગળ વધીને પૂછ્યું કે તેઓ ગુજરાન માટે શું કરે? તેમણે મલકાઈને કહ્યું, 'અરે, કુછ ન કુછ છોટામોટા કર લેતા હૂં.' હજી વધુ એક સવાલ, 'આપ યહીં રહતે હૈ?'. તેમનો વિવેકપૂર્ણ જવાબ, 'નહીં, યહાં પાસ હી મેરા એક છોટા સા આશિયાના હૈ.' મહમ્મદ ખાન કચો/Kacho બધા સવાલના જવાબ આપતા હતા, કહીએ એમ તસવીરો ખેંચાવતા હતા. તેમનું વ્યક્તિત્વ, પોશાક અને અદા સમગ્ર માહોલમાં એકદમ બંધબેસતા હતા.
લાહોર હાઈકોર્ટનું હુકમનામું તેમણે મઢાવીને મૂકેલું છે. પાકિસ્તાનની ફોજને આ સ્થળ ખાલી કરીને તેના માલિકને એ પાછું સોંપી દેવાનો તેમાં હુકમ કરાયો હતો. આ સ્થળ ખાલી કરવું પડ્યું એની દાઝ ફોજે બારસાખમાં જડેલા મૂલ્યવાન રત્નો કાઢી જઈને ઊતારી હતી. પોતાના અમુક પૂર્વજોની તસવીર, તેમનાં શસ્ત્રો વગેરે પણ આ જ ખંડમાં મૂકેલાં છે. એ બધા વિશે તેમણે વાત કરી. બાજુના એક નાના ખંડમાં અમે આંટો માર્યો, જેમાં અમુક પોશાક મૂકેલા હતા. તેમણે જણાવેલી બાબતો ક્યાંય લેખિત સ્વરૂપે છે કે કેમ એ વિશે પૂછતાં તેમણે કહ્યું, 'હાં, સબ લિખા તો હૈ. લેકિન બીચ મેં કોરોના આ ગયા. દિલ્લી મેં હમારે દોસ્ત હૈ વો પબ્લિશ કરેંગે. ઈન્શાલ્લાહ, વો ભી હો જાયેગા.' આ સ્થળનું કોઈ મુદ્રિત સાહિત્ય ઉપલબ્ધ નહોતું. અહીંના મર્યાદિત સંસાધનો જોતાં એ શક્ય પણ નહોતું લાગતું.
અમે પૂછ્યું, 'બહાર અમને જેણે સમજાવ્યું એ તમારો દીકરો હતો કે કેમ?' તેમણે કહ્યું, 'મેં જોયું નથી કે તમને કોણે સમજાવ્યું. મારો દીકરો છે ખરો, પણ તમને સમજાવનાર એ હતો કે કેમ એ કહી શકું એમ નથી.'
એમ થતું હતું કે હજી એમને વધુ સવાલ પૂછતા રહીએ, કેમ કે, હજી સુધી જે સવાલ પૂછ્યા એ તો પહેલા પરિચયને કારણે વિવેકસભર હતા. તેઓ જે રીતે જવાબ આપી રહ્યા હતા એ જોતાં જિજ્ઞાસા પણ વધતી જતી હતી. પણ હવે બીજા પ્રવાસીઓ આવવા લાગ્યા હતા. આથી અમે એમનો આભાર માનીને વિદાય લેવાની તૈયારી કરી. તેઓ પુસ્તક ઝડપથી પ્રકાશિત કરે એવો આગ્રહ કરીને તેમને શુભેચ્છાઓ આપી.
અમે નીકળી રહ્યા હતા એ જ વખતે કચોસાહેબને કશા કામે કોઈએ બોલાવ્યા. તેમણે રોબ ઉતાર્યો. નીચે તેમણે લાલ રંગનું જેકેટ પહેરેલું હતું. લાકડી મૂકીને તેઓ ઝડપભેર દોડતા નીચેની તરફ ગયા. અત્યાર સુધી શાહી આસન પર બિરાજમાન શાહી વંશના વારસ મહમ્મદખાન કચો એ વખતે આપણા જેવા જ સામાન્ય નાગરિક જણાયા.
બહાર નીકળ્યા ત્યારે અમને લાગ્યું કે જાણે ઈતિહાસના કોઈ પાનામાંથી અમે બહાર આવી રહ્યા છીએ. વાહનમાં ગોઠવાયા પછી સુજાતે પોતાના ફોનમાં આ સ્થળ વિશે ગૂગલ કરતાં સીધો જ મહમ્મદ ખાન કચોનો ફોટો દેખાયો. તેમના વિશે લખાયેલા અનેક અહેવાલો દેખાયા. તેમનું વ્યક્તિત્ત્વ અને કુટુંબકથા જ એવી રસપ્રદ છે કે એમના વિશે લખ્યા વિના રહેવાય નહીં. આવી કથા કદાચ અનેક રજવાડાંની હશે, પણ અહીં મોટો ફરક એમના ભૌગોલિક સ્થાનનો હતો.
આ ગામના લોકો પાકિસ્તાનમાં અને ભારતમાં એમ બન્ને દેશોના શાસનમાં રહેલા છે. કારાકોરમ અને હિમાલયની વચ્ચે આ ગામ આવેલું છે, જે બાલ્ટીસ્તાનમાં ગણાય. 1971માં અહીં નિર્ણાયક યુદ્ધ લડાયું હતું, અને એ પછી કારગીલ યુદ્ધ વેળા પણ છેક અહીં સુધી ઘૂસણખોરો પહોંચી ગયા હતા. આશરે 9,200 ફીટની ઊંચાઈએ વસેલા તુર્તુકમાં હરિયાળી ઘણી છે. વૃક્ષો અને ખેતરો નજરે પડે. પોણા ચારસો-ચારસો જેટલાં ઘર અને સાડા ત્રણેક હજારની વસતિ ધરાવતા આ ગામમાં મુસ્લિમ (બાલ્ટી) બહુમતિ છે. બાલ્ટી, લદાખી અને ઉર્દૂ ભાષાનું ચલણ છે. આવા સ્થાને આવેલા 'યબ્ગો પેલેસ'માં બિરાજમાન મહમ્મદખાન કચોને મળીને રોમાંચ થાય અને સૌને એ 'એક્સક્લુસિવ સબ્જેક્ટ' લાગે એમાં શી નવાઈ!
No comments:
Post a Comment