ભરૂચની ઍમિટી સ્કૂલના પરિવાર સાથે એકાદ દાયકા પહેલાં પરિચય થયેલો એ પછી અનિયમિતપણે તેના સંચાલક રણછોડભાઈ સાથે ફોનવ્યવહાર સ્થપાયેલો. આ શાળાના મુખપત્ર ‘મૈત્રી-સેતુ’ થકી ઍમિટીની ગતિવિધિઓની જાણકારી મળતી રહેતી હતી. આ ઉપરાંત તેમનું કોઈ નવું પુસ્તક પ્રકાશિત થાય એ તેઓ મોકલે એટલે એના વિશે પણ વાત થતી રહેતી. તેઓ વડોદરા આવે અને રોકાવાના હોય ત્યારે ખાસ જાણ કરે. શક્ય હોય તો અમે મળીએ અને વિવિધ વિષય પર વાતો કરીએ. આવા જ ક્રમમાં 2018ના ઑક્ટોબરમાં તેમનો ફોન આવ્યો. ઍમિટી સ્કૂલ વિશે પુસ્તક તૈયાર કરવા અંગે તેઓ વિચારી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું. એ સમયે દિવાળી નજીક હોવાથી અમે દિવાળી પછી રૂબરૂ મળવાનું ઠરાવ્યું. દરમિયાન ઍમિટી અંગેના પુસ્તકની સૂચિત રૂપરેખા તૈયાર કરીને મેં તેમને મોકલી આપી હતી.
2018ની દિવાળી પછી અમે વડોદરાની ‘એમિકસ સ્કૂલ’માં મળ્યા, ત્યારે
પ્રવિણસિંહ રાજ સાથે પહેલવહેલી વાર મુલાકાત થઈ. પુસ્તક બાબતે આગળ વધવાનું નક્કી કરવામાં
આવ્યું, ત્યારે મારું પ્રાથમિક સૂચન એવું હતું કે પુસ્તકનું
આલેખન રણછોડભાઈ પોતે જ કરે અને તેમાં હું સંપાદકીય કાર્ય પૂરતી સહાય કરું. આ સૂચન
સકારણ હતું, કેમ કે, રણછોડભાઈએ
શિક્ષણના વિવિધ આયામોને પોતાનાં પુસ્તકોમાં દર્શાવ્યા છે એ વિશે હું માહિતગાર હતો. જો કે, રણછોડભાઈએ સ્પષ્ટપણે કહ્યું કે પોતે ઍમિટી
વિશે પુસ્તક કદાચ લખી શકે, પણ લખવા માંગતા નથી, બલ્કે કોઈ ત્રીજી વ્યક્તિ એનું આલેખન કરે એ વધુ વાજબી ગણાય, કેમ કે, એ રીતે નિષ્પક્ષ આલેખન થાય, અને પોતે એમ જ કરાવવા ઈચ્છે છે. તેમની આવી વૈચારિક સ્પષ્ટતાનો અનુભવ પછી તો
મને અનેક વાર થતો રહેવાનો હતો, પણ એ તબક્કે એ કામ મને
સોંપવામાં આવ્યું.
બહુ ઝડપથી અમે એ મુદ્દે સંમત થઈ ગયા કે આ પુસ્તકનો મૂળભૂત હેતુ શો હોવો જોઈએ.
કેવળ વિદ્યાર્થીઓની સફળતાની ગાથાઓ, પરિણામની ટકાવારીના ચાર્ટ કે તેમણે અપનાવેલી ઉચ્ચ કારકિર્દીનો મહિમા
કરવાનો ઉપક્રમ આ પુસ્તકમાં ન હોવો જોઈએ. તેને બદલે શિક્ષણને
સમર્પિત હોય એવી કોઈ વ્યક્તિ ટાંચા સ્રોત કે સાધનો હોવા છતાં શાળા શરૂ કરવા કે
પોતાની શાળામાં કશુંક નક્કર કરવા ઈચ્છે તો તેને કંઈક દિશાસૂચન મળી શકે એ બાબત આ
પુસ્તકમાં આંતરપ્રવાહ તરીકે આવવી જોઈએ. આ ઉપરાંત સારા વાંચનમાં રસ ધરાવનાર કોઈ પણ
વ્યક્તિને એમાં વાંચનનો આનંદ મળવો જોઈએ. આટલી પ્રાથમિક બાબતો નક્કી થઈ એ પછી શરૂ
થયું ખરેખરનું કામ.
રણછોડભાઈના પુત્ર અને ભરૂચ તેમજ વડોદરાની ‘એમિકસ સ્કૂલ’ના સંચાલક ઉત્પલ શાહ
સપ્તાહમાં બે વખત વડોદરાથી ભરૂચ જતા. અગાઉથી નક્કી કરીને તેમની સાથે મારી ભરૂચની
મુલાકાત ગોઠવાતી. હું ભરૂચ પહોંચું એ પછી ભરચક કાર્યક્રમ રહેતો. વિવિધ લોકો સાથે
અગાઉથી નક્કી કર્યા મુજબ વાતચીતની બેઠક ગોઠવાતી. સવારના લગભગ સાડા દસથી બપોરના
સાડા ત્રણ-ચાર સુધીના મારા ભરૂચના રોકાણની મિનિટે મિનિટનો સદુપયોગ થઈ જાય એ રીતે
આયોજન કરવામાં આવતું, અને છતાં કામનું દબાણ કે તાણ પેદા
થવાને બદલે એનો આનંદ આવતો. છએક મહિના સુધીનો સમયગાળો એવો રહ્યો કે લગભગ દર સપ્તાહે
ઓછામાં ઓછો એક વખત હું ભરૂચ હોઉં જ. આ અરસામાં ઍમિટીના પરિવારજનો અને ત્યાંના
માહોલથી ઠીક ઠીક પરિચિત થતો ગયો. મારી દરેક મુલાકાત વખતે મને એ જ રીતે આવકાર મળતો, જેવો પહેલી વારની મુલાકાત વખતે મળેલો. ઍમિટીની સંસ્કૃતિનો પરિચય મને
ઘણોખરો આ રીતે થતો ગયો. (આ સંસ્કૃતિના એક અંશનો પરિચય કરાવતો લેખ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.)
શાળાના આરંભકાળથી નિયમિતપણે પ્રકાશિત થતા શાળાના મુખપત્ર ‘મૈત્રી-સેતુ’ના તમામ
અંકો મારા માટે માહિતીનો મુખ્ય આધાર બની રહ્યા. એમાં લખાયેલી
અનેક બાબતોની સચ્ચાઈ મને આ મુલાકાતો દરમિયાન અનુભવવા મળી. રણછોડભાઈ, પ્રમેશબહેન, સંગીતાબહેન ઉપરાંત ‘કોર ગૃપ’નાં આચાર્ય/આચાર્યા પ્રકાશભાઈ મહેતા, સરોજબહેન રાણા, રીનાબહેન તિવારી, નિવેદીતાબહેન ચટ્ટોપાધ્યાય, દર્પણાબહેન પાટીલ અને
તેમના ગયા પછી નિમાયેલાં તોરલબહેન પટેલ, હેતલબહેન મેનગર, તેમજ કેતકીબહેન ભાવસાર સાથે નિયમિતપણે થોડો સમય ગાળવાનો બનતો ત્યારે
અહીંની કાર્યસંસ્કૃતિનો પરિચય થતો. સૌનો પૂરેપૂરો આગ્રહ એવો કે વિગતોને સીધેસીધી
લેવાને બદલે મારે જાતઅનુભવના આધારે અમુક બાબતો આલેખવી. જેમ કે, કોઈ કાર્યક્રમ સફળતાપૂર્વક રજૂ થાય એમાં હાજરી આપું એ બરાબર, પણ એ કાર્યક્રમનું આયોજન ક્યારથી શરૂ થયું, શી રીતે
એનું સ્વરૂપ ઘડાતું ગયું, સૂચનો મળતાં ગયાં- આ બધી
પ્રક્રિયાના સાક્ષી મારે બનવું એવો તેમનો અનુરોધ અને મારું પણ એ ગમતું કામ.
યોગાનુયોગ એવો થયો કે 2021ના આરંભિક અરસામાં રણછોડભાઈના ભરૂચના મકાનનું કામ
શરૂ થયું અને એ કારણે તેમણે કામચલાઉ ધોરણે વડોદરા રહેવા આવવાનું બન્યું. આ તકનો
અમે ભરપૂર લાભ લીધો. દર સપ્તાહે ઓછામાં ઓછું એક વખત મળવાનું અમે નક્કી રાખતા.
પુસ્તક વિશેની અને પુસ્તક સિવાયની પણ અનેક બાબતોની ચર્ચા થતી. આ બેઠકને કારણે
પુસ્તકમાં સમાવી શકાય એવી બીજી અનેક બાબતો સૂઝતી ગઈ, અને અમે તેને પુસ્તકમાં સમાવતા ગયા.
વચગાળામાં 2020-21નાં કોવિડનાં આકરાં વરસ આવ્યાં અને તેમાં શાળાના સ્થાપક
પૈકીના એક એવા પ્રવિણસિંહ રાજને ગુમાવવાના થયા. (પ્રવિણસિંહ રાજને શ્રદ્ધાંજલિ આપતો લેખ અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.) તેમની સાથે નિરાંતે બેઠક કરવાની
ઈચ્છા અધૂરી રહી ગઈ. બીજી અનેક બાબતો કદાચ આ પુસ્તકમાં સમાવી ન શકાઈ હોય એ બનવાજોગ
છે, છતાં એટલું કહી શકાય
કે શક્ય એટલી મહત્ત્વની બાબતોને સમાવવાનો પ્રયાસ આ આલેખનમાં કર્યો છે-એવી બાબતો કે
જે ઍમિટીના ચરિત્રની ઝલક આપે. સાડા ત્રણ દાયકાના સમયગાળાની એકેએક વિગતોને સમાવવી
શક્ય પણ નથી, અને એવો ઉપક્રમ પણ નથી.
આ પુસ્તકના આલેખન દરમિયાન ભરૂચમાં અને વડોદરામાં વિવિધ વ્યક્તિઓને મળવાનું
બન્યું. એમાંના ઘણા ઍમિટીની વિવિધ ગતિવિધિઓના સાક્ષી બની રહ્યા હતા, અમુક ઍમિટીમાં કાર્યરત રહી ચૂક્યા હતા, તો કેટલાક હજી પણ કાર્યરત હતા. આ વાતચીતમાં ઍમિટીનાં અનેક પરિમાણ મારી
સમક્ષ ઊઘડતાં ગયાં. પુસ્તકના આલેખનમાં આ તમામ બાબતો મને ઉપયોગી થઈ પડી.
આલેખન દરમિયાન અનેક સ્નેહીઓ મદદરૂપ બની રહ્યાં. ‘મૈત્રી-સેતુ’ના તમામ અંકોનાં પાનાં ફેરવીને તેમાંથી મહત્ત્વની નોંધ તૈયાર કરવામાં મિત્ર પરેશ પ્રજાપતિએ સન્નિષ્ઠ રીતે મહેનત કરી છે. વિવિધ માહિતીની વખતોવખત જરૂર પડી ત્યારે સરોજબહેન રાણાએ એ ત્વરિત પૂરી પાડી. સરોજબહેનને 'ઍમિટીનો એન્સાયક્લોપિડીયા' કહું તો જરાય અતિશયોક્તિ નથી. પ્રકાશભાઈ મહેતાએ અનેક અંતરંગ બાબતો જણાવી.
પુસ્તકની હસ્તપ્રત નિયત સમયમર્યાદામાં ચોકસાઈથી શ્રી વિજયસિંહ ઘરીઆએ ચકાસી આપી, તો પુસ્તકની નયનરમ્ય સજાવટ તેમજ મુખપૃષ્ઠ તૈયાર કરવામાં અમદાવાદના કલાકાર ફરીદ શેખનું પ્રદાન મહત્ત્વનું બની રહ્યું.
ભૂજના શિક્ષણવિદ્ હરેશભાઈ ધોળકિયાએ સમગ્ર પુસ્તકમાંથી પસાર થઈને પ્રોત્સાહક પ્રસ્તાવના લખી મોકલી એનો વિશેષ આનંદ.
એક સમર્પિત શિક્ષણસંસ્થાની સાડા ત્રણ દાયકાની સફરનું આલેખન કરતા આ પુસ્તકનું લોકાર્પણ આજે 11 જૂન, 2023ના રોજ, તેના 38મા સ્થાપના દિને, ઍમિટી સ્કૂલ, ભરૂચ ખાતે થઈ રહ્યું છે. તેનો આનંદ, અને સંકળાયેલા સહુ કોઈને અભિનંદન.
આ પુસ્તક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ઉપરાંત સારા વાંચનમાં રસ ધરાવતા સહુ કોઈ માટે છે.
(પુસ્તકની વિગત: કિંમત 650/ રૂ. પૃષ્ઠસંખ્યા: 248 + 32 + 16, મંગાવવા માટે સંપર્ક: 99798 61633, ઈ-મેલ: amityschool1986@gmail.com)
No comments:
Post a Comment