જિસ્પા: મનાલી પછીનો પહેલો મુકામ
મનાલીની મુલાકાત લેનારા રોહતાંગ લાથી પરિચીત જ હોય. કેવળ મનાલી સુધી ફરવા આવ્યા હોય એમના માટે રોહતાંગ લા (પાસ) મનાલીનું સૌથી ઊંચું સ્થાન છે, અને ત્યાં જોવા મળતા પુષ્કળ બરફ માટે લોકો એની મુલાકાત લે છે.
સડકમાર્ગ થયા પછી હવે અહીંનો સંપર્ક સરળ બન્યો છે, પણ હજી પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં સુધી પરિસ્થિતિ જુદી હતી. રોહતાંગની એક તરફ, દક્ષિણે કુલ્લૂ છે, જ્યારે બીજી તરફ ઉત્તરે લાહોલ-સ્પિતિ છે. 'રોહતાંગ' શબ્દ 'ભોટી' મૂળનો છે. ભોટી ભાષામાં તેને 'રોથડ લા' કહે છે. 'રો' એટલે 'શબ', 'થડ' એટલે 'સ્થાન' અથવા 'મેદાન'. 'લા' એટલે પાસ, જેને હિન્દીમાં 'દર્રા' કહે છે. 'રોથડ'નો અર્થ થાય 'શબનું મેદાન'. પ્રાચીન કાળમાં આ સ્થળને પસાર કરતાં જાણે કે શબ ઢળી જતાં. કૃષ્ણનાથે પોતાના વર્ણનમાં લખ્યું છે: 'રોહતાંગ પર પહોંચ્યા પછી હજી પણ શબ જેવા વિવર્ણ (ફિક્કા) અને ઠંડાગાર થઈ ગયા હોવાનું અનુભવાય છે.' હજી હમણાં સુધી લદાખ અને મનાલીનો સંપર્ક રોહતાંગ લા થકી હતો, જે વર્ષના ઉનાળાના મહિનાઓ પૂરતો રહેતો. હવે અટલ ટનલ બન્યા પછી આ સંપર્ક બારમાસી બની શક્યો છે.
રોહતાંગ થઈને આવતો રસ્તો અને અટલ ટનલમાંથી નીકળતો રસ્તો એક સ્થાને મળે છે. પ્રવાસ આગળ વધે છે. રોહતાંગની આ પાસ એક જુદી જ દુનિયા છે. લીલોતરી હવે પેલી બાજુ રહી ગઈ છે. હિમશીખરોમાંથી પસાર થઈને વાતા કાતિલ પવનના સૂસવાટા વધુ તીવ્રપણે ગાલ પર અથડાય છે. પર્વતો પર છૂટુંછવાયું આછુંપાતળું ઘાસ જોવા મળે છે. એ સિવાય પર્વતો ઉજ્જડ છે.
આ રસ્તે આગળ વધતાં પહેલું જાણીતું ગામ કેલંગ આવે છે. સફર આગળ વધતી રહે છે. અમારો પહેલો મુકામ હતો જિસ્પા ગામે, એ મનાલીથી માંડ સો-સવાસો કિ.મી.ના અંતરે છે.
મનાલીથી લેહનું અંતર પોણા પાંચસો કિ.મી., અને પહેલો મુકામ માત્ર સો-સવાસો કિ.મી.વટાવીને? એનો અર્થ એવો થયો કે બીજા દિવસે હજી પોણા ચારસો-ચારસો કિ.મી.કાપવાના! એને બદલે આજે ને આજે જ બીજા સોએક કિ.મી.આગળ વધી જઈએ તો? આવો વિચાર અમને આવ્યો.
જિસ્પા તો અમે બપોરે અઢી-ત્રણની આસપાસ પહોંચી ગયા હતા. ડ્રાઈવર ચિતરમણિ (ચિત્રમણિ)એ જણાવેલું કે જિસ્પામાં ત્રણેક હોટેલ છે. તેણે પોતાના એક પરિચીતને ફોન કરીને રૂમનું ભાડું પણ પૂછાવી રાખ્યું હતું. જો કે, તેણે જિસ્પામાં રોકાવાનો આગ્રહ રાખ્યો એટલે અમે ઝાઝી માથાકૂટ ન કરી અને માન્યું કે તેણે યોગ્ય જ કર્યું હશે. બીજા દિવસે ખબર પડી કે તેનો નિર્ણય કેટલો સાચો હતો!
પર્વતોની ગોદ, નદીકાંઠે રાતવાસો |
જિસ્પામાં હોટેલમાં રહેવાની અમારી ઈચ્છા નહોતી. માંડ સાઠ-સિત્તેર ઘરોની વસતિવાળા આ ગામમાં હોમસ્ટેની સુવિધા ઉપલબ્ધ હતી. એમ તો ગામ શરૂ થયું એ પહેલાંથી જમણી તરફ વહેતી ભાગા નદીના પટમાં અનેક તંબૂઓ ખોડેલા દેખાતા હતા. એકાદ હોમસ્ટે અમે જોયો અને ત્યાં રહેવાનું લગભગ નક્કી જ કરી રહ્યા હતા, પણ થયું કે કોઈક તંબૂમાં પૂછી જોઈએ. 'હિમાલયન સ્પિરિટ' નામની એક ટેન્ટ સાઈટ પર જઈને અમે પૂછ્યું. તંબૂવાળી જગ્યા અમને ગમી ગઈ હતી. અમુક અમુક અંતરે બંધાયેલા તંબૂઓ. એમાં મુખ્ય ખંડમાં સૂવાની વ્યવસ્થા, અને પાછળના નાનકડા ભાગમાં વૉશ બેસિન, તેમજ પશ્ચિમી ઢબનું ટૉઈલેટ.
અમે બે તંબૂ રાખી લીધા. એક તંબૂમાં પરેશ પ્રજાપતિનો પરિવાર અને એકમાં અમે લોકો. તંબૂમાં સામાન ગોઠવ્યો. એ પછી અમે બહાર નીકળ્યા અને આસપાસનો નજારો જોવા લાગ્યા. વચ્ચે નદીના સપાટ પટમાં તંબૂ હતા, અને ચોફેર હિમશીખરો! બીજો કોઈ અવાજ નહીં, કેવળ નદીના વહેણનો અવાજ! ભાગા નદીનું, લીલી ઝાંયવાળું પાણી સતત વહ્યા કરતું હતું. અમે લોકો મુખ્ય સડક પર ચાલવા લાગ્યા. સાવ નાનકડા ગામમાં પણ પ્રાથમિક શાળા હતી. રસ્તાની બન્ને બાજુએ પોપ્લરનાં વૃક્ષો હતાં. હરિયાળી જણાતી હતી. સાડા દસેક હજાર ફીટની ઊંચાઈએ હોવો જોઈએ એવો ઠંડોગાર પવન વાતો હતો. અમે સડકના કિનારે ચાલતા હતા, જ્યાં એકાદ ઠેકાણે એક સ્તૂપ બનાવેલો હતો. એ સ્તૂપ સુધી પથ્થરો ગોઠવીને નાનકડી પાળી બનાવેલી હતી. અચાનક અમારી નજર ગઈ કે પાળી માટે ગોઠવેલા પથ્થરો પર કોતરીને અક્ષરો પાડેલા છે. બૌદ્ધ ધર્મને લગતું એ લખાણ હશે એમ લાગ્યું. (પછી ખબર પડી કે એની પર 'ઓમ મણિપદ્મે હૂં' લખેલું હતું.)
રસ્તાની કોરે, લખાણ કોતરેલા પથ્થરો |
રસ્તા પર આગળ હજી ઘણાં તંબૂનિવાસ હતાં. છૂટાછવાઈ દુકાન તેમજ ભોજન માટેનાં ઠેકાણાં હતાં. ઈશાને એક ઠેકાણે જઈને ભોજન અંગે પૂછ્યું. મેન્યુ હતું, પણ એમાં કિંમત લખી નહોતી. ઈશાને એ પૂછી એટલે દુકાનવાળાં બહેને કહ્યું, 'વો તો રોજ બદલતી રહતી હૈ.' શેરની જેમ સબ્જીના પણ ભાવ રોજેરોજ બદલાય? પહેલાં તો આ સાંભળીને નવાઈ લાગી અને સહેજ હસવું પણ આવ્યું. પછી સમજાયું કે આ વિસ્તારમાં શાકભાજીનો ટેમ્પો મનાલીથી આવે. મોસમ અનુસાર જે સબ્જી આવી હોય અને જે કિંમતે આવી હોય એ ભાવે તેને ખરીદવામાં આવે. એ મુજબ એમાંથી બનેલી વાનગીની કિંમત નક્કી થાય. આ પ્રદેશની ભૌગોલિક વિષમતા કેવી છે એ બરાબર સમજાયું.
એ જ સમયે અમે રસ્તાની કોરે શાકભાજી ભરેલો એક ટેમ્પો ઊભેલો જોયો. તેની પાસેથી અમે કેળાં ખરીદ્યાં અને ખાધાં.
થોડે આગળ ગયા પછી અમે પાછા વળ્યાં અને ભાગા નદીના વહેણ તરફ ગયાં. ત્યાં થોડી વાર બેઠાં.
ભાગા નદીનું વહેણ |
પવનનું જોર વધતાં અમે પાછા તંબૂમાં આવી ગયા. આ આખા પ્રદેશમાં સાંજના આઠેક વાગ્યા સુધી અજવાળું રહે છે, અને સવારના પાંચેક વાગ્યાથી અજવાળું થઈ જાય છે.
સાંજે ભોજન લીધું અને તંબૂમાં પેઠા એ પછી પવનના જે સૂસવાટા શરૂ થયા કે એમાં ક્યારે ઊંઘ આવી અને ક્યારે આંખ ખૂલી એની ખબર જ ન રહી.
બીજા દિવસે સવારે સાત વાગ્યે અમારે નીકળી જવાનું હતું. આંખ ખૂલી અને બહાર નીકળ્યા તો કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો. બિલકુલ સામે દેખાતો પર્વત ધુમ્મસની આડે જાણે કે સાવ અદૃશ્ય થઈ ગયો હતો. થોડી વારે તેણે દર્શન દીધાં. વળી વચ્ચેનો અમુક ભાગ અદૃશ્ય થઈ જાય, અને વળી પાછો એ આખો દેખાય.
ગરમ પાણી ઉપલબ્ધ હતું, પણ કોની હિંમત હતી કે સ્નાન કરવાનું નામ લે! ચિતરમણિ જિસ્પામાં રહેતા પોતાના સગાને ઘેર રાત રોકાવા ગયો હતો. એ સમયસર આવી ગયો. દરમિયાન અમે પણ ચા પીને ગાડીમાં ગોઠવાયા. હવે અમારો આગળનો પ્રવાસ શરૂ થતો હતો. ચિતરમણિએ સામેના પહાડની ટોચ ચીંધતાં કહ્યું, 'આગે સબ ઐસે હી પહાડ હૈ. બીચમેં કુછ નહીં આતા.' પહાડની ટોચના ભાગે બરફ જોવા મળતો એ જોઈને અમે રાજી થતા. ચિતરમણિએ કહ્યું, 'મૈં આપ કો ઈતની બર્ફ દિખાઉંગા કિ આપને પૂરી જિંદગી મેં નહીં દેખી હોગી.' મુસાફરી શરૂ થયાના થોડા કલાકમાં જ તેની આ વાતનો સાક્ષાત્કાર થઈ જવાનો હતો.
No comments:
Post a Comment