Saturday, June 24, 2023

લદાખના પ્રવાસે (3)

 લેહમાં રવિવારે અખબાર વાંચતો એક માત્ર જણ ગુજરાતી

મનાલીથી બે દિવસની મુસાફરી પછી રાત્રે સાડા દસની આસપાસ લેહ આવ્યા ત્યારે શહેરમાં પ્રવેશતાં તેની છાપ સારી પડી. આ સમયે બજાર બંધ હોવાને કારણે રસ્તા પહોળા લાગ્યા. શહેરનો વિસ્તાર પણ મોટો જણાયો. હોટેલ શોધીને અમે સામાન ઉતાર્યો. વડોદરાથી ચાર દિવસની મુસાફરી પછી આખરે અમે મુખ્ય સ્થાને આવી પહોંચ્યા હતા એની એક હાશ હતી. એ રાત્રે તો જમીને સીધા પથારીભેગા જ થઈ ગયા, પણ એ ખબર પડી કે આટલી ઊંચાઈએ શેરીનાં કૂતરાં હોય છે, અને એ રાત્રે ભસે છે.
પછીના દિવસે અમારે સ્થાનિક ધોરણે ફરવાનું હતું, દસેક વાગ્યે અમે બુક કરાવેલું વાહન લઈને ડ્રાઈવર તાશી આવી ગયો. અમે સૌ પ્રથમ ઊપડ્યા 'હૉલ ઑફ ફેમ' જોવા માટે. સૈન્ય દ્વારા સંચાલિત આ સ્થળ આમ સંગ્રહાલય કહી શકાય. બહાર સૈન્યનાં અમુક વાહનો ગોઠવાયેલાં છે. પ્રવેશટિકિટ માત્ર ને માત્ર કાર્ડ દ્વારા જ ખરીદવાની હોય છે. અંદર વિવિધ ખંડમાં અનેક બાબતો પ્રદર્શિત છે. એક ખંડમાં લદાખની ભૂગોળ, સંસ્કૃતિ અને રીતરીવાજો વિશે સચિત્ર વિગતો છે. એ પછી સૈન્યનો હિસ્સો શરૂ થાય છે. ભારતે આઝાદીથી લઈને અત્યાર સુધી કરવા પડેલાં યુદ્ધની વિવિધ વિગતો અહીં દર્શાવેલી છે. વિવિધ શસ્ત્રો, સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવાતાં ઉપકરણો સહિત અનેક ચીજો જોવા મળે છે. એક ભાગમાં સિઆચેન વિસ્તારમાં ઉપયોગમાં લેવાતાં ઉપકરણો છે. થોડા મુલાકાતીઓ એકઠા થાય એટલે સૈન્યના એક અધિકારી એક મોડેલના આધારે કારગીલ યુદ્ધ વિશેની માહિતી સવિસ્તર આપવાનું શરૂ કરે. 
ટેબલટૉપ મોડેલ દ્વારા કારગીલ યુદ્ધની વિગતવાર સમજણ
વચ્ચે વચ્ચે તેઓ સૂત્રોચ્ચાર પણ કરાવતા જાય. બીજા એક અધિકારી સિઆચેન વિસ્તાર વિશે વિગતો આપતા હતા. તેઓ સિઆચેન જઈ આવ્યા હતા. એક તરફ સોવેનિયર શોપ હતી, જેમાં પ્રવાસીઓ વિવિધ ચીજો લેવા ધસારો કરી રહ્યા હતા. આ સંકુલમાં જ, ઈમારતની પાછળની બાજુએ શહીદોનું સ્મારક હતું, જ્યાં રાત્રે 'સાઉન્ડ એન્ડ લાઈટ શો' યોજાતો હતો. એક તરફ દેશના વિવિધ યુદ્ધોમાં શહીદ થયેલા સૈનિકોના નામની તકતી ત્યાં મૂકેલી હતી. બહારની તરફ એક કેફે હતું. સંરક્ષણની દૃષ્ટિએ આ વિસ્તાર અતિ મહત્ત્વનો હોવાથી તેનું આગવું મહત્ત્વ છે એ અહીં બરાબર જાણવા મળ્યું.



વિવિધ યુદ્ધોમાં થયેલા શહીદોના નામની તકતીઓ
અહીંથી અમારે શાંતિ સ્તૂપ જવાનું હતું. લેહના નાના નાના રોડની બન્ને બાજુએ પોપ્લરનાં વૃક્ષો સીધા ઊભેલા હતા. આ રસ્તે થઈને અમે શાંતિસ્તૂપ પહોંચ્યા. આ સ્તૂપનું નિર્માણ 1991માં કરવામાં આવ્યું હતું, જે બે માળનું માળખું હતું. ઊંચાઈ પર હોવાને કારણે અહીંથી લેહ શહેરનો અદ્ભુત નજારો દેખાતો હતો. અહીં થોડો ઢાળ અને પગથિયાં હતાં, પણ એ ચડતાંય હાંફી જવાયું. સ્તૂપ પર ભગવાન બુદ્ધના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવાયેલા હતા. બાંધકામ સિમેન્ટનું હોય એમ જણાતું હતું, અને આ કોતરકામ પણ સિમેન્ટમાં જ કરાયું હોય એવું લાગ્યું. આથી તેમાં બારીકીનો અભાવ હતો. ભડક રંગોને કારણે તે આકર્ષક લાગતું હતું, પણ સોનેરી રંગ વધુ પડતો લાગતો હતો. અહીં અમે તસવીરો લીધી. થોડું બેઠા. 
શાંતિ સ્તૂપનો એક હિસ્સો 

શાંતિ સ્તૂપ 

લેહ આટલી ઊંચાઈએ હોવા છતાં ખીણમાં વસેલું હતું એ સ્પષ્ટપણે જોવા મળતું હતું. લેહનાં મકાનો મુખ્યત્વે ધાબાવાળાં હતાં. અમને એમ કે પર્વતીય વિસ્તારનું વિશેષ બાંધકામ એ ધરાવતાં હશે, પણ એવું નહોતું. હા, એનું બાંધકામ સ્થાનિક માટી અને એના બનાવેલા બ્લૉક વડે કરાયું હતું. એને કારણે એ જાણે કે સમગ્ર ભૂપૃષ્ઠનો જ ભાગ હોય એમ લાગતું હતું. જાણે કે પર્વતોમાંથી જ એ નીકળ્યા ન હોય!
શાંતિ સ્તૂપ પરથી લેહનો નજારો 

લેહ પેલેસ 
શાંતિ સ્તૂપ પછીનો અમારો મુકામ હતો લેહ પેલેસ. નવ માળનો આ મહેલ આમ તો અમારી હોટેલમાંથી જ નજરે પડતો હતો, પણ તેને રૂબરૂ જોવાની મજા જ જુદી હતી. આ મહેલનો હવે તો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા જિર્ણોદ્ધાર કરાયો છે, પણ તેમાં અગાઉ જે રીતે ભરપૂર માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ જોતાં અંદાજ આવી શકતો હતો કે અહીં વરસાદ કેટલો ઓછો પડતો હશે. આ મહેલના આઠ માળ સુધી જઈ શકાતું હતું. અહીંની ભૂગોળને લક્ષમાં રાખીને તે બનાવાયો હતો. વચ્ચેના અમુક ખંડમાં મહેલની જૂની તસવીરો હતી. એક ખંડમાં મહેલની નાનકડી વિડીયો ફિલ્મ સતત ચાલી રહી હતી. એ અમે આખી જોઈ. આ ઉપરાંત એક ભાગમાં ભગવાન બુદ્ધનું મંદીર પણ હતું. મહેલના આઠમા માળે પહોંચતાં આસપાસનું અદ્ભુત દૃશ્ય દેખાતું હતું. બિલકુલ એ જ ઊંચાઈ પર, સામેના છેડે શાંતિસ્તૂપ નજરે પડતો હતો. આ મહેલમાં મુખ્યત્વે માટી, પથ્થર અને લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહેલમાં બરાબર ફર્યા પછી અમે નીચે પાછા આવ્યા.
લેહ પેલેસનો એક હિસ્સો 

લેહ પેલેસનો એક હિસ્સો 


લેહ પેલેસની ટોચથી સામે દેખાતો શાંતિ સ્તૂપ. 
વચ્ચે લેહનાં મકાનો
હવે અમારો આજનો ફરવાનો ક્વોટા પૂરો થતો હતો. ડ્રાઈવરે અમને બજારમાં ઉતારવાના હતા. એવામાં એને યાદ આવ્યું એટલે અમે ઑક્સિજન સિલીન્ડરની વ્યવસ્થા કરવા ગયા. એ ભાડે મળતું હતું. વાહનમાં એ મૂકી દીધું, કેમ કે, બીજા દિવસથી અમારો છ દિવસનો કઠિન પ્રવાસ શરૂ થઈ રહ્યો હતો.
લેહનું મુખ્ય બજાર ટીપીકલ ટુરિસ્ટ બજાર છે. અહીં કાશ્મીરની વિવિધ ચીજો હસ્તકળા, ગરમ વસ્ત્રો, સૂકો મેવો વગેરે મળે છે. એ જ રીતે તિબેટની વિવિધ ચીજો પણ મળે છે. અહીં ત્રણેક બુકશોપ હતી. એમાંની એક તો ફક્ત પુસ્તકોની જ દુકાન હતી, બાકીની બેમાં સ્ટેશનરીની અન્ય ચીજો પણ મળતી હતી. લદાખ વિશે અહીં વિવિધ પુસ્તકો હતાં. મેં મારે કામનું એક પુસ્તક સવારે 'હૉલ ઑફ ફેમ'માંથી જ ખરીદી લીધું હતું. મારે એ જાણવું હતું કે અહીં અખબાર કયું આવે છે. એ દુકાને પૂછતાં જાણવા મળ્યું કે લેહથી કોઈ અખબાર પ્રકાશિત થતું નથી. દિલ્હીથી પ્રકાશિત થતું એક અખબાર 'The Earth News' અહીં બીજા દિવસે મળે. એ દિવસે રવિવાર હોવાથી એ પણ શક્યતા નહોતી. મેં આગલા બે દિવસનાં જૂનાં અખબાર ખરીદ્યાં. લેહના બજારમાં મૂકાયેલા બાંકડા પર બેસીને એ વાંચતો હોઉં એવો ફોટો પડાવ્યો, અને હેડિંગ વિચાર્યું: 'લેહમાં આજના દિવસે અખબાર વાંચી રહેલો એક માત્ર જણ.'
લેહમાં ઉપલબ્ધ એક માત્ર અખબાર 
આવા ભીડભાડવાળા બજારમાં પણ બર્ફીલા પવનના સૂસવાટા થિજાવી દેતા હતા. થોડુંઘણું 'વીન્ડો શોપિંગ' કર્યા પછી અમે પાછા રૂમ પર આવી ગયા. બીજા દિવસથી અમારા છ દિવસના પ્રવાસનો આરંભ થવાનો હતો.

No comments:

Post a Comment