મનાલી આશરે પોણા સાતેક હજાર ફીટે વસેલું છે અને તેનું સૌથી ઉંચું બિંદુ એટલે રોહતાંગ લા (પાસ), જેની ઊંચાઈ આશરે તેર હજાર ફીટ છે. આખો શિયાળો આ સ્થળે બરફ છવાયેલો રહેતો હોવાથી લેહ અને મનાલીનો સંપર્ક ઊનાળાના અમુક મહિના પૂરતો જ હતો. 2020માં ખુલ્લી મૂકાયેલી અટલ ટનલ મનાલી-લેહ સંપર્ક માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ. દસેક હજાર ફીટની ઊંચાઈએ, આશરે સાડા નવ કિ.મી.લંબાઈ ધરાવતી આ ટનલને પગલે હવે મનાલી-લેહનો બારમાસી સંપર્ક શક્ય બન્યો છે, તેમ જ અંતરમાં પણ આશરે 46 કિ.મી.નો ઘટાડો થયો છે. અલબત્ત, મનાલીથી લેહનું સડક માર્ગે અંતર આશરે પોણા પાંચસો કિ.મી. છે.
મનાલી નગર છોડ્યા પછી છેક અટલ ટનલ પહોંચીએ ત્યાં સુધી માર્ગે લીલોતરી નજરે પડતી રહે છે, પણ અટલ ટનલ વટાવીને બહાર નીકળતાં જ જાણે કે કોઈ અલગ જ દુનિયામાં પ્રવેશતાં હોઈએ એમ જણાય. હવે માત્ર હિમાચ્છાદિત પર્વતો છે. ક્યાંક ક્યાંક પર્વતો પર લીલી ઝાંય જોવા મળી જાય. પણ આગળ વધતાં જઈએ એમ એય ઘટતું જાય. એવું માની શકાય કે અટલ ટનલ વટાવ્યા પછી સરેરાશ ઊંચાઈ દસ- સાડા દસ હજાર ફીટની રહેવાની. કેલંગ વટાવ્યા પછી જિસ્પા ગામે રાત્રિરોકાણ કરવાનું લોકો પસંદ કરતા હોય છે, જે ભાગા નદીને કાંઠે આવેલું છે. જિસ્પામાં વૃક્ષો જોવા મળે છે.
પોપ્લરનાં વૃક્ષો (ચિત્ર: બીરેન) |
જિસ્પા વટાવીને આગળ જઈએ કે આછીપાતળી લીલોતરી પણ ઘટવા લાગે. પંદરેક હજાર ફીટે આવેલો બારાલાચા લા પસાર કરતાં ઉપર આકાશ અને બાકી બધે બરફ જ જોવા મળે. તેને વટાવ્યા પછી સરચૂ આવે એ સાથે જ આખું ભૂપૃષ્ઠ બદલાઈ જાય. બર્ફીલાં શિખરો પાછળ ખસી જાય અને રેતાળ, પથરાળ પર્વતોનો આરંભ થઈ જાય. ક્યાંક પર્વતની સમાંતરે ચાલ્યા જતા રસ્તા, ક્યાંક પર્વતની ઉપર લઈ જતા વાંકાચૂકા વળતા માર્ગ, ક્યાંક પર્વતની વચ્ચે આવેલી સીધેસીધી સડક...પીળા, ભૂખરા પર્વતો, લીલોતરીનું નામોનિશાન નહીં. 'ઘાટ લૂપ્સ' તરીકે ઓળખાતું, એકવીસ 'હેરપીન બેન્ડ' ધરાવતું સ્થળ વાંકેચૂકે રસ્તે જોતજોતાંમાં આપણને પંદરેક હજાર ફીટે આવેલા નકી લા પર લાવીને મૂકી દે. એ પછી ફરી નીચે ઉતરવાનું, આગળ વધવાનું અને ફરી એક વાર સત્તરેક હજાર ફીટે આવેલો તંગલાંગ લા વટાવવાનો. ચારે બાજુ બરફ પથરાયેલો હોય એવો આ ઘાટ વટાવ્યા પછી સતત નીચા ઉતરતા જવાનું છે- છેક લેહ સુધી.
હોટેલ ત્સાસ્કાનની બારીમાંથી દેખાતું દૃશ્ય (ચિત્ર: બીરેન) |
લેહમાં થતા દરેક બાંધકામમાં આ વૃક્ષના લાકડાંનો ભરપૂર ઉપયોગ થાય છે. કહેવાય છે કે આ વૃક્ષ અતિ પવિત્ર મનાય છે, અને તેની કાપેલી ડાળીઓ સુદ્ધાંનો ઉપયોગ કોઈ કરતું નથી.
લેહથી આગળ નુબરા ખીણ, હુન્દર, તુર્તુક જેવાં ગામોમાં પણ આ વૃક્ષો નજરે પડ્યાં.
No comments:
Post a Comment