હુન્દરમાં હીરાને રસોડે
વડોદરાથી નીકળ્યા પછી પાંચમા દિવસે લેહ પહોંચ્યા. ત્યાં એકાદ દિવસ ફર્યા. એ પછી અમારો ખરેખરો પ્રવાસ શરૂ થઈ રહ્યો હતો. છ દિવસ અને પાંચ રાત અમે હવે લેહથી દૂર જવાના હતા. અને આમાંના એકે સ્થળે અમે કોઈ પણ પ્રકારનું બુકિંગ અગાઉથી કરાવ્યું નહોતું.
પહેલી બે રાત અમારે હુન્દરમાં રહેવાનું હતું. લેહથી નુબરા ખીણમાં થઈને અમારે હુન્દર પહોંચવાનું હતું, પણ ત્યાં જતાં, લેહથી ચાલીસેક કિ.મી.ના અંતરે આવેલો ખરદોન્ગ લા (પાસ) ઓળંગવાનો હતો. આશરે સાડા સત્તરેક હજાર ફીટની ઊંચાઈએ આવેલો આ પાસ નુબરા વેલીનું પ્રવેશદ્વાર ગણાવી શકાય. વિશ્વનું સૌથી ઊંચું બર્ફીલું રણમેદાન સિઆચેન પણ આ તરફ જ. આ સ્થળે પુષ્કળ બરફ અને લોકોનાં ટોળાં હતાં. થોડી વાર થોભીને અમે આગળ વધ્યા.
લદાખનું આ દર્શન સાવ નવું હતું. નજરે દેખાયા પછી હવે મન પણ સ્વીકારવા લાગ્યું હતું કે આ પહાડી રેગિસ્તાન છે. રસ્તાની બન્ને બાજુએ રેતી, પથ્થર જોવા મળે. અમારી મંઝીલ હુન્દર તો રેતીના ઢૂવા માટે ખ્યાતનામ છે. અને એ ઢૂવા પણ નદીના પટમાં! ઊનાળામાં શ્યોક નદી ભયાવહ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. કહેવાય છે કે ૧૯૨૫ની આસપાસ ખુમદાન લાના સાંકડા માર્ગે હીમપ્રપાત થવાથી તેના વહેણમાં અવરોધ પેદા થયો. પરિણામે નદીના પાણીએ વિનાશક પૂરનું રૂપ ધારણ કર્યું અને આ ખીણની ઉપજાઉ જમીનને રેતીના ઢૂવાઓમાં પરિવર્તીત કરી દીધી.
મધ્ય એશિયાના કેટલાક પ્રદેશોમાં આ માર્ગે ઘોડા, ખચ્ચર, યાક અને બે ખૂંધવાળાં બેક્ટ્રિઅન ઉંટ પર માલસામાનની હેરફેર થતી હતી. આ કારણે મધ્ય એશિયાનું આ વિશિષ્ટ પ્રાણી આ વિસ્તારમાં- ખાસ કરીને હુન્દરમાં જોવા મળે છે.
હુન્દરમાં અમે એક હોમસ્ટે શોધ્યો. નીચે મકાનમાલિકનો નિવાસ અને ઉપલા માળે એક મોટા હૉલ ફરતે પાંચેક ઓરડા. અહીં વિજળી સાંજના પાંચથી અગિયાર અને સવારના છથી આઠ દરમિયાન રહેતી. બપોરે હુન્દર પહોંચ્યા પછી અમે રેતીના ઢૂવા પર ગયા, ત્યાં આડા પડીને રેતીનો શેક લીધો. એ પછી નિવાસની વ્યવસ્થા ગોઠવી. સાંજના સમયે પુષ્કળ ભૂખ લાગી હતી. એ મુજબ ભોજન તૈયાર કરવાનું અમે જણાવ્યું. પણ અમને ખ્યાલ નહોતો કે શાકનો જથ્થો કેટલો પીરસાશે! મકાનમાલિકણ શ્રીમતી યાંગ્ડોલ તૈયાર ભોજન લઈને ઉપર આવ્યાં અને ટીપોય પર મૂક્યું એ સાથે જ સૌ થોડા નિરાશ થઈ ગયા. સબ્જીના મધ્યમ કદના કટોરા હતા, જે અમને બધાને થઈ રહેશે કે કેમ એ સવાલ હતો. આ હોટેલ નહોતી કે અમે નવો ઓર્ડર આપીએ અને નવી ડિશ મળી જાય. શાક માટેની ભાજી તેમણે પોતાના કિચનગાર્ડનમાંથી તોડેલી અને અહીંની પદ્ધતિ મુજબ તેને સમાર્યા વિના, હાથ વડે જ મરડી દીધી હતી. અમે જમ્યા તો ખરા. સૌએ એવો વિવેક એકમેક માટે રાખ્યો કે જે સબ્જી અમને અપૂરતી થઈ રહેશે એમ લાગતું હતું એ પણ થોડી વધી. બ્રેકફાસ્ટમાં અહીં માત્ર બ્રેડ ટોસ્ટ કે બ્રેડ આમલેટ જ ઉપલબ્ધ હતી. અમે પરાઠા વિશે પૂછ્યું તો શ્રીમતી યાંગ્ડોલે હસીને કહ્યું, 'વો મુઝે આતા નહીં .' આથી અમે નક્કી કર્યું કે બીજા દિવસે આપણે બહાર ક્યાંક તપાસ કરવી.
એ મુજબ બીજા દિવસે સાંજે અમે ટહેલવા નીકળ્યા. આસપાસમાં જ બે એક રેસ્તોરાં હતી, પણ અમે આગળ ચાલતા ગયા. 'ગ્રે હીલ રેસ્તોરાં' નામનું એક પાટિયું વંચાયું. સાવ નાની એક દુકાન, જેમાં છએક ટેબલ ગોઠવેલાં હતાં. અહીં શું મળે એ પૂછવા અમે અંદર ગયા તો એક હસમુખો યુવાન રસોડામાંથી બહાર આવ્યો. તે કહે, 'આપ ફિકર મત કિજીયે. મૈં 'ડાઉન' કી કોઈ ભી ડિશ બના સકતા હૂં.' બે-ત્રણ વાર એ આમ બોલ્યો ત્યારે અમને સમજાયું કે અત્યારે ભૂગોળની રીતે અમે 'અપ'માં હતા. એ કહે, 'હું મહારાષ્ટ્રમાં રહ્યો છું.' તેના અવાજના રણકામાં જે આત્મવિશ્વાસ હતો એ અમને લાગેલી ભૂખને કારણે વધુ પ્રબળ લાગ્યો. અમે અંદર જઈને ગોઠવાયાં. એની દુકાનની એક બાજુ અમારા સાતે જણના બેસવાથી જ ભરાઈ ગઈ. અમે ઓર્ડર કહ્યો એ મુજબ તે એક પછી એક ચીજ બનાવીને અમને પીરસતો ગયો. તેની બનાવેલી વાનગીઓ ચાખતાં જ અમને લાગ્યું કે એનો દાવો સાચો છે. તેને બનાવતાં આવડતું હતું. (આશિષ કક્કડ હોત તો કહેત: યાર, તને તો ફાવે છે!) એ નાનકડી દુકાનનું રસોડું તેણે પડદાની આડશે બનાવેલું, જેમાં તેનો એક સહાયક પણ હતો. વાસવદત્તા અને ઉદયન વચ્ચે પડદાની આડશે સંવાદ થતા એવી પરિસ્થિતિ અમારી હતી. અમે બહાર બેસીને તેની સાથે વાત કરતા જઈએ અને એ પડદા પાછળથી જવાબ આપતો જાય. નેપાળના એ ખંતીલા, ઉત્સાહી અને હોશિયાર યુવાનનું નામ હતું હીરા થાપા.
અમારે પછીના દિવસે સવારે નીકળવાનું હતું, આથી અમે નક્કી કરી લીધું કે બ્રેકફાસ્ટ હીરાને ત્યાં જ કરીને નીકળવું. 'શું ખવડાવશો?'ના જવાબમાં હીરાનો એ જ જવાબ 'સર, ડાઉન કી કોઈ ભી ડિશ મૈં બના સકતા હૂં.' અમારે એ પણ વિચારવાનું હતું કે હુન્દરમાં જરૂરી સામગ્રી મળવી પણ જોઈએ ને! અમે એને પૂછ્યું, 'બટાકાપૌંઆ બના સકતે હો?' એ મૂંઝાયો એટલે અમે એનો અનુવાદ કર્યો અને કહ્યું, 'આલુપૌહા.' એ સાંભળતાં જ એનો ચહેરો ચમકી ગયો. કહે, 'ક્યું નહીં! ઉસમેં ઓનિયન, આલૂ ઔર ટમાટર કાટકે ડાલેંગે.' આ સાંભળીને અમે તરત કહ્યું, 'ટમાટર મત ડાલના.' એ કહે, 'ઠીક હૈ.' પણ મુદ્દાનો સવાલ એ હતો કે અહીં પૌંઆ મળશે ખરા? હીરા ઉત્સાહથી કહે, 'ક્યું નહીં! મિલ જાયગા.' આમ, નીકળવાની સવારે 'આલુપૌહા' ખાઈને નીકળવાનું ઠર્યું. હીરાએ કહ્યું કે અમારે સવારે એને ફોન કરી દેવો.
પછીના દિવસે સવારે અમે એને ફોનથી જણાવી દીધું અને થોડી વારમાં અમે એને ત્યાં ઉપડ્યા. અમે જોયું તો એક દુકાનમાંથી પૌંઆનું પેકેટ ખરીદીને હીરા અમારી આગળ જ જઈ રહ્યો હતો. તેણે બહુ સ્વાદિષ્ટ બટાકાપૌંઆ બનાવ્યા, જે અહીંની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અમને વધુ સ્વાદિષ્ટ લાગ્યા. તેણે એટલા પ્રમાણમાં બનાવેલા કે એ ખાધા પછી છેક બપોર સુધી ભૂખ ન લાગે. હુન્દરમાં રેતીના ઢૂવા, બે ખૂંધવાળા ઊંટની સાથોસાથ હીરા થાપા પણ અમને યાદ રહી ગયો.
No comments:
Post a Comment