(ઠાકોરભાઈ બોડાવાલાનું અવસાન, 18 જૂન, 2021ના રોજ થયું હતું. એ નિમિત્તે, એ જ દિવસે લખેલો આ લેખ જેમનો તેમ અહીં મૂક્યો છે.)
ઠાકોરભાઈ બોડાવાલાના અવસાનના સમાચાર મિત્ર અજય પરીખ દ્વારા મળ્યા. અજયના બનેવી, એટલે કે દિપ્તીબેનના પતિ ઠાકોરભાઈ વડોદરામાં જ રહે. આપણું કોઈ સગું વીમાનો એજન્ટ હોય એ બહુ વિચિત્ર પરિસ્થિતિ, અને જો એ મિત્રનો સગો હોય તો તો ખાસ. પણ ઠાકોરભાઈ આમાં સુખદ અપવાદ.
ઠાકોરભાઈ બોડાવાલા |
એલ.આઈ.સી.ના એજન્ટ અને મારા ખાસ મિત્રના બનેવી હોવા છતાં તે કદી ગળે પડ્યા નથી. બલ્કે સદાય મદદરૂપ બનવાનો પ્રયત્ન જ કરતા રહ્યા. અમારો પરિચય તાજો તાજો હતો એ અરસામાં તેમણે સામેથી ફોન કરીને પોતે એલ.આઈ.સી.ના એજન્ટ હોવાની જાણ મને કરેલી. મારા મનમાં કશો નકારાત્મક ભાવ જાગે એ પહેલાં જ તેમણે કહેલું, 'જુઓ બૉસ, તમને વીમા માટે નથી કહેતો. એવું કોઈને કહેવાય પણ નહીં. પણ તમારે એલ.આઈ.સી.નું કશું પણ કામ હોય તો તમારા ધ્યાનમાં રહે એટલે જાણ કરી.' તેમના આ વાક્યે અમને સૌને જીતી લીધા. તરત તો વીમો લેવાનો હતો નહીં, પણ એકાદ નાનકડું કામ પડ્યું એ વખતે મને તે યાદ આવ્યા. તેમણે બહુ સહજતાથી કામ કરી આપ્યું. એ પછી મારી સાથે તેમની સ્વતંત્રપણે મૈત્રી શરૂ થઈ.
મારી જરૂરિયાત તેમને સમજાઈ એટલે મને એ મુજબ સલાહ આપે, અને મારા માટે જે યોગ્ય લાગે એ જ પોલિસી લેવડાવે. અને એક વાર પોલિસી હું લઉં તો એની છેક સુધી કાળજી પણ રાખે. ઘણી વાર એમ બનતું કે હું ઘણી ચર્ચા અને પૂછપરછ પછી એમને ના પાડું. પણ એનાથી આગળ તો એમ બનતું કે એ મને ના પાડે કે- 'બૉસ, તમે રહેવા દો. આ તમારે કામની નથી.'
ઠાકોરભાઈ બોડાવાલા |
'બૉસ' સંબોધન એમના માટે સામાન્ય. એ રહે મારા ઘરથી બીજા છેડે, પણ વરસમાં બે-ત્રણ વાર પ્રિમીયમ માટે આવવાનું થાય ત્યારે અગાઉથી જાણ કરીને બપોરના સમયે આવે. એ આવે એટલે કામની વાત છેલ્લે થાય. પહેલાં અમારા પરિચીતોની વાત થાય. ચા-નાસ્તો ચાલે, અને સાવ છેલ્લે જે કામ કરવાનું હોય એ પૂરું કરીએ. મારા ઝાંપાની બહાર મૂકેલા એક્ટિવા પર એ બેસે એટલે કહે, 'હવે શિયાળો આવે છે. સાંજે આવો. ભેગા જમીએ, લીલાં શાકભાજી હવે મળતાં થઈ જશે.' જો કે, અમારાથી એમને ઘેર જવાનું ઓછું બનતું. અમે મોટે ભાગે મહેમદાવાદમાં મળી જઈએ એમ બનતું.
બોડાવાલા સાથે એવી મૈત્રી થઈ ગયેલી કે એક વાર એ અને દિપ્તીબેન બન્ને અમારે ત્યાં આવ્યા ત્યારે કામિનીએ દિપ્તીબેનને 'ભાભી'નું સંબોધન કર્યું. (જે આમ તો અમારા મિત્ર અજયનાં બહેન, એટલે અમારાં પણ બહેન) પછી ખ્યાલ આવતાં અમે બધાં હસી પડ્યાં.
દિપ્તીબહેન, ઠાકોરભાઈ અને દર્શન |
દિપ્તીબેનને શરૂ થયેલો દુખાવો, તેને પગલે થતી સારવાર અને પછી અંતે થયેલું કેન્સરનું નિદાન- સૌને માટે ચોંકાવનારું હતું. નિદાન થયું અને જોતજોતાંમાં દિપ્તીબેને ચીરવિદાય લઈ લીધી. તેમનો દીકરો દર્શન ભણીગણીને નોકરીએ લાગ્યો અને એમ લાગતું હતું કે હવે તેને સરસ ઠેકાણું મળી જાય એટલે સાંસારિક જવાબદારીનો એક અધ્યાય પૂરો થશે. દિપ્તીબેનની ઓચિંતી વિદાય ઠાકોરભાઈ માટે આંચકાજનક નીવડી. અંદરથી એ બહુ તૂટી ગયા હોય એવું સૌને લાગતું હતું. મારી દીકરી શચિના લગ્નમાં તે આવ્યા નહીં, પણ મને નિખાલસતાથી કહેલું, 'બૉસ, સાચું કહું! દિપ્તીના ગયા પછી મને ક્યાંય જવાનું મન નથી થતું. નહીંતર તમારે ત્યાં ન આવું એવું બને?' એ પછી દર્શનનું સગપણ નક્કી થયું ત્યારે એમનો રાજીપો રીતસર જોઈ શકાતો હતો. તેમને એમ હશે કે બસ, દર્શન પરણી જાય એટલે પોતાની એક જવાબદારી પૂરી થાય.
તેમને કોવિડ લાગુ પડ્યો અને એમાંથી એ ઉગરી પણ ગયા. એ પછી કોણ જાણે કેમ, થોડા વખતમાં ફરીથી તેમને દાખલ કરવાના આવ્યા. કોવિડનાં જ લક્ષણ હતા. તેમની તબિયત એકદમ નાજુક તબક્કે પહોંચી ગઈ. કોવિડ તો મટ્યો, અને તેમને નોન-કોવિડ વૉર્ડમાં ખસેડવામાં આવ્યા. આઈ.સી.યુ.માં હોવાથી દર્શનના હાથ પણ બંધાયેલા હતા. તેમની તબિયત સતત લથડતી ચાલી, અને એક પછી એક અંગ નિષ્ક્રિય બનતાં ગયાં. આખરે એમને ઘેર લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઘેર વેન્ટિલેટરની સુવિધા તૈયાર રખાઈ હતી, પણ અંદરખાને એ આશંકા હતી જ કે એનો એ કેટલો ઉપયોગ કરી શકશે. આજે સવારે સાડા અગિયારની આસપાસ એમને ઘેર લાવવામાં આવ્યા. એ પછી અઢી-ત્રણ કલાકમાં જ એમણે કાયમ માટે આંખ મીંચી.
બોડાવાલાને પહેલાં અમે મિત્રના બનેવી તરીકે જોયા, પછી એલ.આઈ.સી.ના એજન્ટ તરીકે, અને એક સહૃદયી, શુભચિંતક વડીલમિત્ર તરીકે પણ! હું ઘણી વાર ઉર્વીશને કહેતો, 'ભગવાન કૃષ્ણ બોડાવાલાને મળ્યા હોત તો અર્જુનને કહ્યું હોત- 'એલ.આઈ.સી.એજન્ટોમાં હું બોડાવાલા છું.'
આવા પ્રેમાળ અને સહૃદયી મિત્રને અશ્રુભીની અંજલિ.
(તસવીરસૌજન્ય: અજય પરીખ)
No comments:
Post a Comment