જોતજોતાંમાં 'પેલેટ' નામના આ બ્લૉગનો છસોમો મુકામ એટલે કે છસોમી પોસ્ટ આવી પહોંચ્યો છે. 2011ની 12મી જૂનથી આરંભાયેલા પ્રથમ પોસ્ટના કદમ પછી ધીમે ધીમે, એટલે કે લગભગ 13 વર્ષ પછી છસોમી પોસ્ટના મુકામે પહોંચાય એ આનંદદાયક બાબત છે. ખરી મઝા આ સફરની રહી છે, કેમ કે, સફર સતત ચાલતી રહે એટલે મુકામો આવતા રહેવાના. આ તેર વર્ષમાં વર્ષદીઠ સરેરાશ આશરે 46 પોસ્ટની બેસે છે. કોઈક વરસોમાં વધુ લખાયું છે, તો કોઈક વરસોમાં ઓછું. છતાં આ સરેરાશ સંતોષકારક એટલા માટે છે કે અહીં આ બ્લૉગ પર જે કંઈ મૂકાયું છે એમાંનું મોટા ભાગનું લખાણ ફેસબુક સિવાય બીજા કોઈ માધ્યમમાં મૂકાયું નથી. એટલે કે ખાસ આ માધ્યમ માટે જ આ લખાયું છે. લેખન કારકિર્દી તરીકે સ્વિકાર્યું હોય ત્યારે તેનાં વ્યાવસાયિક કામો વચ્ચે પણ આ થઈ શક્યું એનો આનંદ.
આ છસોમી પોસ્ટ અન્ય એક રીતે પણ વિશિષ્ટ બની રહે છે. 'ગુજરાતમિત્ર'માં ચાલી રહેલી દર ગુરુવારે પ્રકાશિત થતી મારી કટાર 'ફિર દેખો યારોં'નો આ પાંચસોમો લેખ છે. એ લેખ આમ તો 20 જૂન, 2024ના રોજ 'ગુજરાતમિત્ર'માં પ્રકાશિત થયો હતો.
2014ની 7 ઑગષ્ટથી સુરતના દૈનિક ‘ગુજરાતમિત્ર’માં દર ગુરુવારે મારી કટાર ‘ફિર દેખો યારોં’નો આરંભ થયો. નાગરિકધર્મના સાંપ્રત મુદ્દાઓ વિશે મારે લખવું એમ સંપાદક બકુલભાઈ ટેલરનો અનુરોધ હતો. આ જ કટારના લેખો પછીના સપ્તાહે ‘વેબગુર્જરી’ પર મૂકાતા. આમ, આ સફર પણ દસ વર્ષ સંપન્ન કરવામાં છે. એટલી સ્પષ્ટતા, અલબત્ત, ખરી જ કે આંકડા કોઈ પણ રીતે ગુણવત્તાના સૂચક નથી, છતાં તેનું પોતાને ઠેકાણે એક મહત્ત્વ છે.
આ સફરમાં આનંદ આવી રહ્યો છે અને આનંદ આવે ત્યાં સુધી સફર ચાલતી રહેવાની છે. બીજી અનેક વ્યસ્તતાઓ અને નવી બાબતો સાથે સંકળાવાનું પણ બનતું રહ્યું છે. એના વિશે યથાસમયે વાત થશે જ.
આ તબક્કે 'ગુજરાતમિત્ર'ના બકુલભાઈ ટેલર અને ટીમનો ખાસ આભાર, તેમ 'વેબગુર્જરી'ના સંપાદક મંડળનો પણ આભાર. અશોકભાઈ વૈષ્ણવ ખાસ જહેમત લઈને મારા લેખોને અનુરૂપ તસવીર, ગ્રાફિક કે વિડીયો ક્લીપ શોધીને મૂકે છે એ તેમના પ્રેમનું સૂચક છે.
અહીં 'ગુજરાતમિત્ર'ના લેખની ઈમેજ ફાઈલ અને પછી એ લેખ પણ મૂકેલો છે.
જોયા કરતાં બગાડ્યું ભલું
-
બીરેન કોઠારી
‘જીવ્યા કરતાં જોયું ભલું’, ‘ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે’ જેવી કહેવતો ફરવાનો મહિમા દર્શાવે છે. ફરવાથી નવિન બાબતો
નજરે પડે છે, મુશ્કેલ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાનો ગુણ વિકસે છે, અને સરવાળે તે દૃષ્ટિને વિશાળ તેમજ વ્યાપક બનાવે છે. આ
પ્રકારની કહેવતો કદાચ એવે સમયે અસ્તિત્વમાં આવી હશે કે જ્યારે બહાર ફરવું આજના
જેટલું સરળ નહીં, પણ મુશ્કેલ હતું.
હવે પ્રવાસ કરવો સામાન્ય બની રહ્યો છે. એમાં પણ ઈન્ટરનેટના
આગમન પછી ક્રાંતિ સર્જાઈ છે. વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી આંગળીના ટેરવે
સુલભ બની છે, અને પ્રવાસ આયોજન માટે જરૂરી બુકિંગ આગોતરું કરી શકાય છે.
આને કારણે પ્રવાસની પદ્ધતિમાં પણ ધરમૂળથી પરિવર્તન આવ્યું છે, જેમાં કોવિડની મહામારી પછી દેખીતો ફરક નજરે પડી રહ્યો છે.
કોવિડ પછીના સમયગાળામાં લોકો બેફામ રીતે ફરવા લાગ્યા છે. કોઈ પણ સ્થળે હવે લોકોનાં
ટોળેટોળાં ઉમટવાં સામાન્ય બન્યું છે. પ્રવાસને કારણે જે તે સ્થળના અર્થતંત્રને લાભ
અવશ્ય થાય છે, પણ તેની સામે સ્થાનિક પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ
ભરપાઈ કરવું મુશ્કેલ છે.
પ્રવાસીઓના પ્રચંડ ધસારા સામે સ્પેનમાં આવેલા મયોકા ટાપુના
રહીશોએ લીધેલું પગલું એક જુદા પ્રકારની શરૂઆત છે એમ કહી શકાય. સવા નવેક લાખની વસતિ
ધરાવતો આ ટાપુ સહેલાણીઓમાં અતિ પ્રિય બની રહ્યો છે. વરસેદહાડે અહીં દસથી બાર લાખ
સહેલાણીઓની અવરજવર રહે છે. સ્વાભાવિક છે કે મયોકાના અર્થતંત્રમાં પ્રવાસનનું
પ્રદાન મહત્ત્વનું હોય. સહેલાણીઓનું મુખ્ય આકર્ષણ અહીંના સમુદ્રતટ પર સૂર્યસ્નાન
કરવાનું હોય છે. સહેલાણીઓના ધસારાથી, તેને લઈને શહેરને થતા નુકસાનથી ત્રાસીને મયોકાવાસીઓએ નક્કી
કર્યું કે આ વરસે તેઓ પ્રવાસીઓ સામે દેખાવ કરીને તેમનો વિરોધ કરશે.
16 જૂનના રવિવારના દિવસે તેમણે ‘ઓક્યુપાય ધ બીચ’ (સમુદ્રતટ પર કબજો કરી લો)નું એલાન આપ્યું અને વહેલી સવારે
એકઠા થઈને સમુદ્રતટે પહોંચી જઈને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. વીસેક
રહીશોથી આરંભાયેલી રેલીમાં લોકો જોડાતા ગયા અને સંખ્યા ત્રણસોએ પહોંચી. સવારના આઠે
શરૂ થયેલી રેલી બપોરે એક વાગ્યે સમુદ્રતટે પહોંચી. પ્રવાસીઓને આ વિરોધ પ્રદર્શનનો
હેતુ સમજાવતાં ફરફરિયાં વહેંચવામાં આવ્યાં.
આ અગાઉ મે, 2024ના અંતમાં દસેક હજાર રહીશોએ મયોકાની શેરીઓમાં સરઘસ
કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘મયોકા વેચાણ માટે નથી’, ‘રહીશોને બચાવો’, ‘બહુ થયું પ્રવાસન’ જેવાં લખાણવાળાં પોસ્ટર તેમના હાથમાં હતાં. આ સમાચાર
પ્રસરતા ગયા એટલે બુકિંગ કરાવ્યું હોય એવા પ્રવાસીઓએ મયોકાની હોટેલોમાં પૂછપરછ
કરવા માંડી. કેટલાકે બુકિંગ રદ પણ કરાવ્યું હશે!
વિચારવાનું એ છે કે મયોકાનિવાસીઓ કઈ હદે ત્રાસી ગયા હશે કે
પોતાની આજીવિકાના મુખ્ય સ્રોત પર પાટુ મારવાનું જોખમ લેવા તેઓ તૈયાર થયા!
મયોકાનું ઉદાહરણ કંઈ એકલદોકલ નથી. ઈટલીના મિલાન શહેરના
સત્તાવાળાઓએ રાતના સાડા બાર પછી પીત્ઝા અને આઈસક્રીમનું વેચાણ બંધ કરવાનો નિર્ણય
લઈ લીધો હતો. કેમ કે, પ્રવાસીઓની મોડી રાતની ગતિવિધિઓથી સ્થાનિકોને ઘણી હેરાનગતિ
થઈ રહી હતી. જો કે, પછી આ નિર્ણય પાછો ખેંચાયો, પણ આ નિર્ણય લેવા પાછળની પરિસ્થિતિ સમજવા જેવી છે.
સ્પેનના બાર્સેલોના શહેરમાં પણ પ્રવાસન નીતિ અંગે
પુનર્વિચાર કરવા માટેનું આયોજન કરાયું હતું, કેમ કે, અહીંના દરિયામાં ફરતી માછલી પકડનારી હોડીઓ પૈકીની 38 ટકાની
જાળમાં નર્યો પ્લાસ્ટિકનો કચરો જ ભરાયો હતો.
વેનિસે 2023થી ‘પ્રવાસી વેરો’ ઊઘરાવવાનો આરંભ કર્યો છે.
પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધથી સામા છેડે પૂર્વ ગોળાર્ધમાં
આવેલા જાપાનના ઈયોનના કેટલાક વિસ્તારમાં પ્રવાસીઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
તેનું મુખ્ય કારણ, અલબત્ત, પર્યાવરણ નહીં, પણ પ્રવાસીઓની ગેરવર્તણૂક છે.
વીસમી સદીમાં પ્રવાસ મુખ્યત્વે વૈભવ ગણાતો. તેના
ઊત્તરાર્ધમાં સામાન્ય લોકો પ્રવાસ કરતા થયા ખરા, છતાં
વિદેશપ્રવાસ મુખ્યત્વે ધનવાનો કરતા. હવે એ બાબતે ઘણી સમાનતા આવવા લાગી છે. એમાંય કોવિડ પછીનો સમયગાળો એવો બની રહ્યો છે કે લોકો એક જીવનમાં જેટલું
જોવા-ફરવા મળે એટલું જોઈ લેવા ન માંગતા હોય!
પર્યાવરણ અને આત્યંતિક હવામાનની સમસ્યા આમે તીવ્રતર બની રહી
છે. પ્રવાસનસ્થળો પ્રવાસીઓ પાસેથી કમાય છે, અને એમની સુવિધાઓ પાછળ ખર્ચતા પણ હશે. છતાં પ્રવાસીઓ થકી
થતું પર્યાવરણને નુકસાન ભરપાઈ ન થઈ શકે એવું હોય છે. એમ ન હોય તો પ્રવાસીઓ માટે
આવા આકરા નિયમો ઘડવાનો વિચાર આવી શકે ખરો?
પ્રવાસનસ્થળને થતા નુકસાનની સ્થિતિ આપણા દેશમાં પણ અપવાદરૂપ
નથી. અતિ નાજુક પર્યાવરણપ્રણાલિ ધરાવતા હિમાલયમાં વિકાસના નામે જે ખુરદો બોલાવાઈ
રહ્યો છે એનાં વિપરીત પરિણામ પણ ભોગવવાં મળી રહ્યાં છે. હિમાલય ઉપરાંત બીજાં અનેક
સ્થળે આ સ્થિતિ હશે. પણ એ બાબતે ભાગ્યે જ કશી જાગૃતિ જોવા મળે છે. પર્યાવરણવાદીઓ
કે છૂટાંછવાયાં પર્યાવરણ સંગઠનો સક્રિય છે ખરાં, પણ વિકાસના નગારખાનામાં એમની તતૂડીનો અવાજ કોણ સાંભળે?
આપણા દેશના જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓની આદત સુધરે એ શક્ય જણાતું નથી, કેમ કે, તેઓ પોતાનાં નાણાં ખર્ચવા નીકળ્યા હોય છે, અને તેમને એનું પૂરેપૂરું વળતર જોઈતું હોય છે. નાણાંની
સામે વળતર એટલે વધુ સુવિધાઓ. આ જ બાબત પ્રવાસનસ્થળ માટે વિપરીત પુરવાર થાય છે.
પ્રવાસીઓ માટે પ્રવાસનું સ્થળ ‘પારકું’ અને કામચલાઉ હોવાથી નાગરિકધર્મ તેમને ભાગ્યે જ યાદ આવે છે.
આ સમસ્યાનો ઊકેલ નજીકના ભવિષ્યમાં જણાતો નથી. કડક
કાયદાકાનૂન એક હદથી વધુ કારગર નીવડી શકતા નથી, કેમ કે, એનાથી પર્યાવરણને થયેલું નુકસાન ભરપાઈ થઈ શકતું નથી. સમજદાર
નાગરિકો પોતાનો નાગરિકધર્મ સમજીને એનું અનુસરણ કરે તો ઠીક.
('ગુજરાતમિત્ર'માં 20-6-24ના રોજ પ્રકાશિત લેખ)
આમ તો બધી જગ્યાએ પણ ખાસ કરીને હિમાલયમાં થયેલો વિકાસ ખરેખર ચિંતા ઉપજાવે તેવો છે. ધાર્મિક સ્થળો હવે પિકનિકનાં સ્થળો બનતાં જાય છે. સરકાર નિષ્ણાતોની સલાહ અને ચેતાવણીઓને અવગણી પહોળા રસ્તા અને ટનેલો બનાવવામાં લાગી પડી છે. દુનિયાનું કોઈપણ સ્થળ એક હદથી વધુ વિકાસ અને વધુ સંખ્યામાં પ્રવાસીઓને સહન કરી શકે નહીં. આ વિકાસની પરાકાષ્ઠા પછી વિનાશની પ્રક્રિયા શરૂ થાય અને તે વિકાસની પ્રક્રિયાથી પણ ક્યાંય ઝડપી હોય છે અને તેને અટકાવવી પણ મુશ્કેલ છે. આમ તો આ વિષયમાં વિવિધ વિચાર માંગી લેતાં પાસાં છે, પણ જો સ્થળના વિકાસ ઉપર નિયંત્રણ મુકાય અને પ્રવાસીઓ સ્વનિયંત્રણ સ્વીકારે તો થોડો ફરક પડી શકે.
ReplyDelete૬૦૦ બ્લોગપોસ્ટનાં સીમા ચિહ્નનું સંખ્યાની દૃષ્ટિએ મહત્ત્વનું તો છે જ, લેખન પ્રવૃતિની તમારી પ્રાથમિકતા વચ્ચે પણ તમે પોસ્ટ કરતા રહો છો તે પણ ઓછું મહત્વનું તો નથી જ. પરંતુ, મારી દૃષ્ટિએ એથી વધારે મહત્ત્વનું જે વિષયો વિશે તમે લખો છો એ છે.જીવનના નાનાથી માંડીને મોટા પ્રસંગો, અનુભવો અને વિચારોને તમે બહુ સહજ રીતે રજુ કરો છો. દરેક પોસ્ટ વાંચતી વખતે તમારી સાથે વાત કરી રહ્યાં હોય એવું જ લાગે.
ReplyDelete'ફિર દેખો યારોંની સફળતા પણ એટલી જ સરાહનીય છે.
તમારા સ્વ - આનંદને ઝીલતી બ્લોગપોસ્ટની આ પ્રવૃતિની તમારી યાત્રા આવી જ સક્રિય બની રહે એવી શુભેચ્છાઓ અને અમે તેમાં હમસફર બની રહીએ એવી સ્વ - અર્થી કામના....