શુક્રવાર, 31 મે, 2024ની સાંજે અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ- ધ થિયેટર'માં 'કહત કાર્ટૂન' શ્રેણીની આઠમી શ્રેણીમાં આ શિર્ષકથી કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની સામગ્રીની વાત કરતાં પહેલાં તેના માહોલની વાત કરવી જરૂરી છે. અમદાવાદની કાળઝાળ ગરમીમાં 'સ્ક્રેપયાર્ડ' જેવી અર્ધખુલ્લી જગ્યા વધુ તપે એ સ્વાભાવિક છે, પણ અહીં રજૂઆત પામતા કાર્યક્રમો એટલા નક્કર, વૈવિધ્યસભર અને એક કક્ષાના હોય છે કે વાતાવરણનું આ પાસું અવગણીનેય લોકો આવે છે. રંગકર્મી અને 'સ્ક્રેપયાર્ડ'ના કબીર ઠાકોર અર્કિટેક્ટ પણ ખરા, એટલે તેમણે આના ઈલાજરૂપે સરસ ઉપાય વિચાર્યો અને અમલી કર્યો. તેમણે સ્પ્રિંક્લર લગાવ્યાં અને તેને પ્રસારવા પંખા પણ મૂક્યા, જેથી સ્પ્રિંક્લરમાંથી થતા પાણીના છંટકાવની ઠંડક વધુ પ્રસરતી રહે. આની અસર કેવી થાય છે એનું પ્રત્યક્ષ પ્રમાણ એ કે ગઈ કાલે કાર્યક્રમ પૂરો થયા પછી સવાલજવાબનો દોર ચાલ્યો તો પણ સૌ બેસી રહ્યા હતા.
'કહત કાર્ટૂન'ની આ આઠમી કડીમાં વિવિધ પ્રકારના 'લોગો' પર બનાવાયેલાં કાર્ટૂનની વાત હતી. 'લોગો સ્પૂફ' જાણીતાં છે, જેમાં જાણીતા 'લોગો'નો રંગ અને ટાઈપોગ્રાફી એની એ રાખીને એના શબ્દોમાં અવળચંડાઈ કરવામાં આવે છે. આ પ્રકાર બહુ મઝાનો, છતાં ખાસ્સો ખેડાયેલો છે. આથી તેનો સમાવેશ બાકાત રખાયો અને આ કાર્યક્રમમાં એવા લોગોની વાત હતી કે જેનો ઉપયોગ કાર્ટૂનમાં થયો હોય.
આ પ્રકારનાં કાર્ટૂન તો અનેક મળ્યાં, પણ એને ગોઠવવાં શી રીતે એ મૂંઝવણ હતી. એના ઊકેલરૂપે વિભાગવાર ગોઠવણ વિચારી. એટલે કે- બૅન્ક, વીમા કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓના લોગો પર બનેલાં કાર્ટૂનનો એક વિભાગ, ઓટોમોબાઈલનો વિભાગ, રમતગમતનો વિભાગ, પ્રસાર માધ્યમો અને સોશ્યલ મિડીયાના લોગોનો વિભાગ, સંસ્થાઓનો એક વિભાગ, કોર્પોરેટ લોગોનાં કાર્ટૂનનો વિભાગ વગેરે... કાર્ટૂનમાં લોગોનો ઉપયોગ જે તે કંપનીમાં કશીક ઘટના (કાંડ) બને ત્યારે થતો હોય એટલે એ ઘટનાનો સંદર્ભ જરૂરી. આને કારણે કાર્ટૂનનું પરિમાણ આખું બદલાઈ જાય.
સૌ પ્રથમ તો 'લોગો અને 'માસ્કોટ' વચ્ચેનો ફરક જણાવવામાં આવ્યો.
એ પછી લગભગ 80 જેટલા લોગો પરનાં આવાં કાર્ટૂનો દર્શાવીને તેના વિશે વાત કરાઈ. સાથે સંદર્ભ તરીકે મૂળ લોગો પણ મૂકાયો હતો, જેથી એમાં શો ફેરફાર કરાયો છે એ જોઈ શકાય. એ પછી હંમેશ મુજબ શરૂ થયો સવાલ-જવાબનો દોર. આ પ્રશ્નોત્તરી બહુ રસપ્રદ બની રહેતી હોય છે, અને તેમાં વિવિધ સવાલ મોકળાશથી પૂછાય છે, જેના જવાબ હળવાશથી અપાય અને ઘણા કિસ્સામાં જવાબ ખબર ન હોય તો એ જણાવીએ તો પ્રેક્ષકો એ હકીકત સ્વિકારી શકે એવા સમજદાર હોય છે. ઘણા કિસ્સામાં મૂળ વિગતને પૂરક એવી અજાણી વિગતો પણ પ્રેક્ષકો પાસેથી જાણવા મળે છે, જે મૂલ્યવૃદ્ધિ કરે છે. આવા ખુલ્લા સવાલજવાબ પ્રત્યેક વખતે રજૂઆત અંગેની સમજણને વધુ ને વધુ ઘડે છે એમ મને લાગે છે.
સમગ્ર કાર્યક્રમ વિશે એક લીટીમાં કહેવું હોય તો એટલું કહી શકાય કે સ્પ્રિંક્લરના છંટકાવ વચ્ચે કાર્ટૂનનો આસ્વાદ કરાવાયો હોય એવો આ સમસ્ત બ્રહ્માંડનો પહેલવહેલો કાર્યક્રમ હતો.
No comments:
Post a Comment