Wednesday, June 5, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (1) : લડાકુના નવાબ ફડાકુમિયાં

 એક વાર ચાઉમાઉના દરબારમાં દૂર દેશના લડાકુ રાજ્યમાંથી નવાબ ફડાકુમિયાં મહેમાન તરીકે આવ્યા. મૂછોના લાંબા આંકડા ચડાવી મિયાં રુઆબથી દરબારમાં હાલી આવ્યા, ને ચાઉમાઉની સાથે દોસ્તીના હાથ મિલાવી તેમની જ ગાદીનો એક ખૂણો દબાવીને બેઠા. બંંનેએ ખૂબ બડી બડી વાતો કરી.

ફડાકુમિયાંએ કહ્યું: 'જનાબ ચાઉમાઉ, મારો પાડોશી બહુ ખરાબ છે! એ એના રાજ્યમાં મારી કબર બાંધવા નથી દેતો! કહે છે કે, મારા રાજ્યમાં તારી કબર નહીં!'

'બહુ ખરાબ! બહુ ખરાબ!' ચાઉમાઉએ કહ્યું.

મિયાંએ કહ્યું: 'પણ મેં નક્કી કર્યું છે કે જીવવું મારા રાજ્યમાં, પણ મારી કબર તો એના રાજ્યમાં જ કરવી! એવું કરવું કે લોકોમાં મારી નામના થઈ જાય; દુનિયા પણ જાણે કે એક ફડાકુમિયાં હતો, જે પડોશીને ઘેર જઈ કબરમાં સૂતો.'

'મને આ વાત બહુ ગમી! મારો કોઈ પાડોશી નથી, નહિં તો હું પણ એ પ્રમાણે કરું! હં, પછી તમે શું કર્યું એ તો કહો!' ચાઉમાઉએ મિયાંને પૂછ્યું.

ફડાકુમિયાંએ મૂછોને વળ ચડાવતાં કહ્યું: 'મેં તો પછી, ભાઈ એવું કર્યું કે એના રાજ્યની જમીન દબાવી પાડી. પછી એની જ સામે બૂમાટો કર્યો કે એ મારી જમીન દબાવે છે! એટલે એણે જખ મારીને બોલવું પડ્યું કે, મેં નથી દબાવી, એણે મારી જમીન દબાવી છે! પણ મારા બૂમાટા આગળ એનું સાંભળે કોણ?'

'વાહ, ખરી કરી!' ચાઉમાઉએ કહ્યું.

'પછી મેં એની હદમાંથી ઝાડ કાપવા માંડ્યા, પાક કાઢવા માંડ્યો! ગામ બાળવા માંડ્યા, ને લૂંટવા માંડ્યા!'

'બરાબર કર્યું, પડોશીની સાથે એમ જ વર્તવું જોઈએ.' ચાઉમાઉએ કહ્યું.

મિયાંએ કહ્યું, 'પછી તો ભાઈ, એ દુષ્ટ પડોશી ધોકો લઈને મારી સામે દોડી આવ્યો. એનામાં વિનયવિવેક કાંઈ મળે નહીં. એ કાયદાકાનૂનમાં કાંઈ સમજે નહીં.'

'બહુ ખરાબ! બહુ ખરાબ! પડોશી થવાને નાલાયક!' ચાઉમાઉએ કહ્યું.

હવે મિયાંનો અવાજ જરા બેસી ગયો હતો. તેમણે કહ્યું: 'પછી તો ભાઈ, મને માર પડ્યો! બહુ માર પડ્યો! મને થયું કે હું મરી ગયો!'

એકદમ ચાઉમાઉએ મિયાંના મોઢા પર હાથ ફેરવી કહ્યું: 'હેં, શું કહો છો? તો કેવો માર પડ્યો એ જરી વિસ્તારથી કહો. તમારા અનુભવ મને કામ લાગશે.'

આમ બંનેએ ઘણીઘણી વાતો કરી. છેવટે હેતપ્રીતથી બંને છૂટા પડ્યા, ત્યારે મિયાંના પગમાં નવું જોર આવ્યું હતું. તેમની પીઠ થાબડી ચાઉમાઉએ કહ્યું: 'ગભરાતો નહીં, દોસ્ત! હું તારી પડખે છું. મરતી વેળા જમરાજનો દૂત આવે કે ન આવે, પણ હું જરૂર તારી પાસે આવીશ, ને તને ખુશખુશાલ કબરમાં દાટીશ.'

ફડાકુમિયાંએ હવે જવાની રજા માંગી. ચાઉમાઉએ કહ્યું: 'દરિયામાર્ગે જવાના ને? તો અમારી સરકારી નૌકામાં જ જજો! એ તમને ઠીક રહેશે! દીવાનજી, જાઓ, એમને વિદાય દઈ આવો!'

દીવાન મિયાંને લઈને દરિયા પર આવ્યા. મિયાંએ સરકારી નૌકા શોધવા દરિયા પર ઝીણી નજર કરીને જોવા માંડ્યું. ત્યાં સેંકડો નૌકાઓ હતી. એમાં સરકારી નૌકા કઈ?

પણ દીવાન હાઉવાઉએ તેમને સમજ પાડી: 'જે ભૂખાળવા હોય તે સરકારી અમલદાર સમજવા, જે ભૂખે મરતા હોય તે રૈયત સમજવી, અને જે નૌકાને તળિયામાં ચૌદ કાણાં હોય તે સરકારી નૌકા સમજવી!'

'વાહ, શી ખૂબી! શી ખુશનસીબી! ' કહી નવાબ ફડાકુમિયાં ચાઉમાઉની ચૌદ કાણાંવાળી નૌકામાં સવાર થઈ દેશમાં આવવા નીકળ્યા ને દરિયાના પાણીમાં જ એમની કાયમી કબર થઈ ગઈ!

એ સમાચાર સાંભળી ચાઉમાઉએ કહ્યું: 'દોસ્ત હો તો મારા જેવા હજો! ફડાકુમિયાં માટે મેં કેવી દરિયા જેવડી કબર બનાવી દીધી!'

હાઉવાઉએ કહ્યું: 'હાસ્તો! હાસ્તો!'

(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

All reac

No comments:

Post a Comment