Thursday, June 6, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (2) : ચાઉમાઉના દીકરા

રાજા ચાઉમાઉને બે દીકરા હતા. એકનું નામ છુ ને બીજાનું નામ હુ.

એક વાર બન્ને જણા શિકારે ગયા.
રસ્તામાં એમની વચ્ચે વિવાદ થયો. છુ કહે, 'જમીનનો શિકાર સારો.'
હુ કહે: 'પાણીનો શિકાર સારો.'
બેમાંથી એકેએ નમતું આપ્યું નહી, એટલે વાદ લાંબો ચાલ્યો. દરમિયાન જમીન પર કેટલાંયે હરણાં-સસલાં આવીને ચાલી ગયાં, પણ ન છુએ શિકાર કર્યો, ન હુએ કર્યો. કેટલાંયે જળચરો પાણીમાં દેખાયાં. પણ ન છુએ શિકાર કર્યો, કે ન હુએ કર્યો.
એમ કરતાં અચાનક બન્નેની નજર આકાશ ભણી ગઈ. જોયું તો હંસ પંખીનું ટોળું ઊડતું આવતું હતું. છુ અને હુ બન્ને એક સાથે બોલી ઊઠ્યા: 'આનો શિકાર કરીએ!'
આમ બન્ને જણ શિકાર માટે સંમત થઈ ગયા, એ મોટી વાત થઈ. છુએ કામઠા પર તીર ચડાવ્યું. હુએ પણ ચડાવ્યું. ત્યાં અચાનક છુ બોલી ઊઠ્યો: 'આને મારીને આપણે શેકી ખાશું!'
તરત હુએ કહ્યું: 'શેકીને નહીં, તળીને ખાશું.'
છુએ કહ્યું: 'નહીં, શેકીને.'
હુએ કહ્યું: 'નહીં, તળીને!'
'શેકીને!'
'તળીને!'
આમ શેકવાતળવાની વાતમાં વિવાદ શરૂ થઈ ગયો, તીરકામઠાં હાથમાં જ રહ્યાં ને વાદ ઉગ્ર બની ગયો.
એટલે પંખીની સામે તાકેલાં તીર એકબીજાની સામે તાકવા વેળા આવી ગઈ.
એટલામાં ભગવાનને કરવું તે ગામના કાજી ત્યાં થઈને નીકળ્યા. તેમણે બૂમ પાડી: 'અલ્યા એ...ઈ! કેમ લડી મરો છો? હું કાજી જેવો કાજી અહીં તમારી સામે જીવતો મૂઓ છું ને!'
બન્ને જણા તીરકામઠું નીચે નાખી કાજીને કરગરવા લાગી ગયા: 'અમારો ન્યાય કરો, કાજીસાહેબ!'
'બોલો! શી તકરાર છે તમારી?' કાજીએ કહ્યું.
છુએ કહ્યું: 'આ હુ કહે છે હંસને તળીને ખાવો! અને હું કહું છું કે શેકીને ખાવો.'
હુએ કહ્યું: 'હું કહું છે કે તળીને ખાવો ને છુ કહે છે કે શેકીને ખાવો!'
કાજીએ કહ્યું: 'તમે બન્ને જણ હું હું કરો છો તે શું તમારા બન્નેનાં નામ હું છે'
હુએ કહ્યું: 'હું હુ છું.'
છુએ કહ્યું: 'હું છુ છું.'
કાજીએ કહ્યું: 'એટલે તમારામાં એકનું નામ 'હું હુ છું' અને બીજાનું નામ 'હું છુ છું' છે એમ ને?'
કેટલી મહેનતે બન્ને જણા કાજીને તેમનાં ખરાં નામ સમજાવી શક્યાં.
પછી કાજીએ કહ્યું: 'હવે કહો, શી તકરાર છે તમારી?'
બન્નેએ કહ્યું: 'હંસને તળીને ખાવો કે શેકીને?'
કાજીએ કહ્યું: 'પહેલાં હંસને મારી આગળ રજૂ કરો. પછી હું કહું કે એ તળીને ખાવા લાયક છે કે શેકીને?'
આ સાંભળી બન્ને જણાએ આકાશ ભણી નજર કરી, આકાશમાં હંસને ન જોઈ બન્નેએ આશ્ચર્યથી એકબીજાની સામે જોયું, પછી એવડા જ આશ્ચર્યથી તેમણે કાજીની સામે જોયું.
કાજીએ કહ્યું: 'હું કહું છું કે અબઘડી હંસને હાજર કરો! અત્યારે તમે અદાલતમાં ઊભા છો એ ભૂલતા નહીં!'
હવે બન્ને જણ હોશમાં આવી ગયા, ને એક સાથે બોલી પડ્યા: 'હંસ? કયો હંસ?'
કાજીએ કહ્યું: 'તમે માર્યો એ!'
બન્નેએ કહ્યું: 'અમે વળી ક્યારે હંસ માર્યો? એ તો ઊડી ગયો! આ...મ થઈને આ...મ ચાલી ગયો!'
કાજીએ ગુસ્સામાં કહ્યું: 'તો ગધ્ધાઓ, તમે શેકીને ખાવાનો કે તળીને ખાવાનો કજિયો શાનો કરતા હતા?'
બન્ને જણાએ ઠાવકાઈથી કહ્યું: 'એ તો કાજીસાહેબ, જેમ તમે ન્યાય કરતા હતા, તેમ અમે લડતા હતા! અહીં ક્યાં કચેરી હતી, અને અહીં કોણ તમારી પાસે ઈન્સાફ માગવા આવ્યું હતું તે તમે ન્યાય કરવા ધસી આવ્યા!'
કાજી શું બોલે?
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

No comments:

Post a Comment