Saturday, June 29, 2024

યુરોપિયન કલાકારોની દંતકથાસમી કૃતિઓ પરનાં કાર્ટૂન

 વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના સ્ક્રેપયાર્ડ ખાતે 28-6-24ની સાંજે 'કહત કાર્ટૂન' શ્રેણીની નવમી કડી 'ધ ગ્રેટ યુરોપિયન આર્ટિસ્ટ્સ' ની રજૂઆત થઈ. ચોમાસાની મોસમ હોવાથી આ વખતે કાર્યક્રમ બહારની ખુલ્લી જગ્યાને બદલે ખંડમાં રાખવામાં આવેલો. લગભગ છ વાગ્યાથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાનાં શરૂ થઈ ગયેલાં અને પાણી ભરાવા માંડેલા. આને કારણે ઘણા મિત્રો ખૂબ ઈચ્છા હોવા છતાં આવી ન શક્યા. વડોદરાથી અમે સવા સાતેક વાગ્યે અમદાવાદ પહોંચી ગયા. વરસાદને લઈને મિત્રો આવી શકશે કે કેમ એ આશંકા હતી જ, છતાં અમે નક્કી કરેલું કે કોઈ નહીં આવે તો પણ અમે ત્રણ (સાથે આવેલા પરેશ પ્રજાપતિ અને જૈનિક) અને કબીરભાઈ-નેહાબહેન હશે તો પણ કાર્યક્રમ કરીશું જ. સામાન્ય રીતે સાડા સાત પછી પાંચેક મિનીટ રાહ જોતા હોઇએ છીએ, પણ કાલે પોણા આઠ સુધી પ્રતીક્ષા કરી, ધીમે ધીમે થોડા લોકો આવતા ગયા.


કાર્યક્રમના શિર્ષક 'રંગ ઔર નૂર કી બારાત'નો સંદર્ભ સમજાવાયા પછી આખી રજૂઆતનું વિષયવસ્તુ સ્પષ્ટ કરાવાયું. આમાં મહાન યુરોપીય ચિત્રકારોની જાણીતી કૃતિઓ પરથી બનાવાયેલાં કાર્ટૂનનો સમાવેશ થતો હતો. એટલે કે આ કાર્ટૂનમાં જે તે ચિત્રકારો નહીં, પણ તેમની અતિ પ્રસિદ્ધ કૃતિ હતી. એનો અર્થ એ કે કાર્ટૂનિસ્ટે પણ મૂળ કૃતિથી શક્ય એટલા નજીક પહોંચવું પડે, તેના ભાવને પામવો પડે, એટલું જ નહીં, તેનું રેખાંકન પણ એ હદનું કરવું પડે અને છતાં તે કાર્ટૂન જ રહે, નહીં કે ચિત્રકૃતિ.
'કહત કાર્ટૂન' અંતર્ગત 'ધ ગ્રેટ યુરોપિયન આર્ટિસ્ટ્સ'ની રજૂઆત
 (તસવીર: પરેશ પ્રજાપતિ) પડદા પર વીન્
ચીના જગવિખ્યાત
ચિત્ર 'ધ લાસ્ટ સપર' પર આધારિત કાર્ટૂન.
તેરમી ચૌદમી સદીથી યુરોપીયન કલાકારોએ જાણે કે એક નવા જ યુગનો આરંભ કર્યો. પહેલાં એ અગાઉની કળા અને એ પછી આવેલા પરિવર્તન વિશે વાત થઈ. એ પછી કાળક્રમાનુસાર વિવિધ દેશના કેટલાક કલાકારો, તેમની મૂળ કૃતિઓ અને તેની પરથી રચાયેલાં કાર્ટૂન દર્શાવાતા ગયાં.
કલાકારનો જીવનકાળ અને એ પછી કૃતિનો સમયગાળો પણ ઉલ્લેખાવાથી આટલા વરસો પછી કૃતિ કેટલી પ્રસ્તુત છે એ પણ ખ્યાલ આવતો.
સૌ પ્રથમ હતા ઈટાલિયન કલાકારો, જેમાં સાન્દ્રો બોત્તીચેલ્લી, લિઓનાર્દ દા વીન્ચી અને માઈકેલે એન્જેલોનો સમાવેશ થતો હતો. એ પછી રેમ્બ્રાં અને વિન્સેન્ટ વાન ગોઘ જેવા ડચ ચિત્રકારો આવ્યા. એમના પછી રોદાં અને માતીસની કૃતિઓ આવી. એ પછી નોર્વેજિયન ચિત્રકાર એડવર્ડ મૂન્ક અને છેલ્લે પિકાસો તથા સાલ્વાડોર ડાલી જેવા સ્પેનિશ કલાકારોની કૃતિઓ આવી.
કોઈ ચિત્રકાર, શિલ્પકારની કૃતિ એટલી હદે જાણીતી બની જાય કે ઘણા કિસ્સામાં સર્જકનું નામ સુદ્ધાં વીસરાઈ જાય, પણ કૃતિને સહુ ઓળખી જાય એમ બનતું હોય છે. જેમ કે, માઈકેલ એન્જેલોની કૃતિ 'ધ ક્રિએશન ઑફ આદમ' જગવિખ્યાત છે, અને તેમાંના એક ભાગ (ઈશ્વર અને આદમની આંગળીઓવાળો) અનેક જાહેરખબરો, કાર્ટૂનોમાં વપરાતો આવ્યો છે. એવું જ રોદાંના શિલ્પ 'ધ થિન્કિંગ મેન'નું કે મુન્કની કૃતિ 'ધ સ્ક્રીમ' વિશે કહી શકાય.
પહેલાં મૂળ કૃતિ બતાવાઈને તેની વિશેષતાની ચર્ચા કર્યા પછી તેના પરનાં કાર્ટૂન બતાવાતાં કાર્ટૂનનો સંદર્ભ તરત સ્પષ્ટ થઈ જતો હતો. મૂળ કૃતિની બારીકીની ચર્ચા ટૂંકમાં કરતી વખતે જાણે કે આર્ટ હીસ્ટરીનો વર્ગ ચાલતો હોય એમ લાગે, પણ એ પછી તરત એની પરનું કાર્ટૂન દર્શાવાતાં હાસ્યનું મોજું ફરી વળે.
આખો અનુભવ બહુ જ વિશિષ્ટ રહ્યો. સામાન્ય રીતે દર વખતે હોય છે એના કરતાં આ કાર્યક્રમની અવધિ પણ સહેજ વધુ થઈ, અને છતાં અનેક કૃતિઓ સમાવી ન શકાઈ. એ તો એમ જ હોય. હંમેશાં જે દર્શાવાઈ શકાયું એની સરખામણીએ દર્શાવવાનું બાકી રહી જાય એની સંખ્યા વધારે જ હોવાની, જે આપણી અંદર રહેલા સંપાદકની કસોટી કરતો રહે છે.
'સ્ક્રેપયાર્ડ'ની સૌથી વધુ મજા કાર્યક્રમ પછી થતા અનૌપચારિક સવાલજવાબની હોય છે. વીન્ચીના 'ધ વીટ્રુવિયન મેન' પર આધારિત એક યુદ્ધલક્ષી કાર્ટૂન બતાવાતાં એક બહેને સવાલ કર્યો કે, 'કાર્ટૂનમાં સામાન્ય રીતે રમૂજ હોય, તેને બદલે આમાં કરુણતા છે, તો આને કાર્ટૂન કહેવાય?' વચ્ચે વચ્ચે કલાકારના જીવનસંબંધી અમુક વિગતો અને એની તેમની કૃતિઓ પરની અસરની વાત પણ આવતી જાય. આવાં અનેક તત્ત્વો મળીને સમગ્ર કાર્યક્રમનું એવું રસાયણ નીપજાવે છે કે આખું પેકેજ રસપ્રદ બની રહે છે.
આવો પ્રેક્ષકગણ તૈયાર કરવો એ સદાકાળથી કપરું કામ રહ્યું છે, અને 'સ્ક્રેપયાર્ડ'નાં કબીરભાઈ-નેહાબહેન એ કામ ધીરજ અને ખંતપૂર્વક કરી શક્યાં છે એની પ્રતીતિ દરેક કાર્યક્રમ વિશે થતી રહે છે.
સાતત્યપૂર્વક યોજાયેલા, માત્ર ને માત્ર કાર્ટૂનકેન્દ્રી કાર્યક્રમની આ નવમી કડી હતી, જે કદાચ 'સ્ક્રેપયાર્ડ' સિવાય શક્ય બન્યું ન હોત, કેમ કે, પહેલાં એ પ્લેટફોર્મ મળ્યું એ પછી જ આ વિચાર મનમાં રોપાયો.
આવતા મહિને આ કાર્યક્રમની દસમી કડી યોજાશે. દરમિયાન નવમી કડીની કેટલીક તસવીરી ઝલક.

માઈકેલ એન્જેલોના શિલ્પ 'પિયેટા' પર
આધારીત કાર્ટૂન
(Cartoonist:Hillary Brown)

સાલ્વાડોર ડાલીના 'ધ પર્સિસ્ટન્સ ઑફ મેમરી'
પર આધારિત કાર્ટૂન
(Cartoonist: Mike Sheill)

વિન્સેન્ટ વાન ગોઘના 'ધ સ્ટારી નાઈટ્સ' પર આધારિત કાર્ટૂન,
જેમાં તેનાં ત્રણ જાણીતાં ચિત્રો સમાવાયેલાં છે.
(Cartoonist:Osama Hajjaj)

એડવર્ડ મૂન્કના 'ધ સ્ક્રીમ' પર આધારિત કાર્ટૂન
(Cartoonist: Thiago Lucas)

No comments:

Post a Comment