Monday, May 29, 2023

અનાયાસે સર્જાયેલી અનુવાદકાર્યની મૂડી

મારું ક્ષેત્ર ત્યારે સાવ અલગ હતું. શોખ ખાતર પણ લેખનને સ્થાન નહોતું. જે કંઈ લેખન થતું એ પત્રસ્વરૂપે, યા છૂટાછવાયા પ્રસંગોનું આલેખન. આમ છતાં, નિયમીત ધોરણે જે કંઈ કામ થતું એ હતુંં રજનીકુમાર પંડ્યા દ્વારા ઑડિયો કેસેટમાં લેવાયેલા વિવિધ લોકોના ઈન્ટરવ્યૂનું ટ્રાન્સ્ક્રીપ્શન. આમ તો, આ કામ અતિ યાંત્રિક કહી શકાય એવું, પણ મારી પાસે સમયની ખૂબ મોકળાશ હોવાથી એ હું એ રીતે કરતો કે રજનીકુમારનું કામ અતિશય સરળ બની જાય. એ માહિતી પરથી લખાતા લેખ પણ હું નિયમીત વાંચતો, એટલે મને લેખ શી રીતે લખાય, અને લેખમાં અમુક વિગતો મૂકવા માટે ઈન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછવા એની તાલિમ પણ પરોક્ષ રીતે મળતી જતી. એ વખતે સ્થિર સરકારી નોકરીને કારણે કદી લેખનની કારકિર્દી અપનાવવાનું મનમાં હતું નહીં એટલે આ તાલિમનો ઉપયોગ રજનીકુમારને વધુ ને વધુ મદદરૂપ થવા માટે કરવો એવો ખ્યાલ મનમાં હતો. મારી બહુ જ આનાકાની છતાં રજનીકુમાર મને આ કામનું યોગ્ય મહેનતાણું પણ આપતા. હું કહેતો, 'એની કશી જરૂર નથી', ત્યારે રજનીકુમાર ચૅક મોકલે એની સાથે લખતા, 'આ સાથે 'ઈસકી ક્યા જરૂરત થી' યોજના હેઠળ ચૅક મોકલ્યો છે. એ તું વટાવજે, તારી પાસે મૂકી ન રાખતો.'

વાર્તા-કવિતા કે એવો કોઈ પ્રકાર ફાવતો નહોતો, આથી ટ્રાન્સ્ક્રીપ્શન કરવા સિવાયના સમયમાં શું કરવું એ સવાલ બહુ મૂંઝવતો. આથી વાંચન જ પૂરજોશમાં ચાલતું. એવે વખતે ઉર્વીશે કડી-4માં ઉલ્લેખ કર્યો છે એમ સ્વતંત્રતાના પચાસ વર્ષ નિમિત્તે 'વો ભૂલી દાસ્તાં' નામની એક શ્રેણી 'સંદેશ'માં લખી. આ ઉપરાંત કેપ્ટન લક્ષ્મી સહગલનો ઈન્ટરવ્યૂ કરવા તે કાનપુર ગયો ત્યારે નોકરી પરથી રજા લઈને હું પણ તેની સાથે જોડાયો.
કાનપુરથી પાછા આવ્યા પછી કેપ્ટન લક્ષ્મી સાથેની મુલાકાત પર આધારિત પાંચ હપ્તાની શ્રેણી 'ઉન્નત જોશ અવિરત સંઘર્ષ' 'સંદેશ'માં પ્રકાશિત થઈ, તેની સાથેની ફોટોલાઈનમાં 'તસવીર: બીરેન કોઠારી' છપાયું એ જોઈને માપસરનો આનંદ થયેલો.
એ વખતે સમયનો સદુપયોગ કરવાનો એક વિચાર આવ્યો. કેપ્ટન લક્ષ્મીને આ ગુજરાતી લેખશ્રેણી મોકલીએ તો એ કંઈ વાંચી શકે નહીં. આથી તેમને મોકલવા સારું આ શ્રેણીનો હિન્દી અનુવાદ કરવાનું મેં વિચાર્યું. એ દિવસો એવા હતા કે 'વિચારવું'નો અર્થ 'શરૂ કરી દીધું' જ થાય. મને મળતા સમયમાં મેં પાંચે હપતાનો હિન્દીમાં અનુવાદ કર્યો. ઉર્વીશે એ વખતે ઘણા કહેવાય એવા પૈસા ખર્ચીને એને હિન્દીમાં ટાઈપ કરાવ્યો.
આ રીતે ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ કરવાની મઝા આવી અને એમ લાગ્યું કે એક જાતની પકડ આવી ગઈ છે. એટલે પછી 'વો ભૂલી દાસ્તાં'ના હપતાનો હિન્દી અનુવાદ શરૂ કર્યો અને જોતજોતાંમાં પૂરો કર્યો. જો કે, આ અનુવાદ ક્યાંય પ્રકાશિત કરવાની ધારણા નહોતી. એ માત્ર ને માત્ર આવડતની ધાર કાઢવા માટે જ કરેલો હતો. આગળ ઉપર પણ આવાં બે-ત્રણ કામ કરેલાં.
એ વાત અલગ છે કે આજે હું ગુજરાતીમાંથી હિન્દી અનુવાદનું વ્યાવસાયિક કામ સ્વીકારતો નથી, પણ જે કેટલાક એવા કામ થયેલાં જોઉં ત્યારે બહુ ત્રાસ ઉપજે છે અને એમ થાય છે કે આના કરતાં તો મેં કર્યું હોત તો સારું થાત.
આગળ જતાં 2007થી મેં નોકરી મૂકીને લેખનને પૂર્ણ સમય માટે અપનાવ્યું ત્યારે રજનીકુમાર માટે કરેલાં ટ્રાન્સક્રીપ્શન ઉપરાંત તેમની સાથે કરેલા જીવનચરિત્રોના કામ અને આવા 'હાથ સાફ કરવા માટે' કરેલાં કામો જ મારી મુખ્ય અને મહત્ત્વની મૂડી બની રહ્યાં.

(કેપ્ટન લક્ષ્મી સહગલની અહીં ઉલ્લેખાયેલી મુલાકાત વર્ણવતો દીર્ઘ લેખ 'સાર્થક જલસો'ના અંક નં.18માં છે.)

No comments:

Post a Comment