ગઈ કાલે, 11 જાન્યુઆરી, 2025ને શનિવારની સાંજે મહેમદાવાદની ભાગ્યોદય હોટેલમાં એક આત્મીય અને અનૌપચારિક વિમોચન કાર્યક્રમ યોજાયો. પ્રસંગ હતો ડૉ. ગુલામનબી વહોરાની મારા દ્વારા લખાયેલી જીવનકથા 'હૈયું, મસ્તક, હાથ'ના લોકાર્પણનો.
અમેરિકાનિવાસી ડૉ. ગુલામનબીભાઈ મહેમદાવાદના જ વતની. સાતેક વરસ અગાઉ, 2017માં તેમની જીવનકથા પર કામ શરૂ કરેલું. મારો અને ગુલામનબીભાઈનો પરિચય કરાવનાર હતા મહેમદાવાદના જ બિપીનભાઈ શ્રોફ, જે અમારા બન્નેના હિતેચ્છુ મિત્ર. ગુલામનબીભાઈ વરસે-દોઢ વરસે અમેરિકાથી આવે ત્યારે અમે બેઠક કરતા અને અનેક વાતો નીકળતી. પણ વચ્ચે કોવિડ આવી ગયો અને તેમનું આવવાનું લંબાતું ગયું. ફોનથી અમે સતત સંપર્કમાં રહેતા, પણ રૂબરૂ બેઠકમાં જે વાત થાય એ ફોન પર શક્ય ન હતી. સાવ સંઘર્ષમય પરિસ્થિતિમાં બાળપણ અને યુવાવસ્થા વીતાવનાર ગુલામનબીભાઈના જીવનનું ચાલકબળ હોય તો તેમની હકારાત્મકતા અને સ્નેહીમિત્રોનો સહયોગ. મહેમદાવાદ જેવા નાનકડા નગરમાં આ કથાનો પૂર્વાર્ધ આકાર લે છે અને એ સમયના લોકોનું જીવન, જીવનમૂલ્યો કેવાં હતાં એની ઝલક પણ સમાંતરે મળતી રહે છે. માત્ર મહેમદાવાદ જ નહીં, કોઈ પણ નાનકડા નગરમાં આ પરિસ્થિતિ પ્રવર્તતી હતી. પુસ્તક તૈયાર થયા પછી બિપીનભાઈની અને મારી ખાસ ઈચ્છા કે તેના લોકાર્પણનો કાર્યક્રમ મહેમદાવાદમાં જ યોજાવો જોઈએ. ગુલામનબીભાઈએ સંમતિ દર્શાવી અને કાર્યક્રમ અંગેનું તમામ સંકલન બિપીનભાઈએ કર્યું.
ગુલામનબીભાઈનાં અનેક સગાં (દીકરી ઝબીન, આબેદાબહેનનાં ભાઈ-બહેન), મિત્રો (કમલભાઈ રામચંદાની અને તેમના ભાઈ, અંબુભાઈ સુખડિયા અને બીજા અનેક), તેમજ આમંત્રિત મહેમાનો આ કાર્યક્રમમાં ઊલટભેર ઉપસ્થિત રહ્યાં.
|
વિમોચનમાં ઉપસ્થિત સ્નેહીઓ, મિત્રો |
કાર્યક્રમના આરંભે બિપીનભાઈએ પુસ્તકના ઉપક્રમ વિશે જણાવ્યું. આ પુસ્તક શા માટે લખાવું જોઈતું હતું એ અંગે તેમણે વાત કરી. તેમના પછી અતિથિવિશેષ તરીકે અમદાવાદના મનીષી જાનીનું વક્તવ્ય હતું. આ પુસ્તકથી ઊજાગર થતા સામાજિક મૂલ્યો વિશે તેમણે રસપ્રદ વાત કરી, સાથોસાથ ફરીદ શેખ દ્વારા તૈયાર કરાયેલી તેની ડિઝાઈન અંગે પણ છણાવટ કરી. મનીષીભાઈ પછી બીજા અતિથિવિશેષ હતા મહેમદાવાદની આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રાધ્યાપક મિત્ર ડૉ. જિતેન્દ્ર મેકવાન. તેમણે એક કૃતિ તરીકે આ પુસ્તકમાં રહેલી વિવિધ બાબતો વિશે મજાની વાત કરી. ત્યાર પછી પુસ્તકનું લોકાર્પણ યોજાયું અને ગુલામનબીભાઈનાં પરિવારજનો, મિત્રો પણ તેમાં જોડાયાં. એ પછી અનેક પરિવારજનોએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો. આખા કાર્યક્રમનું એ સૌથી આત્મીય અને અનૌપચારિક પાસું બની રહ્યું, કેમ કે, બોલવા આવનાર અગાઉથી નક્કી કરીને નહોતા આવ્યા કે નહોતા તેઓ ઘડાયેલા વક્તા. પણ ગુલામનબીભાઈ પ્રત્યે પોતાનો ઊમળકો વ્યક્ત કરવા ઈચ્છનારા હતા.
|
ડૉ. ગુલામનબીભાઈનો પ્રતિભાવ |
એ પછી મેં પુસ્તકની પ્રક્રિયા વિશે જણાવ્યું. અમે શી રીતે બેઠક કરતા, એ દરમિયાન શું અનુભવાતું અને કેવી મુશ્કેલીઓ પડતી વગરે વાત કરી. એક મહેમદાવાદી તરીકે મને શું લાગ્યું તેની પણ વાત કરી. સૌથી છેલ્લે ગુલામનબીભાઈ અને તેમનાં પત્ની આબેદાબહેને પોતાનો પ્રતિભાવ આપ્યો. "ઈન્સાન કી ઔલાદ હૈ, ઈન્સાન બન કે રહ'ના અભિગમ પર તેમણે ભાર મૂક્યો, કેમ કે, તેઓ પોતે આજીવન એ રીતે જ રહ્યા છે. આબેદાબહેને સમગ્ર ઉપક્રમ પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો.
નડિયાદની અમારી મિત્ર નાઝનીને કાર્યક્રમનું સંચાલન પણ અનૌપચારિક રીતે કર્યું. આ કાર્યક્રમમાં ઘણું આયોજન મુજબ થયું, અને અમુક આયોજનની બહાર પણ થયું. છતાં આત્મીય કાર્યક્રમ હોવાને કારણે એની પણ એક જુદી મજા હતી. મહેમદાવાદની એ જ વિશેષતા.
કાર્યક્રમના અંતે સ્નેહભોજન હતું એ દરમિયાન પણ હળવામળવાનું ચાલુ રહ્યું. મારાં પરિવારજનો ઉપરાંત મારા મિત્રોમાંથી પરેશ પ્રજાપતિ પરિવાર (પ્રતીક્ષા, સુજાત અને શૈલજા), નડિયાદના ગૃપના જૈનિક કા.પટેલ, સ્મિત દલવાડી તેમજ અમદાવાદથી ખાસ આવેલા કે.આર.ચૌધરી અને પ્રો. મિતુલ મકવાણા ઉપસ્થિત રહ્યા એનો વિશેષ આનંદ.
ચીકી ખાવાની ઉંમરે ચીકી વેચીને કુટુંબને સહાય કરનાર એક તરુણ સંજોગો સામે હાર માન્યા વિના આગળ વધે છે, અને जब नीयत अच्छी हो तो पूरी कायनात आपका साथ देती है જેવી પંક્તિનો સાક્ષાત્કાર તેમના જીવનમાં જોવા મળે છે. ઉંમરના સાડા સાત દાયકા વીતાવ્યા પછી પણ પગ વાળીને તે બેસતા નથી, અને વ્યાવસાયિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહે છે. તેમના જીવનની આ તરાહને અનુરૂપ પુસ્તકનું વિશિષ્ટ અર્પણ પણ છે, જે આ મુજબ લખાયું છે:
- પિતાજી યાકૂબભાઈ અને માતા ફાતિમાબહેનને
જેમણે ભણાવ્યા ખુદ્દારી અને ખુમારીના પાઠ
- માતૃભૂમિ મહેમદાવાદને
જ્યાંથી પ્રાપ્ત થયા આજીવન મિત્રો
- મારા જીવનમાં વિવિધ તબક્કે સહાયરૂપ થનાર અનેક નામીઅનામી સહયોગીઓને
જેમણે નાતજાતથી પર રહી નિ:સ્વાર્થભાવે માનવતામાં રોકાણ કર્યું
અને
- માનવમાત્રમાં રહેલી સારપની મૂળભૂત વૃત્તિને
જે મારા જીવનમાં ચાલકબળ બની રહી છે
આ પુસ્તક મેળવવા અને વાંચવામાં રસ હોય એવા મિત્રોને વિનંતી કે તેઓ મને પોતાનું નામ, સરનામું મોકલે.