Saturday, September 6, 2025

દાદાનું વિસર્જન અને પુન:સ્થાપન

અમારા ઘરના બગીચાની દેખરેખ કામિની કરે છે. પૂજામાં બેઠેલી પત્નીના હાથને કેવળ 'હાથ અડકાડવાથી' પત્નીના પુણ્યકાર્યમાં સહભાગી થઈ જવાય છે. એ ન્યાયે મારે પણ એનાં ઉછેરેલા છોડ ધરાવતાં કુંડાને ફક્ત 'હાથ અડકાડવાનો' એટલે કે જરૂર મુજબ ખસેડી આપવાનાં હોય છે. મારા આ પુણ્યકાર્યમાં એ પણ સહભાગી બને છે. ઘેર ઉછેરેલાં ઘણા ઝાડ (બોન્સાઈ) અને અન્ય વનસ્પતિની રસપ્રદ કહાણી હોય છે, પણ અમે કોઈને એ કહીને 'બોર' નથી કરતાં. એમ કરવા માટે મારી લેખનપ્રક્રિયા, કામિનીએ બનાવેલી દાળભાત, રોટલી કે શાક, કાચા શાકના સલાડ જેવી કોઈક વાનગીની રેસિપી જણાવવા જેવા અનેક સરળ ઊપાયો હાથવગા અને પૂરતા છે. પણ બાગાયતને કારણે હવે અમારી નજર બદલાઈ છે. કોઈ તૂટેલા પાત્રમાં કૂંડું નજરે પડે, તો ક્યાંક ઊગી નીકળેલા છોડમાં બોન્સાઈની શક્યતા!

ગઈ કાલે વરસાદી માહોલમાં સવારના અગિયારેક વાગ્યે અમે બન્ને નડીયાદ જવા નીકળ્યા. (હું નડીયાદ શા માટે જાઉં છું અને ગોવર્ધનરામ સ્મૃતિમંદિર કેટલું અદ્ભુત સ્થળ છે એ વર્ણન હું ટાળું છું. સ્વાભાવિક છે કે કઈ કાર હું વાપરું છું એ પણ નથી લખ્યું.)
એક રસ્તે અમે કાટખૂણે વળાંક લીધો અને આગળ વધ્યા કે કામિની કહે, 'અરે, ત્યાં એક વડ પડેલો હતો!' કાર ધીમી હતી, પણ અમે સહેજ આગળ નીકળી ગયેલા. (હું કેવું સુંદર ડ્રાઈવિંગ કરું છું એનું વર્ણન ટાળું છું.) મેં પૂછ્યું, 'ક્યાં હતો? કઈ સ્થિતિમાં હતો?' તેણે વિગત જણાવી અને કહ્યું, 'લાગે છે કે કોઈકે એને ફેંકી દીધો હશે.' અમારા બન્નેનું વનસ્પતિપ્રેમી હૃદય દ્રવી ઉઠ્યું. (અહીં મને કયો શેર યાદ આવ્યો એ લખવાનું ટાળું છું) મેં પૂછ્યું, 'આગળથી યુ-ટર્ન લઈ લઉં?' પહેલાં કોઈ પણ બાબતે યુ-ટર્ન લેવામાં અમને સ્વમાન, સ્વાભિમાન, દેશાભિમાન વગેરે નડતાં હતાં, પણ ગૂગલ મેપના ઊપયોગને કારણે હવે યુ-ટર્ન લેવો એવી જ સાહજિક ઘટના બની રહી છે જેમ મોસમ વિભાગની આગાહી ખોટી પડે. પણ કામિનીએ કહ્યું, 'આપણે રાત્રે પાછા આવીએ ત્યારે યાદ રાખીને અહીં ઊભા રહીશું.' આમ તો, રસ્તે ત્યજી દેવાયેલી કોઈ કિંમતી ચીજવસ્તુ આઠ દસ કલાક પડી રહે, કોઈ એને લઈ ન જાય એ અશક્ય છે, પણ અમને આપણા દેશમાં પુન: સ્થપાઈ રહેલી સાંસ્કૃતિક ગર્વની ભાવના તેમજ સ્વચ્છતા અભિયાનની સાર્થકતા પર વિશ્વાસ, બલ્કે અંધ વિશ્વાસ હતો કે એ વડ સાંજ સુધી એમનો એમ જ પડ્યો રહેશે.
વિસર્જિત થયેલા વડદાદા
નડિયાદ પહોંચીને અમે એક જ ઉદગમસ્થાનેથી નીકળેલી બે નદીઓ પોતપોતાની રાહે ફંટાય એમ પોતપોતાનાં સ્થાને અને કામે વળી ગયાં. સાંજ પડ્યે વળી પાછા, એ બે નદીઓનો સંગમ રચાય એમ અમે ભેગાં થયાં અને વડોદરા તરફની વળતી મુસાફરી આરંભી. (આપ સમજી શકશો કે અહીં મેં શું શું લખવું ટાળ્યું છે) ઝરમર વરસાદ આખે રસ્તે હતો. (પણ એકે વરસાદી ગીત યાદ નહોતું આવ્યું.) આખરે અમે વડોદરામાં પ્રવેશ્યાં. અમને યાદ હતું કે અમારે પેલા વડ પાસે જવાનું હતું. રાતના આઠેક વાગ્યા હોવાથી ઠીક ઠીક અંધારું હતું, પણ એ વડ મળી ગયો. સવારે અમે એ વડના ત્યાં જ રહેવા બાબતે આપણી સંસ્કૃતિમાં વ્યક્ત કરેલી શ્રદ્ધા અને વિશ્વાસ સાચાં પડ્યાં એ બાબતે ગર્વ અનુભવ્યો. વડોદરામાં સતત વરસાદ પડી ગયેલો, પણ એ સમયે અટકેલો. આથી કીચડ ખૂબ થઈ ગયેલો. રોડને કિનારે કાર ઊભી રાખીને કામિની સીધી એ વડ પાસે પહોંચી ગઈ. દરમિયાન મેં નીચે ઊતરીને ડીકી ખોલી દીધી. એ વડને ડીકીમાં મૂકીને અમે ઘેર લઈ આવ્યાં અને ઘેર આવ્યા પછી એને બહાર ખુલ્લામાં મૂક્યો. આખી રાતના ઝરમર વરસાદમાં તેણે સ્નાન કર્યું. સવારે એ વડનાં દર્શન કર્યાં અને દિલ ખુશ થઈ ગયું. કોઈકે એ વડ ઉછેરેલો હોવાનું સ્પષ્ટપણે જણાતું હતું. એની પર વીંટાળેલા ધાગા જોઈને એ પણ ખ્યાલ આવતો હતો કે વટસાવિત્રી નિમિત્તે પણ કોઈકે એની પૂજા કરી હશે. પણ એ પછી એને કેમ આમ ફેંકી દીધો હશે? કામ પતી ગયું હશે એટલે? કે પછી કોઈક વાસ્તુશાસ્ત્રી કે કર્મકાંડીએ કહ્યું હશે એટલે? અમને યાદ આવ્યું કે થોડા સમય અગાઉ અમારા એક પરિચીત અમારી પાસેથી માગીને પીપળાનું બોન્સાઈ લઈ ગયેલા. (આ વાંચીને પ્રેરાવું નહીં. કેમ? એ જાણવા આગળ વાંચો) થોડા સમયમાં જ તેઓ અમને એ રંગેચંગે પાછું આપી ગયા. કહે, 'અમને તો ખબર નહીં, પણ દાદાએ કહ્યું કે આના મૂળમાં એક્સ દેવતાનો વાસ છે, પાંદડામાં વાય દેવતાનો વાસ છે, ફળમાં ઝેડ દેવતાનો વાસ છે. એટલે એને ઘરમાં ન રખાય.' આટલે સુધી તો બરાબર હતું. અમને આ માહિતી જાણીને નહીં, પણ પીપળો પાછો આવ્યો જાણીને (પીપલીયા વસ્તાવૈયા) બહુ આનંદ થયો.
વટસાવિત્રી વખતે કરાયેલી પૂજા?
એ પછી તેમણે કહ્યું, 'દાદાએ કહેવડાવ્યું છે કે તમેય તમારા ઘરમાંથી બધા પીપળા કાઢી નાખજો.' મારા મોંએ દલીલ આવી ગઈ કે પીપળામાં આટલા બધા દેવતાનો વાસ હોય તો એને કાઢી નખાય કે રખાય? પણ ભક્ત આગળ, આઈ મીન શ્રદ્ધાળુઓ આગળ દલીલ કરવી નહીં, એટલે કે આપણે જે કરતા હોઈએ એ દલીલ વિના જ કર્યે જવું એવી જે શીખ છેલ્લા બે દાયકાથી મનમાં પાળી છે એનું અમે પાલન કર્યું.
આમ, કોઈકે જેનું વિસર્જન કરી દીધેલું એવા 'વડદાદા'ને અમે અમારા ઘેર લઈ આવ્યા છીએ, અને હવે યોગ્ય 'પાત્ર'માં એમનું પુન:સ્થાપન કરવામાં આવશે. એ વખતે ફરી એક વાર એ વિધિની જાણ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓએ પોતપોતાને ભાવતો પ્રસાદ કલ્પીને પોતાને ઘેર જ બેસીને ખાઈ લેવો.
ઈતિશ્રી પ્રથમ અધ્યાય ઓફ દાદાપુરાણ સમાપ્ત!

No comments:

Post a Comment