Friday, April 30, 2021

નીરો અને રોમના પ્રબુદ્ધો

 રોમના પ્રબુદ્ધ લોકોનો આગવો પ્રભાવ હતો. આ પ્રભાવનો વિસ્તાર ક્યાંથી શરૂ થાય છે, અને ક્યાં સમાપ્ત થાય છે એનાથી તેઓ અનભિજ્ઞ હતા, અને એ જાણવાની તેમને ફિકર પણ નહોતી. પ્રભાવ આખરે પ્રભાવ છે. એની કંઈ સીમા નક્કી થાય? નીરો જાણતો હતો કે પ્રબુદ્ધો ગમે એટલા બુદ્ધિવાન હોય, તેઓ કદી સંગઠિત થવાના નથી. એક ભયસ્થાન એ હતું કે તેઓ પોતપોતાની રીતે સામાન્ય રોમનોને જાગ્રત કરી શકે. નીરો પોતે સંગીતનો જાણકાર હતો. એ પોતે તો દૃઢપણે આમ માનતો. આથી તેને બરાબર ખબર હતી કે પ્રબુદ્ધ લોકો પોતાના રાજ્યની શાન સમા છે. એ કંઈ રોમન પ્રજાજનો નથી કે કારણ વિના એમનાં માથાં ધડથી અલગ કરી દેવાય.

તેણે એક નિર્ણય લીધો. તેની પોતાની દૃષ્ટિએ રોમના જે પ્રબુદ્ધ લોકો હતા એ સૌને તેમણે વિશાળ અને અલાયદા આવાસ ફાળવવાની ઘોષણા કરી. ઝાડ પરથી સફરજન પાકીને ખરે એ પહેલાં આ આવાસો તૈયાર થઈ જશે એમ તેણે જણાવ્યું. આ ઘોષણા સાંભળીને રોમના પ્રબુદ્ધ લોકો રાજીરાજી થઈ ગયા. કેટલાકે નીરોની સ્તુતિમાં કાવ્યો લખ્યાં, કેટલાકે લલિત નિબંધ લખ્યા, તો કેટલાકે પોતાના રોબને હવામાં ઉછાળીને ખુશી વ્યક્ત કરી.
પ્રબુદ્ધો હવે ગેલમાં આવી ગયા હતા. ખરું જોતાં નીરોનો આ 'એમ્પરર્સ બ્લો' (Emperor's Blow) હતો, જેમાં તેણે એક ઝાટકે, ટીપુંય લોહી વહાવ્યા વિના રોમન બૌદ્ધિકોને હલાલ કરી નાખ્યા હતા. એ શી રીતે?
રોમના મુખ્ય ચોકને ખુલ્લો પ્રદર્શન ચોક કહી શકાય. અહીં વિવિધ પ્રજાજનોને, વિવિધ ગુનાસર, વિવિધ સજાઓ જાહેરમાં ફટકારાતી. એક વખત એક રોમન પ્રબુદ્ધ ચોકમાં ટહેલવા નીકળ્યા. તેમણે જોયું કે બે રોમન સૈનિકો હાથમાં તલવાર લઈને ઉભેલા છે. નીચે એક માણસ ઘૂંટણિયે પડેલો છે. તલવારનો ઘા થશે અને પેલાનું ડોકું ધડથી અલગ. પ્રબુદ્ધને કુતૂહલ થયું. તેણે પેલા ઘૂંટણિયે પડેલા નાગરિકને કહ્યું, 'ભાઈ, તેં શું કર્યું છે?' નાગરિક બોલ્યો, 'એ જ તો આ શેતાનો મને કહેતા નથી. તમે તો પ્રબુદ્ધ છો. એમને સમજાવો ને! કમ સે કમ જણાવે તો ખરા કે મારો શિરચ્છેદ કયા કારણથી કરે છે?' 


પ્રબુદ્ધજન એ નાગરિકને કહે, 'જો ભાઈ, મને સમજાઈ ગયું. એક તો તેં પગમાં જોડા નથી પહેર્યા. શરીર ફરતે રોબ નથી વીંટાળ્યો. માથું ખુલ્લું રાખેલું છે. રોમ જેવા સુંદર નગરની શાનમાં તું ઘટાડો કરી રહ્યો છે. રોમ વિશ્વનું સર્વોત્તમ સામ્રાજ્ય છે. અને તારા જીવન કરતાં રોમની કિર્તી વધુ અગત્યની છે. હવે તું સામેના આકાશમાં દેવતાઓએ પૂરેલી રંગોળીનો આનંદ માણ. તને ખબર પણ નહીં પડે કે તારું ડોકું અલગ થયું.' આમ કહીને રોમન પ્રબુદ્ધે મોં ફેરવ્યું એ સાથે જ 'ખચ્ચ' અવાજ આવ્યો.
બીજા એક રોમન પ્રબુદ્ધ ઘોડા પર ફરવા નીકળેલા. એક સ્થળે તેમણે જોયું કે કેટલાક લોકોને બાંધેલા છે, અને એક ટોળું તેમની ફરતે મશાલ લઈને ઊભેલું છે. કુતૂહલ અને જિજ્ઞાસા પ્રબુદ્ધોનો સ્થાયી ભાવ હોય છે. તેને વશ થઈને તે પેલા બાંધેલા માણસો પાસે ગયા. તેમને જોઈને બાંધેલા લોકો રીતસર કરગરી ઉઠ્યા. 'આપ તો પ્રબુદ્ધ છો. અમને બચાવી લો. આ લોકો અમને જીવતા સળગાવી મૂકશે. કંઈક કરો.' આ સાંભળીને રોમન પ્રબુદ્ધ ખળભળી ઉઠ્યા. આટલી ક્રૂરતા એક માણસ બીજા માણસ સાથે શી રીતે આચરી શકે? તે હાથમાં મશાલો લઈને ઉભેલા લોકો તરફ ફર્યા અને કહ્યું, 'હે શાણા રોમનો, આપને હું અરજ કરું છું કે આપ આ લોકોને જીવતા ન સળગાવો. તેમને કેટલી પીડા થતી હશે એ વિચારો. કાલે ઉઠીને આપણી સાથે આવું થાય તો?' રોમન પ્રબુદ્ધની વાણીનો પ્રભાવ પડ્યો. ટોળું સહેજ શાંત પડ્યું. ટોળામાંના એક જણે કહ્યું, 'આપ તો પ્રબુદ્ધ છો અને અમે તો ઓછું ભણેલા, જડ. આપને તો સમ્રાટ નીરોએ અલાયદા આવાસ ફાળવવાની ઘોષણા કરી છે. આપ જ અમને સૂચવો કે અમે શું કરીએ?' રોમન પ્રબુદ્ધે ઊંડો વિચાર કર્યો અને કહ્યું, 'તમે એ લોકોને જીવતા ન સળગાવો. પહેલાં એમને મારી નાંખો અને પછી સળગાવો. એનાથી એમને જરાય પીડા નહીં થાય.' આ સાંભળીને ટોળું ગેલમાં આવી ગયું. 


બાંધેલા માણસોની ચીસો ટોળાની ચીચીયારીમાં ભળી ગઈ.
નીરોને ઝડપથી આ ઘટનાની જાણ થઈ. પોતાના રાજ્યના લોકો અન્ય કોઈનો આદેશ માને એ કેમ ચાલે? આજે એ કોઈકની સજા ફેરવાવે છે, અને કાલે બીજું કંઈક કરે! તેણે વધુ એક આદેશ જારી કર્યો.
બીજા દિવસે રોમના મુખ્ય ચોકમાં ભડથું થયેલું કોઈનું શરીર મળી આવ્યું. એ કોણ હતું એ ખબર પડતી નહોતી, પણ લાગતું હતું કે એને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો.
અન્ય એક રોમન પ્રબુદ્ધ ચોકમાં ટહેલવા નીકળ્યા અને તેમણે આ જોયું. તેમનાથી સહજપણે પોતાનું નાક દબાઈ ગયું. એ પછી તેમણે આકાશ તરફ જોયું અને ગણગણ્યા: 'મારે સમ્રાટને જણાવવું પડશે કે રોમના ચોકમાં સરેઆમ લાશ પડેલી હોય એ દૃશ્ય અજુગતું લાગે છે. માથા વિનાની લાશ માટે ભૂરા રંગની પેટી, બળી ગયેલા શરીર માટે લાલ પેટી, અને સડી ગયેલી લાશ માટે લીલા રંગની પેટીનો ઉપયોગ થવો જોઈએ. આ પેટીઓને સફરજનનાં ઝાડને છાંયે મૂકવી. એનાથી ચોકનું સૌંદર્ય વધશે.'


રોમમાં ક્યાંય સફરજનનાં વૃક્ષો નહોતાં, પણ રોમન પ્રબુદ્ધોને પોતાના શાસક પર અડગ શ્રદ્ધા હતી કે ઝાડ પરથી સફરજન પાકીને ખરે એ પહેલાં તેમના આવાસો તૈયાર થઈ જશે.
રોમના પ્રબુદ્ધ લોકોનો આગવો પ્રભાવ હતો.

(By clicking the image, the URL will be reached)
(The images are symbolic) 

No comments:

Post a Comment