Monday, April 26, 2021

નીરો અને અગ્નિશામક સેવા


સમ્રાટ નીરોને તેમના કેટલાક શાણા સલાહકારોએ જણાવ્યું કે રોમમાં અગ્નિશામક સેવાનો આરંભ કરવો જોઈએ. પ્રજાને માથે ખોટા ખર્ચ નાખવાનો વિચાર પોતાના સિવાય અન્ય કોઈને આવી જ શી રીતે શકે? આ વિચારે નીરો ગુસ્સે ભરાયો. તેણે સલાહકારોને બરાબર ધમકાવ્યા. તેમને રોમની બહાર તગેડી મૂકવાની ધમકી આપી. સલાહકારો ડાળી પર રહેલા સૂકા પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યા. પોતાની ધમકીની બરાબર અસર થઈ છે એ જોયા પછી નીરોએ પૂછ્યું, 'મને તમારું આયોજન જણાવો.'

એક સલાહકારના દાંત હજી કકડતા હતા. નીરોએ તેમની બત્રીસીમાં બાવળની ડાળખીનો એક ટુકડો ખોસીને કહ્યું, 'ડોન્ટ બી અફ્રેઈડ. જસ્ટ ટેલ મી.' આ જોઈને બાજુમાં ઉભેલા બીજા સલાહકાર સ્વસ્થ થઈ ગયા. તેમણે નીરોને અગ્નિશામક સેવાનું મહત્ત્વ સમજાવ્યું. તેનો સાર એ હતો કે મહત્વ જરૂરિયાતનું નહીં, જરૂરિયાત હોય એ દેખાડવાનું છે. નીરોને આ સૂચન ગળે ઉતર્યું. પોતાને એ સૂચન બરાબર સમજાયું છે એ દર્શાવવા તેણે એ સલાહકારને કહ્યું, 'ઓકે. હવે મને તમે પુરવાર કરી દેખાડો કે તમારી આ રાજમાં જરૂરિયાત શી છે. તમે પાંચ મિનીટમાં એ સમજાવી ન શકો તો મારે તમારી જરૂર નથી એમ પુરવાર થશે. અને નીરોને જેની જરૂર નથી, એની આ પૃથ્વી પર પણ કોઈ જરૂર નથી.' પાંચ મિનીટ થવામાં હજી ખાસ્સી દોઢ મિનીટ બાકી હતી અને એ સલાહકારનું હૃદય બંધ પડી ગયું. નીરોએ અન્ય સલાહકારો સમક્ષ જોઈને હાસ્ય વેર્યું અને બોલ્યો, 'જો ડર ગયા, સમજો મર ગયા.'
આમ છતાં, નીરોના સલાહકાર મંડળમાં રહેવા માટે રોમના પ્રબુદ્ધજનો પડાપડી કરતા હતા. તેઓ માનતા હતા કે મોત તો ગમે ત્યારે આવવાનું છે, પણ નીરોજી એ માટે નિમિત્ત બને એવું સદ્ભાગ્ય ક્યાં!'
નીરોએ આખરે અગ્નિશામક સેવાઓનો આરંભ કર્યો. એ માટેનો સઘળો જશ તેને ખાતે જ હોય એ સ્વાભાવિક છે. પાણી ભરેલાં, લાલ રંગે રંગાયેલાં લાકડાનાં ખોખાંને બે ઘોડા ખેંચતા હોય એવાં દૃશ્યો રોમનો માટે સહજ બન્યાં. અમુક રોમનો એ વાતે હરખાતા કે આગ લાગવાની શક્યતા સુદ્ધાં નથી, છતાં સમ્રાટે કેવી અદ્ભુત વ્યવસ્થા કરી છે! કેટલાક લોકો છાનેછપને બબડતા કે આ બધો દેખાડો છે. ખરેખર આગ લાગશે ત્યારે આ ઘોડાબંબા શોધ્યા નહીં જડે. તેઓ અંદરોઅંદર આ સેવાને 'અગ્નિશામક સેવા'ને બદલે 'અગ્નિભ્રામક સેવા' કહેતા. જો કે, આમ બોલનારા રોમદ્રોહીમાં ખપી જતા, અને એમ મનાતું કે તેઓ એમ ઈચ્છે છે કે રોમમાં આગ લાગે. આથી જ આવા લોકો છાનેછપને, એકોક્તિની જેમ આવું બોલતા.
રોમમાં જ્યારે આગની જ્વાળાઓએ દેખા દીધી ત્યારે છાનેછપને આવું બોલતા લોકોને રોમન પ્રજા શોધવા લાગી. શોધી શોધીને તેમને ફટકારવા માંડી. તેમને કહ્યું, 'તમે વાંકદેખા છો. તમે રોમદ્રોહી છો. અને તમારી બોલેલી વાત સાચી પડે એટલા માટે તમે જ આગ લગાવવાનું કાવતરું ઘડ્યું છે.' પેલા લોકો બે હાથ જોડતા અને કહેતા, 'તમારે અમને મારવા હોય તો પછી મારજો, અત્યારે પેલા ઘોડાબંબા મંગાવવાની વ્યવસ્થા કરો. આ આગ અત્યારે નહીં ડામો તો કાલે એ આખા રોમને ભરખી જશે.'
પેલાઓની કાકલૂદીની કોઈ અસર ન થઈ. તેમને ફટકારવાનું ચાલુ રહ્યું. અચાનક સૌના હાથ થંભી ગયા. માર ખાઈ રહેલા લોકોએ કોણીએથી બન્ને હાથ વાળીને પોતાના માથા પર મૂકી રાખ્યા હતા અને પ્રહારની રાહ જોઈ રહ્યા હતા. પણ પ્રહાર આવ્યો નહીં. ઉંચે જોયું તો ટોળું કોઈક બીજી દિશામાં જોઈ રહ્યું હતું. આ શો ચમત્કાર થયો એ માર ખાનારાઓને ન સમજાયું. ટોળું હવે બીજે ક્યાંક ફંટાઈ ગયું છે એ જોઈને તેઓ હળવેકથી ઉભા થયા. ટોળામાં ગુસપુસ સંભળાતી હતી.
'ફીડલનું ટ્યુનિંગ કરાવતા લાગે છે.'
'અહાહા! મને એમનું ફીડલવાદન બહુ ગમે છે.'
'આવો મહાન સમ્રાટ બીજો થાવો નથી. ઠંડી ક્રૂરતા અને સંગીતપ્રેમનો કેટલો અદ્ભુત સમન્વય છે!'
'ચાલો, ભેરુઓ, આપણે ત્યાં પહોંચીએ. ત્યાં સુધીમાં ટ્યુનિંગનું કામ પૂરું થશે અને દિવ્ય સંગીતના સૂરોનો આરંભ થશે.'
માર ખાતાં ખાતાં બચી ગયેલા મુઠ્ઠીભર લોકોએ સમ્રાટ નીરોનો આભાર માન્યો કે જેમના ફીડલ ટ્યુનિંગે તેમનો જાન બચાવ્યો હતો. તેઓ મનોમન બોલ્યા, 'અમારો જાન તો નીરોએ બચાવી લીધો, પણ તમારો જાન આ નીરો જ લેશે. જોજો, બેટ્ટાઓ!'
આમ બોલીને આ લોકોએ રોમની બહાર દોરી જતા રસ્તાની દિશામાં ડગ માંડ્યા. ડગ શું માંડ્યા, મુઠ્ઠીઓ વાળીને દોટ જ મૂકી. ઘણે દૂર પહોંચ્યા પછી તેમણે પાછું વાળીને જોયું તો પેલી આગના ધુમાડા ધીમે ધીમે ઘટ્ટ બની રહ્યા હતા. હજી ફીડલ ટ્યુનિંગ ચાલી રહ્યું હતું અને 'ટીંગ...ટોંગ..ટંગ...ટંગ..' જેવા અવાજ સંભળાતા હતા.

(By clicking on the image, the URL will be reached) 
(The images are symbolic) 

No comments:

Post a Comment