Thursday, April 29, 2021

નીરો અને એપોલોના સ્થાનક પરના હુમલાખોરો

રોમના લોકો ખૂબ ધાર્મિક હતા. અનેકવિધ દેવીદેવતાઓમાં તેમની આસ્થા હતી. ખ્રિસ્તી ધર્મ અસ્તિત્ત્વમાં આવ્યો એ પહેલાંથી તેઓ વિવિધ દેવતાઓને પૂજતા. અમુક રોમન દેવતાઓ ગ્રીક દેવતાઓ સાથે સામ્ય ધરાવતા હતા. પોતાનાં દેવતાઓ માટે રોમનોએ આસ્થાનાં કેન્દ્રોનું નિર્માણ કરેલું. આજે જેને આપણે 'મંદિર' તરીકે ઓળખીએ છીએ એવું કંઈક. પણ એ આસ્થાકેન્દ્રો એક રીતે રોમન સાંસ્કૃતિક જગતનો હિસ્સો હોવાનો દાવો કરવામાં આવતો. રોમન સંસ્કૃતિનો ઈતિહાસ લોહીયાળ યુદ્ધોથી લથપથ હતો. 'લોહીયાળ યુદ્ધ' શબ્દ ચલણમાં હોય એનો અર્થ એ કે 'બિનલોહીયાળ યુદ્ધ' જેવી કોઈક ચીજ પણ અસ્તિત્ત્વમાં હતી. વાત સાચી. રોમન સૈનિકો પોતાની ક્રૂરતા માટે પ્રસિદ્ધ હતા. કેટલીક વાર, દુશ્મન સૈન્ય નાનું હોય ત્યારે તેઓ આખેઆખા સૈન્યને સળગાવી મૂકતા. આમ કરવામાં લોહીનું એક ટીપુંય ન વહેતું અને એ યુદ્ધ બિનલોહીયાળ ગણાતું.

નીરોએ ગાદી સંભાળી એ પછી તેણે આવી ક્રૂર અને અમાનવીય પદ્ધતિ અટકાવી. તેણે કહ્યું કે યુદ્ધ તો લોહીયાળ જ હોવું જોઈએ. લોહીયાળ હોય તો જ એ યુદ્ધ કહેવાય. અને એવું યુદ્ધ લડીએ તો જ જીત્યાનો ઓડકાર આવે. કોઈને જીવતા સળગાવી દેવા કાયરતા છે.
નીરોના મનમાં શું ચાલી રહ્યું છે એ તો કોને ખબર હોય? નીરોના મનમાં સ્પષ્ટ હતું કે યુદ્ધ એને જ કહેવાય કે જે પોતાના રાજ્ય સિવાયના લોકો સાથે લડાય. પોતાના રાજ્યના લોકો સાથે પ્રેમપૂર્વક બિનલોહીયાળ પદ્ધતિથી કામ પાર પાડવામાં વાંધો નહીં. બલ્કે પોતે પોતાનાં નગરજનોનું રક્ત વહેતું જોઈ શકે એમ નથી, એટલે રોમન પ્રજા માટે બિનલોહીયાળ પદ્ધતિ જ અપનાવવી.
નીરોનું દિમાગ એટલું તેજ ચાલતું કે કોઈ સલાહકાર તેના દિમાગના ચાલતા વિચારોની ગતિને આંબી શકતો નહીં. આથી નીરોએ માત્ર 'અમલ'દારોની જ નિમણૂંક કરી હતી, એક પણ સલાહકારની નહીં.


એક વખત, સાંજના સમયે એપોલો દેવતાના મંદિર પર ચાર ઘોડેસવાર સૈનિકો ધસી આવ્યા. તેઓ ક્યાંથી આવ્યા, આટલો સખત ચોકીપહેરો વટાવીને શી રીતે છેક મંદિર સુધી પહોંચી ગયા- આવા સવાલ કોઈને થાય એ પહેલાં તેમણે આડેધડ તલવારો વીંઝવાની શરૂ કરી દીધી. સ્વાભાવિક છે કે એપોલો દેવતાના આસ્થાકેન્દ્રે અનેક રોમનો ઉજાણી માટે એકઠા થયેલા હતા. નાસભાગ મચી ગઈ. આડેધડ તલવારબાજીમાં કેટલાય રોમનો ઘવાયા. સૌ પોતપોતાનો જીવ બચાવવા જ્યાં જગ્યા મળે ત્યાં સંતાવા લાગ્યા.
જોતજોતાંમાં સમગ્ર રોમમાં સમાચાર પ્રસરી ગયા કે એપોલોના સ્થાનકે કોઈક અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો છે. રોમન સૈન્યે કૂચ આદરી. નીરોએ ફીડલ ટ્યૂન અપ કરી. તાલબદ્ધ સંગીત સાથે આખું રોમ વીંધીને સૈન્ય એપોલો સ્થાનકે આવ્યું. રસ્તામાં લોકો નીરોનો જયઘોષ બોલાવતા રહ્યા.
જોતજોતાંમાં ઘોડેસવાર સૈન્ય એપોલો સ્થાનકે પહોંચ્યું. પેલા ચાર ઘોડેસવારોની આડેધડ તલવારબાજી હજી ચાલુ હતી. છુપાઈ ગયેલા રોમનોને શોધી શોધીને તેઓ બહાર કાઢતા હતા અને તલવાર વીંઝતા હતા. નીરોના સૈન્યે તેમને ઘેરી લીધા. નીરોના અગણિત ઘોડેસવાર સૈનિકો સામે ચાર ઘોડેસવારોની શી વિસાત? ગણતરીની મિનીટોમાં જ તેઓ રહેંસાઈ ગયા. આ દૃશ્ય જોઈને સ્થાનકના સંકુલમાં છુપાઈ ગયેલા રોમનો બહાર નીકળવા લાગ્યા.
જોતજોતાંમાં નીરોનો સમગ્ર રોમમાં જયજયકાર થઈ ગયો. પેલા ચારે ઘોડેસવારોનાં શબની તલાશી લેવામાં આવી. અમુકના પોશાકમાં હીબ્રૂ ભાષામાં લખાયેલું લખાણ મળી આવ્યું. એકાદા સૈનિકના પોશાકમાં ખજૂર અને કાજુ પણ મળી આવ્યાં. સ્પષ્ટ હતું કે તેઓ યહૂદી હતા અને રોમન સામ્રાજ્યને તબાહ કરવા માટે આવ્યા હતા.
આવા સમયે સમ્રાટ નીરોએ લીધેલાં ત્વરિત પગલાંથી રોમનોને અહેસાસ થયો કે નીરોના હાથમાં પોતાનું ભાવિ સલામત છે. આ અહેસાસ ઉત્તરોત્તર બળવત્તર બનતો ગયો, કેમ કે, એ પછી યહૂદીઓ તરફથી એક પણ હુમલો થયો નહીં. એમ તો એ પહેલાં પણ યહૂદીઓએ ક્યાં હુમલો કર્યો હતો?

(By clicking on image, the URL will be reached) 
(The images are symbolic) 

No comments:

Post a Comment