Saturday, April 24, 2021

વિશ્વ પુસ્તક દિવસ: પુસ્તકોની સાથે લેખકોની વાત

 23 એપ્રિલનો દિવસ 'વિશ્વ પુસ્તક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

આ નિમિત્તે થોડી વાત. 

મારા જેવા ઘણા લોકો હશે કે જેમની આજીવિકા પુસ્તકલેખન થકી હશે. ગુજરાતીમાં કોલમલેખન આજીવિકાનો સ્રોત બની રહે એ અપવાદરૂપ હશે, નિયમ કદી નહીં. લેખકો અનેક રીતે હાથવગા હોય છે. પૂજવા માટે, તેમજ ઠેબે ચડાવવા માટે-નાં બે અંતિમોની વચ્ચેના અનેક વિકલ્પે. ચૌદ વરસ અગાઉ જીવનકથાના આલેખન ક્ષેત્રે મેં પૂર્ણ સમય માટે પ્રવેશ કર્યો ત્યારે મારા એક હિતેચ્છુ વડીલે કહેલું, 'મને તમારી ચિંતા થાય છે. કેમ કે, હવે કોઈ પુસ્તકો ખરીદતું નથી. તો તમારું કેમ ચાલશે?' એ સાચા હિતેચ્છુ હતા એટલે મેં કહેલું કે પુસ્તકો લખવાનો છું, પણ એના વેચાણથી આજીવિકા મળે એવું કશું નથી. આ મોડેલ તેમને સમજવામાં મુશ્કેલી પડી. મૂળ વાત એ છે કે લેખકોની લેખન થકી થતી આવકના સ્રોત અંગે મોટા ભાગના લોકો માત્ર અંદાજ માંડે છે. પુસ્તકપ્રસારના જ ભેખધારી એવા એક અત્યંત આદરણીય વડીલને મેં સાહજિક રીતે પ્રશ્ન પૂછેલો: 'આપની આજીવિકા પ્રકાશન થકી જ છે, પણ આપના થકી કેટલા લેખકોને આજીવિકા મળી?' તેમણે બહુ નિખાલસતાથી જવાબ આપેલો કે એકેને નહીં.

 

પુસ્તક વિશે, લેખકના વ્યક્તિત્વ વિશે, લેખકની કુટેવો વિશે ઘણાં ચર્ચાયુદ્ધો ફાટી નીકળતાં હોય છે, પણ મોટે ભાગે એ અધ્ધરતાલ જ હોય છે, અને એમાં પાયાની માહિતીનો અભાવ હોય છે. આથી કદી એમાં ભાગ લેવાનું મન જ થતું નથી.
ઉદાહરણ તરીકે- મારું કોઈ પુસ્તક 'સાર્થક પ્રકાશન' દ્વારા પ્રકાશિત થાય, તો સ્વાભાવિક છે કે એમાં મને રોયલ્ટી પૂરેપૂરી ઈમાનદારીથી ચૂકવવામાં આવે. મારા કોઈ એક પુસ્તકની તમામ નકલો એક જ મહિનામાં વેચાઈ જાય અને મને એની રોયલ્ટી પૂરેપૂરી ચૂકવાય તો મારા ઘરનો એક મહિનાના રાશનનો ખર્ચ પણ ન નીકળે. આ વાસ્તવિકતા છે. ગુજરાતીમાં પુસ્તકવેચાણના આંકડા મેળવવાની જરૂર નથી. એ કેવા અને કેટલા ઓછા છે એ સૌ જાણે જ છે.
લેખકની વ્યાખ્યા હવે વધુ વિસ્તરી છે, અને અન્ય ક્ષેત્રોમાં ઠરીઠામ હોય એવા વ્યાવસાયિકો લેખનક્ષેત્રે આવ્યા છે. કદાચ એમની લેખન અભિવ્યક્તિ સારી હશે, કે પછી લેખનના ગ્લેમરથી અંજાઈને હશે કે પછી અન્ય કોઈ કારણ હોઈ શકે. ઘણાને લેખન થકી આજીવિકા રળવાની નથી, પણ 'આમ હોવા છતાં પોતે લેખક છે' એ કહેવડાવવાની કીક હોય છે.
વાત એટલી જ છે કે માત્ર ને માત્ર લેખન પર નભતા લોકોએ- એને તમે લેખક કહો, કલમજીવી કહો કે કલમઘસુ કહો, આજીવિકા માટે જ્યાં વ્યાવસાયિક લેખનનું કામ મળી રહે એ સ્વીકારવું પડે. એમાં અંગત પસંદગીને સ્થાન હોતું નથી, એ હવે ઉપરનું ઉદાહરણ વાંચીને સમજાયું હશે.
કોઈ લેખક પોતાના પુસ્તકનો પ્રચાર કરે તો પણ એ ઘણી વાર ટીકાને પાત્ર બને છે. હકીકત એ છે કે એ રીતેય એનાં પુસ્તકો વેચાઈ વેચાઈને કેટલાં વેચાવાનાં? અરે, માનો કે બધાં જ વેચાઈ ગયાં તોય શું?
લેખકોનાં લખાણનું મૂલ્યાંકન, ટીકા કે પ્રશંસા અવશ્ય થવા જોઈએ, કેમ કે, આખરે તો એ જાહેર લખાણ હોય છે. પણ અમુક લખાણો વ્યાવસાયિક ધોરણે હોય તો એનું મૂલ્યાંકન એ રીતે થાય. જેમ કે, થોડા દિવસ અગાઉ મેં મારા પુસ્તકોની યાદી મૂકી હતી, જેમાંના મોટા ભાગના મારા વ્યાવસાયિક કામો છે. કોઈને મારે મૂલ્યાંકન કરવા કહેવું હોય તો બિનવ્યાવસાયિક એવાં બે જ પુસ્તકો- 'ગુર્જરરત્ન' અને 'સળી નહીં, સાવરણી'નું નામ આપું.


ઘણા સમય સુધી મનાતું કે લેખન શોખ માટે જ થાય. સરસ્વતીને ન વેચાય વગેરે..વગેરે...હજી ઘણા એ માન્યતામાં જીવે છે. સરસ્વતીને જો વેચાતી ન હોય તો શાળામાં ફી ન લેવાવી જોઈએ. લેખન તો એક કૌશલ્ય છે, અને એ કૌશલ્ય થકી કોઈ આજીવિકા રળે એમાં ખોટું શું? માતૃભાષાની સેવા તો એ બિલકુલ નથી. લેખક પોતાને આવડતી ભાષામાં લખે એમાં સેવા શેની?
'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે પુસ્તકોનો મહિમા ગાવ, પુસ્તકોને ગાળો બોલો, દેખાડો કરો કે બીજું જે ગમે એ કરો, પણ સાથે પુસ્તકના લેખકોને યાદ કરજો. 'ફલાણા લેખક ડાઉન ટુ અર્થ છે', 'મારે એમની સાથે બહુ સારો સંબંધ છે', 'એ લેખક સારા હોવા ઉપરાંત બહુ સારા માણસ છે', 'લેખક સારો, પણ માણસ વાહિયાત'- આવું બધું કહીને નહીં, પણ એના લખાણનું મૂલ્યાંકન કરીને, પુનર્મૂલ્યાંકન કરતા રહીને....શક્ય હોય તો પુસ્તકો સામટા ખરીદીને ભેટ આપવાની કુટેવ પાડવાને બદલે તમારાં સ્નેહીજનોને એ ખરીદવા માટે પ્રેરીને...
બાકી તો વાચકોની ચર્ચા લખાણલક્ષી હોવાને બદલે આ જ રીતે લેખકલક્ષી રહેશે તો મનોરંજન મળતું રહેવાનું છે.

1 comment:

  1. This is very good article.
    Thanks for sharing.
    Ashwin.

    ReplyDelete