Wednesday, April 28, 2021

નીરો અને તેની પરના હુમલાખોરો

રોમન સમ્રાટોની પરંપરામાં એક માત્ર નીરો જ એવો હતો કે જેને દાઢી હતી. રોમન સમ્રાટોનાં ચિત્રો અને શિલ્પોમાં તેમના વાંકડિયા વાળ સામાન્ય તત્ત્વ છે. દાઢી એક માત્ર નીરોના ચહેરા પર જોવા મળે છે. આ દાઢીને પણ વિશિષ્ટ રીતે બતાવાઈ છે. નીરોની દાઢી થોભિયાના ભાગેથી વિસ્તરીને ગળા સુધી પહોંચે છે. બાકીના ચહેરા પર તે નથી. એ સમયે ગ્રીસમાં ફિલસૂફો, વિચારકો પૂર્ણ કક્ષાની દાઢી વધારતા. તેને બદલે નીરોએ પ્રમાણમાં આછી દાઢી રાખેલી. એક વાયકા એવી છે કે નીરોએ પોતાનું વધુ પડતું વજન છુપાવવા દાઢી વધારેલી.

નીરોના ઉછેરના આરંભિક વરસોમાં તેની માતા અગ્રીપીનાનો પ્રભાવ ઘણો રહ્યો. ગાદી સંભાળ્યા પછી નીરો પોતાની માતૃભક્ત સંતાનની છબિ ઉપસાવવા માટે અગ્રીપીનાને વારેતહેવારે મળવા જતો. માને મળવા જાય ત્યારે તેની સાથે મોટો રસાલો રહેતો. એક પુત્રે માતા સાથે કેવા વિવેકથી વર્તવું જોઈએ એનું જીવતુંજાગતું ઉદાહરણ એટલે નીરો- આવી વાતો રોમના ચોરેચૌટે ચર્ચાતી. કહેવાની જરૂર નથી કે પેલા રસાલાવાળા જ આવા મુદ્દા લોકોને આપતા. શાસનના પાંચેક વર્ષ પછી નીરોને લાગ્યું કે પોતાની ચોક્કસ પ્રકારની છબિ હવે પ્રજાના મનમાં બેસી ગઈ છે, અને પોતાની ગમે એવી નિષ્ઠુરતા કે નાલાયકી પ્રજા વેઠી લે એવી થઈ ગઈ છે. હવે અગ્રીપીનાની તેને જરૂર નહોતી. કેમ કે, નીરો જ્યારે અગ્રીપીનાને મળવા જાય ત્યારે અગ્રીપીના એને શિખામણના બે શબ્દો કહેતી, રાજ શી રીતે ચલાવવું એ સમજાવતી. નીરોને ક્યારનું થતું હતું કે અગ્રીપીના ભલે મા રહી, પણ હવે એ પોતાની હદ પાર કરી રહી છે. બસ, એક દિવસ તેણે અગ્રીપીનાની હત્યા કરાવી દીધી. સમગ્ર રોમમાં સહાનુભૂતિનું પ્રચંડ મોજું ફરી વળ્યું. અગ્રીપીના કેવળ નીરોની જ નહીં, સમગ્ર રોમની માતા હતી એમ ચીતરેલાં પાટિયાં રોમના જાહેરસ્થળોએ જોવા મળવા લાગ્યા.
નીરોને આવી અપેક્ષા નહોતી. તેણે ધાર્યું હતું એવી રોમની પ્રજા મૂરખ નહોતી. બલ્કે એથી અનેકગણી મૂરખ હતી. તેણે મનોમન એક યોજના ઘડી કાઢી. બહુ ઝડપથી તેનો અમલ શરૂ થયો.
રોમની ભાગોળે, વહેલી સવારે ચારથી પાંચની વચ્ચે બે ભાલાધારી ઘોડેસવારોની લાશ મળી આવી. સાબદા રોમન સૈન્યે રોમનોને જણાવ્યું કે જિબ્રાલ્ટરથી બે હત્યારા સમ્રાટ નીરોનો જાન લેવા માટે આવ્યા હતા. રોમન સૈન્યે તેમની મુરાદ બર ન આવવા દીધી. આ બે ઘોડેસવારોનાં શબ રોમના ચોકમાં, વચ્ચોવચ મૂકવામાં આવ્યા. કેટલાક શાણાઓએ એ જોઈને કહ્યું, 'આ લોકો તો રોમન જ લાગે છે. જિબ્રાલ્ટરવાળા આવો પોશાક નથી પહેરતા.' આ શાણાઓને રોમન સૈનિકોએ તરત ઝબ્બે કરી લીધા.
એના થોડા દિવસ પછી આ શાણાઓનાં શબ રોમની ભાગોળે, એ જ સમયે મળી આવ્યાં. તેમણે ચિત્રવિચિત્ર વસ્ત્રો પહેરેલાં હતાં. તેમના હાથમાં રહેલા ભાલા જોઈને લાગતું હતું કે જાણે તેમણે લખવા માટે કલમ પકડી ન હોય! ફરી સમાચાર વહેતા થયા કે સમ્રાટ નીરોની હત્યા કરવા માટે મોરોક્કોથી મારાઓ આવ્યા હતા. સાબદા રોમન સૈન્યે તેમને પૂરા કરી દીધા છે. આ મારાઓનાં શબ રોમના ચોકમાં મૂકવામાં આવ્યા. અહીં જતાંઆવતાં રોમનો તેની તરફ નજર કરતા, અને એક હાથ ઉંચો કરીને પોકારતા, 'સમ્રાટ નીરોનો જય!'


રોમના નગરજનોને હવે લાગવા માંડ્યું કે રોમની દોમદોમ જાહોજલાલી અને તેના શાસક નીરોની બહાદુરીથી રોમન સામ્રાજ્યનાં અન્ય પ્રદેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને કેવળ પોતાનો સમ્રાટ નીરો એક જ એવી વ્યક્તિ છે કે જે આ દુશ્મનોને પહોંચી વળે.
રોમનો સાવ ભોળા નહોતા. તેઓ જાણતા હતા કે રોમની ભાગોળે, સવારે ચારથી પાંચની વચ્ચે જ, ભાલા વડે કોઈ નીરોને મારવા આવે એ વાત ગળે ઉતરે એવી નથી. પણ નીરોએ તેમના મનમાં એવો ડર ભરી દીધો હતો કે તેમને લાગતું કે નીરો સિવાય કોઈ પોતાને આવાં આક્રમણોથી બચાવી શકે એમ નથી.
આથી, નીરોના શાસનમાં રોમન પ્રજા શાંતિપૂર્વક રહેતી હતી.

(By clicking on image, URL will be reached) 
(The images are symbolic) 

No comments:

Post a Comment