Thursday, February 2, 2012

ચાંપાનેર: ઈતિહાસના પાનામાં પ્રવેશ



વડોદરાની ઉત્તરે માંડ પચાસેક કિલોમીટરના અંતરે આવેલો પાવાગઢ ઓળખાય છે તેની ટોચે આવેલા મહાકાલીના મંદિરથી અને વારે તહેવારે અહીં આવતા લાખો લોકો પણ માના દર્શને જ આવે છે. આથી પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેર/ Champaner નો મહિમા ઉપર માંચી સુધી જવા માટેનાં વાહનો મેળવવા પૂરતો જ હોય એમ લાગે. જો કે, ૨૦૦૪માં ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઈટ’/ World Heritage Site નો દરજ્જો મળ્યો ત્યારે અહીં આવેલાં વિવિધ સ્થાપત્યો તરફ ઘણા બધા લોકોનું ધ્યાન ખેંચાયું.

ખરેખર તો ચાંપાનેર અને તેની આસપાસ પુષ્કળ સ્થાપત્યો આવેલાં છે અને મોટા ભાગનાંની સ્થિતિ પ્રમાણમાં સારી કહી શકાય એવી છે. હવે તો આ સ્થાપત્યોના સમારકામનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કોટથી ઘેરાયેલું આ નાનકડું નગર, તેની અંદર, બહાર અને આસપાસ આવેલી, સ્થાપત્યોના ઉત્તમ નમૂના જેવી ઈમારતો આપણને સહેજે પાંચસો-છસો વરસ પાછળના ઈતિહાસમાં લઈ જાય છે. આટલા નાના વિસ્તારમાં જે સંખ્યામાં આવી ઉત્તમ ઈમારતો આવેલી છે એ જોઈને આશ્ચર્ય થાય.
એક મિનારની મસ્જિદ, હેલીકલ વાવ, માંડવી, કમાની મસ્જિદ, કેવડા મસ્જિદ, સાત કમાન, સકર ખાનની દરગાહ, નગીના મસ્જિદ અને સૌથી શિરમોર એવી જામી મસ્જિદ તો ઈન્ડો- ઈસ્લામિક સ્થાપત્યના શિરમોર નમૂના જેવી છે. તો પાવાગઢને રસ્તે થોડી ઉંચાઈ પર આવેલું લકુલેશ મંદિર હિંદુ સ્થાપત્યના ઉત્તમ નમૂના સમું છે અને તેનાં મોટા ભાગનાં શિલ્પો ખંડિત અવસ્થામાં છે. એ જોઈને ખંડહર બતા રહા હૈ.. ઉક્તિ યાદ આવી જાય.

એક વાત ચોક્કસપણે કહી શકાય કે કળામાં સાધારણ રસ હોય અને મહાકાલીના મંદિરે જવાની ખાસ લાલસા ન હોય તો એક આખો દિવસ તળેટીના વિસ્તારમાં ફરીને નિરાંતે માણી શકાય એવાં અનેક સ્થળો-સ્થાપત્યો મોજૂદ છે.
મુંબઈથી આવેલા નલિન શાહ સાથે મારા પરિવાર સહિત પરમ દિવસે ૩૧મી જાન્યુઆરીએ આ વિસ્તારની મુલાકાત લીધી. અનેક રસપ્રદ સ્થળોએ ફરીને લીધેલી તસવીરોમાંથી અહીં ફક્ત જામી મસ્જિદ/ Jami Masjid ની કેટલીક તસવીરો મૂકી છે, જે તેની સ્થાપત્ય કળાનો અને ભવ્યતાનો બરાબર ખ્યાલ આપે છે. સ્તંભ, કમાનો, ગુંબજ, ફૂલબુટ્ટાનાં રિલીફ શિલ્પો, પથ્થરની જાળીઓ વગેરે અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ વિસ્તારનાં અમે જોયેલાં બાકીનાં સ્થળોની રસપ્રદ તસવીરો ફરી ક્યારેક મૂકવાનો ઈરાદો છે. 
















(આ તસવીર: કામિની કોઠારી) 



ફરી વાર યાદ કરાવી દઉ કે આ તસવીરો ફક્ત એક ઈમારત- જામી મસ્જિદની જ છે. અને આવા  અનેક અદભૂત સ્થાપત્યો અહી મોજૂદ છે. 

13 comments:

  1. Birenbhai,
    I will not return to USA without visiting this Champaneri Jami masjid which has won my heart by all meeans. I don't understand why it is JAMI and not Jama Masjid as it is in Ahmedabad ?? If you throw some light , I will be happy...
    Sumant Chicago

    ReplyDelete
  2. પૂર્વી મલકાણFebruary 2, 2012 at 8:50 AM

    ફોટાઓ અત્યંત સુંદર અને મનમોહક છે. ફોટાઓ જોતાની સાથે જ ઇતિહાસના એ પાનાઓમાં ખોવાઈ જવાનું મન થાય છે પરંતુ આપશ્રીએ બીજા ફોટાઓ મૂકવાનું પ્રોમિસ પણ કર્યું છે તે વાત આપ ભુલશો નહીં. હું બીજા ફોટાઓની રાહ જોઈશ.

    ReplyDelete
  3. Good information about Champaner.Very good photographs.

    ReplyDelete
  4. Haven't seen. Worth visiting I suppose.

    ReplyDelete
  5. હું સ્થાપત્યનો નિષ્ણાત નથી, પણ જામી મસ્જિદની બાબતમાં ધ્યાન જાય એવી અમુક ખાસિયતો છે.
    ૦૦ સામાન્ય રીતે મુસ્લિમ સ્થાપત્યોમાં કુરાનશરીફની આયતો કંડારેલી હોય છે.આમાં એ નથી.
    ૦૦ પહેલી તસવીરમાં બે ગુંબજની વચ્ચેથી દેખાતો ભાગ ધ્યાન ખેંચે છે. આ પણ નવીનતા હોવાનો સંભવ છે.
    ૦૦ ત્રીજી તસવીર હિન્દુ સ્થાપત્યની યાદ અપાવે છે.

    ReplyDelete
  6. બીરેન કોઠારીFebruary 2, 2012 at 5:43 PM

    @સુમંતભાઈ: ખરું નામ 'જુમા મસ્જિદ' હોવું જોઈએ. દર શુક્રવારે મસ્જિદમાં પઢાતી સામૂહિક નમાજના સંદર્ભે એ યોગ્ય જણાય છે. એમાંથી 'જામા' અને 'જામી' થયું હશે.
    @દીપકભાઈ: સ્થાપત્ય અંગે મનેય ખાસ જાણકારી નથી.
    - ગુજરાતના ઘણાં સ્થાપત્યો શુદ્ધ ઈસ્લામી નહીં,બલ્કે ઇન્ડો-ઇસ્લામિક પ્રકારનાં છે, જેમાં ભારતીય શૈલીનો છૂટથી ઉપયોગ થયો હોય. એટલું ખરું કે આ સ્થાપત્યોમાં કોઇ પણ આકૃતિ- માનવ, પશુ કે પક્ષીની- જોવા મળતી નથી. તેને બદલે મોટે ભાગે ફૂલ, વેલ તેમજ અન્ય ડિઝાઈન કંડારેલી જોવા મળે છે.
    - પહેલી તસવીરમાં બે ગુંબજની વચ્ચે દેખાતું માળખું સ્તંભ અને ગુંબજનું છે અને આટલી વિશાળ મસ્જિદમાં હવાની પુષ્કળ અવરજવર રહે તે માટે મૂકાયું હોય એમ જણાય છે.
    - મારો આશય આ આખી ઈમારતના સંકુલનો ફોટો લેવાનો હતો, પણ એની વિશાળતા અને મારા કેમેરાની મર્યાદા જોતાં એવો ફોટો લેવો મુશ્કેલ હતો.
    કોઈ મિત્ર વધુ જાણકારી આપશે તો આનન્દ થશે.

    ReplyDelete
  7. સ્થાપત્યકલાની જાણકારી નથી પરંતુ ફોટા જોઇ ’વાહ’ બોલ્યા વગર રહી શકતો નથી,ખૂબ સુંદર+કલાત્મક ફોટોગ્રાફી બીજા ફોટોગ્રાફસ નો ઇન્તેજાર રહેશે.

    ReplyDelete
  8. beautiful pics.

    ReplyDelete
  9. Jame or jami masjid is real word.but in Gujarat muslim refer it as a Juma masjid.

    ReplyDelete
  10. હા ચાંપાનેર એકદમ રસપ્રદ જગ્યા.. એમાય ચોમાસા પછી તરત એની મુલાકાત લઈએ તો નાજારાઓ જોવા જેવા હોય.. પણ એ માટે ચીલો ચાતરવો પડે.. મતલબ કે પાવાગઢ જવાના રસ્તે જંગલોમાં બંને બાજુ ગુજરાતની એક સમયની રાજધાની (ચાંપાનેર બેગડાના સમયમાં ગુજરાતનું પાટનગર હતું) ના ખંડેરો જોવા જેવા છે. હમણા જ આવેલી ફિલ્મ સાહેબ બીબી ગેંગ.. માં ચાંપાનેરની સાત કમાનના દ્રશ્યો પણ છે... વધુ વર્ણન મુકો એની રાહ જોઈએ..

    ReplyDelete
  11. હમણાં જાંબુઘોડા જતી વખતે રસ્તામાં ત્યાં થી પસાર થતી વખતે ગાડી માંથી મસ્જિદ ની બહારનો નજારો જોયો. .પરંતું અંદર જઇને જોવાનો લ્હાવો ના મળ્યો તેનો અફસોસ છે. .ફરી ખાસ મસ્જિદ જોવા ચાંપાનેર જરૂર જઇશ.

    ReplyDelete
  12. હમણાં જાંબુઘોડા જતી વખતે રસ્તામાં ત્યાં થી પસાર થતી વખતે ગાડી માંથી મસ્જિદ ની બહારનો નજારો જોયો. .પરંતું અંદર જઇને જોવાનો લ્હાવો ના મળ્યો તેનો અફસોસ છે. .ફરી ખાસ મસ્જિદ જોવા ચાંપાનેર જરૂર જઇશ.

    ReplyDelete
  13. હમણાં જાંબુઘોડા જતી વખતે રસ્તામાં ત્યાં થી પસાર થતી વખતે ગાડી માંથી મસ્જિદ ની બહારનો નજારો જોયો. .પરંતું અંદર જઇને જોવાનો લ્હાવો ના મળ્યો તેનો અફસોસ છે. .ફરી ખાસ મસ્જિદ જોવા ચાંપાનેર જરૂર જઇશ.

    ReplyDelete