Saturday, July 29, 2023

લદાખના રેખાંકનો (5)

અત્યાર સુધી જોયેલા મહેલોની સાથે સરખાવતાં એ જરા જુદો જણાઈ આવે, પણ લેહમાં ઠીક ઠીક ઊંચાઈએ બનાવાયેલો આ મહેલ તરત જ ધ્યાન ખેંચે એવો છે. ચારસો વર્ષ જૂના આ પ્રસાદનું નિર્માણ રાજા સિંગે નામગ્યાલના શાસનકાળમાં હાથ ધરાયેલું. પોતાના બળનું પ્રદર્શન કરી શકાય એ માટે લેહના ઊંચા પર્વત પર નવ માળનું આ ભવન તૈયાર કરાવાયું. સ્થાનિક કારીગરો અને સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો. કહેવાય છે કે મહેલ માટે ઉપયોગમાં લેવાયેલા પથ્થરો ફ્યાંગ તથા સાબૂ ગામમાંથી મંગાવાયેલા. લાકડાંને અલમ તિલતથી ઝંસ્કર નદીના પ્રવાહમાં વહેવડાવીને યોગ્ય સ્થાને પહોંચાડાયેલાં. નિર્માણે ત્રણ વર્ષ લીધાં.

એ પછી આક્રમણ અને વાતાવરણની વિષમતાનો તે ભોગ બનતો રહ્યો. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે મોડે મોડે તેનો જિર્ણોદ્ધાર કર્યો. તેને કારણે એ હવે મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકાયો છે. જિર્ણોદ્ધાર પહેલાં એ કેવો દેખાતો હશે? 1998માં રજૂઆત પામેલી મણિરત્નમ દિગ્દર્શીત 'દિલ સે'ના ગીત 'સતરંગી રે'માં તેનો કેટલોક હિસ્સો જોઈ શકાય છે. (અને એ ગીત અહીં જોઈ શકાય છે.)


પુરાતત્ત્વ ખાતાએ ઘણું બધું કામ કરવું પડ્યું હશે, પણ એ યોગ્ય રીતે કરાયેલું જણાય છે. અહીં મૂકેલાં બે ચિત્રોમાં દૂરથી દેખાતો લેહ પેલેસ તેમજ એ પેલેસનો અંદરનો એક હિસ્સો ચીતરાયેલાં છે.

લેહ પેલેસ 

લેહ પેલેસની અંદરનો એક ભાગ 

Thursday, July 27, 2023

લદાખનાં રેખાંકનો (4)

 પંદરેક હજાર ફીટની ઊંચાઈએ આવેલું ત્સો (સરોવર) મોરીરી અને એને કાંઠે વસેલું કર્ઝોક ગામ. માંડ સોએક ઘરો હશે. એક તરફ સરોવર અને તેની પેલે પાર હિમાચ્છાદિત શીખરો, અને બીજી તરફ રેતાળ પર્વતો. આટલી ઊંચાઈએ કશું ન ઉગે એ સ્વાભાવિક છે, આથી પશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતા અહીંના લોકો કદાચ શિયાળામાં નીચેના ભાગમાં જતા હશે. આવા નાનકડા ગામમાંય ચારસો વર્ષ જૂની એક મોનેસ્ટ્રી હતી.

અહીં ધુમ્રપાન અને મદ્યપાન પ્રતિબંધિત હતાં- કદાચ મોનેસ્ટ્રીના પ્રભાવને લઈને. દૂરથી જોતાં ગામ જાણે કે પર્વતનો જ એક હિસ્સો હોય એમ લાગે, કેમ કે, મોટા ભાગનાં મકાન પથ્થરોનાં બનેલાં અને તેમાં માટી વપરાયેલી. એ સિવાય થઈ રહેલાં નવાં બાંધકામો હોમસ્ટે અને ગેસ્ટહાઉસનાં છે. આ ઉપરાંત તંબૂઓ પણ ખરા.
અમે ગામના છેડા સુધી લટાર મારી. એ શેરીનું એક દૃશ્ય.

કર્ઝોક ગામની શેરી 

Monday, July 24, 2023

લદાખનાં રેખાંકનો (3)

નુબરા ખીણમાં આવેલું હુન્દર ગામ ત્યાંના રેતીના ઢૂવા માટે વિખ્યાત છે. સપાટ મેદાનમાં વહેતું નુબરા નદીનું વહેણ, સાવ પાંખા કાંટાળા વૃક્ષો, ભૂખરી સફેદ રેતીના ઢૂવા અને પશ્ચાદભૂમાં ભૂખરા પર્વતો.

હુન્દર ગામનો એક રસ્તો

આ પ્રદેશના પર્વતોનો રંગ અલગ જ છે. મોટા ભાગના પર્વતો ભૂખરા, અને એની ટોચે હીમ જામેલું જોવા મળે. રેતીના ઢૂવા દૂર સુધી પથરાયેલા, જેમાં સહેલાણીઓ બે ખૂંધવાળા ઊંટ પર બેસીને લટાર મારતા જોવા મળે. બે ખૂંધવાળા ઊંટની શારિરીક રચના વિશિષ્ટ છે. બન્ને ખૂંધમાં ચરબીનો સંગ્રહ થાય છે, અને તેની આંખનાં પોપચાં સહેજ મોટાં હોય છે. આને કારણે રેતી તેની આંખમાં પેસી જતી નથી. આટલી ઊંચાઈએ આવેલા રેગિસ્તાનમાં ટકી રહેવા માટે કુદરતે તેની શરીરરચના વિશિષ્ટ બનાવી હશે. 

હુન્દરમાં જોવા મળતાં બે ખૂંધવાળાં બેક્ટ્રિઅન ઊંટ

બેક્ટ્રીઆ હિંદુકુશની પર્વતમાળામાં વસેલું પ્રાચીન રાજ્ય હતું. અહીં જોવા મળેલા મોટા ભાગના ઊંટના વાળ (રુંવાટી/ઉન) ઊતારી લેવામાં આવ્યા હતા.
હુન્દરમાં વસવાટ માટે અનેક હોમસ્ટે, ગેસ્ટહાઉસ, હોટેલ ઉપલબ્ધ છે. અહીં પર્વતો એટલા નજદીક લાગે છે કે મોટે ભાગે કોઈ પણ સ્થળે ઉતરતાં જ બારીમાંથી તેને સાવ ઝીણવટથી જોઈ શકાય. અહીં કોઈક ધર્મસ્થાનેથી આખો દિવસ માઈક પર કંઈક ને કંઈક વાગ્યા કરતું હતું. એમ ઘણી હોટેલોમાં પણ મોટેથી ડીજે સાઉન્ડના ધડાકા સંભળાતા હતા. ખરા અર્થમાં પ્રકૃતિની ગોદમાં વસેલા આવા રૂપકડા ગામમાં પણ આવું ધ્વનિ પ્રદૂષણ ત્રાસ ઉપજાવતું હતું. અને એ એમ પણ સૂચવતું હતું કે દિન બ દિન તેનો ઉપદ્રવ વધતો જવાનો છે.

Sunday, July 23, 2023

લદાખનાં રેખાંકનો (2)

 લેહ અને તેની આસપાસના વિસ્તારોમાં બૌદ્ધ ધર્મીઓની બહુમતિ છે. લેહ અને તેની આસપાસ અનેક મહત્ત્વની મોનેસ્ટ્રી/ગોન્પા આવેલાં છે, જે દરેકનું આગવું માહાત્મ્ય હશે. મને બુદ્ધમાં રસ ખરો, પણ બૌદ્ધ ધર્મમાં નહીં, આથી અમે નક્કી કરેલું કે એકાદ બે મોનેસ્ટ્રીની મુલાકાત લઈશું. બધે નહીં જઈએ. લેહથી બાવીસેક કિ.મી.ના અંતરે આવેલા ઠિક્સે ગામે આવેલી મોનેસ્ટ્રીની અમે મુલાકાત લીધી. લેહ આવતો ભાગ્યે જ કોઈ પ્રવાસી એવો હશે કે જેણે આ મોનેસ્ટ્રીની મુલાકાત ન લીધી હોય. ઊંચાઈ પર આવેલી હોવાથી આ મોનેસ્ટ્રી પરથી આસપાસનું દૃશ્ય સુંદર રીતે જોઈ શકાય છે. તદુપરાંત આ મોનેસ્ટ્રીના રંગ એકદમ તાજા કરેલા હોય એમ જણાયું. તેને કારણે તેના ફોટા લેવાનું આકર્ષણ પ્રવાસીઓમાં હોય એ સ્વાભાવિક છે. અહીંનું મુખ્ય આકર્ષણ પંદરેક મીટર ઊંચી મૈત્રેય બુદ્ધની પ્રતિમા છે.

ઠિક્સે મોનેસ્ટ્રીનું નીચેથી દેખાતું દૃશ્ય

ટિકિટ ખરીદ્યા પછી વળાંક અને ઢાળવાળા પગથિયાં ધીમે ધીમે ચડવા પડે. વચમાં વિરાટ કદનું પ્રેયર વ્હીલ જોવા મળે છે, જ્યાં લોકો સામાન્ય રીતે ફોટા પડાવે છે. અલબત્ત, આવા વિરાટ કદનાં પ્રેયર વ્હીલ લેહની આસપાસ ઘણે ઠેકાણે જોઈ શકાય છે.

વિરાટ કદનું પ્રેયર વ્હીલ

પગથિયાં ચડીને ઉપર આવીએ એટલે સામેના વિશાળ ચોકમાંથી ઉપર જઈ શકાય. પણ ચોકના પ્રવેશદ્વારે બે બાજુ બે વિચિત્ર પ્રાણીઓની પ્રતિમા જોવા મળી. પહેલી નજરે એ સિંહ જેવા લાગતા હતા, પણ એ સામાન્ય સિંહ નહોતા. પછી ખ્યાલ આવ્યો કે એ સ્નો લાયન છે. તેનું માહાત્મ્ય તિબેટી પુરાણોમાં ઘણું છે. એ રીતે અહીં બન્ને સિંહ પ્રવેશદ્વાર પાસે બેસીને સમગ્ર પરિસરનું રક્ષણ કરતા હોય એવું દર્શાવાયું હશે.

તિબેટના પૌરાણિક પ્રાણી સ્નો લાયનની પ્રતિમા

Saturday, July 22, 2023

લદાખનાં રેખાંકનો (1)

 લેહમાં એક ટેકરી પર આવેલા શાંતિસ્તૂપનું નિર્માણ 1991માં જાપાની બૌદ્ધ ભિખ્ખુ ગ્યોમો નાકામુરા દ્વારા, બૌદ્ધ ધર્મના 2500 વર્ષ થઈ રહ્યા હતા એ નિમિત્તે કરાવવામાં આવ્યું હતું. તેના તળિયે ભગવાન બુદ્ધના અવશેષો છે, જેનું 14મા દલાઈ લામા દ્વારા અહીં સ્થાપન કરવામાં આવ્યું હતું. બે સ્તરીય બાંધકામ ધરાવતા આ સ્તૂપના પ્રથમ મજલે આસપાસ બે હરણ ધરાવતું ધર્મચક્ર છે અને મધ્યમાં સોનેરી રંગના બુદ્ધ બિરાજમાન છે. અન્ય બાજુએ તેમના જન્મ અને મૃત્યુ (પરિનિર્વાણ)નો ઘટનાક્રમ દર્શાવાયો છે, તેમજ તેમની તપશ્ચર્યામાં ભંગ કરતા દૈત્યોને તેઓ પરાજિત કરતા બતાવાયા છે.

સાગરતટથી આશરે પોણા બાર હજાર ફીટની ઊંચાઈએ તે આવેલો છે અને તે વિશ્વશાંતિનો પ્રતીક છે.
શાંતિ સ્તૂપ, લેહ

બૌદ્ધ ચિત્રોમાં અનેક અવનવાં પ્રાણીઓ જોવા મળે છે. આ સ્તૂપની તળિયાની પેનલ પર હાથી દર્શાવાયેલા છે, જે મજબૂતીનું પ્રતીક છે, અને પોતાની પીઠ પર તે આ સમગ્ર સંકુલનો ભાર ઊંચકે છે એમ કદાચ સૂચવાયું છે. અમને આ હાથીનું આલેખન જોઈને મઝા આવી ગઈ. તેની વિશાળતા સૂચવતા થાંભલા જેવા પગને બદલે તેનું શરીર ગાય કે એવા અન્ય પ્રાણી જેવું સામાન્ય હતું. રેખાંકનમાં એ હાથી દર્શાવ્યો છે.

શાંતિ સ્તૂપના તળિયાની પેનલમાં હાથીની આકૃતિ
(સિમેન્
ટમાં કોતરાયેલી)

Monday, July 10, 2023

લદાખના પ્રવાસે (14)

 સ્થળ: કે.બી.આર. વિમાનીમથક, લેહ

સમય: સવારના સાડા નવની આસપાસ
દિવસ: 13 મે, 2023, મંગળવાર
બે સપ્તાહના લેહ-લદાખ પ્રવાસનો અંતિમ દિવસ હતો. વળતાં હવાઈ માર્ગે લેહથી મુંબઈ જવાનું આયોજન હતું. સવારના અગિયાર વાગ્યાનો સમય હોવાથી અમે સવા આઠ-સાડા આઠે વિમાનીમથક પહોંચી ગયા. પ્રવેશ, બૉર્ડિંગ પાસ, બેગેજ ટેગિંગ વગેરે પતાવીને સિક્યુરિટી ચેક-ઈન માટે બીજા વિભાગમાં પ્રવેશવાનું હતું. અહીં માત્ર હેન્ડ બેગેજની ચકાસણી થતી હતી. એક ટ્રેમાં પોતાની પાસે રહેલો સામાન મૂકીને સ્કેનરમાંથી તે પસાર થાય એટલે બીજે છેડે જઈને તેને મેળવી લેવાનો. બીજે છેડે જતાં અગાઉ એક સિક્યુરિટી અફસર દ્વારા મેટલ ડિટેક્ટર વડે પણ ચકાસણી કરાવવાની. ટ્રે ઉપરાંત હેન્ડ બેગેજને પણ એ જ રીતે સ્કેનરમાંથી પસાર કરવાનું હતું. સામાન સ્કેનરમાં મૂકાય એ પહેલાં અને તેમાંથી પસાર થાય એ બધું સી.આઈ.એસ.એફ.ના જવાનોની નજર હેઠળથી પસાર થતું, જેમના ચહેરા પર હાસ્ય ભાગ્યે જ જોવા મળતું, કેમ કે, મુસાફરોનો ધસારો એટલો હતો કે સમયમર્યાદામાં બને એટલું ઝડપથી કામ પતાવવું જરૂરી બની રહે. સ્કેનરની બહાર જે સામાન નીકળતો ત્યાં સી.આઈ.એસ.એફ.ની યુવતીઓ કાર્યરત હતી.
અમારું હેન્ડ બેગેજ સ્કેનરમાંથી સલામત રીતે નીકળી ગયું, પણ ઈશાનની બેગ સ્કેનરમાંથી નીકળી એ સાથે જ પેલા જવાને એને બાજુમાં મૂકી દીધી અને કહ્યું, 'ઈસમેં બહોત સારી મેટલિક ઔર ઈલેક્ટ્રોનિક ચીજેં હૈં.' આ સાંભળીને અમે બધાં સ્કેનરની બહારની બાજુએ ઉભેલી સી.આઈ.એસ.એફ.ની યુવતીની નજીક ગયા, જેણે એ બેગ પોતાના હાથમાં લઈને ઈશાનને કહ્યું, 'ઈસે જરા દિખા દિજીયે.' ઈશાને એક પછી એક વસ્તુ કાઢીને બહાર મૂકવા માંડી, જેમાં મુખ્યત્વે કેમેરા અને તેને સંબંધિત ચીજો હતી. પણ એ કાઢતાં કાઢતાં એ બેગમાં ઊભી મૂકાયેલી વાંસળી પર પેલી યુવતીની નજર પડી. એ જોતાં જ તેણે પૂછ્યું, 'આપ ફ્લૂટ બજાતે હૈ? મુઝે ઉસકી ધૂન બહોત અચ્છી લગતી હૈ.' ઈશાને હકારમાં ડોકું ધુણાવ્યું. દરમિયાન અંદરથી હાર્મોનિકા પણ નીકળ્યું, જે 'મેટલિક' હતું. પેલી યુવતીએ ઈશાનને કહ્યું, 'આપ ફ્લૂટ બજાઈયે ના!' ઈશાનને એમ કે એ કહેવા ખાતર કહેતી હશે. બીજી બાજુ અમને સહેજ ફિકર થઈ રહી હતી કે આ બધું બહાર કઢાવી ન મૂકે તો સારું! એ યુવતીએ વધુ એક વાર વિનંતી કરી એટલે ઈશાને ફ્લૂટ કાઢીને હોઠે લગાડી. હળવેકથી 'કૈસી તેરી ખુદગર્જી, ના ધૂપ ચુને, ના છાંવ'ની ધૂન શરુ કરી. નીચી પીચ પર શરૂ થયેલી એ ધૂન આગળ વધી એમ સી.આઈ.એસ.એફ.ની બીજી યુવતીઓ અને છેક આગળ રહેલા જવાનોનું આ તરફ ધ્યાન ખેંચાયું. એ પછી એકદમ હાઈ પીચ પર 'રે કબીરા, માન જા' વાગ્યું એટલે સિક્યુરિટી સ્ટાફના તમામ લોકો બે-ત્રણ સેકન્ડ માટે આ તરફ મોં ફેરવીને જોવા લાગ્યા. ધૂન પૂરી થઈ એટલે એ સૌએ તાળીઓ પાડી.


સી.આઈ.એસ.એફ.ની મુખ્ય જણાતી યુવતીએ 'થેન્ક યુ' કહીને ઈશાનને પૂછ્યું, 'આપ કા કોઈ યુ ટ્યૂબ ચેનલ હૈ ક્યા?' ઈશાને પોતાનું ‍‍‍‍‍‍‍‍ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. હોવાનું જણાવ્યું એટલે તેમણે ઈન્સ્ટાગ્રામ પર હતી એવી પોતાની એક સાથીદારને આ વાત જણાવીને ઈશાનનું ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. પૂછ્યું.
લદાખના પ્રવાસના અંતિમ દિવસે, વિદાયની આ મસ્ત સ્મૃતિ લઈને અમે ઘરના માર્ગે પ્રસ્થાન કર્યું.

Sunday, July 9, 2023

લદાખના પ્રવાસે (13)

 ચીન-ભારત-પાકિસ્તાનમાં થઈને વહેતું પાણી એટલે...

સાંજના સમયે લેહ પાછા આવી ગયા ત્યારે જાણે કે પોતાને ઘેર આવ્યા હોય એમ લાગતું હતું. સતત છ દિવસ પહાડી રણમાં આવેલાં વિવિધ સ્થળે વીતાવ્યા પછી વસતિવાળું શહેર જોવા મળ્યું હતું. પછીના દિવસે હજી અમારે કેટલાંક સ્થળોએ જવાનું હતું. એ લેહથી જ જવાનું રાખેલું. આમાં બે મુખ્ય મોનેસ્ટ્રી લામાયુરુ અને અલ્ચીની હતી. પંડિત રાહુલ સાંકૃત્યાયને ત્રીસીના દાયકામાં અલ્ચીની મોનેસ્ટ્રીની મુલાકાત લીધેલી. જો કે, હવે અમને મોનેસ્ટ્રીમાં ખાસ રસ નહોતો રહ્યો. કેવળ બહારથી તસવીરો લઈ શકાય એટલા પૂરતું જ અમારા માટે એનું મહત્ત્વ હતું. આથી અમે લામાયુરુ અને અલ્ચી જવાનું માંડવાળ કર્યું. એનું અંતર પણ વધુ હતું. આથી અમે થોડે નજીકનાં કહી શકાય એવાં સ્થળોની મુલાકાત લેવાનું જ રાખ્યું.
'રેન્‍ચો સ્કૂલ' અધિકૃત નામ બની ગયું 
બીજા દિવસે સવારે ચા-નાસ્તો કરીને અમે નીકળ્યા અને શેમાં આવેલી 'રેન્ચો સ્કૂલ'માં પહોંચ્યા. 'દ્રુક પદ્મ કાર્પો સ્કૂલ' તેનું મૂળ નામ, પણ 'થ્રી ઈડિયટ્સ' દ્વારા પ્રસિદ્ધિ પામ્યા પછી તે આ નવા નામે ઓળખાય છે. અમને એમ લાગ્યું કે 'રેન્ચો સ્કૂલ' જેવું નામ તેને પ્રવાસીઓ દ્વારા અપાયું હશે. પણ ત્યાં જઈને જોયું તો એ જ નામનું પાટિયું જોવા મળ્યું. સોનમ વાંગ્ચૂકના માનસસંતાન સમી આ શાળા અંદરથી જોવાની ઈચ્છા હતી, પણ એ શક્ય ન બન્યું. આ શાળાએ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને જ એક જગ્યા ફાળવી દીધી છે, જેમાં 'થ્રી ઈડિયટ્સ'વાળી દિવાલ બનાવેલી છે, અને ભીંત પર તેનાં વિવિધ પાત્રોનાં કેરિકેચર. પ્રવેશતાં જ એક ખંડમાં શાળાની વિવિધ પ્રવૃત્તિઓની તસવીરો છે અને એક વિડીયો ફિલ્મ સતત ચાલતી રહે છે. દસેક મિનીટની એ ફિલ્મ બેસીને જોઈ. બહાર એક સ્ટોર હતો, જેમાં વિવિધ ચીજો વેચાતી હતી. આ ઉપરાંત એક કેફે હતું. પ્રવાસીઓ આવતા હતા, પેલી દિવાલ નજીક સેલ્ફી લેતા હતા, 'આલ ઈઝ વેલ'ની બૂમો પાડતા હતા, અને રેન્ચો સ્કૂલને થોડીઘણી આવક કરાવતા હતા. અહીંથી અમે ધાર્યા કરતાં ઝડપથી નીકળી ગયા.

પ્રવાસીઓના લાભાર્થે બનાવાયેલા સેલ્ફી પૉઈન્‍ટ 

દીવાલ પર 'થ્રી ઈડિયટ્સ'નાં વિવિધ પાત્રોનાં કેરિકેચર 

આ સ્કૂલેથી નીકળ્યા ત્યારે અમારા ડ્રાઈવર તાશીએ જણાવ્યું કે એનું ઘર નજીકમાં જ છે. એને ત્યાં આવવાની ઈચ્છા ખરી? અમને એમ કે એ વિવેક કરે છે, એટલે અમે એનો આભાર માનીને ના પાડી. એ કહે, 'ચાય-ચૂ પીના.' 'ચાયશાય' કે 'ચા-બા'ને બદલે તે 'ચાય-ચૂ' કહેતો હતો. અમે હા-ના કરીએ એ પહેલાં તો એણે એક ગલીમાં વાહન વાળ્યું અને ઘર આગળ ઊભું રાખ્યું. અમે સમજી ગયા કે આ એનું મકાન છે. તેમની પત્નીએ અમને આવકાર્યા. તેમણે બહાર અમુક શાકભાજી ઉગાડ્યાં હતાં. ઘર ખૂબ મોટું- બે માળનું હતું. અમે ઉપલા માળે બેઠા. વચ્ચે વિશાળ હૉલ અને ફરતે વિવિધ રૂમ. તેઓ શિયાળામાં મકાનનો નીચેનો ભાગ વાપરે છે એમ કહ્યું. તાશીએ પોતાનાં પરિવારજનો સાથે પરિચય કરાવ્યો. એવામાં 'બટર ટી' આવી. નાસ્તો પણ ખરો. 'બટર ટી' અમે પહેલી વાર ચાખી રહ્યા હતા. એકદમ અદ્ભુત સ્વાદ. તાશીનાં પત્નીએ પોતાનો પૂજાખંડ બતાવ્યો. અમારા આગમનથી ખુશી વ્યક્ત કરી અને મજાકમાં પતિ વિશે પૂછ્યું, 'યે બરાબર ડ્રાઈવ કરતા થા ન?' ચા પીને અમે તેમની વિદાય લીધી.
સિંધુ (લીલા રંગનું પાણી) અને ઝંસ્કર (સફેદ રંગનું પાણી)
નદીનો સંગમ
હવે અમારો આગળનો મુકામ હતો 'સંગમ પૉઈન્ટ'. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.1 પર આવેલા આ સ્થળે સિંધુ અને ઝંસ્કર નદીનો સંગમ થાય છે. આ જ રસ્તો કારગીલ થઈને શ્રીનગર જાય છે. અહીં પહાડો ખડકાળ હતા. બે અલગ અલગ દિશાએથી આવતાં વહેણ એકસ્થાને ભેગાં થાય છે, અને એ પછી તે સિંધુ નદી તરીકે આગળ વધે છે. દસેક હજાર ફીટની ઊંચાઈએ આવેલા આ સ્થળનો નજારો અદ્ભુત છે. છેક ઉપરથી એ વધુ સુંદર દેખાય છે. સિંધુ નદીનું પાણી લીલાશ પડતું અને ઝંસ્કરનું પાણી સફેદ રંગનું છે. પહેલાં અમે ઉપરના ભાગે ઉભા રહ્યા. એ પછી છેક નીચે સંગમ પાસે ગયા. અહીં અનેક પ્રવાસીઓ આવેલા હતા. કેફે હતું, રાફ્ટિંગ થઈ શકતું હતું.
'સિંધુ' તરીકે ઓળખાતો, હવે એક બની જતો પ્રવાહ
અતિશય ઠંડા પાણીમાં ઊભા રહીને ફોટા પડાવવાની ઈચ્છા નહોતી. સિંધુ નદીનું મહત્ત્વ ભાવનાત્મક ખરું, આથી તેના પાણીનું આચમન કરીને માથે ચડાવ્યું. ચીનથી નીકળતી આ નદી ભારતમાં વહેતી, પાકિસ્તાનમાં જઈને અરબી સમુદ્રને મળે છે. 'કોઈ સરહદ ઈન્હેં ના રોકે' બરાબર લાગુ પડે.
થોડી વાર પછી અમે પાછા ફરવાની તૈયારી કરી.
વળતાં પથ્થરસાહિબ ગુરુદ્વારા નાનકડું રોકાણ કર્યું. એ પછી 'મેગ્નેટિક હીલ' રસ્તે આવી. ત્યાં અમે 'ચમત્કાર' જોવા ન રોકાયા અને આગળ વધ્યા.
પાછા વળતાં રસ્તામાં 'હૉલ ઑફ ફેમ' આવતો હતો. ત્યાંથી અમે સાંજના 'સાઉન્ડ એન્ડ લાઈટ' શોની ટિકીટો ખરીદી લીધી અને પાછા હોટેલ પર આવી ગયા.
આ જ દિવસે સાંજે પાંચ વાગ્યે ભરૂચની અૅમિટી સ્કૂલમાં મારા પુસ્તકનો વિમોચન કાર્યક્રમ હતો. હોટેલ પર હોવાના કારણે વાઈફાઈ ઉપલબ્ધ હતું. યુ ટ્યૂબ લીન્ક મોકલી હોવાથી મેં એ કાર્યક્રમ જોવાનું શરૂ કર્યું. કલાક-સવા કલાક જોયો અને તાશી અમને લેવા માટે આવી ગયો. અમારે 'હૉલ ઑફ ફેમ'માં યોજાતો 'સાઉન્ડ એન્ડ લાઈટ શો' જોવા જવાનું હતું.
'સાઉન્ડ એન્ડ લાઈટ શો'
ત્યાં અમે પહોંચ્યા ત્યારે લોકો આવી રહ્યા હતા. હજી દરવાજો ખૂલ્યો નહોતો. શિસ્તબદ્ધ સૈનિકો અને ગેરશિસ્તવાળા નાગરિકો વચ્ચે થતા સંવાદ સાંભળવા જેવા હતા. એવામાં વરસાદ શરૂ થયો. સૌ નજીકના કેફેમાં જઈને ગોઠવાયા. આ કેફે પણ 'હૉલ ઓફ ફેમ' દ્વારા સંચાલિત હતું, જેમાં બંકર અને યુદ્ધમેદાનની થીમ હતી. તેની બહાર મોટા અક્ષરે લખેલું વાક્ય ધ્યાન ખેંચે એવું હતું. એમાં લખેલું: BEST OF FRIENDS AND WORST OF ENEMIES VISIT US. થોડી વારમાં અંદર પ્રવેશ શરૂ થયો એ સાથે જ ધક્કામુક્કી અને દોડાદોડી થવા લાગી. બેઠકવ્યવસ્થા પૂરતી હતી. સૌ ધીમે ધીમે ગોઠવાવા લાગ્યા. આસપાસ ઘણા ગુજરાતી પ્રવાસીઓ જણાયા. ઘણા એમ માનતા હતા કે અહીં કશુંક પરફોર્મન્સ યોજાશે. બીજી પણ અનેક ચિત્રવિચિત્ર કમેન્ટ કાને પડતી હતી. આઠ વાગ્યે સમયસર કાર્યક્રમ શરૂ થયો. એ અગાઉ થોડો સૂત્રોચ્ચાર કરાવીને વાતાવરણને ચાર્જ કરવામાં આવ્યું. આ શોમાં ભારતે લડવા પડેલાં, 1947થી 2020 સુધીનાં વિવિધ યુદ્ધ વિશે વાત હતી. ભારતીય સૈન્યની બહાદુરીની ગાથા હતી. વચ્ચે વચ્ચે તાળીઓના ગડગડાટ થતા હતા. બરાબર પોણા નવે, રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો. એ સાથે ફરી એક વાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ધીમે ધીમે સહુ બહાર નીકળ્યા. રાષ્ટ્રભાવનાનો ઊભો થયેલો જુવાળ પોતાનાં વાહનો ક્યાં પાર્ક થયેલાં છે એ શોધવામાં ખર્ચાઈ ગયો. પંદર વીસ મિનીટમાં અમે હોટેલ પર પાછા આવી ગયા.