Thursday, September 25, 2025

પુસ્તક'જન્મ'ની ઉજવણી: પહેલાં ઘરમાં અને પછી મોસાળમાં

ભૂપેન ખખ્ખરની જીવનકથાના પુસ્તકનું વિમોચન આમ તો માર્ચ, 2025માં વડોદરા ખાતે યોજાઈ ગયું હતું. એ પછી તેના વિશે વાર્તાલાપનો કાર્યક્રમ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ ખાતે થયો. આ ઉપક્રમમાં મદદરૂપ થનાર 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશ રાણાનું સૂચન એવું કે શક્ય એટલી ફાઈન આર્ટ્સ કોલેજોમાં આ પુસ્તક વિશે વાર્તાલાપ રાખીએ. સૂચનનો અમલ કરતાં તેમણે સુરતની 'સાર્વજનિક કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ'માં એના આયોજન વિશે વાત કરી. ત્યાં રાજર્ષિ સ્માર્તે જરૂરી ફોલોઅપ કર્યું અને એ મુજબ કાર્યક્રમની તારીખ 23 સપ્ટેમ્બર, 2025 ને મંગળવારના રોજ નક્કી થઈ. કોઈ આયોજનબદ્ધ રીતે નહીં, પણ પછીના દિવસોમાં એવો યોગાનુયોગ ગોઠવાયો કે આ જ દિવસ આ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહના કાર્યકાળનો આખરી દિવસ હતો. વધુમાં આ સંસ્થાના વિનિમય કાર્યક્રમ મુજબ રોમાનિયાથી આવેલા બે સંશોધકો અહીં એકાદ વરસ માટે રોકાવાના હતા અને એ એમનો પહેલો દિવસ હતો. આથી પ્રાચાર્ય પર્સી એન્જિનિયરે 'બુક ટૉક'ના કાર્યક્રમને 'બુક લૉન્ચ'માં તબદીલ કરી દીધો. કોઈ બાળકનો જન્મદિન તેના પોતાના ઘેર ઊજવાય, અને એ પછી મોસાળમાં પણ તેની ઉજવણી થાય એના જેવું!

આમાં પાછું થયું એવું કે આ આયોજન પાછળ રહેલા હીતેશ રાણા જોડાઈ શકે નહીં એવા એમના સંજોગો ઊભા થયા. એ રીતે અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને હું સવારના સાડા સાથે સુરત જવા રવાના થયા. અમરીશભાઈ કોન્ટ્રાક્ટર ભૂપેન ખખ્ખરના પુસ્તકના પ્રેરક છે, અને એમના પિતાજી વલ્લવભાઈ શાહ તેમજ ભૂપેન ખખ્ખરની દોસ્તીના તર્પણરૂપે તેમના મનમાં આ પુસ્તકનો વિચાર આવેલો.
સવારના પોણા અગિયારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે રાજર્ષિ(રાજા) સ્માર્ત અમને આવકારવા ઊભા જ હતા. હોલમાં સૌ વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા. અમે પણ ફ્રેશ થઈને તરત જ હોલમાં ગયા. હોલ તરફ જતાં મિત્ર નીકી ક્રિસ્ટી આવેલા, એ પણ મળ્યા. હિન્દી ફિલ્મોના વાદ્યસંગીતમાં અઠંગ રસ ધરાવતા, અને એવા અનેક વાદકો સાથે સંબંધ ધરાવતા નીકીભાઈ આ સંસ્થાના સંચાલક મંડળમાં પણ છે. ધીમે ધીમે સૌ મંચ પર ગોઠવાયા. વડીલમિત્ર અને આ કાર્યક્રમના મુખ્ય વક્તા બકુલભાઈ ટેલર પણ આવી પહોંચ્યા.
બાજુમાં એક સ્ક્રીન પર ભૂપેનનાં ચિત્રો અને તસવીરો રજૂ થતાં રહે એવી વ્યવસ્થા ગોઠવાયેલી. પ્રાચાર્ય પર્સી એન્જિનિયરે બહુ રસપ્રદ રીતે, અનાયાસે ભૂપેન સાથેના પોતાના જોડાણની વાત કરી. તેઓ આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા હતા એ સમયગાળામાં એક સિનીયર આર્કિટેક્ચરે તેમને સ્થાપત્યનો અભ્યાસ કરવા માટે ભૂપેન ખખ્ખરના બંગલે જવાનું સૂચવેલું. કારણ એ કે 'આપણે ક્લાયન્ટ માટે મકાન ડિઝાઈન કરતા નથી, પણ ક્લાયન્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરી આપીએ છીએ'. આ શી રીતે થાય એ જોવા માટે ભૂપેનના બંગલાની મુલાકાત લેવાની હતી. કશી ઓળખાણપિછાણ વિના પર્સીભાઈ ત્યાં ગયા અને એ પછી ભૂપેન સાથેની તેમની મૈત્રી આરંભાઈ. સમયના વહેણમાં તેઓ અલગ દિશામાં ફંટાયા, પણ આ સંભારણું અકબંધ રહેલું. એ પછી આટલા વરસે આમ ભૂપેનની જીવનકથાના પુસ્તક પરના વાર્તાલાપ વિશે પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે બહુ ઉમળકાથી એનું આયોજન કર્યું, એટલું જ નહીં, વાર્તાલાપને વિમોચનમાં તબદીલ કરી દીધો.
પ્રાચાર્ય પર્સી એન્જિનિયર દ્વારા પૂર્વભૂમિકા

રાજર્ષિ સ્માર્તનું સંચાલન બે વક્તાઓ વચ્ચે સેતુરૂપ હતું. પર્સીભાઈએ પૂર્વભૂમિકા બાંધ્યા પછી મારે પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. આપેલી સમયમર્યાદામાં કહી શકાય એ રીતે મેં એ કરી, અને જીવનચરિત્રના આલેખનની સફરનું વર્ણન કર્યું. હીતેશભાઈ રાણાના પ્રદાનને પણ યાદ કર્યું. એ પછી ભરતભાઈ શાહનું ઉદ્બોધન હતું. તેમણે સૌ કોઈ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને જીવનમાં બને એટલા ઊપયોગી થવાની સૌને અપીલ કરી.

રાજર્ષિ સ્માર્ત દ્વારા અભિવાદન

પુસ્તક વિમોચનની યાદગીરી

બકુલભાઈ ટેલર ભૂપેનના ખાસ મિત્ર રહી ચૂકેલા. આથી ભૂપેન વિશે કઈ વાત કરવી અને કઈ ન કરવી એની મીઠી મૂંઝવણ હતી. તેમણે ભૂપેનની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરી. સાથે એ પણ જણાવ્યું કે ભૂપેનને ગુજરાતીમાં લખવું બહુ ગમતું, એમ પોતાને વિશે ગુજરાતીમાં લખાય એ પણ. (એવી ફરિયાદ પણ ખરી કે કોઈ એમના વિશે ખાસ લખતું નથી) તેમણે કહ્યું કે ભૂપેન હોત તો પોતાના જીવન પર ગુજરાતીમાં લખાયેલું આ પુસ્તક જોઈને રાજી થાત.

બકુલભાઈ ટેલરે રજૂ કરેલાં સંસ્મરણો
પોતાના પિતાજી અને ભૂપેનની દોસ્તી વિશે
વાત કરી રહેલા અમરીશભાઈ કોન્
ટ્રાક્ટર

છેલ્લે અમરીશભાઈ કોન્ટ્રાક્ટરે પોતાના પિતાજીની અને ભૂપેનની દોસ્તીની હૃદયસ્પર્શી વાત કરી. આ પુસ્તક બન્ને દોસ્તોની મૈત્રીના તર્પણરૂપે તૈયાર કરાયું હોવાની તેમની વાત સૌને સ્પર્શી ગઈ.
આભારવિધિ પછી કાર્યક્રમ ઔપચારિક રીતે પૂર્ણ થયો. પણ અનૌપચારિક વાતચીતનો દોર એ પછી લંબાયો. પર્સીભાઈની ઓફિસમાં સૌ બેઠા અને ગપસપ ચાલી. રોમાનિયન મહેમાનો પુસ્તક જોતા હતા, અને તેમાં મૂકાયેલાં ભૂપેનનાં ચિત્રો જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. પોતે ગૂગલ લેન્સથી ટ્રાન્સલેટ કરીને એ પુસ્તક વાંચશે એમ તેમણે જણાવ્યું. દરમિયાન 'ટાઈમ્સ' સાથે સંકળાયેલો મિત્ર વિશાલ પાટડીયા પણ આવ્યો. આ ઊપરાંત ભૂપેન સાથે સંકળાયેલા કલાકાર કૌશિક ગજ્જર સાથે હતા. સૌ સાથે ભોજન લીધું, જેમાં સંસ્થાના બીજા સહયોગીઓ પણ હતા. ભોજન દરમિયાન પણ અનેકવિધ વિષયો પર વાતો ચાલુ રહી. તેને કારણે ભૂખ ઊઘડી અને સરખું જમાયું પણ ખરું.
બપોરના અઢી આસપાસ અમે વડોદરા પાછા આવવા રવાના થયા ત્યારે એક સરસ સ્નેહમિલનની સૌરભ મનમાં પ્રસરેલી હતી. ભાઈ રાજર્ષિ સ્માર્ત આ આખા કાર્યક્રમમાં સેતુરૂપ બની રહ્યા અને તેમની સાથે એ નિમિત્તે પરિચય થયો એનો આનંદ.
(તસવીરસૌજન્ય: તેજસભાઈ પટેલ)

Wednesday, September 24, 2025

'શક્તિસ્વરૂપ'ની પૂજા બહાર કરવી કે ઘરમાં?

- બીરેન કોઠારી

પ્રથમ નવરાત્રિની સવારે, એટલે કે 22 સપ્ટેમ્બર, 2025ને સોમવારના રોજ એક વિશિષ્ટ કાર્યક્રમના સાક્ષી બનવાનું થયું. આમ તો, એકાદ મહિના પહેલાં જ મારે ઉપસ્થિત રહેવાનું ગોઠવાયું હતું, અને એમાં બીજા કોઈ પરિવર્તનને અવકાશ ન હતો, કેમ કે, એનું ખરું માહાત્મ્ય આ દિવસનું, એટલે કે પ્રથમ નવરાત્રિની સવારનું હતું.
આથી, 20મીએ માંડવી, 21મીએ અમદાવાદ અને એ પછી 22મીએ વહેલી સવારે મારે સીધા અંકલેશ્વર જવાનું હતું. સ્થળ હતું જી.આઈ.ડી.સી.માં આવેલું 'સંસ્કારદીપ વિદ્યાલય'. આ શાળાના કાર્યને છેલ્લા નવેક મહિનાથી બહુ નજીકથી જોવાનું બન્યું છે. અને તેના અવનવા ઉપક્રમો આશ્ચર્ય પમાડે એવા જણાયા છે. કેમ કે, એમાં 'કંઈક નવું' કે 'હટકે' કરવાના ઉન્માદને બદલે બહુ દૃષ્ટિપૂર્વકનું વિચારબીજ અને એનું આયોજન હોય છે.
મોટા ભાગના ભારતીયો જાણે છે કે ભારતમાં શક્તિની આરાધના કે પૂજા થાય છે. નવરાત્રિ એટલે શક્તિના સ્વરૂપની આરાધનાનો અવસર. આવું બધું શાળાના નિબંધમાં લખવાની મજા આવે. 'નારી એ શક્તિનું સ્વરૂપ છે', 'નારી તું નારાયણી' વગેરે સૂત્રો પણ વક્તૃત્વ સ્પર્ધામાં ચાલી જાય. પણ એમાં અમલના નામે? મસમોટું શૂન્ય. ઘરમાં જ રહેલી 'નારીશક્તિ'ની કદર નહીં, એને હડધૂત કરાય, અને એની મજાક પણ ઊડાવાય. શક્તિસ્વરૂપા માતાજીની આરતીમાં એના તમામ ગુણોના વખાણ થાય, પણ એ જ ગુણો કોઈ નારીમાં જોવા મળે તો એને તમામ રીતે ઊતારી પાડવાના પ્રયાસો થાય. આ બધું એટલું સહજ અને સામાન્ય છે કે એના વિશે વાત પણ ભાગ્યે જ થાય.
આ અને આવાં અનેક કારણોસર 'સંસ્કારદીપ'ના સંચાલકોએ એક એવા કાર્યક્રમ વિશે વિચાર્યું કે જેમાં બાળક (એટલે કે વિદ્યાર્થી) પોતાની માતાની કદર કરે, એના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે, અને એ રીતે તેનો મહિમા કરે. ઘરમાં રહેલી શક્તિના આ સ્વરૂપને પોંખવા માટે નવરાત્રિથી ઉત્તમ કયો દિવસ હોઈ શકે? એટલે આ કાર્ય પહેલવહેલી નવરાત્રિએ કરવું એમ ઠર્યું. આમાં ખરેખર કરવાનું શું?
એમ નક્કી થયું કે એ દિવસે શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓની માતાઓ શાળામાં ઊપસ્થિત રહે. સંતાનો પોતાની માતાને પ્રણામ કરે, એમને વધાવે, અને છેલ્લે માતા અને સંતાન એકમેકને આલિંગન આપે. એક સાથે આઠસો- નવસો બાળકો પોતાની માતાને આમ કરે તો એના અમલ માટે સૂચના આપવી પડે. એ જરા યાંત્રિક લાગે, પણ તેની અસર એવી કે એ જોયા વિના માન્યામાં ન આવે. આવી બધી વાત મને સંચાલકોએ જણાવેલી ખરી. આથી જ મેં નક્કી કર્યું કે આ કાર્યક્રમમાં હાજર રહેવું.
શાળાનો પહેલો તાસ આ કાર્ય માટે જ ફાળવવામાં આવે. તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના વર્ગમાં જાય, ત્યાં એમને વિવિધ સામગ્રી ભરેલી થાળીઓ આપવામાં આવે. દરમિયાન શાળામાં આવેલા મેદાનમાં ગોઠવાયેલી ખુરશીઓ પર માતાઓ આવતી જાય અને પોતાના સંતાનના વર્ગ અનુસાર ખુરશીમાં ગોઠવાતી જાય. પૂર્વ પ્રાથમિકથી લઈને દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આમાં જોડાય. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ પણ ઉપસ્થિત હોય. દસમા ધોરણના ચુનંદા વિદ્યાર્થીઓ શાળા વિશે કશી વાત કરે, અને કેટલીક માતાઓ પણ પોતાની વાત કરે એવો આખો ઉપક્રમ. વચ્ચે મમતાના ભાવવાળું એકાદ ગીત પણ વાગતું હોય.

પ્રેમની સહજ અભિવ્યક્તિ
હું પહોંચ્યો ત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયેલો. મંચ પર શાળાના હોદ્દેદારો તેમજ અતિથિવિશેષ ગોઠવાઈ ગયેલાં. બાળકોનો કોલાહલ સંભળાતો હતો, છતાં વાતાવરણમાં કંઈક અજબ સ્પંદનો પ્રસરેલાં લાગ્યાં. એમાં પણ માતા અને સંતાન એકમેકને આલિંગે ત્યારે કેટલીય માતાઓની આંખો છલકાતી જોવા મળી. મંચ પર પોતાની અનુભૂતિ જણાવવા આવેલી માતાઓ ભાગ્યે જ આખું બોલી શકી. એમનો અવાજ રુંધાયો, આંખો છલકાઈ, અને પોતાના સંતાને દર્શાવેલા વહાલ અને કદરથી તેઓ લાગણીશીલ બની. આ જ ભાવ સમગ્ર વાતાવરણમાં પ્રસરતો રહ્યો.

સૌથી લાગણીશીલ પળ
આ કાર્યક્રમ પૂરો થયા પછી અતિથિવિશેષ જિજ્ઞાસાબહેન ઓઝા (પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અંકલેશ્વર)એ શાળાના સંકુલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી.
એ જ દિવસે, અન્ય એક નવો કાર્યક્રમ પણ આરંભાયો. આ શાળામાં ચાલતા 'ગર્ભસંસ્કાર કેન્દ્ર'માં આવતી બહેનો અને તેમની સાસુઓના મિલનનો. હૉલમાં ખુરશીઓ ગોઠવાઈ અને સાસુ તેમજ તેમની વહુ સામસામાં ગોઠવાયાં. જે બહેનોની સાસુ નહોતી, તેમને સ્થાને શાળાનાં કોઈ ને કોઈ બહેન ગોઠવાયાં. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં કેટલીક સાસુઓ અને કેટલીક વહુઓએ પોતાની લાગણીની અભિવ્યક્તિ કરી. એ પછી સાસુ અને વહુ એકમેકને પોંખે એવું આયોજન હતું, અને છેલ્લે એકમેકને આલિંગન. એ પછી સાવ સહજપણે જ સાસુ અને વહુઓએ જોડીમાં નૃત્ય શરૂ કર્યું. સહજપણે જ સાઉન્ડ સિસ્ટમ પર ગરબા રેલાયા. સાસુ અને વહુઓએ કાયમ સાથે રહેવાનું હોય છે. આથી તેમની વચ્ચે વિખવાદ હશે જ એમ માની લેવામાં આવે છે. એ કેટલાક કિસ્સામાં સાચું પણ ઠરે છે. આવા કાર્યક્રમ થકી, એવી કોઈ નાનીમોટી ગાંઠ હોય તો સાવ સહજપણે ઓગળી જાય એ મૂળ વિચાર હતો. હજી આ વરસથી જ એ અમલી બન્યો અને પહેલી વારના કાર્યક્રમમાં એક માત્ર પુરુષપ્રેક્ષક તરીકે મારે સાક્ષી બનવાનું આવ્યું એનો આનંદ કંઈક અલગ હતો.

સાસુ-વહુ દ્વારા એકમેકનું અભિવાદન

કાર્યક્રમની લાગણીશીલ ક્ષણ
એક શાળા શા માટે આવાં આયોજન કરે કે જેમાં સહેજ પણ ચૂક થાય તો એને ગતકડામાં ફેરવાતાં વાર ન લાગે! કારણ બહુ સાદું છે. બાળક પર તેના ઘરના ભાવાવરણની સીધી અસર પડતી હોય છે. એ સ્વસ્થ હોય તો બાળક પણ સ્વસ્થ રહે. બસ, આટલી સાદી સમજણ, જેણે આ કાર્યક્રમની પ્રેરણા આપી. શાળાના સંચાલકો આટલા સંવેદનશીલ બનીને વિચારે તો કેટલી બધી સામાજિક સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઈ જાય!

સહજપણે શરૂ થયેલી નૃત્ય અભિવ્યક્તિ
મેં આ કાર્યક્રમ વિશે કાનોકાન સાંભળેલું, ત્યારે સહેજ સાશંક બનીને વિચારેલું. આથી જ એને નજરે જોવાનો મેં આગ્રહ રાખેલો. નજરે જોયા પછી અનુભવાયું કે આ કેવળ કોઈ સામૂહિક, યાંત્રિક પ્રક્રિયા નથી, બલ્કે લાગણીને વહેવાનું નિમિત્ત આપતી, રોજેરોજની કાળજી લેતી વ્યક્તિની દિલથી કદર કરવાનું શીખવતી ઘટના છે.
આવા કાર્યની, એના વિચારની, એના અમલની કદર કરવી એ પણ શીખવા મળે. આ સમગ્ર ઉપક્રમ સાથે સંકળાયેલા સહુને અભિનંદન.

Tuesday, September 23, 2025

માંડવીમાં પહોંચ્યાં કુમુદ, સરસ્વતીચંદ્ર અને અના કરેનીના

'સરસ્વતીચંદ્રના સવાસો વર્ષ' નિમિત્તે નડિયાદના પ્રો. હસિત મહેતાએ વિદ્યાર્થીઓને સાંકળીને ત્રણ રજૂઆતો તૈયાર કરી છે. પહેલવહેલી વાર એ મુંબઈમાં અને બીજી વાર એ અમદાવાદમાં થઈ. હવે ત્રીજી વખતનો વારો માંડવીનો હતો. વી.આર.ટી.આઈ; માંડવી ખાતે 20 અને 21 સપ્ટેમ્બરના રોજ આ સંસ્થાની સુવર્ણજયંતિ નિમિત્તે 'સુવર્ણ સાહિત્ય મહોત્સવ'નું આયોજન હતું, જેમાં બે દિવસ સાહિત્યલક્ષી વક્તવ્યોનું આયોજન હતું. આ પૈકી શનિવારે, 20 સપ્ટેમ્બરે રાત્રે સાડા આઠે 'સરસ્વતીચંદ્રના સવાસો વર્ષ' નિમિત્તે તૈયાર કરાયેલી ત્રણ રજૂઆતોનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમના અહેવાલ અગાઉ અહીં લખી ગયો છું. તેથી એની વિગતોમાં જતો નથી. વાત મારે કરવાની છે આ સ્થળ સુધી પહોંચવાના અમારા પ્રવાસની. હકીકતમાં મારો 21મીએ સ્ક્રેપયાર્ડમાં કાર્યક્રમ પહેલેથી નક્કી હોવાને કારણે આ કાર્યક્રમમાં મારી સામેલગીરી કેવળ રીહર્સલ પૂરતી જ હોય એ સ્વાભાવિક છે. પણ મારે જે ભૂમિકા કરવાની હતી એ ભૂમિકા કરનાર સ્મિત એનાં અન્ય રોકાણોને કારણે રીહર્સલમાં હાજર રહી શકે એમ ન હોવાથી હસિતભાઈએ આ રજૂઆત પૂરતો તેને સામેલ ન કર્યો. એટલે સવાલ આવ્યો કે એને બદલે કોણ? બીજા અનેક વિકલ્પો વિચારાયા પછી છેવટે મારે જ રહેવું એમ નક્કી થયું. આથી બેમાંથી એક પસંદગી કરવાની સ્થિતિ આવી. કાં સ્ક્રેપયાર્ડનો કાર્યક્રમ પાછો ઠેલવો, કાં અમારે સૌએ બીજા દિવસે માંડવીથી વહેલા નીકળવું અને સાંજ સુધીમાં મને અમદાવાદ પહોંચાડી દેવો. બીજો વિકલ્પ ચિંતા કરાવે એવો હતો, કેમ કે, દસ-અગિયાર કલાકની મુસાફરી પછી હું અમદાવાદ પહોંચું તો પણ કાર્યક્રમની રજૂઆત પર આ મુસાફરીના થાકની અસર થયા વિના રહે નહીં. કાર્યક્રમ પાછો ઠેલવા વિચાર્યું, પણ એ નવરાત્રિ પછી થઈ શકે. બીજી તરફ એક વાર આ કાર્યક્રમ વરસાદને કારણે મુલતવી રહ્યો હોવાથી મારે માથે જાણે કે એક પ્રસંગ નીપટાવવાનો ભાર લાગતો હતો. આથી નક્કી કર્યું કે જે હોય એ, મને માંડવીથી અમદાવાદ પહોંચાડી દેવામાં આવશે, અને અમદાવાદમાં હું કોઈક મિત્રને ત્યાં કલાકેક આરામ કરી શકું એટલો સમય પણ રહે તો રહે.

પણ હસિતભાઈના આયોજનની ઝીણવટ એવી હોય કે તેમના મનમાં સતત કંઈ ને કંઈ ચાલતું રહે. એટલે એમનો ફોન આવ્યો કે વીસમીએ સાંજે કાર્યક્રમ પતાવીને ભૂજથી ટ્રેનમાં વડોદરા આવવા નીકળી જવાનું અમને ફાવે? આમ તો, આ ઉત્તમ ઓફર હતી, પણ અમારો કાર્યક્રમ જ સાંજના સાડા આઠનો હોય તો પછી ટ્રેન પકડવી શી રીતે શક્ય બને? હસિતભાઈ કહે, 'એ શક્ય છે. આપણો કાર્યક્રમ સાડા પાંચે રાખી શકાય એમ છે. અને એ વિકલ્પ ચકાસીને જ તમને પૂછું છું.' હજીય મારા મનમાં અવઢવ હતી, પણ હસિતભાઈએ મારા માટે, મારા કરતાંય વધુ વિચારી રાખેલું. એ કહે, 'તમે નક્કી કરીને મને દસ મિનીટમાં ફોન કરો એટલે ટિકિટ બુક કરાવી લઉં.' અમે હા પાડી એટલે ટ્રેનની ટિકિટ બુક થઈ ગઈ. એ મુજબ અમારે ભુજથી શનિવારે રાતે 10.40ની ટ્રેનમાં નીકળીને રવિવારે સવારે સાડા સાતે વડોદરા પહોંચવાનું હતું. સવારે ઘેર પહોંચી જાઉં તો મને આરામ માટે પૂરતો સમય મળે અને સાંજે હું અમદાવાદ જઈ શકું. આ તો પાછા આવવાની વાત થઈ. પણ માંડવી પહોંચવાનું શું?
અમારે શનિવારે વહેલી સવારે ચાર વાગ્યે નડિયાદથી નીકળવાનું હતું. કુલ અઢાર જણની ટીમ. આ વખતે કામિની પણ સાથે આવવાની હતી. આથી અમે નક્કી કર્યું કે આગલા દિવસે, શુક્રવારે સાંજે હસિતભાઈને ઘેર જ પહોંચી જવું. એ મુજબ અમે પહોંચી ગયા ત્યારે હસિતભાઈએ જણાવ્યું કે નીકળવાના સમયમાં ફેરફાર કર્યો છે, અને હવે આપણે સવારે ત્રણ વાગ્યે નીકળવાનું છે. આનો અર્થ એ કે અમારે બે-સવા બે વાગ્યે જાગી જવું પડે. આ માટે તમામ સભ્યોનું એક વોટ્સેપ ગૃપ બનાવી દેવાયું હતું.
ઉંઘીએ, જાગીએ કે પડખાં ઘસીએ એટલામાં તો એલાર્મ વાગ્યું. અમે તૈયાર થઈને નીચે આવ્યાં એટલામાં વાહન પણ આવી ગયું હતું. કોલેજની વિદ્યાર્થીનીઓના અનેક પ્રવાસોના આયોજન કરી ચૂકેલા હસિતભાઈએ ઝીણી ઝીણી બાબતોની કાળજી રાખી હતી, જેમાં તેમનાં પત્ની પીન્કી અને પુત્ર પર્જન્ય પણ સાથે હતાં. બરાબર ત્રણ વાગ્યે અમે નીકળ્યાં. બે ઠેકાણેથી અમારા સાથીદારોને લેવાના હતા. સંતરામ મંદિરના મુખ્ય દરવાજા પાસેથી અને મીલના દરવાજા પાસેથી. કોણ ક્યાંથી ચડશે એની વિગત સૌએ જણાવી દીધી હતી.
કુલ ત્રણ પ્રસ્તુતિમાં એક હતી 'સરસ્વતીચંદ્ર'માં આવતાં ચૂંટેલાં ગીતોની જીવંત રજૂઆત, જે પૂજા અને અસ્થાના કરવાનાં હતાં. અસ્થાના પ્રજ્ઞાચક્ષુ છે, અને અદ્ભુત કંઠ ધરાવે છે. હિંમતનગરથી એ આગલા દિવસે નડિયાદ આવી ગયેલી. પૂજાનો કંઠ પણ બહુ સુંદર છે. એ અને તેના પતિ મીતને અમારે વરસોળા ચોકડીએથી લેવાના હતા. વાહન ઊપડ્યું ત્યારે હસિતભાઈ પરિવારનાં ત્રણ અને અમે બે એમ કુલ પાંચ સભ્યો હતાં. સંતરામ મંદિર પાસેથી વૈદેહી, તપન, દિવ્યેશ, કેતન અને દીપાલી આવ્યાં. એ પછી મિલ રોડ પરથી નાઝનીન, અલ્ફીના, ફૈઝાન, શેહજાદ અને જય આવ્યાં. સૌ ગોઠવાઈ ગયાં એટલે ગાડી આગળ વધી. અત્યારે તો સૌએ સૂઈ જવાનું હતું. ક્યાંક સહેજ વાતચીતનો અવાજ સંભળાય કે હસિતભાઈ વર્ગશિક્ષકની જેમ ટોકતા અને કડક અવાજે સૂઈ જવા કહેતા, જે બહુ જરૂરી હતું એનો ખ્યાલ દિવસ ઊગતો ગયો એમ આવ્યો.
હસિતભાઈનું પોતાનું વક્તવ્ય અમે પહોંચીએ કે તરત જ એક કલાકમાં હતું. વહેલા જાગવાની ટેવ ધરાવતા હોવાથી તેમણે વક્તવ્યની તૈયારી પ્રવાસ દરમિયાન કરવાનુ રાખેલું. આથી તેઓ ડ્રાઈવરની બાજુની સીટ પર ગોઠવાઈ ગયા અને માથે ટોર્ચ બાંધીને પોતાની અભ્યાસ સામગ્રી કાઢીને તૈયારી કરવા લાગ્યા. તૈયારી કરીને વક્તવ્ય આપતા વક્તાઓની પ્રજાતિ કેટલી દુર્લભ છે એ કહેવાની જરૂર ખરી?
ટોર્ચના અજવાળે, વાહનની
આગલી સીટ પર વક્તવ્યની
તૈયારી કરતા હસિતભાઈ

પીન્કીએ ઘેરથી ગરમ પાણીની બોટલ લીધી હતી અને સાથે સૂંઠનો પાઉડર. અસ્થાના, પૂજા અને નાઝનીનને એ પીવડાવાયું, જેથી એમનું ગળું સરખું રહે. અને તેઓ આ પીવે એની જવાબદારી તપનને સોંપાઈ. અમે સૌ ઝોકાં મારતાં હતાં. એમ ને એમ અમદાવાદનો રીંગ રોડ વટાવીને અમે આગળ વધ્યા. સવાર થવા લાગી હતી, પણ સૌએ ફરજિયાત સૂઈ જવાનો આદેશ હતો, જે બરાબર પળાયો હતો. આઠેક વાગ્યે એક સ્થળે ચા-નાસ્તા માટે ઊતર્યાં. સાથે લાવેલો વિવિધ પ્રકારનો નાસ્તો અને ચા. એ પતાવીને પ્રવાસ આગળ ધપ્યો. હવે બધાં બરાબર જાગી ગયાં હતાં અને વાતો શરૂ થઈ હતી. વચ્ચે વચ્ચે માંડવીથી આયોજક ગોરધનભાઈ કવિ ફોન દ્વારા પૃચ્છા કરી રહ્યા હતા. સતત પ્રવાસ પછી અમે સંસ્થાથી થોડે પહેલાં આવેલી એક હોટેલમાં ભોજન માટે થોભ્યા ત્યારે બપોરનો દોઢ થયો હતો. સૌ જમતા હતા ત્યારે હસિતભાઈ પોતાના વક્તવ્યને આખરી ઓપ આપી રહ્યા હતા. જમીને અમે અઢી- પોણા ત્રણે સ્થળે પહોંચ્યા.

માંડવી જતાં આખી મંડળી

પહેલાં અમારા કામચલાઉ ઉતારે સામાન ગોઠવ્યો. કાર્યક્રમ ચાલુ હતો, એટલે અમે સૌ સ્ટેજ અને તેનાં પ્રવેશદ્વાર જોવા ગયા, જેથી ખ્યાલ આવે કે ભજવણી શી રીતે કરવી. દરમિયાન મેકઅપ માટે જગદીશભાઈ ગોર ભૂજથી આવી ગયા. તેઓ અમુક વીગ અને મૂછો તેમજ મેકઅપ સામગ્રી લેતા આવેલા. છેલ્લી સૂચનાઓ આપી દીધા પછી હસિતભાઈએ કહ્યું, 'હવે હું વક્તવ્ય માટે જાઉં છું. આપણે હવે સીધા ભજવણીમાં જ મળીશું. અબ તુમ્હારે હવાલે.'
અહીં ઊકળાટ અનુભવાતો હતો. બધા સહેજસાજ હળવા થયા પછી ધીમે ધીમે તૈયારી શરૂ કરવામાં આવી. સૌથી પહેલાં 'તમે કલમ મ્યાન કરી'ની ભજવણી હતી. તેમાં પૂજા (કુમુદસુંદરી) અને નાઝનીન (અના કરેનીના)ની મુખ્ય ભૂમિકા હતી. એ ઊપરાંત અલ્ફીના (બટલર), જય (સરસ્વતીચંદ્ર) અને દીપાલી (પ્રવક્તા) નાની ભૂમિકામાં. મુખ્ય મેક અપ અને તૈયારી ચારે છોકરીઓએ કરવાની હતી. છોકરીઓને તૈયાર કરવામાં કામિની જોડાઈ. એકાંકી પછી અસ્થાના અને પૂજાનું ગાયન હતું. એટલે પૂજાએ દોડીને રૂમ પર આવીને કુમુદસુંદરીનો વેશ બદલીને પૂજાનો વેશ ધારણ કરવાનો હતો. ગાયન પછી ગોષ્ઠિની પ્રસ્તુતિ હતી. અના કરેનીના બનતી નાઝનીને ગોષ્ઠિમાં પહેલા પ્રવક્તાની અને એ પછી વિદ્યાર્થીનીની ભૂમિકા કરવાની હતી. ગોષ્ઠિમાં ફૈઝાન, તપન, કેતન, નાઝનીન, અલ્ફીના અને સૌથી નાની એવી વૈદેહી વિદ્યાર્થીઓ તરીકે અને મારે શિક્ષકની અથવા ગોષ્ઠિના સંચાલકની ભૂમિકા કરવાની હતી. આ બધાના દેખાવ, એક જ વ્યક્તિની વિવિધ ભૂમિકામાં જરાય સામ્ય ન રહે એ જોવાનું હતું, જેનાં રીહર્સલ અમે કરી ચૂક્યાં હતાં, અને હવે એનો આખરી સમય આવી ગયેલો. ગોષ્ઠિ પછી વધુ એક વાર અસ્થાના અને પૂજાનું ગાયન હતું. આ તમામ રજૂઆત પહેલાં હસિતભાઈ એની પૂર્વભૂમિકા આપે, જેથી પ્રેક્ષકોને એનો સંદર્ભ પકડાય. અને હસિતભાઈ પૂર્વભૂમિકા આપતા હોય એ દરમિયાન સૌ પોતપોતાના વેશની તૈયારી કરે એવું ગોઠવાયેલું છે. અહીં ફરક એ હતો કે સ્ટેજ ખુલ્લું હતું અને એની સાથે કોઈ ગ્રીનરૂમ નહોતો. આથી સ્ટેજથી બે-ત્રણ મિનીટના અંતરે આવેલા રૂમમાં જવાનું રહેતું. આ બધું ઉચક જીવે પણ બહુ મસ્ત રીતે પાર પડ્યું. દિવ્યેશ કેમેરા પર હતો, તો પર્જન્ય સાઉન્ડ પર. 

દીપાલીના મેકઅપમાં વ્યસ્ત
જગદીશભાઈ અને વીગ પહેરાવવા
માટે મદદમાં કામિની

રજૂઆતની રાહ જોતાં પાત્રો 

પ્રવક્તા દ્વારા પૂર્વભૂમિકા

અસ્થાનાનું ગાયન

પ્રવક્તા દ્વારા ગોષ્ઠિનો પરિચય 

ગોષ્ઠિની મંચ પરથી રજૂઆત
રજૂઆત પછી મંચ પર સમગ્ર ટીમનો પરિચય કરાવતા હસિતભાઈ 

પ્રેક્ષકોએ તમામ રજૂઆતો ખૂબ વધાવી. કાર્યક્રમ પછી ભોજન હતું. કામિની અને હું ફટાફટ ભોજન પતાવીને ભુજ આવવા નીકળવાના હતા. મેકઅપવાળા જગદીશભાઈ અમને ભુજ સ્ટેશને ઉતારવાના હતા. સૌની વિદાય લઈને અમે નીકળ્યાં અને ભુજ પહોંચ્યા ત્યારે સવા નવ થયા હતા. ટ્રેન મૂકાતાં અમે એમાં ગોઠવાયાં અને બીજા દિવસે સવારે વડોદરા આવી ગયા.
અમારા સિવાયની મંડળી બીજા દિવસે વહેલી સવારે નીકળીને માંડવીના સાગરતટે નીકળી. દરિયામાં મજા કરી, ખાધુંપીધું અને આનંદ કરતાં કરતાં સૌ પરત આવવા નીકળ્યા. વચ્ચે વચ્ચે તેઓ અમારી ખબર પણ પૂછતા રહ્યા.

બીજા દિવસે માંડવીના દરિયામાં મંડળી, જેમાં અમે હાજર નહોતાં

સાંજે લગભગ એવું થયું કે હું સ્ક્રેપયાર્ડમાં કાર્યક્રમ આપવા માટે અમદાવાદમાં પ્રવેશ્યો લગભગ એ જ સમયે આ મંડળી અમદાવાદમાંથી બહાર નીકળી.
આમ, આ આખો પ્રવાસ બહુ મજાનો બની રહ્યો. આવા પ્રવાસની ઉપલબ્ધિ એ હોય છે કે એ એકમેકને ઓળખવાની, નજીક આવવાની તક પૂરી પાડે છે, અને પરોક્ષપણે ઘડતર કરે છે. આવા દર પ્રવાસ પછી આપણા સહપ્રવાસીઓ સાથેનું આપણું વર્તન બદલાતું હોય છે, અને એ બહેતર બનતું હોય છે. આ પ્રવાસ નિમિત્તે વિદ્યાર્થીમિત્રોની સાથે આટલો સમય ગાળવાની તક મળી એનો આનંદ જ જુદો છે.

Monday, September 22, 2025

...ફિર ભી રહેગી નિશાનીયાં

આઠેક મહિનાથી જેની તૈયારી ચાલતી હતી, અને ખાસ તો 7 સપ્ટેમ્બર, 2025ના રોજ ઘોષિત કરાયા પછી વરસાદને કારણે મુલતવી રખાયેલો કાર્યક્રમ '...ફિર ભી રહેગી નિશાનીયાં' આખરે 21 સપ્ટેમ્બર, 2025ને રવિવારની સાંજે અમદાવાદના સ્ક્રેપયાર્ડ ખાતે યોજાઈ ગયો. આ વખતે આયોજન એવું ખીચોખીચ હતું કે શનિવાર, 20 મીએ સાંજે માંડવી (કચ્છ) ખાતે સરસ્વતીચંદ્રના સવાસો વર્ષ નિમિત્તે કાર્યક્રમ હતો. (એનો અહેવાલ બાકી) એ પતાવીને પ્રો. હસિત મહેતાએ મને અને કામિનીને ભૂજથી પોણા અગિયારે ઊપડતી ટ્રેનમાં વડોદરા આવી જવાની વ્યવસ્થા કરેલી. આથી રવિવારે સવારે અમે પાછા વડોદરા આવી ગયા. બે દિવસથી અહીં વરસાદ હતો, એટલે રવિવાર માટે અમે સહેજ ચિંતીત હતા. કબીરભાઈ સાથે સતત વાત થતી રહેતી હતી, એટલે છેવટે અમે એ તારણ પર આવેલા કે કોઈક કારણસર વરસાદ આવે તો પણ એટલો બધો આવે એમ જણાતું નથી કે બધું ખોરવાઈ જાય. એ સંજોગોમાં હૉલમાં પણ વ્યવસ્થા કરીશું. છેવટનો નિર્ણય કબીરભાઈ અને તેમની ટીમ સાંજના પાંચ આસપાસ લઈ લેશે. અમે નિર્ધારીત સમય મુજબ બપોરના સાડા ચાર આસપાસ અમદાવાદ જવા નીકળી ગયા. કબીરભાઈએ જણાવેલું કે રજિસ્ટ્રેશન ઘણાં થયાં છે, અને એ ઊપરાંત પણ અનેક મિત્રોએ આવવા જણાવ્યું છે. આ જાણીને આનંદ થયો.


સ્ક્રેપયાર્ડ પહોંચ્યા ત્યારે સ્ક્રેપયાર્ડની ટીમે રાજ કપૂરની ફિલ્મોનાં ગીતો વગાડવાનાં શરૂ કરી દીધેલાં. અમે નાની મોટી વ્યવસ્થાઓ ગોઠવી. જોતજોતાંમાં બહાર લોકો આવવા લાગ્યા હતા. ઘણા બધા મિત્રોની પૃચ્છા હતી કે આમાં રાજકપૂરની ફિલ્મોનાં ગીતોબીતો ગાવાનાં? અમે 'ના' કહીએ એટલે પૂછાતું, 'તો પછી કાર્યક્રમમાં છે શું?' આ સમજાવવું મુશ્કેલ હતું, છતાં અમે શક્ય એટલી ધીરજથી એ કહેવા પ્રયત્ન કરતા.

આર.કે.ની ફિલ્મોના સંગીતપ્રેમીઓની ભરચક હાજરી

કાર્યક્રમ માણવામાં મગ્ન દર્શકો

અંદર પ્રવેશ શરૂ થયો એ સાથે જ અનેક જાણીતા, અજાણ્યા ચહેરાઓ જોવા મળ્યા. જોતજોતાંમાં બેઠકવ્યવસ્થા ભરાઈ ગઈ. ભોંય પર પણ શેતરંજી પાથરવામાં આવી હતી. ત્યાં પણ કેટલાક ગોઠવાયા. કબીરભાઈ દ્વારા સ્ક્રેપયાર્ડ અને તેની પ્રવૃત્તિઓના ટૂંકા પરિચય પછી આખરે '...ફિર ભી રહેગી નિશાનીયાં' કાર્યક્રમ શરૂ થયો. મારા શોખના આ વિષયમાં મારું ઘડતર કરનાર ત્રણ ગુરુઓ- હરીશ રઘુવંશી, રજનીકુમાર પંડ્યા અને નલિન શાહને આ કાર્યક્રમ સમર્પિત કરવો એ તો કાર્યક્રમની સામગ્રી વિશે વિચારતાં પહેલાં નક્કી હતું. ધીમે ધીમે એક પછી એક વિગતો રજૂ થતી ગઈ. રાજ કપૂરની ફિલ્મોના સંગીતનો કાર્યક્રમ હોય, એના ગીતોના પૂર્વસંગીત, સેતુસંગીત અને સમાપનસંગીતનો ખ્યાલ આપવા પૂરતું સંબંધિત ગીતની અડધી કે એક લીટી જ વગાડવી એ કેટલું અઘરું હતું એ મને ખબર હતી. પણ એય સ્પષ્ટ હતું કે કાર્યક્રમનું ફોકસ સંગીત પરથી હટવું ન જોઈએ. અડધી કે એકાદ લીટી વાગે અને દર્શકો એમાં જે તાલ પુરાવે ત્યાં તો એ વાગતી બંધ થઈ જાય એ ખરું જોતાં દર્શકોમાં અળખામણા બની રહેવા માટે પૂરતું હતું. આમ છતાં, રજૂ કરાતા સંગીતના અંશો, તેનો પરિચય, વાદ્યો વિશે વાત- આ બધામાં સૌને રસ પડતો જોઈ શકાતો હતો. દર્શકોમાંથી એકાદ વાર એવી મીઠી માંગ પણ ઉઠી કે 'એકાદ ગીતો તો આખું સંભળાવો!' એમ ન કરવા બદલ દિલગીરી વ્યક્ત કરીને જણાવ્યું કે એ લપસણી ભૂમિ પર જવું નથી. ખરી મઝા જે તે સંગીતના અંશ પછી મળતા દર્શકોના પ્રતિસાદની હતી. કાર્યક્રમ આગળ વધતો ચાલ્યો અને જોતજોતાંમાં ઈન્ટરવલ થયો. આ ટૂંકા બ્રેકમાં અનેક મિત્રો, પરિચીતો, અપરિચીતો મળ્યા. સૌના વર્તનમાં ખુશી જોઈ શકાતી હતી. ઈન્ટરવલ પછી કાર્યક્રમનો બીજો હિસ્સો હતો. એમાં પણ રાજ કપૂર નિર્મિત ફિલ્મોના સંગીતની કેટલીક લાક્ષણિકતાઓ દર્શાવવાનો પ્રયાસ હતો. એના ટાઈટલ મ્યુઝિક સાથે ચપટીઓ વાગતી સંભળાતી, સાથેસાથે એની ધૂન પણ ગણગણાતી કાને પડતી અને ખ્યાલ પણ આવતો કે કેટલા સજ્જ શ્રોતાઓ આવ્યા છે. કાર્યક્રમમાં સામગ્રી જ એટલી બધી હતી કે મારે બીજી આડીઅવળી વાતો માટે અવકાશ જ ન રહે. આપોઆપ જ મુખ્ય વિષય પર કેન્દ્રિત રહેવાય. વચ્ચે વચ્ચે લેપટોપ કનડતું હતું, છતાં મારે શ્રોતાઓની ધીરજના વખાણ કરવાનો વારો આવે એવી સ્થિતિ દર્શકોએ આવવા ન દીધી અને સ્વયંભૂ શિસ્તનો પરિચય કરાવ્યો. એ તેમની એકાગ્રતા અને સંગીતપ્રેમ સૂચવતાં હતાં.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાંની ગડમથલમાં
ઈશાન, કામિની અને સ્ક્રેપયાર્ડની ટીમનો સાવન

કાર્યક્રમના આરંભે કબીરભાઈ દ્વારા
સ્ક્રેપયાર્ડનો ટૂંકમાં પરિચય

કાર્યક્રમની રજૂઆત દરમિયાન

બધું મળીને કાર્યક્રમ સવા ત્રણ કલાક જેટલો ચાલ્યો, જેમાં મધ્યાંતરનો સમય પણ આવી જાય. કાર્યક્રમની આટલી અવધિ છતાં કેટલા બધા પ્રેમીઓ છેક સુધી બેઠા! અનેક મિત્રો મધ્યાંતર પછી વચ્ચે ઉઠીને ગયા પણ ખરા, કેમ કે, મોટા ભાગના ભોજન વિના આવ્યા હોય.
કાર્યક્રમ પૂરો થયા પછી હાજર રહેલા સૌએ આનંદ વ્યક્ત કર્યો.એટલા બધા મિત્રો હતા કે સૌનાં નામ લખું તો પણ અમુક ચૂકી જવાય. આથી એ સૌના આભાર સાથે એ ઉપક્રમ ટાળું છું.

કાર્યક્રમની આટલી લાંબી અવધિ જોતાં એમ પણ વિચાર્યું કે હવે પછી કદાચ આ કાર્યક્રમ યોજીએ તો એને એક નિર્ધારીત સમયમર્યાદામાં સમેટીએ. જોઈએ એ તો.

ગયા વર્ષના ડિસેમ્બરમાં યોજાયેલા 'નમ્બરિયા 2' કાર્યક્રમમાં આ કાર્યક્રમની ઘોષણા કર્યા પછી તેની પર કામ શરૂ કરેલું. એ બધાના અંતિમ પરિમાણ રૂપે કાર્યક્રમ આખરે યોજાયો, અને બહુ સરસ રીતે પર પડ્યો, મિત્રોએ વધાવ્યો એ પછી જાણે કે એક મોટો પ્રસંગ પાર પડ્યો હોય એવું અનુભવાય છે. એ તો બરાબર, પણ આ પ્રકારના, કેવળ સંગીત આધારિત કાર્યક્રમ પણ તૈયાર કરીએ તો પણ લોકો સુધી એ પહોંચી શકે છે એ અનુભવાયું એનો વિશેષ આનંદ.
(તસવીર સૌજન્ય: પરેશ પ્રજાપતિ, સંતોષકુમાર દુબે, ઈશાન કોઠારી)

Sunday, September 14, 2025

મેરે કદમ જહાં પડે...

"આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું. તે સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના પૂર્વજોનું બંધાવેલું હતું. દેવાલયની આસપાસ ફરતો ફરસબંધી ચોક હતો અને તેની આસપાસ છાપરીવાળી ઓસરી હતી. ઓસરીમાંથી પછીતમાં એક બારી પડતી હતી, તેની પાછળ એક વાડો હતો જેમાં મહાદેવને ઉપયોગમાં આવે એવાં ફળફૂલના છોડ તથા બીલીનું એક વૃક્ષ હતું. જમણી બાજુએ એક નાનું સરખું આરાવાળું તળાવ હતું જેનું નામ રાજસરોવર રાખેલું હતું. દેવાલયની સામી બાજુએ એક કૂવો પણ હતો."

(સુવર્ણપુરનો અતિથિ, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
"મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો, અને એવાં એવાં કુલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સુતળીનો ભરેલો ઉંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ પડ્યો રહેતો, તેમાં એકલો હોય ત્યારે તે ચત્તો સુતો સુતો કઠોર ગાયન કરતો અથવા અશુદ્ધ શ્લોક ગાતો."
(વાડામાં લીલા, સરસ્વતીચંદ્ર, ભાગ 1)
સર્જક કોઈક કાલ્પનિક વિશ્વ રચે ત્યારે તેમાં ઘણી વાર તેના સ્વાનુભવો પડઘાતા જોવા મળે છે. એમ થવું અનિવાર્ય નથી, પણ એમ થવાની શક્યતા પૂરેપૂરી રહે છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની મહાનવલ 'સરસ્વતીચંદ્ર' સંપન્ન થયાનું આ સવાસોમું વર્ષ ચાલી રહ્યું છે. ત્રણેક વર્ષથી હું નડિયાદના 'ગોવર્ધનરામ સ્મૃતિમંદિર' સાથે સંકળાયો છું. (અહીં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે એક વારમાં લખી શકાય એમ નથી. એ ઉપક્રમ ફરી ક્યારેક). આ સ્થળ એટલે ગોવર્ધનરામનું નિવાસસ્થાન. અહીં તેમણે બાલ્યાવસ્થા તેમજ ઉત્તરાવસ્થા ગાળી હતી. 'સરસ્વતીચંદ્ર'નો ચોથો ભાગ તેમણે આ જ મકાનમાં લખેલો. આ કૃતિને ઘોળીને પી ગયા છે એવા મિત્ર પ્રો. હસિત મહેતા અવારનવાર આ મકાન અને તેના આસપાસના સ્થળોનો 'સરસ્વતીચંદ્ર'માં અપાયેલો સંદર્ભ આપતા હોય છે. પ્રો. નીરજ યાજ્ઞિક પણ આ સમગ્ર બાબતે જાણકાર. શબ્દશ: નહીં, પણ ગોવર્ધનરામે અમુક દૃશ્યો લખ્યાં ત્યારે તેમના મનમાં કયું લોકેશન હશે એનો કંઈક અણસાર આ રીતે મળતો રહે છે.
'ગોવર્ધનરામ સ્મૃમંદિર'નું મુખ્ય પ્રવેશદ્વાર નાગરવાડામાં આવેલી ઝગડીયા પોળ તરફથી છે. તો તેનું પાછલું બારણું વ્યાસફળિયામાં પડે છે. અહીંથી એક નાનકડો રસ્તો સંતરામ મંદિર તરફ નીકળે છે. પણ એ પહેલાં મહાદેવનું એક મંદિર આવે છે, અને ત્યાંથી પગથિયાં ઊતરીએ કે એક તળાવ છે. તળાવ જાળવણીની આપણી પરંપરા અનુસાર તેમાં નકરો કચરો ઠલવાયેલો છે અને ગંદકીનું ઘર છે. આ તળાવનું નામ 'મલાવ તળાવ'. ગોવર્ધનરામ અહીં વાંચવા કે ટહેલવા માટે આવતા હતા. હજી આજે પણ આ વિસ્તારમાં પાંખી અવરજવર જોવા મળે છે, તો સવાસો દોઢસો વરસ પહેલાં આ સ્થળ કેવું રમણીય હશે એનો કંઈક અણસાર મળી રહે છે.

મલાવ તળાવથી આ પગથિયાં ચડીએ એટલે મહાદેવ
આવે, અને એ પછી થોડાં ડગલાં ચાલતાં
ગોવર્ધન સ્મૃતિમંદિર પહોંચાય.

ક્યારેક મારે કાર લઈને નડિયાદ આવવાનું થાય, યા કારમાં કોઈક મુલાકાતી આવે અને તેમને કાર પાર્ક કરવાની હોય તો આ તળાવ આગળ કાર પાર્ક કરાવીએ છીએ. અને તળાવના પરિચયથી જ 'ગોવર્ધનતીર્થની યાત્રા'નો આરંભ થાય છે. એ નાનકડું મહાદેવ પણ મસ્ત છે.
સરસ્વતીચંદ્ર'ના ભાગ 1ના બે પ્રકરણમાં તળાવ અને મહાદેવનું જે વર્ણન કરાયું છે એ આ સ્થળને ઘણું મળતું આવે છે. અહીંથી જેટલી પણ વાર પસાર થવાનું બને ત્યારે એ વિચારે રોમાંચ થાય છે કે ક્યારેક ગોવર્ધનરામનાં પગલાં અહીં પડ્યાં હશે.

વર્ષના બાકીના મહિનાઓમાં મલાવ તળાવ

વરસના બાકીના મહિના કચરાના ઢગ જેવું બની રહેલા આ મલાવ તળાવનું ચોમાસાનું સૌંદર્ય જોવા જેવું છે. આપણે આપણા કામની ન હોય એવી તમામ ચીજોને 'નકામી' માની લઈએ છીએ, પણ અત્યારે પાણી પર પથરાયેલી લીલ તળાવને કેટલું અદ્ભુત સૌંદર્ય બક્ષે છે!

ચોમાસામાં મલાવ તળાવનું સૌંદર્ય

Saturday, September 13, 2025

ફરી પાછી 'દાદા'ગીરી શરૂ

એક વડદાદાના વિસર્જનની કથા અહીં વાંચ્યા પછી તેની અપડેટ આપવી જરૂરી બની રહે છે. (અહીં આપણા પત્રકારત્વમાં ફોલો અપ સ્ટોરીઝનો કેટલો અભાવ છે એ લખવાનું ટાળ્યું છે)

રાતનો વરસાદ માણ્યા પછી
પ્રસન્ન મુદ્રામાં વડદાદા
વડના મૂળની આસપાસ લગાવેલી પ્લાસ્ટિકની કોથળીને દૂર કરીને માટી તપાસતાં એમાં શંખ, પથ્થર વગેરે જણાયાં. એ શંખની અંદર કીડી કે કીડાનાં ઈંડાં હતાં. આ ઈંડાંમાંથી કેક યા ઓમલેટ બની શકે એમ ન હોવાથી એ અમારે ખપનાં નહોતાં. (અહીં વકરેલી ઊપભોક્તાવાદી માનસિકતા અને 'યુઝ વિધાઉટ થ્રો'ના વલણ અને એના વિશે મારા વિચારો લખવાનું ટાળું છું) પહેલાં તો નળના પાણીમાં આ આખી માટી ધોઈને સાફ કરવામાં આવી. એને કારણે મૂળ ખુલ્લા થયાં. આ વડના કદને અનુરૂપ કુંડૂં પણ હોવું જોઈએ. અત્યારે એ હાથવગું નહોતું. આથી ફાઈકસ ઊગાડેલા એક કૂંડામાંથી ફાઈકસને બહાર કાઢ્યું. એને માનભેર અન્ય પાત્રમાં રોપ્યું. એ પછી નવી માટી, ખાતર અને થોડી જૂની

માટી વડે એ કૂંડાને ભર્યું. આમ, બેઠક તૈયાર થયા પછી એમાં એ વડનું સ્થાપન કર્યું. પાણી રેડીને માટી બેસાડવાની જરૂર વરતાતી હતી, પણ રસોડામાં તળી રાખેલી પાપડીઓની હવાઈ ગયેલી સ્થિતિ પરથી હવામાં ભેજ કેટલો હશે અને ક્યારે વરસાદ પડશે એનું અનુમાન અમે કર્યું. (અહીં 'ભારતીય જ્ઞાનપ્રણાલિ' એટલે કે 'આઈ.કે.એસ.'ની સચોટતા અને મહાનતા વિશે લખવાનું ટાળ્યું છે) વડને નવેસરથી ગોઠવીને અમે અમારા કામે લાગ્યા. (અમે કેવાં કેવાં કામમાં વ્યસ્ત રહીએ છીએ અને એમ કરીને અમે સમાજ પર કેવો ઊપકાર કરીએ છીએ એની લાંબી યાદી લખવાની ટાળી છે.) હવાઈ ગયેલી પાપડીના આધારે કરાયેલું અનુમાન સચોટ ઠર્યું અને રાતના ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત સુધી ચાલ્યો. (મોડી રાત સુધી જાગીને લખવા-વાંચવાના ફાયદા લખવાનું ટાળ્યું છે.) સવારે જાગીને અમે બહાર જોયું તો વડદાદા એકદમ મસ્ત રીતે કુંડામાં સ્થાપિત થઈ ગયા હતા. આ લખાય છે ત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે, અને વડદાદા એને માણી રહ્યા છે. (અહીં જે લખવાનું ટાળ્યું છે એ વાંચનારની કલ્પના પર છોડવામાં આવે છે)

કોથળી હટાવ્યા પછી

મૂળ આસપાસના ભાગની સફાઈ

સફાઈ પછી

હવે આ વડને પાંદદાં ફૂટશે, વડવાઈઓ નીકળશે, ભલું હશે તો એની ડાળે હીંચકો બાંધવામાં આવશે, અને વાંદરાં પણ કૂદાવવામાં આવશે. જેવો વડનો વિકાસ અને જેવો અમારો બોન્
સાઈપ્રેમ!

ચરોતરમાં બહુ તોફાની વ્યક્તિ માટે કહેવાય છે કે, 'એ તો વડનાં વાંદરા પાડે એવો છે.' વધુ પૈસા આવશે તો 'વડના વાંદરા પાડવાનો', 'વડ પરથી પાડેલાં વાંદરા પાછા ગોઠવવાનો', 'વાંદરા પાડવાનું મેનેજ' કરવાનો' વગેરે જેવા કોર્સ ધરાવતી યુનિવર્સિટી પણ ખોલવાનું વિચારણા હેઠળ છે. (અહીં ફરી એક વાર 'ભારતીય જ્ઞાન પ્રણાલિ' અને તેની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા વિશે લખવાનું ટાળું છું) આમ, કોઈકના દ્વારા વિસર્જિત કરાયેલા વડદાદા હવે માનભેર સ્થાપિત થયા છે. આ વડના રૂબરૂ દર્શનાર્થે આવનારા ભાવિક ભક્તો દ્વારા તેમજ શ્રદ્ધાળુઓ દ્વારા મૂકાતી ભેટ સ્વીકારાય છે. ભેટ મૂક્યા પછી પહોંચ મેળવી લેવાનો ખાસ આગ્રહ રાખવો એવી વિનંતી.

Saturday, September 6, 2025

દાદાનું વિસર્જન અને પુન:સ્થાપન

અમારા ઘરના બગીચાની દેખરેખ કામિની કરે છે. પૂજામાં બેઠેલી પત્નીના હાથને કેવળ 'હાથ અડકાડવાથી' પત્નીના પુણ્યકાર્યમાં સહભાગી થઈ જવાય છે. એ ન્યાયે મારે પણ એનાં ઉછેરેલા છોડ ધરાવતાં કુંડાને ફક્ત 'હાથ અડકાડવાનો' એટલે કે જરૂર મુજબ ખસેડી આપવાનાં હોય છે. મારા આ પુણ્યકાર્યમાં એ પણ સહભાગી બને છે. ઘેર ઉછેરેલાં ઘણા ઝાડ (બોન્સાઈ) અને અન્ય વનસ્પતિની રસપ્રદ કહાણી હોય છે, પણ અમે કોઈને એ કહીને 'બોર' નથી કરતાં. એમ કરવા માટે મારી લેખનપ્રક્રિયા, કામિનીએ બનાવેલી દાળભાત, રોટલી કે શાક, કાચા શાકના સલાડ જેવી કોઈક વાનગીની રેસિપી જણાવવા જેવા અનેક સરળ ઊપાયો હાથવગા અને પૂરતા છે. પણ બાગાયતને કારણે હવે અમારી નજર બદલાઈ છે. કોઈ તૂટેલા પાત્રમાં કૂંડું નજરે પડે, તો ક્યાંક ઊગી નીકળેલા છોડમાં બોન્સાઈની શક્યતા!

ગઈ કાલે વરસાદી માહોલમાં સવારના અગિયારેક વાગ્યે અમે બન્ને નડીયાદ જવા નીકળ્યા. (હું નડીયાદ શા માટે જાઉં છું અને ગોવર્ધનરામ સ્મૃતિમંદિર કેટલું અદ્ભુત સ્થળ છે એ વર્ણન હું ટાળું છું. સ્વાભાવિક છે કે કઈ કાર હું વાપરું છું એ પણ નથી લખ્યું.)
એક રસ્તે અમે કાટખૂણે વળાંક લીધો અને આગળ વધ્યા કે કામિની કહે, 'અરે, ત્યાં એક વડ પડેલો હતો!' કાર ધીમી હતી, પણ અમે સહેજ આગળ નીકળી ગયેલા. (હું કેવું સુંદર ડ્રાઈવિંગ કરું છું એનું વર્ણન ટાળું છું.) મેં પૂછ્યું, 'ક્યાં હતો? કઈ સ્થિતિમાં હતો?' તેણે વિગત જણાવી અને કહ્યું, 'લાગે છે કે કોઈકે એને ફેંકી દીધો હશે.' અમારા બન્નેનું વનસ્પતિપ્રેમી હૃદય દ્રવી ઉઠ્યું. (અહીં મને કયો શેર યાદ આવ્યો એ લખવાનું ટાળું છું) મેં પૂછ્યું, 'આગળથી યુ-ટર્ન લઈ લઉં?' પહેલાં કોઈ પણ બાબતે યુ-ટર્ન લેવામાં અમને સ્વમાન, સ્વાભિમાન, દેશાભિમાન વગેરે નડતાં હતાં, પણ ગૂગલ મેપના ઊપયોગને કારણે હવે યુ-ટર્ન લેવો એવી જ સાહજિક ઘટના બની રહી છે જેમ મોસમ વિભાગની આગાહી ખોટી પડે. પણ કામિનીએ કહ્યું, 'આપણે રાત્રે પાછા આવીએ ત્યારે યાદ રાખીને અહીં ઊભા રહીશું.' આમ તો, રસ્તે ત્યજી દેવાયેલી કોઈ કિંમતી ચીજવસ્તુ આઠ દસ કલાક પડી રહે, કોઈ એને લઈ ન જાય એ અશક્ય છે, પણ અમને આપણા દેશમાં પુન: સ્થપાઈ રહેલી સાંસ્કૃતિક ગર્વની ભાવના તેમજ સ્વચ્છતા અભિયાનની સાર્થકતા પર વિશ્વાસ, બલ્કે અંધ વિશ્વાસ હતો કે એ વડ સાંજ સુધી એમનો એમ જ પડ્યો રહેશે.
વિસર્જિત થયેલા વડદાદા
નડિયાદ પહોંચીને અમે એક જ ઉદગમસ્થાનેથી નીકળેલી બે નદીઓ પોતપોતાની રાહે ફંટાય એમ પોતપોતાનાં સ્થાને અને કામે વળી ગયાં. સાંજ પડ્યે વળી પાછા, એ બે નદીઓનો સંગમ રચાય એમ અમે ભેગાં થયાં અને વડોદરા તરફની વળતી મુસાફરી આરંભી. (આપ સમજી શકશો કે અહીં મેં શું શું લખવું ટાળ્યું છે) ઝરમર વરસાદ આખે રસ્તે હતો. (પણ એકે વરસાદી ગીત યાદ નહોતું આવ્યું.) આખરે અમે વડોદરામાં પ્રવેશ્યાં. અમને યાદ હતું કે અમારે પેલા વડ પાસે જવાનું હતું. રાતના આઠેક વાગ્યા હોવાથી ઠીક ઠીક અંધારું હતું, પણ એ વડ મળી ગયો. સવારે અમે એ વડના ત્યાં જ રહેવા બાબતે આપણી સંસ્કૃતિમાં વ્યક્ત કરેલી શ્રદ્ધા અને વિશ્વાસ સાચાં પડ્યાં એ બાબતે ગર્વ અનુભવ્યો. વડોદરામાં સતત વરસાદ પડી ગયેલો, પણ એ સમયે અટકેલો. આથી કીચડ ખૂબ થઈ ગયેલો. રોડને કિનારે કાર ઊભી રાખીને કામિની સીધી એ વડ પાસે પહોંચી ગઈ. દરમિયાન મેં નીચે ઊતરીને ડીકી ખોલી દીધી. એ વડને ડીકીમાં મૂકીને અમે ઘેર લઈ આવ્યાં અને ઘેર આવ્યા પછી એને બહાર ખુલ્લામાં મૂક્યો. આખી રાતના ઝરમર વરસાદમાં તેણે સ્નાન કર્યું. સવારે એ વડનાં દર્શન કર્યાં અને દિલ ખુશ થઈ ગયું. કોઈકે એ વડ ઉછેરેલો હોવાનું સ્પષ્ટપણે જણાતું હતું. એની પર વીંટાળેલા ધાગા જોઈને એ પણ ખ્યાલ આવતો હતો કે વટસાવિત્રી નિમિત્તે પણ કોઈકે એની પૂજા કરી હશે. પણ એ પછી એને કેમ આમ ફેંકી દીધો હશે? કામ પતી ગયું હશે એટલે? કે પછી કોઈક વાસ્તુશાસ્ત્રી કે કર્મકાંડીએ કહ્યું હશે એટલે? અમને યાદ આવ્યું કે થોડા સમય અગાઉ અમારા એક પરિચીત અમારી પાસેથી માગીને પીપળાનું બોન્સાઈ લઈ ગયેલા. (આ વાંચીને પ્રેરાવું નહીં. કેમ? એ જાણવા આગળ વાંચો) થોડા સમયમાં જ તેઓ અમને એ રંગેચંગે પાછું આપી ગયા. કહે, 'અમને તો ખબર નહીં, પણ દાદાએ કહ્યું કે આના મૂળમાં એક્સ દેવતાનો વાસ છે, પાંદડામાં વાય દેવતાનો વાસ છે, ફળમાં ઝેડ દેવતાનો વાસ છે. એટલે એને ઘરમાં ન રખાય.' આટલે સુધી તો બરાબર હતું. અમને આ માહિતી જાણીને નહીં, પણ પીપળો પાછો આવ્યો જાણીને (પીપલીયા વસ્તાવૈયા) બહુ આનંદ થયો.
વટસાવિત્રી વખતે કરાયેલી પૂજા?
એ પછી તેમણે કહ્યું, 'દાદાએ કહેવડાવ્યું છે કે તમેય તમારા ઘરમાંથી બધા પીપળા કાઢી નાખજો.' મારા મોંએ દલીલ આવી ગઈ કે પીપળામાં આટલા બધા દેવતાનો વાસ હોય તો એને કાઢી નખાય કે રખાય? પણ ભક્ત આગળ, આઈ મીન શ્રદ્ધાળુઓ આગળ દલીલ કરવી નહીં, એટલે કે આપણે જે કરતા હોઈએ એ દલીલ વિના જ કર્યે જવું એવી જે શીખ છેલ્લા બે દાયકાથી મનમાં પાળી છે એનું અમે પાલન કર્યું.
આમ, કોઈકે જેનું વિસર્જન કરી દીધેલું એવા 'વડદાદા'ને અમે અમારા ઘેર લઈ આવ્યા છીએ, અને હવે યોગ્ય 'પાત્ર'માં એમનું પુન:સ્થાપન કરવામાં આવશે. એ વખતે ફરી એક વાર એ વિધિની જાણ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓએ પોતપોતાને ભાવતો પ્રસાદ કલ્પીને પોતાને ઘેર જ બેસીને ખાઈ લેવો.
ઈતિશ્રી પ્રથમ અધ્યાય ઓફ દાદાપુરાણ સમાપ્ત!