- બીરેન કોઠારી
આજે રેખાકાકીનો જન્મદિવસ છે. ઉર્વીશને અને મને નજીકથી જાણતા અમારા મોટા ભાગના મિત્રો એટલું જાણતા હોય કે મુંબઈ જઈએ ત્યારે અમારો ઊતારો એમને ત્યાં હોય છે. એમાંનું કોઈક ક્યારેક અમારી સાથે કે અમને મળવા મુંબઈમાં એમને ઘેર એકાદ વાર પણ આવ્યું હોય તો એ કદી રેખાકાકીને ભૂલી ન શકે. (ઉદાહરણ તરીકે અભિષેક, બિનીત મોદી, અજય પરીખ વગેરે) આમ થવાનું કારણ રેખાકાકીનું હૂંફાળું અને પ્રેમસભર આતિથ્ય.
પણ પહેલાં એમની સગપણે ઓળખાણ. થોડા દિવસ અગાઉ મારી પિતરાઈ પૌલાનો પરિચય લખેલો. (એ પરિચય અહીં વાંચી શકાશે.)
રેખાકાકી એટલે પૌલાનાં મમ્મી. એ જ રીતે મારા પપ્પાના મસિઆઈ ભાઈ શૈલેષકાકાનાં પત્ની. પોતાના પિતાજી ડાહ્યાભાઈ પરીખની બેન્કની નોકરીને કારણે આણંદ, નડિયાદ, અમદાવાદ જેવાં નગરોમાં વસવાટ અને એ પછી લગ્નને કારણે મુંબઈ વસ્યા પછી રેખાકાકીમાં મુંબઈનો અસલી મિજાજ જોવા મળે.
પૌલાના પરિચયમાં જણાવેલું એમ, અગાઉ અમે જ્યારે પણ મુંબઈ આવતા ત્યારે મારા સગા કાકા સુરેન્દ્ર કોઠારીને ત્યાં ઊતારો રહેતો. અહીંથી એકાદ સાંજનો અમારો કાર્યક્રમ 'માસીને ત્યાં' (મારા પપ્પાના માસી સરલાબહેન એટલે કે અતિમાસી) જવાનો રહેતો. એવે સમયે પણ રેખાકાકી અમારી જે મહેમાનગતિ કરતાં એ જોઈને નવાઈ લાગતી. પહોંચીએ એટલે કોઈક ગરમ નાસ્તો, સાથે ચા, એ પછી ભોજનમાં પણ ઘણું બધું અને છેલ્લે આઈસક્રીમ. અમે મહેમદાવાદથી આવ્યા હોઈએ એટલે અમારા હાથમાં 'કવર' પણ મૂકી દેતાં. અલબત્ત, અમારી આવી મુલાકાત એક જ વારની રહેતી.
એ પછી એક વાર અમારાં સગા કાકી પુષ્પાકાકીને કોઈક સર્જરી કરાવી. તેમની સંભાળ લેવા કેટલાંક સગાંએ એમની સાથે રોકાવું જ પડે એમ હતું. અને અમારી પહેલવહેલી 'મુંબઈયાત્રા' અમે એ જ અરસામાં ગોઠવેલી. અગાઉ અમે મુંબઈ આવતા, પણ ઉર્વીશ અને મેં આ મુલાકાત જુદા જ કારણસર ગોઠવેલી. પુષ્પાકાકી રહેતાં એ ઘર નાનું, થોડાં સગાં આવેલાં, અને એમાં અમે બન્ને જણનો ઉમેરો થાય તો રહેવાની ઘણી તકલીફ પડે એ સ્વાભાવિક છે. એવે સમયે પૌલાએ આગ્રહપૂર્વક કહેવડાવ્યું કે અમે મુંબઈની મુલાકાત રદ ન કરીએ અને એમને ત્યાં અમારો ઊતારો રાખીએ. પૌલા સાથે એટલા સમયમાં અમારે મિત્રતા થયેલી એટલે અમે એ માન્ય રાખ્યું.
નક્કી કર્યા મુજબ, અમે પહેલાં સાન્તાક્રુઝ પહોંચ્યા. ત્યાં બધાંને મળીને પછી શૈલેષકાકા- રેખાકાકીને ત્યાં પહોંચ્યા. એમના ફ્લેટની રચના એવી છે કે રેખાકાકી રસોડામાં હોય તો બહારથી આવનાર એમની નજરે પડે. એ બારીમાંથી જ કાકીનો આવકાર આપતો અવાજ સંભળાયો, 'આવો આવો ભાઈ. આવી ગયા?' ત્યારથી લઈને આજ સુધી કાકીના આવકારના રણકામાં કશો ફેર પડ્યો નથી.
ખેર, અમે અંદર પ્રવેશ્યા. પણ અંદરનું દૃશ્ય જોઈને ઓર મૂંઝાયા. ફ્લેટના વિશાળ ખંડમાં કેટલા બધા લોકો હતા! રેખાકાકીનાં મમ્મીપપ્પા ડાહ્યાભાઈ અને આનંદીબહેન, એમનાં બહેન દક્ષાબહેન અને દીકરી નિયતિ, ભત્રીજો સૌરીન, મુંબઈ રહેતાં કાકીનાં બહેન રીટાબહેન, એમની દીકરીઓ ઋજુતા અને શીતલ. આ ઊપરાંત મારા પપ્પાના પિતરાઈ (મામાનો દીકરો) નરેન્દ્રકાકા અને એમનો દીકરો આશિષ. આ સૌ અહીં વેકેશન ગાળવા આવેલા. એક ક્ષણ અમને થયું કે અરે! આટલા બધામાં અમારા બેનો ઊમેરો? અમે નરેન્દ્રકાકા અને આશિષ સિવાય બાકીનાં સૌને પહેલી વાર જ મળી રહ્યા હતા. પણ રેખાકાકી જેમનું નામ! એમણે અમને એટલા પ્રેમ અને હૂંફથી આવકાર્યા, સૌ સાથે પરિચય કરાવ્યો અને જણાવ્યું કે અત્યારે સૌથી પહેલાં આપણે બહાર જમવા જવાનું છે.
અમે જૂની ફિલ્મોના કલાકારોને મળવાનો મક્સદ લઈને ગયેલા. મુંબઈ રહેતા સગાંને ત્યાં આ હેતુથી ઘણા લોકો આવતા હોવાથી એની નવાઈ ન હોય. પણ કાકીએ રસપૂર્વક પૂછ્યું, 'કોને કોને મળવાના છો?' અમારા માટે આમ ગંભીર, પણ અન્યને કદાચ બાલીશતા લાગે એવો અમારો હેતુ હતો, પણ કાકીએ એને આવું મહત્ત્વ આપ્યું એ જોઈને આનંદ થયો.
આટલા બધા સગાં આવેલાં હોવા છતાં રેખાકાકી જે ઉત્સાહ અને ઉમંગથી આતિથ્ય કરતાં એ આશ્ચર્ય પમાડતું. અધૂરામાં પૂરું બીજાં કેટલાંક સ્નેહી કે મિત્રોને પણ એમણે પોતાને ત્યાં નિમંત્રેલા અને નાનકડું 'ગેધરિંગ' યોજેલું. અમારા માટે અજાણ્યા એવા મોટા ભાગના લોકો હોવા છતાં અમને એકલું ન લાગે કે અમે એકલા ન પડી જઈએ એનું ધ્યાન કાકા, કાકી અને પૌલા- સૌ રાખતાં. હજી અમારી કશી સ્વતંત્ર ઓળખ ઊભી થઈ નહોતી. આજે વિચારતાં લાગે કે એ કેવડી મોટી વાત હતી કે ગામથી આવેલા, સગપણમાં દૂરના ભત્રીજાઓને આટલા પ્રેમ અને વિવેકથી સૌની સાથે પરિચીત કરવા! જૂની ફિલ્મોના એક અભિનેતા સુશીલકુમાર શૈલેષકાકાના ક્લાયન્ટ હતા. (શૈલેષકાકા અને એમના પિતાજી કાંતિલાલમાસા બન્ને સોલિસીટર હતા.) અમે એમની સાથે નિરાંતે વાતચીત કરી શકીએ એ માટે રેખાકાકીના આગ્રહથી શૈલેષકાકાએ એમને પોતાને ઘેર જ નિમંત્રેલા. એ દૃશ્ય પણ મઝાનું હતું. એક ફિલ્મ કલાકાર આવેલા એટલે પહેલાં સૌ કુતૂહલથી એમની આસપાસ ગોઠવાઈ ગયાં. ધીમે ધીમે વાતો શરૂ થઈ, અને એમાં અમે ઊંડા ઊતરતા ગયા એમ 'બિછડે સભી બારી બારી' થતું ગયું. એમ ને એમ રાતના બાર થયા. હવે અમારી વાતોનો પણ છેડો આવ્યો હોય એમ લાગતું હતું, પણ સુશીલકુમાર કદાચ વરસો પછી પોતાની કારકિર્દી વિશે કોઈકને કહી રહ્યા હતા એટલે બરાબર રંગમાં આવી ગયેલા. છેવટે રેખાકાકીએ એમને જ સૂઝે એવી તરકીબ કરી. અંદરના રૂમમાંથી સૌરીન આવ્યો અને શૈલેષકાકાના કાનમાં કશુંક કહી ગયો. સુશીલકુમારે વાત કરતાં સહેજ 'પૉઝ' લીધો કે કાકા કહે, 'રેખાએ કહેવડાવ્યું છે કે રાતે તમે અહીં જ રોકાઈ જજો. અત્યારે પાછા સાન્તાક્રુઝ ન જતા.' ત્યારે સુશીલકુમારે ઘડિયાળ જોઈ અને તેમને સમયનું ભાન થયું. તેમણે સૌજન્યપૂર્વક જવાની રજા માગી, જે આપવા અમે પણ રાજી હતા.
આઠ-દસ દિવસનું અમારું એ રોકાણ બહુ યાદગાર બની રહ્યું. ખાસ તો, એ દરમિયાન જોયેલી- અનુભવેલી કેટલીય બાબતો અમે જીવનમાં અપનાવી શક્યા.
મારા સગા કાકા પછી મુંબઈ છોડીને મહેમદાવાદ આવી ગયા એટલે હવે શૈલેષકાકાનું ઘર અમારું મુંબઈ ખાતેનું રોકાણ બન્યું. શૈલેષકાકાએ વિદાય લીધા પછી પણ રેખાકાકીની બદૌલત એ સિલસિલો ચાલુ રહ્યો છે.
એમની સક્રિયતા ગજબની. એમને સૌથી વધુ શોખ જમવા-જમાડવાનો. એમને ઘેર જઈએ એટલે તેઓ અમારી સામે જે વિકલ્પ મૂકે એનાથી અમે ચકિત થઈ જઈએ અને કહીએ કે એવી કશી જરૂર નથી. પણ કાકી અવનવી વાનગીઓ બનાવે, અને ગરમાગરમ જમાડે. એનો પણ એક રમૂજી કિસ્સો છે. એક વાર મારા પરિવાર સાથે હું મુંબઈ ગયેલો. કાકાને ત્યાં જ ઊતારો. મારાં સંતાનો નાનાં હતાં. સવારે રેખાકાકીએ ઈશાનને નાસ્તાના વિકલ્પો પૂછ્યા. ઈશાને ભોળા ભાવે પૂછ્યું, 'પણ કાકી, ચા મળશે ને?' જે નિર્દોષતાથી એણે પૂછેલું એ જોઈને સૌ હસી પડ્યાં. એ પછી આ મજાક અમારું કાયમી સંદર્ભબિંદુ બની ગઈ. આજે પણ કાકીનો ફોન આવે તો પૂછે, 'ચાવાળો ભાઈ શું કરે છે?"
રેખાકાકી અને શૈલેષકાકાની પ્રકૃતિ આમ વિપરીત. કાકીને વાતો કરવા જોઈએ, જ્યારે કાકા એકદમ મિતભાષી. કાકા મજાકમાં કહેતા, 'હું (સોલિસીટર હોવાથી) બોલવાના પૈસા લઉં છું.' પણ બન્નેને સ્નેહમિલન ખૂબ ગમે. પોતાને ઘેર અવારનવાર યોજે. એમાં ઘણી વાર એમ બને કે બધા કાકાને પત્તાં રમવા કે હાઉસી રમવા જેવી સામૂહિક પ્રવૃત્તિમાં જોડાવાનો આગ્રહ કરે. પણ કાકાને એ ન ગમે. મિત્રવર્તુળ દ્વારા બહુ આગ્રહ થાય ત્યારે કાકાનો જવાબ: 'હું તમને કદી 'રિડર્સ ડાયજેસ્ટ' વાંચવાનો આગ્રહ કરું છું?' કાકાએ એક વાર અમને 'રિડર્સ ડાયજેસ્ટ'નું વાર્ષિક લવાજમ ભેટમાં આપેલું. (એ પછી પૌલાએ અમેરિકામાં અમારા માટે 'મૅડ'નું વાર્ષિક લવાજમ ભરેલું.)
કાકી સામાજિક રીતે બહુ સક્રિય. વિવિધ મંડળો સાથે જોડાયેલાં. એમનાં અનેક સંપર્કો. કાર્યક્રમનું આયોજન હોય કે સંચાલન, કાકી એમાં ઊલટભેર જોડાય. વખત અગાઉ ઈન્ગ્લેન્ડથી આવેલા મારાં કાકા-કાકી હોય કે મારી દીકરી શચિનું લગ્ન હોય, આવેલાં સૌને મનોરંજક રીતે જોડાયેલા રાખવાનું આયોજન અમે કાકી સાથે કરીએ અને એ 'હીટ' જ હોય. કાકી પોતે સારો અવાજ ધરાવે છે. એ અને પૌલા ઘણા કાર્યક્રમોમાં ગાવા પણ જાય. આથી શચિના લગ્નમાં એક વાર અમે એવું આયોજન વિચારેલું કે 'ઈચકદાના બીચકદાના' ગીતની શૈલીએ, એ તરજમાં મારા મિત્રો અને કેટલાંક સગાંઓની ખાસિયતને લગતાં જોડકણાં કાકી અને પૌલા પાસે ગવડાવવાં. એ દરેક પછી કાકી પૂછે, 'બોલો કોણ?' અને ટોળું જવાબ આપે. અહાહા! એમાં જે મજા આવી છે! અમારા સૌની બરાબર ખિંચાઈ કરતાં જોડકણાં અમે સાથે બેસીને લખ્યાં, 'ઈચકદાના' ગીતના મીટરમાં બેસાડ્યા અને કાકી-પૌલાની જોડીએ ગાયાં. એમાં મારાં મમ્મીની વાત પણ હોય. ઈશાનનો ચાવાળો કિસ્સો હોય, મારી અમુક રમૂજનો ઉલ્લેખ હોય. છેલ્લે અમે પણ એમની ખિંચાઈ કરતું જોડકણું લલકાર્યું.
આમ, રેખાકાકીની હાજરી હોય એટલે વાતાવરણ જીવંત બની જાય. એક તો એમનો પોતાનો મોટો અવાજ, ખુલીને હસવાની આદત, અને સૌ સાથે હળીમળી જવાનું વલણ- આ બધું ભેગું થાય એટલે પૂછવું જ શું!
![]() |
મહેમદાવાદની એક મુલાકાત દરમિયાન ગપ્પાંગોષ્ઠિ (ડાબેથી) સોનલ, રેખાકાકી, મમ્મી, કામિની અને બીરેન (ઉર્વીશ કેમેરાની પાછળ) |
આજે પણ મહિનેદહાડે એમનો ફોન આવે- કશા એજન્ડા વિના આવે, અને ફોન પર પણ અમે લાંબી વાત કરીએ. ઘણુંબધું અને ઘણા બધાને યાદ કરીએ, હસીએ, અને મજા કરીએ.
કોવિડના સમયગાળામાં જ્યારે સૌ નજરકેદ થઈ ગયાં હતાં ત્યારે પણ કાકીએ પોતાનો રસોઈપ્રેમ જીવંત રાખીને દોહિતરાંને રોજેરોજ અવનવી વાનગીઓ બનાવીને ખવડાવેલી અને મજા કરાવેલી.
ઉર્વીશ કે હું મુંબઈ જઈએ ત્યારે બીજે ગમે ત્યાં ઊતરીએ, એક રાત એમને ત્યાં ગાળવાની જ. મુંબઈના યજમાનની જેમ કાકી અમારો કાર્યક્રમ પૂછી લે, અને પછી કંઈક ને કંઈક આયોજન કરે. કાં ઘેર જમવાનું ગોઠવે, જેમાં પૌલા- કપિલભાઈ, (કપિલભાઈનાં માતા) સરલાબહેન, સાહિલ, પૂજા હોય. (શૈલેષકાકાનાં બહેન) ઊષાફોઈ હતાં ત્યારે ઉષાફોઈ- અનિલફુઆને નોંતરે. પ્રેમથી ભોજન બનાવે અને એટલા જ પ્રેમથી જમાડે. ભોજન એટલે સંપૂર્ણ ભોજન. છેલ્લે આઈસ્ક્રીમથી સમાપન થાય ત્યાં સુધીનું.
પણ ખરી મજા રાત્રિબેઠકની. સામાન્ય રીતે વહેલાં સૂવા ટેવાયેલાં રેખાકાકીને રાતના સાડા નવ તો બહુ થઈ ગયા. પણ અમે જઈએ ત્યારે આ ક્રમ બદલાય. એમની આંખો ઘેરાઈ હોય, બગાસાં આવતાં હોય, પણ એને અવગણીને એ બેસે, અને જાતભાતની વાતો અમે કરીએ. પૌલા ક્યારેક બેસે, યા એનો સમય થતાં જતી રહે, પણ બીજા દિવસે સવારે ચાના સમયે એ અચૂક આવીને પહેલો સવાલ પૂછે, 'કાલે કેટલા વગાડેલા?' જવાબમાં 'બાર', 'સાડા બાર', કે 'એક' સાંભળીને એને બહુ આશ્ચર્ય થાય અને પોતે 'સેશન મિસ કર્યાનું' અનુભવાય.
સૌથી નોંધપાત્ર વાત એ કે કાકી કોઈકને ત્યાં મહેમાન બનીને ગયાં હોય તો પોતે જે સરભરા આપવાના આદી છે એવી કશી અપેક્ષા ન રાખે. બાકી સહજપણે જ એવી અપેક્ષા રહે!
મે, 2025માં રામચંદ્ર ગુહાના પુસ્તક 'ગાંધી પછીનું ભારત'ના વિમોચન કાર્યક્રમમાં કાકી ખાસ મુંબઈથી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં. એનું અમારે મન મોટું મૂલ્ય એ રીતે છે કે એ વિષય સાથે એમને ખાસ લેવાદેવા ન હોવા છતાં માત્ર ને માત્ર અમારા માટેના પ્રેમવશ તેમણે એ કરેલું. આ જ એમની વિશેષતા. આ જ એમની ખાસિયત. અમારી કશી ઓળખ નહોતી ત્યારે પણ અમારા માટે એટલો જ પ્રેમ અને ભાવ, અને આટલાં વરસો પછી, એમની નજર સામે જ અમે અમારાં ક્ષેત્રોમાં આગળ વધ્યા ત્યારે પણ એ જ પ્રેમ અને ભાવ.
આવા વડીલ મળવા એ સદભાગ્ય જ કહી શકાય, અને એમની ચાહનાને પાત્ર બનવું એ પરમ ભાગ્ય.
રેખાકાકી આજે એમનાં જીવનનાં 79 વર્ષ સંપન્ન કરી રહ્યાં છે એ નિમિત્તે એટલી જ શુભેચ્છા કે એમનો જીવનરસ અને જુસ્સો જળવાયેલાં રહે.
No comments:
Post a Comment