Tuesday, June 24, 2025

સ્પિતી ખીણના પ્રવાસે (6): જ્યાં 'કશું નથી' એ સ્થળે ફરવાની મજા

'ખીણ' શબ્દ કાને પડતાં આપણી નજર સમક્ષ પર્વતના બે ઊંચા ભાગની વચ્ચેનો પ્રદેશ ખડો થઈ જાય. પણ હિમાચલનો ખીણપ્રદેશ વિશિષ્ટ છે. પર્વતના બે ઊંચા ભાગ વચ્ચે એ છે જ, પણ તેની ઊંચાઈ આઠ-નવ હજાર ફીટથી લઈને બાર-તેર હજાર ફીટ જેટલી. જે તે વિસ્તારમાં વહેતી નદીના નામ પરથી એ ખીણપ્રદેશ ઓળખાય છે. એ રીતે સ્પિતી નદી જ્યાંથી વહે છે એ પ્રદેશ 'સ્પિતી ખીણ' કહેવાય છે. આ ખીણપ્રદેશની સરેરાશ ઊંચાઈ બાર- સાડા બાર હજાર ફીટથી લઈને પંદરેક હજાર ફીટ સુધીની છે. આ ઊંચાઈએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી અહીં વનસ્પતિના નામે છૂટાંછવાયાં ઊગી નીકળેલાં ઝાંખરાં સિવાય ભાગ્યે જ કશું જોવા મળે. વૃક્ષ તો બિલકુલ નહીં.

'સ્પિતી'નો ઉચ્ચાર સ્થાનિક (ભોટી) બોલીમાં 'પીતિ' થાય છે, જેનો અર્થ છે 'મધ્ય પ્રદેશ.' માન સરોવર પ્રદેશ અને લદાખની વચ્ચે આવેલો હોવાના કારણે તેનું આ નામ પડ્યું એમ કહેવાય છે. અહીંનું હવામાન શીત રણ જેવું છે. સૂસવાટા મારતો સૂકો, ઠંડો પવન છેક હાડ સુધી સ્પર્શતો હોય એમ લાગે. થોડી થોડી વારે પાણી પીતા રહેવું પડે, જેથી નિર્જળીકરણ ન થઈ જાય. અહીં લદાખ જેવું ખડકોનું રંગવૈવિધ્ય નથી. નજર પડે ત્યાં પીળા, રેતાળ પર્વતો જોવા મળે. એનું બંધારણ પણ સાવ નરમ જણાય. આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઘણો, કેમ કે, એક સમયે તિબેટ સાથે તેનો વ્યવહાર સ્થપાયેલો હતો. અતિશય ઊંચાં, દુર્ગમ સ્થાન પર સ્થિત ગોન્પા (મોનેસ્ટ્રી) મુખ્ય પ્રવાસન આકર્ષણ કહી શકાય. જો કે, અમને તેનું આકર્ષણ કેવળ ફોટા લેવા પૂરતું જ રહેલું. કારણ એ કે, મોનેસ્ટ્રીમાં મોટા ભાગે કોઈ માર્ગદર્શક ન હોય. જાતે જ ફરીને જોવું પડે, અને આવડ્યું એવું અર્થઘટન કરવું પડે. એમાં જે પણ ગતિવિધિ ચાલતી હોય એમાં નર્યું કર્મકાંડ જોવા મળે. એ શું છે અને કેમ કરી રહ્યા છે એ પૂછવાનું મન જ ન થાય. મોનેસ્ટ્રીના રંગો અદ્ભુત હોય, પણ એમાં એક ચોક્કસ ભાત હોય, જે બધે જ જોવા મળે. આથી નાવિન્યનું આકર્ષણ પણ ઓસરવા લાગે. આમ છતાં, જે તે મોનેસ્ટ્રીનું ભૌગોલિક સ્થાન એવું અદભુત હોય કે એના ફોટો લેવા પૂરતું પણ ત્યાં જવું ગમે. સ્તૂપ અને પ્રેયર વ્હીલ ઠેરઠેર જોવા મળે.

અહીંનું જનજીવન કેટલું કઠિન હશે એ સહેજે કલ્પી શકાય. પણ હવે પ્રવાસીઓની આવનજાવન વધવા લાગી છે એટલે પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ઘણી સુવિધાઓ ઊભી થવા લાગી છે. સ્થાનિક લોકો પ્રવસીઓથી ટેવાવા લાગ્યા હોય એમ લાગે. તેઓ 'જુલે' કહીને અભિવાદન કરે, ક્યારેક પૂછે કે 'ક્યાંથી આવ્યા છો?' વગેરે.

સ્પિતી ખીણમાંનો પ્રવાસ પણ થકવી નાખનારો લાગે. રસ્તા સરેરાશ સારા, પણ છેવટે પર્વતીય માર્ગો. વચ્ચે તૂટેલો રસ્તો આવે એટલે બધું સરભર કરી આપે.

દુર્ગમ સ્થાને સ્થિત ઢંકર મોનેસ્ટ્રી

મોનેસ્ટ્રી પરથી દેખાતું ઢંકર ગામ


પીન (ડાબે) અને સ્પિતિ (જમણે) નદીનું સંગમસ્થાન,
જ્યાં ઢંકર ગામ વસેલું છે.

રેતાળ ખડકો

પીન ખીણમાં પ્રવેશ

સ્પિતી ખીણની બાજુમાં આવેલી પીન ખીણના છેવાડાના ગામ મુદ તરફ અમે જઈ રહ્યા હતા. ઢંકર (ધનખડ) સ્પિતી અને પીન નદીના સંગમ પર વસેલું નાનકડું ગામ છે. અહીંથી અમે પીન નદીના રસ્તે ફંટાઈને પીન ખીણમાં આગળ વધી રહ્યા હતા. થોડે સુધી ગયા કે એક ભાઈ અમારા વાહનને ઊભું રખાવવા માટે હાથનો ઈશારો કરતા દેખાયા. વાહન તેમની નજીક જઈને ઊભું રખાયું. અમને લાગ્યું કે તમને કશી મદદની જરૂર હશે, કેમ કે, તે એક કારની બહાર ઊભા હતા અને તેના ડ્રાઈવર જણાતા હતા. અમારા ડ્રાઈવર દિનેશકુમારે બારીમાંથી ડોકું બહાર કાઢ્યું એટલે પેલા ભાઈ કહે, 'આગળ રસ્તો પથરાળ છે, અને કશું જોવા જેવું નથી.' એ ભાઈએ બહુ સદભાવપૂર્વક, અમારો સમય બચાવવા માટે આમ કહેલું, પણ અમે 'કશું નથી' જોવા માટે જ જઈ રહ્યા હતા એટલે હસીને આગળ વધ્યા.

No comments:

Post a Comment