Sunday, June 30, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (4): ગધેડાના બાપને બી દેખું છું!


ચાઉમાઉના રાજ્યમાં દાતણ પણ કોઈને વેચ્યું હોય તો રાજ્યમાં નોંધાવવું પડે, પછી ગધેડો વેચ્યો હોય તો નોંધાવવો પડે એમાં શી નવાઈ?
'હાક થૂ' કરીને એક વેપારી હતો. તેણે એક ધોળો ગધેડો વેચ્યો, એટલે ગધેડા ખાતાના અમલદારની પાસે એ એની નોંધ કરાવવા ગયો. ગધાધિકારીએ લાંબો કાગળ કાઢ્યો અને એમાં વેચાણનો દસ્તાવેજ લખવા માંડ્યો. એક પાનું લખ્યું, બે લખ્યાં, ચાર લખ્યાં તોયે હજી એમાં ગધેડો શબ્દ આવ્યો નહીં, એટલે વેપારી અકળાયો. તેણે ગધાધિકારીને કહ્યું, 'સાહેબ! ચાર પાનાં લખાયાં તોયે હજી એમાં ગધેડો કેમ દેખાતો નથી?'
નવાઈ પામી ગધાધિકારીએ કહ્યું: 'કેવી વાત કરે છે તું? શું તને અહીં ગધેડો નથી દેખાતો? તો અહીં બીજું છે શું?'
વેપારી આંખો ખેંચી દસ્તાવેજ સામે જોઈ રહ્યો. પછી કહે: 'હું તો કંઈ દેખતો નથી!'
'કંઈ દેખતો નથી? મને પણ દેખતો નથી? આ મારા દીકરાને પણ દેખતો નથી?' ગધાધિકારીએ કહ્યું.
'જી, દેખું છું. એમ તો રૂડુંરૂપાળું દેખું છું.'
'તો ગધેડાને દેખતો નથી એમ કેમ કહે છે?'
માથું ખંજવાળી હવે વેપારીએ કહ્યું: 'દેખું છું, સાહેબ, બરાબર દેખું છું. ગધેડાને બી દેખું છું. અને ગધેડાના બાપને બી દેખું છું.'

(રમણલાલ સોની લિખીત, શ્રી હરિહર પુસ્તકાલય-સુરત દ્વારા પ્રકાશિત બાળવાર્તાસંગ્રહ ચીની ચાઉમાઉ, એનો દિવાન હાઉવાઉ', પ્રકાશન વર્ષ: 1967)

Saturday, June 29, 2024

યુરોપિયન કલાકારોની દંતકથાસમી કૃતિઓ પરનાં કાર્ટૂન

 વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના સ્ક્રેપયાર્ડ ખાતે 28-6-24ની સાંજે 'કહત કાર્ટૂન' શ્રેણીની નવમી કડી 'ધ ગ્રેટ યુરોપિયન આર્ટિસ્ટ્સ' ની રજૂઆત થઈ. ચોમાસાની મોસમ હોવાથી આ વખતે કાર્યક્રમ બહારની ખુલ્લી જગ્યાને બદલે ખંડમાં રાખવામાં આવેલો. લગભગ છ વાગ્યાથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાનાં શરૂ થઈ ગયેલાં અને પાણી ભરાવા માંડેલા. આને કારણે ઘણા મિત્રો ખૂબ ઈચ્છા હોવા છતાં આવી ન શક્યા. વડોદરાથી અમે સવા સાતેક વાગ્યે અમદાવાદ પહોંચી ગયા. વરસાદને લઈને મિત્રો આવી શકશે કે કેમ એ આશંકા હતી જ, છતાં અમે નક્કી કરેલું કે કોઈ નહીં આવે તો પણ અમે ત્રણ (સાથે આવેલા પરેશ પ્રજાપતિ અને જૈનિક) અને કબીરભાઈ-નેહાબહેન હશે તો પણ કાર્યક્રમ કરીશું જ. સામાન્ય રીતે સાડા સાત પછી પાંચેક મિનીટ રાહ જોતા હોઇએ છીએ, પણ કાલે પોણા આઠ સુધી પ્રતીક્ષા કરી, ધીમે ધીમે થોડા લોકો આવતા ગયા.


કાર્યક્રમના શિર્ષક 'રંગ ઔર નૂર કી બારાત'નો સંદર્ભ સમજાવાયા પછી આખી રજૂઆતનું વિષયવસ્તુ સ્પષ્ટ કરાવાયું. આમાં મહાન યુરોપીય ચિત્રકારોની જાણીતી કૃતિઓ પરથી બનાવાયેલાં કાર્ટૂનનો સમાવેશ થતો હતો. એટલે કે આ કાર્ટૂનમાં જે તે ચિત્રકારો નહીં, પણ તેમની અતિ પ્રસિદ્ધ કૃતિ હતી. એનો અર્થ એ કે કાર્ટૂનિસ્ટે પણ મૂળ કૃતિથી શક્ય એટલા નજીક પહોંચવું પડે, તેના ભાવને પામવો પડે, એટલું જ નહીં, તેનું રેખાંકન પણ એ હદનું કરવું પડે અને છતાં તે કાર્ટૂન જ રહે, નહીં કે ચિત્રકૃતિ.
'કહત કાર્ટૂન' અંતર્ગત 'ધ ગ્રેટ યુરોપિયન આર્ટિસ્ટ્સ'ની રજૂઆત
 (તસવીર: પરેશ પ્રજાપતિ) પડદા પર વીન્
ચીના જગવિખ્યાત
ચિત્ર 'ધ લાસ્ટ સપર' પર આધારિત કાર્ટૂન.
તેરમી ચૌદમી સદીથી યુરોપીયન કલાકારોએ જાણે કે એક નવા જ યુગનો આરંભ કર્યો. પહેલાં એ અગાઉની કળા અને એ પછી આવેલા પરિવર્તન વિશે વાત થઈ. એ પછી કાળક્રમાનુસાર વિવિધ દેશના કેટલાક કલાકારો, તેમની મૂળ કૃતિઓ અને તેની પરથી રચાયેલાં કાર્ટૂન દર્શાવાતા ગયાં.
કલાકારનો જીવનકાળ અને એ પછી કૃતિનો સમયગાળો પણ ઉલ્લેખાવાથી આટલા વરસો પછી કૃતિ કેટલી પ્રસ્તુત છે એ પણ ખ્યાલ આવતો.
સૌ પ્રથમ હતા ઈટાલિયન કલાકારો, જેમાં સાન્દ્રો બોત્તીચેલ્લી, લિઓનાર્દ દા વીન્ચી અને માઈકેલે એન્જેલોનો સમાવેશ થતો હતો. એ પછી રેમ્બ્રાં અને વિન્સેન્ટ વાન ગોઘ જેવા ડચ ચિત્રકારો આવ્યા. એમના પછી રોદાં અને માતીસની કૃતિઓ આવી. એ પછી નોર્વેજિયન ચિત્રકાર એડવર્ડ મૂન્ક અને છેલ્લે પિકાસો તથા સાલ્વાડોર ડાલી જેવા સ્પેનિશ કલાકારોની કૃતિઓ આવી.
કોઈ ચિત્રકાર, શિલ્પકારની કૃતિ એટલી હદે જાણીતી બની જાય કે ઘણા કિસ્સામાં સર્જકનું નામ સુદ્ધાં વીસરાઈ જાય, પણ કૃતિને સહુ ઓળખી જાય એમ બનતું હોય છે. જેમ કે, માઈકેલ એન્જેલોની કૃતિ 'ધ ક્રિએશન ઑફ આદમ' જગવિખ્યાત છે, અને તેમાંના એક ભાગ (ઈશ્વર અને આદમની આંગળીઓવાળો) અનેક જાહેરખબરો, કાર્ટૂનોમાં વપરાતો આવ્યો છે. એવું જ રોદાંના શિલ્પ 'ધ થિન્કિંગ મેન'નું કે મુન્કની કૃતિ 'ધ સ્ક્રીમ' વિશે કહી શકાય.
પહેલાં મૂળ કૃતિ બતાવાઈને તેની વિશેષતાની ચર્ચા કર્યા પછી તેના પરનાં કાર્ટૂન બતાવાતાં કાર્ટૂનનો સંદર્ભ તરત સ્પષ્ટ થઈ જતો હતો. મૂળ કૃતિની બારીકીની ચર્ચા ટૂંકમાં કરતી વખતે જાણે કે આર્ટ હીસ્ટરીનો વર્ગ ચાલતો હોય એમ લાગે, પણ એ પછી તરત એની પરનું કાર્ટૂન દર્શાવાતાં હાસ્યનું મોજું ફરી વળે.
આખો અનુભવ બહુ જ વિશિષ્ટ રહ્યો. સામાન્ય રીતે દર વખતે હોય છે એના કરતાં આ કાર્યક્રમની અવધિ પણ સહેજ વધુ થઈ, અને છતાં અનેક કૃતિઓ સમાવી ન શકાઈ. એ તો એમ જ હોય. હંમેશાં જે દર્શાવાઈ શકાયું એની સરખામણીએ દર્શાવવાનું બાકી રહી જાય એની સંખ્યા વધારે જ હોવાની, જે આપણી અંદર રહેલા સંપાદકની કસોટી કરતો રહે છે.
'સ્ક્રેપયાર્ડ'ની સૌથી વધુ મજા કાર્યક્રમ પછી થતા અનૌપચારિક સવાલજવાબની હોય છે. વીન્ચીના 'ધ વીટ્રુવિયન મેન' પર આધારિત એક યુદ્ધલક્ષી કાર્ટૂન બતાવાતાં એક બહેને સવાલ કર્યો કે, 'કાર્ટૂનમાં સામાન્ય રીતે રમૂજ હોય, તેને બદલે આમાં કરુણતા છે, તો આને કાર્ટૂન કહેવાય?' વચ્ચે વચ્ચે કલાકારના જીવનસંબંધી અમુક વિગતો અને એની તેમની કૃતિઓ પરની અસરની વાત પણ આવતી જાય. આવાં અનેક તત્ત્વો મળીને સમગ્ર કાર્યક્રમનું એવું રસાયણ નીપજાવે છે કે આખું પેકેજ રસપ્રદ બની રહે છે.
આવો પ્રેક્ષકગણ તૈયાર કરવો એ સદાકાળથી કપરું કામ રહ્યું છે, અને 'સ્ક્રેપયાર્ડ'નાં કબીરભાઈ-નેહાબહેન એ કામ ધીરજ અને ખંતપૂર્વક કરી શક્યાં છે એની પ્રતીતિ દરેક કાર્યક્રમ વિશે થતી રહે છે.
સાતત્યપૂર્વક યોજાયેલા, માત્ર ને માત્ર કાર્ટૂનકેન્દ્રી કાર્યક્રમની આ નવમી કડી હતી, જે કદાચ 'સ્ક્રેપયાર્ડ' સિવાય શક્ય બન્યું ન હોત, કેમ કે, પહેલાં એ પ્લેટફોર્મ મળ્યું એ પછી જ આ વિચાર મનમાં રોપાયો.
આવતા મહિને આ કાર્યક્રમની દસમી કડી યોજાશે. દરમિયાન નવમી કડીની કેટલીક તસવીરી ઝલક.

માઈકેલ એન્જેલોના શિલ્પ 'પિયેટા' પર
આધારીત કાર્ટૂન
(Cartoonist:Hillary Brown)

સાલ્વાડોર ડાલીના 'ધ પર્સિસ્ટન્સ ઑફ મેમરી'
પર આધારિત કાર્ટૂન
(Cartoonist: Mike Sheill)

વિન્સેન્ટ વાન ગોઘના 'ધ સ્ટારી નાઈટ્સ' પર આધારિત કાર્ટૂન,
જેમાં તેનાં ત્રણ જાણીતાં ચિત્રો સમાવાયેલાં છે.
(Cartoonist:Osama Hajjaj)

એડવર્ડ મૂન્કના 'ધ સ્ક્રીમ' પર આધારિત કાર્ટૂન
(Cartoonist: Thiago Lucas)

Friday, June 28, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (3): અમલદારી જાહેરનામું

 ચાઉમાઉના રાજ્યની બીજી પણ ઘણી વાતો જાણવા જેવી છે. ચાઉમાઉના અમલદારો, શેઠશાહુકારો બધા કંઈ કમ નહોતા. દરેક પોતપોતાના ક્ષેત્રમાં નમૂનેદાર હતા.

એવા બે અમલદારોની વાત છે. બન્ને આંખે બહુ જ ઓછું દેખતા હતા. એમના હાથનાં આંગળાંયે એમને દેખાતાં નહીં, તોયે રોજ લાંબા લાંબા હુકમો બહાર પાડવાનો એમનો શિરસ્તો હતો.

એક વાર બન્ને જણા સાથે કચેરીમાં આવ્યા. પણ બારણાં આગળ જ ઊભા રહી ગયા.

એક અમલદારે દીવાલ ભણી ઊંચું જોઈ કહ્યું, 'એઈ જુઓ, પેલો મારો નવો હુકમ! મેં એમાં જાહેર કર્યું છે કે ચીની સાધુઓ ભારતમાંથી ધાર્મિક ગ્રંથો લઈ આવ્યા છે તે પાછા લઈ જવા માટે ભારત ચીન પર ચડાઈ કરવાનું છે! માટે સાવધાન!
બીજા અમલદારે કહ્યું: 'અરે પણ પણે મારો હુકમ લટકે છે એ તો જુઓ. મેં એમાં જાહેર કર્યું છે કે ભારતે ચીન પર ચડાઈ કરી છે, માટે સાવધાન!'
પછી તો બન્ને અમલદારો એક સાથે બોલવા લાગ્યા: 'સાવધાન! સાવધાન! સાવધાન!'
એટલામાં દીવાન હાઉવાઉ ત્યાં આવી પહોંચ્યા. આ બન્નેને ભીંત સામે જોઈ સાવધાન સાવધાન બોલતા જોઈ તેમણે કહ્યું: 'અરે, ત્યાં અદ્ધર શું જોયા કરો છો?'
બન્નેએ જવાબ દીધો: 'નવું જાહેરનામું વાંચીએ છીએ!'
હાઉવાઉએ કહ્યું: 'ક્યાં છે જાહેરનામું? હું તો ભીંત પર કશું દેખતો નથી! ભીંત તો કોરી છે.'
બન્ને જણાએ કહ્યું: 'હેં, તો શું એટલામાં કોઈએ એ ફાડી નાખ્યું? કેવી નાલાયક છે આ દુનિયા!'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Thursday, June 27, 2024

છસોમા મુકામે

 જોતજોતાંમાં 'પેલેટ' નામના આ બ્લૉગનો છસોમો મુકામ એટલે કે છસોમી પોસ્ટ આવી પહોંચ્યો છે. 2011ની 12મી જૂનથી આરંભાયેલા પ્રથમ પોસ્ટના કદમ પછી ધીમે ધીમે, એટલે કે લગભગ 13 વર્ષ પછી છસોમી પોસ્ટના મુકામે પહોંચાય એ આનંદદાયક બાબત છે. ખરી મઝા આ સફરની રહી છે, કેમ કે, સફર સતત ચાલતી રહે એટલે મુકામો આવતા રહેવાના. આ તેર વર્ષમાં વર્ષદીઠ સરેરાશ આશરે 46 પોસ્ટની બેસે છે. કોઈક વરસોમાં વધુ લખાયું છે, તો કોઈક વરસોમાં ઓછું. છતાં આ સરેરાશ સંતોષકારક એટલા માટે છે કે અહીં આ બ્લૉગ પર જે કંઈ મૂકાયું છે એમાંનું મોટા ભાગનું લખાણ ફેસબુક સિવાય બીજા કોઈ માધ્યમમાં મૂકાયું નથી. એટલે કે ખાસ આ માધ્યમ માટે જ આ લખાયું છે. લેખન કારકિર્દી તરીકે સ્વિકાર્યું હોય ત્યારે તેનાં વ્યાવસાયિક કામો વચ્ચે પણ આ થઈ શક્યું એનો આનંદ. 

આ છસોમી પોસ્ટ અન્ય એક રીતે પણ વિશિષ્ટ બની રહે છે. 'ગુજરાતમિત્ર'માં ચાલી રહેલી દર ગુરુવારે પ્રકાશિત થતી મારી કટાર 'ફિર દેખો યારોં'નો આ પાંચસોમો લેખ છે. એ લેખ આમ તો 20 જૂન, 2024ના રોજ 'ગુજરાતમિત્ર'માં પ્રકાશિત થયો  હતો.  

2014ની 7 ઑગષ્ટથી સુરતના દૈનિક ‘ગુજરાતમિત્રમાં દર ગુરુવારે મારી કટાર ‘ફિર દેખો યારોંનો આરંભ થયોનાગરિકધર્મના સાંપ્રત મુદ્દાઓ વિશે મારે લખવું એમ સંપાદક બકુલભાઈ ટેલરનો અનુરોધ હતો  કટારના લેખો પછીના સપ્તાહે ‘વેબગુર્જરી’ પર મૂકાતા. આમ, આ સફર પણ દસ વર્ષ સંપન્ન કરવામાં છે. એટલી સ્પષ્ટતા, અલબત્ત, ખરી જ કે આંકડા કોઈ પણ રીતે ગુણવત્તાના સૂચક નથી, છતાં તેનું પોતાને ઠેકાણે એક મહત્ત્વ છે. 

આ સફરમાં આનંદ આવી રહ્યો છે અને આનંદ આવે ત્યાં સુધી સફર ચાલતી રહેવાની છે. બીજી અનેક વ્યસ્તતાઓ અને નવી બાબતો સાથે સંકળાવાનું પણ બનતું રહ્યું છે. એના વિશે યથાસમયે વાત થશે જ. 

આ તબક્કે 'ગુજરાતમિત્ર'ના બકુલભાઈ ટેલર અને ટીમનો ખાસ આભાર, તેમ 'વેબગુર્જરી'ના સંપાદક મંડળનો પણ આભાર. અશોકભાઈ વૈષ્ણવ ખાસ જહેમત લઈને મારા લેખોને અનુરૂપ તસવીર, ગ્રાફિક કે વિડીયો ક્લીપ શોધીને મૂકે છે એ તેમના પ્રેમનું સૂચક છે. 

અહીં 'ગુજરાતમિત્ર'ના લેખની ઈમેજ ફાઈલ અને પછી એ લેખ પણ મૂકેલો છે. 



જોયા કરતાં બગાડ્યું ભલું

-     બીરેન કોઠારી


જીવ્યા કરતાં જોયું ભલું’, ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે જેવી કહેવતો ફરવાનો મહિમા દર્શાવે છે. ફરવાથી નવિન બાબતો નજરે પડે છે, મુશ્કેલ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાનો ગુણ વિકસે છે, અને સરવાળે તે દૃષ્ટિને વિશાળ તેમજ વ્યાપક બનાવે છે. આ પ્રકારની કહેવતો કદાચ એવે સમયે અસ્તિત્વમાં આવી હશે કે જ્યારે બહાર ફરવું આજના જેટલું સરળ નહીં, પણ મુશ્કેલ હતું.

હવે પ્રવાસ કરવો સામાન્ય બની રહ્યો છે. એમાં પણ ઈન્‍ટરનેટના આગમન પછી ક્રાંતિ સર્જાઈ છે. વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી આંગળીના ટેરવે સુલભ બની છે, અને પ્રવાસ આયોજન માટે જરૂરી બુકિંગ આગોતરું કરી શકાય છે. આને કારણે પ્રવાસની પદ્ધતિમાં પણ ધરમૂળથી પરિવર્તન આવ્યું છે, જેમાં કોવિડની મહામારી પછી દેખીતો ફરક નજરે પડી રહ્યો છે. કોવિડ પછીના સમયગાળામાં લોકો બેફામ રીતે ફરવા લાગ્યા છે. કોઈ પણ સ્થળે હવે લોકોનાં ટોળેટોળાં ઉમટવાં સામાન્ય બન્યું છે. પ્રવાસને કારણે જે તે સ્થળના અર્થતંત્રને લાભ અવશ્ય થાય છે, પણ તેની સામે સ્થાનિક પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ ભરપાઈ કરવું મુશ્કેલ છે.

પ્રવાસીઓના પ્રચંડ ધસારા સામે સ્પેનમાં આવેલા મયોકા ટાપુના રહીશોએ લીધેલું પગલું એક જુદા પ્રકારની શરૂઆત છે એમ કહી શકાય. સવા નવેક લાખની વસતિ ધરાવતો આ ટાપુ સહેલાણીઓમાં અતિ પ્રિય બની રહ્યો છે. વરસેદહાડે અહીં દસથી બાર લાખ સહેલાણીઓની અવરજવર રહે છે. સ્વાભાવિક છે કે મયોકાના અર્થતંત્રમાં પ્રવાસનનું પ્રદાન મહત્ત્વનું હોય. સહેલાણીઓનું મુખ્ય આકર્ષણ અહીંના સમુદ્રતટ પર સૂર્યસ્નાન કરવાનું હોય છે. સહેલાણીઓના ધસારાથી, તેને લઈને શહેરને થતા નુકસાનથી ત્રાસીને મયોકાવાસીઓએ નક્કી કર્યું કે આ વરસે તેઓ પ્રવાસીઓ સામે દેખાવ કરીને તેમનો વિરોધ કરશે.

16 જૂનના રવિવારના દિવસે તેમણે ઓક્યુપાય ધ બીચ (સમુદ્રતટ પર કબજો કરી લો)નું એલાન આપ્યું અને વહેલી સવારે એકઠા થઈને સમુદ્રતટે પહોંચી જઈને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. વીસેક રહીશોથી આરંભાયેલી રેલીમાં લોકો જોડાતા ગયા અને સંખ્યા ત્રણસોએ પહોંચી. સવારના આઠે શરૂ થયેલી રેલી બપોરે એક વાગ્યે સમુદ્રતટે પહોંચી. પ્રવાસીઓને આ વિરોધ પ્રદર્શનનો હેતુ સમજાવતાં ફરફરિયાં વહેંચવામાં આવ્યાં.

આ અગાઉ મે, 2024ના અંતમાં દસેક હજાર રહીશોએ મયોકાની શેરીઓમાં સરઘસ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મયોકા વેચાણ માટે નથી’, રહીશોને બચાવો’, બહુ થયું પ્રવાસન જેવાં લખાણવાળાં પોસ્ટર તેમના હાથમાં હતાં. આ સમાચાર પ્રસરતા ગયા એટલે બુકિંગ કરાવ્યું હોય એવા પ્રવાસીઓએ મયોકાની હોટેલોમાં પૂછપરછ કરવા માંડી. કેટલાકે બુકિંગ રદ પણ કરાવ્યું હશે!

વિચારવાનું એ છે કે મયોકાનિવાસીઓ કઈ હદે ત્રાસી ગયા હશે કે પોતાની આજીવિકાના મુખ્ય સ્રોત પર પાટુ મારવાનું જોખમ લેવા તેઓ તૈયાર થયા!

મયોકાનું ઉદાહરણ કંઈ એકલદોકલ નથી. ઈટલીના મિલાન શહેરના સત્તાવાળાઓએ રાતના સાડા બાર પછી પીત્ઝા અને આઈસક્રીમનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. કેમ કે, પ્રવાસીઓની મોડી રાતની ગતિવિધિઓથી સ્થાનિકોને ઘણી હેરાનગતિ થઈ રહી હતી. જો કે, પછી આ નિર્ણય પાછો ખેંચાયો, પણ આ નિર્ણય લેવા પાછળની પરિસ્થિતિ સમજવા જેવી છે.

સ્પેનના બાર્સેલોના શહેરમાં પણ પ્રવાસન નીતિ અંગે પુનર્વિચાર કરવા માટેનું આયોજન કરાયું હતું, કેમ કે, અહીંના દરિયામાં ફરતી માછલી પકડનારી હોડીઓ પૈકીની 38 ટકાની જાળમાં નર્યો પ્લાસ્ટિકનો કચરો જ ભરાયો હતો.

વેનિસે 2023થી પ્રવાસી વેરો ઊઘરાવવાનો આરંભ કર્યો છે.  

પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધથી સામા છેડે પૂર્વ ગોળાર્ધમાં આવેલા જાપાનના ઈયોનના કેટલાક વિસ્તારમાં પ્રવાસીઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેનું મુખ્ય કારણ, અલબત્ત, પર્યાવરણ નહીં, પણ પ્રવાસીઓની ગેરવર્તણૂક છે.

વીસમી સદીમાં પ્રવાસ મુખ્યત્વે વૈભવ ગણાતો. તેના ઊત્તરાર્ધમાં સામાન્ય લોકો પ્રવાસ કરતા થયા ખરા, છતાં વિદેશપ્રવાસ મુખ્યત્વે ધનવાનો કરતા. હવે એ બાબતે ઘણી સમાનતા આવવા લાગી છે. એમાંય કોવિડ પછીનો સમયગાળો એવો બની રહ્યો છે કે લોકો એક જીવનમાં જેટલું જોવા-ફરવા મળે એટલું જોઈ લેવા ન માંગતા હોય!

પર્યાવરણ અને આત્યંતિક હવામાનની સમસ્યા આમે તીવ્રતર બની રહી છે. પ્રવાસનસ્થળો પ્રવાસીઓ પાસેથી કમાય છે, અને એમની સુવિધાઓ પાછળ ખર્ચતા પણ હશે. છતાં પ્રવાસીઓ થકી થતું પર્યાવરણને નુકસાન ભરપાઈ ન થઈ શકે એવું હોય છે. એમ ન હોય તો પ્રવાસીઓ માટે આવા આકરા નિયમો ઘડવાનો વિચાર આવી શકે ખરો?

પ્રવાસનસ્થળને થતા નુકસાનની સ્થિતિ આપણા દેશમાં પણ અપવાદરૂપ નથી. અતિ નાજુક પર્યાવરણપ્રણાલિ ધરાવતા હિમાલયમાં વિકાસના નામે જે ખુરદો બોલાવાઈ રહ્યો છે એનાં વિપરીત પરિણામ પણ ભોગવવાં મળી રહ્યાં છે. હિમાલય ઉપરાંત બીજાં અનેક સ્થળે આ સ્થિતિ હશે. પણ એ બાબતે ભાગ્યે જ કશી જાગૃતિ જોવા મળે છે. પર્યાવરણવાદીઓ કે છૂટાંછવાયાં પર્યાવરણ સંગઠનો સક્રિય છે ખરાં, પણ વિકાસના નગારખાનામાં એમની તતૂડીનો અવાજ કોણ સાંભળે?

આપણા દેશના જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓની આદત સુધરે એ શક્ય જણાતું નથી, કેમ કે, તેઓ પોતાનાં નાણાં ખર્ચવા નીકળ્યા હોય છે, અને તેમને એનું પૂરેપૂરું વળતર જોઈતું હોય છે. નાણાંની સામે વળતર એટલે વધુ સુવિધાઓ. આ જ બાબત પ્રવાસનસ્થળ માટે વિપરીત પુરવાર થાય છે. પ્રવાસીઓ માટે પ્રવાસનું સ્થળ પારકું અને કામચલાઉ હોવાથી નાગરિકધર્મ તેમને ભાગ્યે જ યાદ આવે છે.

આ સમસ્યાનો ઊકેલ નજીકના ભવિષ્યમાં જણાતો નથી. કડક કાયદાકાનૂન એક હદથી વધુ કારગર નીવડી શકતા નથી, કેમ કે, એનાથી પર્યાવરણને થયેલું નુકસાન ભરપાઈ થઈ શકતું નથી. સમજદાર નાગરિકો પોતાનો નાગરિકધર્મ સમજીને એનું અનુસરણ કરે તો ઠીક.

('ગુજરાતમિત્ર'માં 20-6-24ના રોજ પ્રકાશિત લેખ) 

Thursday, June 6, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (2) : ચાઉમાઉના દીકરા

રાજા ચાઉમાઉને બે દીકરા હતા. એકનું નામ છુ ને બીજાનું નામ હુ.

એક વાર બન્ને જણા શિકારે ગયા.
રસ્તામાં એમની વચ્ચે વિવાદ થયો. છુ કહે, 'જમીનનો શિકાર સારો.'
હુ કહે: 'પાણીનો શિકાર સારો.'
બેમાંથી એકેએ નમતું આપ્યું નહી, એટલે વાદ લાંબો ચાલ્યો. દરમિયાન જમીન પર કેટલાંયે હરણાં-સસલાં આવીને ચાલી ગયાં, પણ ન છુએ શિકાર કર્યો, ન હુએ કર્યો. કેટલાંયે જળચરો પાણીમાં દેખાયાં. પણ ન છુએ શિકાર કર્યો, કે ન હુએ કર્યો.
એમ કરતાં અચાનક બન્નેની નજર આકાશ ભણી ગઈ. જોયું તો હંસ પંખીનું ટોળું ઊડતું આવતું હતું. છુ અને હુ બન્ને એક સાથે બોલી ઊઠ્યા: 'આનો શિકાર કરીએ!'
આમ બન્ને જણ શિકાર માટે સંમત થઈ ગયા, એ મોટી વાત થઈ. છુએ કામઠા પર તીર ચડાવ્યું. હુએ પણ ચડાવ્યું. ત્યાં અચાનક છુ બોલી ઊઠ્યો: 'આને મારીને આપણે શેકી ખાશું!'
તરત હુએ કહ્યું: 'શેકીને નહીં, તળીને ખાશું.'
છુએ કહ્યું: 'નહીં, શેકીને.'
હુએ કહ્યું: 'નહીં, તળીને!'
'શેકીને!'
'તળીને!'
આમ શેકવાતળવાની વાતમાં વિવાદ શરૂ થઈ ગયો, તીરકામઠાં હાથમાં જ રહ્યાં ને વાદ ઉગ્ર બની ગયો.
એટલે પંખીની સામે તાકેલાં તીર એકબીજાની સામે તાકવા વેળા આવી ગઈ.
એટલામાં ભગવાનને કરવું તે ગામના કાજી ત્યાં થઈને નીકળ્યા. તેમણે બૂમ પાડી: 'અલ્યા એ...ઈ! કેમ લડી મરો છો? હું કાજી જેવો કાજી અહીં તમારી સામે જીવતો મૂઓ છું ને!'
બન્ને જણા તીરકામઠું નીચે નાખી કાજીને કરગરવા લાગી ગયા: 'અમારો ન્યાય કરો, કાજીસાહેબ!'
'બોલો! શી તકરાર છે તમારી?' કાજીએ કહ્યું.
છુએ કહ્યું: 'આ હુ કહે છે હંસને તળીને ખાવો! અને હું કહું છું કે શેકીને ખાવો.'
હુએ કહ્યું: 'હું કહું છે કે તળીને ખાવો ને છુ કહે છે કે શેકીને ખાવો!'
કાજીએ કહ્યું: 'તમે બન્ને જણ હું હું કરો છો તે શું તમારા બન્નેનાં નામ હું છે'
હુએ કહ્યું: 'હું હુ છું.'
છુએ કહ્યું: 'હું છુ છું.'
કાજીએ કહ્યું: 'એટલે તમારામાં એકનું નામ 'હું હુ છું' અને બીજાનું નામ 'હું છુ છું' છે એમ ને?'
કેટલી મહેનતે બન્ને જણા કાજીને તેમનાં ખરાં નામ સમજાવી શક્યાં.
પછી કાજીએ કહ્યું: 'હવે કહો, શી તકરાર છે તમારી?'
બન્નેએ કહ્યું: 'હંસને તળીને ખાવો કે શેકીને?'
કાજીએ કહ્યું: 'પહેલાં હંસને મારી આગળ રજૂ કરો. પછી હું કહું કે એ તળીને ખાવા લાયક છે કે શેકીને?'
આ સાંભળી બન્ને જણાએ આકાશ ભણી નજર કરી, આકાશમાં હંસને ન જોઈ બન્નેએ આશ્ચર્યથી એકબીજાની સામે જોયું, પછી એવડા જ આશ્ચર્યથી તેમણે કાજીની સામે જોયું.
કાજીએ કહ્યું: 'હું કહું છું કે અબઘડી હંસને હાજર કરો! અત્યારે તમે અદાલતમાં ઊભા છો એ ભૂલતા નહીં!'
હવે બન્ને જણ હોશમાં આવી ગયા, ને એક સાથે બોલી પડ્યા: 'હંસ? કયો હંસ?'
કાજીએ કહ્યું: 'તમે માર્યો એ!'
બન્નેએ કહ્યું: 'અમે વળી ક્યારે હંસ માર્યો? એ તો ઊડી ગયો! આ...મ થઈને આ...મ ચાલી ગયો!'
કાજીએ ગુસ્સામાં કહ્યું: 'તો ગધ્ધાઓ, તમે શેકીને ખાવાનો કે તળીને ખાવાનો કજિયો શાનો કરતા હતા?'
બન્ને જણાએ ઠાવકાઈથી કહ્યું: 'એ તો કાજીસાહેબ, જેમ તમે ન્યાય કરતા હતા, તેમ અમે લડતા હતા! અહીં ક્યાં કચેરી હતી, અને અહીં કોણ તમારી પાસે ઈન્સાફ માગવા આવ્યું હતું તે તમે ન્યાય કરવા ધસી આવ્યા!'
કાજી શું બોલે?
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Wednesday, June 5, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (1) : લડાકુના નવાબ ફડાકુમિયાં

 એક વાર ચાઉમાઉના દરબારમાં દૂર દેશના લડાકુ રાજ્યમાંથી નવાબ ફડાકુમિયાં મહેમાન તરીકે આવ્યા. મૂછોના લાંબા આંકડા ચડાવી મિયાં રુઆબથી દરબારમાં હાલી આવ્યા, ને ચાઉમાઉની સાથે દોસ્તીના હાથ મિલાવી તેમની જ ગાદીનો એક ખૂણો દબાવીને બેઠા. બંંનેએ ખૂબ બડી બડી વાતો કરી.

ફડાકુમિયાંએ કહ્યું: 'જનાબ ચાઉમાઉ, મારો પાડોશી બહુ ખરાબ છે! એ એના રાજ્યમાં મારી કબર બાંધવા નથી દેતો! કહે છે કે, મારા રાજ્યમાં તારી કબર નહીં!'

'બહુ ખરાબ! બહુ ખરાબ!' ચાઉમાઉએ કહ્યું.

મિયાંએ કહ્યું: 'પણ મેં નક્કી કર્યું છે કે જીવવું મારા રાજ્યમાં, પણ મારી કબર તો એના રાજ્યમાં જ કરવી! એવું કરવું કે લોકોમાં મારી નામના થઈ જાય; દુનિયા પણ જાણે કે એક ફડાકુમિયાં હતો, જે પડોશીને ઘેર જઈ કબરમાં સૂતો.'

'મને આ વાત બહુ ગમી! મારો કોઈ પાડોશી નથી, નહિં તો હું પણ એ પ્રમાણે કરું! હં, પછી તમે શું કર્યું એ તો કહો!' ચાઉમાઉએ મિયાંને પૂછ્યું.

ફડાકુમિયાંએ મૂછોને વળ ચડાવતાં કહ્યું: 'મેં તો પછી, ભાઈ એવું કર્યું કે એના રાજ્યની જમીન દબાવી પાડી. પછી એની જ સામે બૂમાટો કર્યો કે એ મારી જમીન દબાવે છે! એટલે એણે જખ મારીને બોલવું પડ્યું કે, મેં નથી દબાવી, એણે મારી જમીન દબાવી છે! પણ મારા બૂમાટા આગળ એનું સાંભળે કોણ?'

'વાહ, ખરી કરી!' ચાઉમાઉએ કહ્યું.

'પછી મેં એની હદમાંથી ઝાડ કાપવા માંડ્યા, પાક કાઢવા માંડ્યો! ગામ બાળવા માંડ્યા, ને લૂંટવા માંડ્યા!'

'બરાબર કર્યું, પડોશીની સાથે એમ જ વર્તવું જોઈએ.' ચાઉમાઉએ કહ્યું.

મિયાંએ કહ્યું, 'પછી તો ભાઈ, એ દુષ્ટ પડોશી ધોકો લઈને મારી સામે દોડી આવ્યો. એનામાં વિનયવિવેક કાંઈ મળે નહીં. એ કાયદાકાનૂનમાં કાંઈ સમજે નહીં.'

'બહુ ખરાબ! બહુ ખરાબ! પડોશી થવાને નાલાયક!' ચાઉમાઉએ કહ્યું.

હવે મિયાંનો અવાજ જરા બેસી ગયો હતો. તેમણે કહ્યું: 'પછી તો ભાઈ, મને માર પડ્યો! બહુ માર પડ્યો! મને થયું કે હું મરી ગયો!'

એકદમ ચાઉમાઉએ મિયાંના મોઢા પર હાથ ફેરવી કહ્યું: 'હેં, શું કહો છો? તો કેવો માર પડ્યો એ જરી વિસ્તારથી કહો. તમારા અનુભવ મને કામ લાગશે.'

આમ બંનેએ ઘણીઘણી વાતો કરી. છેવટે હેતપ્રીતથી બંને છૂટા પડ્યા, ત્યારે મિયાંના પગમાં નવું જોર આવ્યું હતું. તેમની પીઠ થાબડી ચાઉમાઉએ કહ્યું: 'ગભરાતો નહીં, દોસ્ત! હું તારી પડખે છું. મરતી વેળા જમરાજનો દૂત આવે કે ન આવે, પણ હું જરૂર તારી પાસે આવીશ, ને તને ખુશખુશાલ કબરમાં દાટીશ.'

ફડાકુમિયાંએ હવે જવાની રજા માંગી. ચાઉમાઉએ કહ્યું: 'દરિયામાર્ગે જવાના ને? તો અમારી સરકારી નૌકામાં જ જજો! એ તમને ઠીક રહેશે! દીવાનજી, જાઓ, એમને વિદાય દઈ આવો!'

દીવાન મિયાંને લઈને દરિયા પર આવ્યા. મિયાંએ સરકારી નૌકા શોધવા દરિયા પર ઝીણી નજર કરીને જોવા માંડ્યું. ત્યાં સેંકડો નૌકાઓ હતી. એમાં સરકારી નૌકા કઈ?

પણ દીવાન હાઉવાઉએ તેમને સમજ પાડી: 'જે ભૂખાળવા હોય તે સરકારી અમલદાર સમજવા, જે ભૂખે મરતા હોય તે રૈયત સમજવી, અને જે નૌકાને તળિયામાં ચૌદ કાણાં હોય તે સરકારી નૌકા સમજવી!'

'વાહ, શી ખૂબી! શી ખુશનસીબી! ' કહી નવાબ ફડાકુમિયાં ચાઉમાઉની ચૌદ કાણાંવાળી નૌકામાં સવાર થઈ દેશમાં આવવા નીકળ્યા ને દરિયાના પાણીમાં જ એમની કાયમી કબર થઈ ગઈ!

એ સમાચાર સાંભળી ચાઉમાઉએ કહ્યું: 'દોસ્ત હો તો મારા જેવા હજો! ફડાકુમિયાં માટે મેં કેવી દરિયા જેવડી કબર બનાવી દીધી!'

હાઉવાઉએ કહ્યું: 'હાસ્તો! હાસ્તો!'

(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

All reac

Tuesday, June 4, 2024

'લોગો' સે સુના હૈ...

શુક્રવાર, 31 મે, 2024ની સાંજે અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ- ધ થિયેટર'માં 'કહત કાર્ટૂન' શ્રેણીની આઠમી શ્રેણીમાં આ શિર્ષકથી કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની સામગ્રીની વાત કરતાં પહેલાં તેના માહોલની વાત કરવી જરૂરી છે. અમદાવાદની કાળઝાળ ગરમીમાં 'સ્ક્રેપયાર્ડ' જેવી અર્ધખુલ્લી જગ્યા વધુ તપે એ સ્વાભાવિક છે, પણ અહીં રજૂઆત પામતા કાર્યક્રમો એટલા નક્કર, વૈવિધ્યસભર અને એક કક્ષાના હોય છે કે વાતાવરણનું આ પાસું અવગણીનેય લોકો આવે છે. રંગકર્મી અને 'સ્ક્રેપયાર્ડ'ના કબીર ઠાકોર અર્કિટેક્ટ પણ ખરા, એટલે તેમણે આના ઈલાજરૂપે સરસ ઉપાય વિચાર્યો અને અમલી કર્યો. તેમણે સ્પ્રિંક્લર લગાવ્યાં અને તેને પ્રસારવા પંખા પણ મૂક્યા, જેથી સ્પ્રિંક્લરમાંથી થતા પાણીના છંટકાવની ઠંડક વધુ પ્રસરતી રહે. આની અસર કેવી થાય છે એનું પ્રત્યક્ષ પ્રમાણ એ કે ગઈ કાલે કાર્યક્રમ પૂરો થયા પછી સવાલજવાબનો દોર ચાલ્યો તો પણ સૌ બેસી રહ્યા હતા.

'કહત કાર્ટૂન'ની આ આઠમી કડીમાં વિવિધ પ્રકારના 'લોગો' પર બનાવાયેલાં કાર્ટૂનની વાત હતી. 'લોગો સ્પૂફ' જાણીતાં છે, જેમાં જાણીતા 'લોગો'નો રંગ અને ટાઈપોગ્રાફી એની એ રાખીને એના શબ્દોમાં અવળચંડાઈ કરવામાં આવે છે. આ પ્રકાર બહુ મઝાનો, છતાં ખાસ્સો ખેડાયેલો છે. આથી તેનો સમાવેશ બાકાત રખાયો અને આ કાર્યક્રમમાં એવા લોગોની વાત હતી કે જેનો ઉપયોગ કાર્ટૂનમાં થયો હોય.
આ પ્રકારનાં કાર્ટૂન તો અનેક મળ્યાં, પણ એને ગોઠવવાં શી રીતે એ મૂંઝવણ હતી. એના ઊકેલરૂપે વિભાગવાર ગોઠવણ વિચારી. એટલે કે- બૅન્ક, વીમા કંપનીઓ અને નાણાંકીય સંસ્થાઓના લોગો પર બનેલાં કાર્ટૂનનો એક વિભાગ, ઓટોમોબાઈલનો વિભાગ, રમતગમતનો વિભાગ, પ્રસાર માધ્યમો અને સોશ્યલ મિડીયાના લોગોનો વિભાગ, સંસ્થાઓનો એક વિભાગ, કોર્પોરેટ લોગોનાં કાર્ટૂનનો વિભાગ વગેરે... કાર્ટૂનમાં લોગોનો ઉપયોગ જે તે કંપનીમાં કશીક ઘટના (કાંડ) બને ત્યારે થતો હોય એટલે એ ઘટનાનો સંદર્ભ જરૂરી. આને કારણે કાર્ટૂનનું પરિમાણ આખું બદલાઈ જાય.
સૌ પ્રથમ તો 'લોગો અને 'માસ્કોટ' વચ્ચેનો ફરક જણાવવામાં આવ્યો.


એ પછી લગભગ 80 જેટલા લોગો પરનાં આવાં કાર્ટૂનો દર્શાવીને તેના વિશે વાત કરાઈ. સાથે સંદર્ભ તરીકે મૂળ લોગો પણ મૂકાયો હતો, જેથી એમાં શો ફેરફાર કરાયો છે એ જોઈ શકાય. એ પછી હંમેશ મુજબ શરૂ થયો સવાલ-જવાબનો દોર. આ પ્રશ્નોત્તરી બહુ રસપ્રદ બની રહેતી હોય છે, અને તેમાં વિવિધ સવાલ મોકળાશથી પૂછાય છે, જેના જવાબ હળવાશથી અપાય અને ઘણા કિસ્સામાં જવાબ ખબર ન હોય તો એ જણાવીએ તો પ્રેક્ષકો એ હકીકત સ્વિકારી શકે એવા સમજદાર હોય છે. ઘણા કિસ્સામાં મૂળ વિગતને પૂરક એવી અજાણી વિગતો પણ પ્રેક્ષકો પાસેથી જાણવા મળે છે, જે મૂલ્યવૃદ્ધિ કરે છે. આવા ખુલ્લા સવાલજવાબ પ્રત્યેક વખતે રજૂઆત અંગેની સમજણને વધુ ને વધુ ઘડે છે એમ મને લાગે છે.
હીલેરી ક્લિન્ટને પ્રમુખપદની ઉમેદવારી નોંધાવી એ વખતે
તેમના 'લોગો'માં કાર્ટૂનિસ્ટે કરેલો ફેરફાર. Cartoonist: Randy Bish

એન્જિનની ટેક્નિકલ ખામીને કારણે ટોયોટાએ બજારમાંથી અમુક
મોડેલ પાછા ખેંચ્યા એ ઘટનાનું લોગોમાં ફેરફાર દ્વારા ચિત્રણ.

'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફન્ડ'ના લોગોમાં બતાવાયેલા પાન્ડા પર
 જળવાયુ પરિવર્તનની વિપરીત અસર (Cartoonist: Sinann)
ઓલિમ્પીક રમતોના વ્યાપારીકરણને આબાદ
દર્શાવતો લોગો (Cartoonist: Arend Van Dam)

સમગ્ર કાર્યક્રમ વિશે એક લીટીમાં કહેવું હોય તો એટલું કહી શકાય કે સ્પ્રિંક્લરના છંટકાવ વચ્ચે કાર્ટૂનનો આસ્વાદ કરાવાયો હોય એવો આ સમસ્ત બ્રહ્માંડનો પહેલવહેલો કાર્યક્રમ હતો.
(તસવીર: જૈનિક)