(12 જૂન, 2011ના રોજ આરંભાયેલી 'પેલેટ'ની સફરનો આ પાંચસોમો મુકામ આવતાં બાર વર્ષ થયાં. આ નિમિત્તે એક અનોખા મિલન- ના,પુનર્મિલનની વાત લખતાં જુદો જ રોમાંચ અનુભવાય છે. )
કબ કે બિછડે હુએ હમ આજ યહાં આકે મિલે....
આ ઘટનાનું બીજ કોવિડ કાળમાં રોપાયેલું. લૉકડાઉન વખતે અમારા બાળગોઠિયાઓની મંડળી 'આઈ.વાય.સી.' (ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ)ની જુનિયર ગેંગે પ્રસ્તાવ મૂક્યો કે અમારે અમારી મૈત્રીની વાત છેક શરૂઆતથી માંડવી, જેથી એ સૌને સળંગસૂત્રે આખી વાત જાણવા મળે. એ કામ માટે મારું નામ સૂચવાયું. જુનિયર ગેંગની જિજ્ઞાસા સાચી હોવાની ખાતરી કર્યા પછી એ ઉપક્રમ શરૂ થયો. રોજ હું આઠ-દસ મિનીટની એક બે ઑડિયો ક્લીપમાં વાત કરતો અને અમારા વૉટ્સેપ ગૃપમાં મૂકતો. બાળપણમાં (કે ત્યાર પછી પણ) અમે કંઈ એવાં પરાક્રમ નથી કર્યાં કે નથી એવી કોઈ મોટી સિદ્ધિઓ મેળવી. છતાં ચાર- સાડા ચાર દાયકાની મૈત્રીની વાત છેક આરંભથી કરીએ ત્યારે એમાં એક પેટર્ન ઉપસે જ. રોજેરોજ એ ક્લીપ મૂકાય, જુનિયર ગેંગના અમુક સભ્યો સાંભળે અને એનો પ્રતિભાવ આપે. આ રીતે અમારા માધ્યમિક ધોરણનાં વરસોની વાત આવી. આ વરસોની વાત આવે એટલે મગનભાઈ સાહેબનો ઉલ્લેખ અનિવાર્ય બને.
મગનભાઈ એમ. પટેલ (એમ.એમ.પટેલ) અમને ગણિત-ભૂમિતિ ભણાવતા. સ્વભાવે કડક અને પ્રેમાળ. તેમની ભણાવવાની પદ્ધતિ એવી કે ભણાવેલું યાદ જ રહી જાય. તેઓ માત્ર ચૉક અને ડસ્ટર લઈને જ વર્ગમાં આવતા. અમુક શબ્દો કે શબ્દપ્રયોગો તેમના ખાસ. સહેલા દાખલાને તેઓ 'દાખલી' કહેતા.
પોતાના હોશિયાર અને હોશિયાર નહીં એવા વિદ્યાર્થીઓ પર તેમને પૂરેપૂરો ભરોસો. જેમ કે, અમારા બધામાં અજય ચોકસીનું ગણિત સૌથી પાકું. એક વખત મગનભાઈ ગણિત ભણાવતા હતા અને અમારા આચાર્ય કાંતિલાલ દેસાઈસાહેબ વર્ગમાં આવ્યા અને છેક પાછલી બૅન્ચ પર ગોઠવાઈ ગયા. મગનભાઈ સાહેબે પોતાનો મુદ્દો ભણાવવો પૂરો કર્યો કે પાછળથી દેસાઈસાહેબ કહે, 'મગનભાઈ, એક રકમ બૉર્ડ પર લખો.' આમ કહીને તેમણે એક રકમ લખાવી. એ રકમ લખતાં જ મગનભાઈ કહે, 'આ તો અમારો અજય હમણાં જ ગણી કાઢશે. ચાલ, અજય! આવી જા.' અજય બૅન્ચ પરથી ઊભો થયો, બ્લેકબૉર્ડ પાસે ગયો અને બૉર્ડ પર દાખલો ગણી આપ્યો. દેસાઈસાહેબ ખુશ. તેઓ અજયની પીઠ થાબડીને બહાર નીકળવા લાગ્યા ત્યારે મગનભાઈ તેમને કહે, 'જોયું ને, સાહેબ! નવનીત ક્લાસ છે આ તો.' દેસાઈસાહેબે હજી વર્ગની બહાર પગ મૂક્યો કે અમે સૌએ મગનભાઈને પૂછ્યું, 'સાહેબ, નવનીત એટલે શું?' અરેરે! મગનભાઈ હસી પડ્યા અને અર્થ સમજાવ્યો.
મગનભાઈ સાહેબની શૈલી એવી કે નિયત સમયે તેઓ અમુક પ્રકરણ તૈયાર કરી લાવવા જણાવે અને ચોક્કસ દિવસે એ પૂછે પણ ખરા. સામાન્ય રીતે ગણિત-ભૂમિતિનો પિરીયડ વચ્ચે- એટલે રીસેસ પછી હોય. આવા વચ્ચે આવતા પિરીયડમાં તેઓ આખા વર્ગના વિદ્યાર્થીઓને બહાર મેદાનમાં લીમડા નીચે લઈ જાય. ત્યાં પાંચ-પાંચ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના જૂથ બનાવે. અને કહે, 'પ્રદીપ, આમના પ્રમેય તું મોઢે લઈ લે.' 'બીરેન, આ લોકોના તું લઈ લે.' 'અજય, તારે આ લોકોના પ્રમેય મોઢે લેવાના.' 'મનીષ, આ પાંચ જણના પ્રમેય તું લઈ લે.' પણ અજય, બીરેન, પ્રદીપ, મનીષના પ્રમેય કોણ મોઢે લે? કોઈ નહીં. મગનભાઈ સાહેબ બધે ફરતા રહે અને જુએ કે બધું બરાબર ચાલી રહ્યું છે કે કેમ. તેમની ધાક જ એવી કે સૌ તૈયારી કરીને જ આવે.
અમારા પૈકીનો વિપુલ 8, 9 અને 10માં નડિઆદ ભણવા ગયેલો. પણ દસમા ધોરણમાં તેણે મહેમદાવાદ સેન્ટર ભરેલું. મગનભાઈ સાહેબ તેને ઓળખે ખરા. બૉર્ડની ગણિતની પરીક્ષા વખતે વિપુલના વર્ગમાં સુપરવાઈઝર તરીકે મગનભાઈ સાહેબ આવ્યા. વિપુલે પોતાનો બેઠક નંબર લખવામાં કંઈક ભૂલ કરી. મગનભાઈ સાહેબ તેને હિંમત આપતાં બોલ્યા, 'તું તો હોશિયાર વિદ્યાર્થી છો. ગભરાયા વગર લખજે.'
દસમા ધોરણમાં મગનભાઈ સાહેબ વિજ્ઞાન લેતા. એ વખતે ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાન- એમ ત્રણે આવતાં. સાહેબ કહે કે અમુક દિવસે અમુક પાઠ તૈયાર કરી લાવવાના. એ દિવસે જે ગેરહાજર રહે એની પણ સાહેબ નોંધ લે. "ફલાણો કેમ નથી આવ્યો?"
"સાહેબ, એની તબિયત બરાબર નથી."
"એની તબિયતને આજે જ બગડવાનું થયું?"
અમુક તોફાની વિદ્યાર્થીઓ પર મગનભાઈનો વિશેષ પ્રેમભાવ. અમારો મુકો (મુકેશ પટેલ) એમને બહુ પ્રિય. મુકાનું નામ એમણે 'મઠિયો' પાડેલું. મુકાને કશું ન આવડે તો પણ મગનભાઈ એને પ્રેમથી કહે, 'મઠિયા, આ કરી લાવજે.' એક વખત મગનભાઈના વર્ગમાં મુકલો બૅન્ચ પર માથું ઢાળીને ઊંઘતો હતો. બીજા કોઈની આવી જુર્રત જ નહીં કે મગનભાઈના વર્ગમાં આ રીતે ઊંઘવાનું વિચારે! પણ આ તો 'મઠિયો'. મગનભાઈનું ધ્યાન એની પર પડ્યું એટલે કહે, 'જો, પેલો મઠિયો સાલો ઊંઘે છે. એને જગાડતા નહીં. આપણે એના ચહેરા પર પૃથ્વીરાજ ચૌહાણ જેવી મૂછ બનાવીએ.' તેમણે પોતાની ઈન્કપેન વડે સુતેલા મૂકાના ચહેરા પર પૃથ્વીરાજ ચૌહાણ જેવી મૂછ બનાવી. પછી એને જગાડતાં કહે, 'ઉઠ મઠિયા! સાલા ઊંઘે છે?' મૂકો જાગ્યો, પણ ગભરાવાને બદલે સહેજ હસી પડ્યો. એને હસતો જોઈને વર્ગના બધા જ હસવા લાગ્યા. એટલે મગનભાઈ કહે, 'જા, જઈને મૂછો કાઢી આવ.' મૂકાને પછી સમજાયું કે સાહેબે એના ચહેરા પર મૂછો ચીતરી છે. એટલે એ ગયો અને મોં ધોઈને પાછો આવી ગયો.
મગનભાઈ સાહેબ અમદાવાદથી ટ્રેનમાં અપડાઉન કરતા. સવારમાં ગુજરાત એક્સપ્રેસ કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તેઓ આવતા. અમારી સવારની સ્કૂલ હોય ત્યારે ટ્રેનના સમયે ઘણા છોકરા બારી તરફ જોતા રહે. મગનભાઈસાહેબ ન દેખાય તો એ દિવસે એમનો પિરીયડ ફ્રી છે એની ખબર પડી જાય.
અગિયારમા ધોરણમાં અમારે જર્નલ તૈયાર કરવાની રહેતી. અમે અમુક વિદ્યાર્થીઓની જર્નલ એટલી સુંદર રીતે લખાયેલી રહેતી કે મગનભાઈસાહેબ તેને બારમા ધોરણના વિદ્યાર્થીઓમાં ફેરવતા અને કહેતા કે જુઓ, જર્નલ આ રીતે લખાય.
મગનભાઈ સાહેબની આવી બધી વાતો ઑડિયો ક્લીપમાં કરી તેને પગલે એ ખ્યાલ આવ્યો કે શાળા છોડ્યા પછી તેમની સાથેનો સંપર્ક જ રહ્યો નથી. ચાલો, તેમને શોધીએ, મળીએ. અમે લોકો અગિયારમા ધોરણમાં હતા ત્યારે અમારું રસાયણશાસ્ત્ર લેતા મગનભાઈએ એ જ વરસે, 1980માં મહેમદાવાદની શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ છોડેલી. એ વાતને આજકાલ કરતાં ચચ્ચાર દાયકા થયા. પણ એમને શોધવા ક્યાં? કોના દ્વારા?
અજયે એ બીડું ઝડપ્યું અને મેહુલ ઢગટ (ઢગટસાહેબનો દીકરો) પાસેથી સહેલાઈથી તેમનો ફોનનંબર મળી ગયો. અજયે તેમની સાથે વાત કરી, પોતાનો પરિચય આપ્યો. સ્વાભાવિક છે કે ચાર દાયકા પછી મગનભાઈને અમે ભાગ્યે જ યાદ હોઈએ. એ પછી મેં પણ ફોન પર તેમની સાથે વાત કરી.
રૂબરૂ મળવા જવાનું આજ ગોઠવીએ, કાલ ગોઠવીએ એમ કરતાં કરતાં બે અઢી વરસ વીતી ગયાં. આખરે ગઈ કાલે, 20 મે, 2023ને શનિવારે એ સુયોગ ગોઠવાયો. |
મગનભાઈ સાહેબ |
અજય, વિપુલ અને હું- અમે ત્રણે અગાઉથી જાણ કરીને ખાસ મગનભાઈ સાહેબને મળવા માટે જ ઊપડ્યા. મનીષ (મંટુ)ની ઈચ્છા હોવા છતાં તેને અનુકૂળતા ન હોવાથી એ જોડાઈ ન શક્યો. સાંજના પોણા છની આસપાસ અમે પહોંચ્યા. સરનામું શોધવામાં સહેજ આઘાપાછા થયા કે મગનભાઈ બહાર રસ્તે આવીને ઊભેલા. તેમને દૂરથી જોતાં જ અમે ઓળખી ગયા. મગનભાઈ સાહેબના શારિરીક બાંધામાં ખાસ ફરક ન જણાયો. ફક્ત વાળની સફેદી હતી. તેમની એંસી વર્ષની વયે એટલું તો હોય જ ને! |
મગનભાઈ અને સ્નેહાબહેન |
|
(ડાબેથી) બીરેન, મગનભાઈ, સ્નેહાબહેન, અજય |
|
(ડાબેથી) વિપુલ, મગનભાઈ, સ્નેહાબહેન અને અજય |
તેમણે અને તેમનાં પત્ની સ્નેહાબહેને અમને બહુ પ્રેમપૂર્વક આવકાર્યા. સ્નેહાબહેન અમદાવાદની એસ.એલ.યુ.મહિલા આર્ટ્સ કૉલેજ સાથે લાંબો સમય સુધી સંકળાયેલાં રહ્યાં હતાં અને હજી અનેક ક્ષેત્રે તેઓ પ્રવૃત્ત છે. ઉપર લખી એ બધી વાતો અમે તાજી કરી અને તેમને જણાવી. મહેમદાવાદ છોડ્યા પછી તેમનો સંપર્ક ખાસ રહ્યો નહોતો. એ પછી તેઓ નારણપુરા, અમદાવાદમાં આવેલી વિજયનગર હાઈસ્કૂલમાં જોડાયા હતા અને ત્યાંથી જ નિવૃત્ત થયા હતા. સ્વાભાવિકપણે જ અમે કહ્યું એમાંનું કશું જ તેમને યાદ નહોતું. આમ છતાં, 43 વર્ષના અંતરાલ પછી અમે એકબીજાને મળી રહ્યા હતા એનો રોમાંચ જબરો હતો. તેમની શારિરીક સ્વસ્થતા જોઈને અમને આનંદ થયો.
એક-સવા કલાકના એ સમયમાં અમે ભૂતકાળની અનેક વાતો તાજી કરી. અમારા સૌના પરિવાર અંગે તેમણે પૃચ્છા કરી એમ પોતાના પરિવારની વિગતો પણ જણાવી. અમારી કિશોરાવસ્થાનો એક આખો હિસ્સો એ રીતે થોડા સમય પૂરતો સજીવન થયો. અમારી મુલાકાતની યાદગીરીરૂપે નાનકડું સ્મૃતિચિહ્ન આપવાનું અમે નક્કી કરેલું, જે તેમણે થોડી આનાકાની પછી પ્રેમવશ સ્વીકાર્યું.
એકબીજાના સંપર્કમાં રહેવાનું જણાવી અમે છૂટા પડ્યા ત્યારે સૌના ચહેરા પર એક જુદા જ પ્રકારની ખુશી છવાયેલી હતી.
|
(ડાબેથી) અજય, મગનભાઈ, બીરેન અને વિપુલ (પાછળ દેખાતું 'એમ.એમ.પટેલ'નું નામ. આ જ નામની સહી અમારી જર્નલમાં જોવા મળતી.) |
No comments:
Post a Comment