Saturday, March 25, 2023

હરિ એટલે....

 

હરિ (સંજીવકુમાર)નું બધું જ સારું- એક અદ્ભુત વ્યક્તિ, મહાન અભિનેતા, ગજબની રમૂજવૃત્તિ- સિવાય એક બાબત. નિયમિતતા સાથે એને આડવેર હતું. અમે 'નમકીન'નું શૂટિંગ કરી રહ્યા હતા, અને હરિ રોજેરોજ મોડો આવતો. એ સવારે વહેલો જાગી શકતો નહીં. ત્રણ જાજરમાન અભિનેત્રીઓ વહીદા રહેમાન, શર્મિલા ટેગોર અને શબાના આઝમી સવારે સમયસર પોતાનો મેક-અપ કરાવીને તૈયાર રહેતી અને રોજ લગભગ બે કલાક તેમણે રાહ જોવી પડતી. સેટ પર કોઈ મોડું આવે તો હું તેમને કશું કહી શકતો નહીં. કોઈક મોડું આવ્યાની મને જાણ થાય તો હું રિફ્લેક્ટરના પાછલા ભાગ પર લખી દેતો, 'અનિયમિતતા એ અનૈતિકતા છે. નિયમિત બનો.' આમ લખીને રિફ્લેક્ટરને સેટના પ્રવેશ પર, બરાબર સામે જ, એ વંચાય એ રીતે મૂકાવતો. એક દિવસ ત્રણે મહિલાઓએ ફરિયાદના સૂરે કહ્યું, 'અમારામાંથી કોઈ મોડું આવે તો તમે અમારી સામે રિફ્લેક્ટર મૂકી દો છો, તો હરિને તમે કેમ આવું કરતા નથી?' મેં એમને કહ્યું, 'જુઓ, વરસો સુધી એને આ બાબત સમજાવ્યા પછી હું હવે થાકી ગયો છું. એટલે મેં એના પૂરતી એ વાત પડતી મૂકી છે. પણ તમે ત્રણે એને પાઠ ભણાવી શકો એમ હો તો કંઈક કરો. હું તમારી સાથે છું.' એ ત્રણે મહિલાઓએ નક્કી કર્યું કે હરિ સેટ પર મોડો આવે તો એમાંથી કોઈ એની સાથે વાત નહીં કરે. તેઓ ગુસ્સે થઈ હોવાનો દેખાવ કરશે, અને કોઈ પણ જાતની મજાકમસ્તી નહીં કરે.

હરિ સેટ પર આવ્યો અને તેને તરત જ ગંધ આવી ગઈ કે કંઈક રંધાઈ રહ્યું છે. ઘડીભર એ મૂંઝાયો. એ જ્યારે પણ સેટ પર મોડો આવે ત્યારે કહેતો, 'ચાલો, માસ્ટર શૉટ સૌથી પહેલાં લઈ લઈએ.' માસ્ટર શૉટમાં અનેક સીન એક જ વખતમાં પૂરા કરી શકાય છે, અને એ રીતે સમયનો બચાવ થાય છે. એ દિવસે પણ માસ્ટર શૉટનું આયોજન હતું. અમે શૉટની તૈયારી કરવા લાગ્યા. આજે હું એ પ્રસંગ યાદ કરું તો મને એ કોઈ સ્વપ્ન જેવો લાગે છે. શૉટ પત્યો અને ગુસ્સે ભરાયેલી એ ત્રણે અભિનેત્રીઓ હરિ પાસે આવી અને તેને ભેટી પડી. એકેએક જણ રાજી હતું. હરિએ એ શૉટ એટલી સુંદર રીતે, અદ્ભુત રીતે કરેલો.
એને અભિનય કરતો જુઓ તો લાગે જ નહીં કે એ અભિનય કરે છે. ટાઈમીંગની એની અદ્ભુત સમજણને કારણે એમ જ લાગતું કે એણે પોતાનું સર્વસ્વ એમાં રેડી દીધું છે.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: ગુલઝારે કયા ચોક્કસ શૉટની વાત લખી છે એ જાણી શકાય એમ નથી, પણ 'નમકીન'નું એક અદ્ભુત ગીત અહીં મૂકવાની લાલચ રોકી શકાતી નથી. શર્મિલા ટેગોર, શબાના આઝમી અને કિરણ વૈરાલે પર ફિલ્માવાયેલા આ ગીતમાં આશા ભોંસલે, ગુલઝાર અને રાહુલ દેવ બર્મનનું સુવર્ણ સંયોજન છે. ફિલ્મમાં શબાનાની ભૂમિકા મૂંગી યુવતીની છે, તેથી આ ગીતમાં આવતો આલાપ તેમના ખુદના સ્વરમાં છે.
આ ગીતની ધૂન એવી છે કે એક વાર સાંભળીને ધરવ થાય નહીં.

(તસવીર નેટ પરથી)

No comments:

Post a Comment