Thursday, March 30, 2023

ગાયક, સંગીતકાર, નિર્માતા...અને છુપાયેલા કવિ હેમંતકુમાર


એક દિવસ રાબેતા મુજબ અમે સૌ હેમંતદાના ખારમાં આવેલા ઘરના મ્યુઝીક રૂમમાં ભેગા થયા. તેઓ એક ઓશિકા પર સહેજ ઝૂકીને હાર્મોનિયમ પર ધૂન વગાડી રહ્યા હતા. એ એમની શૈલી હતી. તેઓ ધૂન વગાડી રહે એટલે સીધા બેસી જતા અને ફરી ઝૂકે એ અગાઉ ગીતની પંક્તિઓ ગાતા. અચાનક એમણે મને પૂછ્યું, 'ગુલઝાર, તેં 'દીપ જ્વેલે જાઈ' જોયું છે?'
'હા, જોયેલું છે, પણ બહુ વખત થઈ ગયો. મને ખાસ યાદ નથી.'
'એને હિન્દીમાં બનાવીએ તો કેવું?'
'એ તો બહુ સરસ, દાદા!' મને તરત જ એ ફિલ્મમાંનાં સુચિત્રા સેનનાં દૃશ્યો યાદ આવી ગયાં. તેમણે કહ્યું, 'ચાલો જઈએ.' અને તરત જ ઊભા થઈને તૈયાર થવા ગયા. એ જ વખતે બેલાદી (હેમંતકુમારનાં પત્ની) રૂમમાં આવ્યાં અને પૂછ્યું, 'અત્યારે ક્યાં ઊપડ્યા?'
'આસિત આવેલો છે.' તેમણે જવાબ આપતાં કહ્યું, 'એ જુહુની હોટેલમાં ઊતર્યો છે. અમે એને મળવા જઈએ છીએ.' આમ, અમે આસિત સેનને મળવા ગયા અને હેમંતદાએ એમને સીધું જ પૂછ્યું, 'આસિત, તારી 'દીપ જ્વેલે જાઈ' હિન્દીમાં બનાવવા વિશે તને કેમ લાગે છે?' આસિતે સાવ ઉદાસીન ભાવે કહ્યું, 'હિન્દીમાં આવી ફિલ્મો કોણ બનાવે, દાદા?'
'હું બનાવીશ. એટલે તો અમે આજે તને મળવા આવ્યા.'
આસિતદા ક્ષણભર ચૂપ થઈ ગયા અને એ પછી દસ જ મિનીટમાં ઘોંઘાટ ઘોંઘાટ થઈ ગયો, કેમ કે, અમે બધા તીવ્ર ચર્ચામાં ઊતરી પડ્યા કે કાસ્ટિંગ શું હશે, લોકેશન કયું હશે, બજેટ કેટલું અને સ્ક્રીનપ્લે કોણ લખશે. પાછા વળતાં હેમંતદાએ તેમના નજદીકી સહાયક પરિમલને સૂચના આપતાં કહ્યું, 'તો પછી કાલે ટ્રાયલ શો ગોઠવો, પરિમલ.' પરિમલે ઠંડકથી કહ્યું, 'હેમંત, એના માટે આપણે પ્રિન્ટ લાવવી પડે. એ બોમ્બેમાં છે નહીં.' કળા પ્રત્યે અઢળક પ્રેમ, પ્રતિબદ્ધતા અને પેશન હોય તો જ સમજાવી શકાય કે માત્ર દસ જ મિનીટમાં એક આખી ફિલ્મનો પ્રોજેક્ટ શી રીતે કોઈ નક્કી કરી શકે.
'ખામોશી'નું શૂટ ધામધૂમથી શરૂ થયું, જેમાં વહીદા રહેમાનની મુખ્ય ભૂમિકા હતી. એક દિવસ હેમંતદા સાથે અમે તેમને ઘેર પહોંચ્યા. વહીદાજીને હું રૂબરૂ પહેલી વખત મળી રહ્યો હતો. અને હું શું જોઉં છું! એ એકદમ શ્યામવર્ણી યુવતી છે! પડદે દેખાય ત્યારે ગોરી દેખાય છે! મને સહેજ નિરાશા થઈ, છતાં 'ખામોશી'ના ગીત 'હમને દેખી હૈ ઈન આંખો કી મહકતી ખુશ્બૂ' ગીતના શબ્દો મારા મનમાં ગૂંજવા લાગ્યા. મેં એ ગીત લખેલું અને હેમંતદાએ એની અદ્ભુત ધૂન તૈયાર કરેલી. એ પછી જાણે કે બોમ્બ ફેંકતા હોય એમ એમણે ઘોષણા કરેલી, 'એ ગીત લતા ગાશે.'
'શું વાત કરો છો, હેમંતદા! આ તો એક છોકરો પોતાની પ્રેમિકા માટે ગાય છે. આ કોઈ છોકરી પોતાના પ્રેમી માટે ન ગાઈ શકે.'
'ના, ગુલઝાર! આ લતાને બરાબર બંધબેસે એવું છે.'
'અરે, પણ કેમનું? ગીત એક પુરુષની સંવેદનાઓ વિશે છે. એને કોઈ સ્ત્રી શી રીતે ગાઈ શકે?'
અમારી અનિચ્છા હતી, પણ હેમંતદા મક્કમ હતા. આખરે અમે એ સમાધાન પર આવ્યા કે ગીતને એક સ્ત્રી રેડિયો પરથી ગાઈ રહી છે. રેડિયો પર કોઈ પણ વ્યક્તિ કોઈનું પણ ગીત ગાઈ શકે. અને નવાઈની વાત એ છે કે, આજ સુધીમાં લતાજીનું ગાયેલું ગીત સાંભળીને કોઈએ ફરિયાદ નથી કરી કે આ ગીત પુરુષનું છે કે સ્ત્રીનું! આવો જાદુ હતો હેમંતદાના સંગીતનો અને એમની નિરીક્ષણશક્તિનો. પણ આ ગીત થકી મને બહુ તકલીફ પડી. આલોચકો કહેવા લાગ્યા- આ ગીત છે કે કવિતા? સુગંધને હાથ વડે શી રીતે સ્પર્શી શકાય? યુવાન ગીતકાર ગુલઝારની બહુ ટીકા થઈ. પણ હેમંતદાની અંદર એક કવિ પણ છુપાયેલો હતો. તેમણે કહ્યું, 'ગુલઝાર, કોઈ ગમે એ કહે એની ફિકર નથી. તારે શબ્દો બદલવાના નથી.' કદાચ કેવળ તેમના પ્રોત્સાહનને લઈને જ 'ગુલઝારીશ' (Gulzarish) જેવો શબ્દ અસ્તિત્વમાં છે!
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: ગુલઝારે 'ખામોશી'ના જે ગીતનો ઉલ્લેખ કર્યો છે તેના શબ્દો આ મુજબ છે. આ ગીત ન સાંભળ્યું હોય એવા ભાગ્યે જ કોઈ સંગીતપ્રેમી હશે. પણ ગુલઝારે લખેલા સંદર્ભે હવે નવેસરથી તેના શબ્દોની મજા આવશે.
हम ने देखी है उन आँखों की महकती खुशबू
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
सिर्फ़ एहसास है, ये रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो कोई नाम न दो
हम ने देखी है उन आँखों की महकती खुशबू
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
हम ने देखी है ...
प्यार कोई बोल नहीं, प्यार आवाज़ नहीं
एक खामोशी है, सुनती है, कहा करती है
ना ये बुझती है, ना रुकती है, ना ठहरी है कहीं
नूर की बूँद है, सदियों से बहा करती है
सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो
हम ने देखी है उन आँखों की महकती खुशबू
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
हम ने देखी है ...
मुस्कुराहट सी खिली रहती है आँखों में कहीं
और पलकों पे उजाले से छुपे रहते हैं
होंठ कुछ कहते नहीं, काँपते होंठों पे मगर
कितने खामोश से अफ़साने रुके रहते हैं
सिर्फ़ एहसास है ये, रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो
हम ने देखी है उन आँखों की महकती खुशबू
हाथ से छूके इसे रिश्तों का इल्ज़ाम न दो
हम ने देखी है ...
આ ગીતનું ફિલ્માંકન અહીં જોઈ શકાશે, જે સ્નેહલતા પર કરવામાં આવ્યું છે.

No comments:

Post a Comment