એમની પાસેથી કામ લેવું બહુ અઘરું. બીજું બધું જ થાય, સિવાય કે મૂળ કામ. અમે કદીક એમને કોઈ ચોક્કસ ધૂન યાદ કરાવીએ કે તરત જ એ કહે, 'કરી દઈશું.' પછી કહે, 'મેં હમણાં જ કાર ખરીદી છે, ચાલો, આપણે પવઈ ઉપડીએ. ટ્રાયલ રન પણ થઈ જશે અને ટ્રીપ પણ.' અને અમે બહાર નીકળીએ કે ગીતની વાત હવામાં ઊડી જતી. એ વખતે અમે 'કાબુલીવાલા' શૂટ કરી રહ્યા હતા. કલકત્તાની ગલીઓ અને સડકોમાં ટાઈટલ શોટ્સનું ફિલ્માંકન કરીને હું હજી મુમ્બઈ આવ્યો જ હતો. બીમલદા (બીમલ રોય)એ જણાવ્યું કે બે ગીતો રેકોર્ડ થઈ ગયાં છે. તેમણે મને એ સાંભળી લેવા કહ્યું. મેં એ સાંભળ્યાં અને કહ્યું કે મને ભજન ખાસ પસંદ નથી. બીમલદાએ એમની લાક્ષણિક શૈલીમાં 'હંમ' કહ્યું અને પછી સલીલદા સાથે એની ધૂન ફાઈનલ કરી લેવા જણાવ્યું. પણ એ ગીત લખવાનું કોણ હતું? પ્રેમ ધવને બાકીનાં ગીતો લખેલાં, પણ હું અચાનક કેમનો વચ્ચે ઝંપલાવી દઉં?
બહુ અસ્વસ્થતા અનુભવતાં મેં સલીલદા (સલીલ ચૌધરી)ને આ મામલે ફેરવિચાર કરવા કહ્યું અને મેં એકરાર કર્યો કે મને એ યોગ્ય લાગતું નથી. સલીલદાએ મને જણાવ્યું કે ખુદ પ્રેમે જ તારું નામ સૂચવ્યું છે, કેમ કે, એનો 'ઈપ્ટા'ની ટૂરનો કાર્યક્રમ ગોઠવાયેલો છે. બીમલદા એમને જતા રોકી શકે એમ ન હોવાથી, પ્રેમે સૂચવ્યું કે ગીત મારી પાસે લખાવવું. કંઈક રાહત અનુભવતાં હું સંમત થયો. એને ધૂનમાં બેસાડવાનું હતું. બીમલદાએ મને એ બાબતે વારંવાર કહ્યું ત્યારે છેવટે મારે એમને કહેવું પડ્યું કે સલીલદાને એ માટે સમય નથી મળતો. એ કશું ન કરે ત્યાં સુધી....
એ સમયે રાજન તરફદારની (બંગાળી ફિલ્મ) 'ગંગા' રજૂઆત પામેલી અને તેના (સલીલદાએ સંગીતબદ્ધ કરેલા) ગીત 'આમાય દુબાઈલી રે' ગીતની મધુરતાથી હું રીતસર ખેંચાતો ગયેલો. થોડા દિવસ પછી હું સલીલદાને ઘેર ગયો. એમના ઘરમાં એક મ્યુઝીક રૂમ હતો. તેઓ નીચલા માળે ટેબલટેનિસ રમી રહ્યા હતા. મેં કહ્યું, 'સલીલદા, 'કાબુલીવાલા'ના આ ગીતમાં આપણે 'આમાય દુબાઈલી રે'ની ધૂન ન વાપરી શકીએ?' કામની વાત કરીને મેં એમની રમતમાં ભંગ પાડ્યો એટલે સહેજ અકળામણ અને ટાળવાના ભાવથી એમણે કહ્યું, 'હા, હા. ઠીક છે. ઉપર જઈને કાનુ પાસેથી નોટ્સ લઈ લે.' એ મુજબ, હું સલીલદાના સહાયક કાનુ ઘોષને મળવા ઉપર ગયો. અમે કામ માટે બેઠા કે થોડી જ વારમાં એક સ્ટેશન વેગન આવવાનો અવાજ સંભળાયો. સલીલદા કોઈ તોફાની છોકરાની જેમ ઉપરની તરફ દોડ્યા અને પિયાનો પર ગોઠવાઈ ગયા. તેઓ એટલી ગંભીરતાથી અને તન્મયપણે બેઠા કે જોનારને એમ જ લાગે કે તેઓ વરસોથી આવી સંગીતસાધના કરી રહ્યા હશે. તેમને બરાબર જાણ હતી કે બીમલદા ક્યારે ઉપર આવશે અને બારણે પહોંચશે. પોતે એ રીતે મગ્ન થઈ ગયા કે જાણે એમને આસપાસ કોણ છે, શું ચાલી રહ્યું છે એની સૂધ ન હોય. અચાનક જ બીમલદા પર નજર પડી હોય એમ એ બોલ્યા, 'બીમલદા, મને એમ હતું કે આપણે 'આમાય દુબાઈલી રે'ની ધૂન 'કાબુલીવાલા'ના આ ગીત માટે વાપરીએ તો કેવું?' આમ કહીને તેમણે આંખો મીંચી અને પિયાનો પર આંગળીઓ ફેરવવા લાગ્યા. પછી બોલ્યા, 'હું આવું કંઈક વિચારતો હતો.' બીમલદા બોલ્યા, 'કોકને ડૂબાડવા માટે ખાસ પ્રયત્નો કરવા ન પડે, સલીલ! તારું કામ કર.' આમ કહીને તેઓ ફર્યા અને અકળાઈને ચાલ્યા ગયા. એમની કાર દરવાજાની બહાર નીકળી એ સાથે જ સલીલદા ખુરશીમાંથી જાણે કે ઉછળ્યા, મારી તરફ ફર્યા અને એક કડક શિક્ષકની જેમ બોલ્યા, 'ગુલઝાર, તારે કાનુ સાથે બેસવાનું છે અને તું જાય એ પહેલાં બધું પતાવી દેવાનું છે.' કેમ જાણે, આટલા વિલંબ બદલ હું કારણભૂત ન હોઉં! જાણે કે કામને ઠેલવા માટે હું જવાબદાર ન હોઉં! આટલું કહ્યું ન કહ્યું અને તેઓ દાદર ઉતરીને પાછા ટેબલટેનિસ રમવામાં પરોવાઈ ગયા. હું શું બોલું? હું આમાં મૂક પ્રેક્ષક બની રહ્યો હતો. એ ગીત હતું, 'ગંગા આયે કહાં સે....'
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: રાજન તરફદાર નિર્દેશીત બંગાળી ફિલ્મ 'ગંગા' (1960) ના ગીત 'આમાય દુબાઈલી રે'ની ધૂન સલીલદાની હતી, જે મન્નાડેએ ગાયું હતું. આ ગીત અહીં સાંભળી શકાશે.
No comments:
Post a Comment