નવનીતરાય આર. ત્રિવેદી એટલે કે એન.આર.ત્રિવેદીની આજે બીજી પુણ્યતિથિ છે.
10 માર્ચ, 2021ના રોજ તેમનું અવસાન થયું. તેમની સાથેનો મારો વિશિષ્ટ અનુબંધ હતો.
જીવનકથા કે જીવનચરિત્રના લેખન ક્ષેત્રે મારો અધિકૃત પ્રવેશ એપ્રિલ, 2007માં પ્રકાશિત 'પુરુષાર્થની પેલે પાર'
આ નિમિત્તે
ત્રિવેદીસાહેબનો પરિચય અંતરંગ બન્યો. એ વિશેની રસપ્રદ વાત 'સાર્થક જલસો'ના 13મા અંકમાં ત્રણ લેખશ્રેણીરૂપે વિસ્તૃત
આલેખાયેલી છે. (વ્યાવસાયિક જીવનચરિત્રલેખન વિશેનો મારો લેખ- એની પરથી રજનીકુમારને
સૂઝેલી વાર્તા- અને એ વાર્તાની રજનીકુમારે લખેલી કેફિયત) અતિશય સાહસિક અને
હકારાત્મક વ્યક્તિત્ત્વ ધરાવતા ત્રિવેદીસાહેબ પોતાના જીવનમાં વિવિધ તબક્કે પોતાને
ઉપયોગી બનેલા લોકોનું ઋણ વિશિષ્ટ રીતે અદા કરવા માંગતા હતા. એક પછી એક એમ કુલ પાંચ
એવી વ્યક્તિઓની જીવનકથા તેમણે અમારી પાસે લખાવડાવી. આ ઉપરાંત તેમની પોતાની કથા 'પુરુષાર્થની પેલે પાર'નો અંગ્રેજી અનુવાદ પણ મેં કર્યો, જેનું પરામર્શન પ્રો. હરીશ મહુવાકરે કરેલું. આ
અંગ્રેજી પુસ્તક તેમણે પોતાના બિનભારતીય મિત્રો અને કુટુંબીઓ માટે કરાવેલુ અને
તેનું વિમોચન પણ બર્લિનમાં યોજેલું. (તેમનાં જીવનસાથી રોઝમેરી ઉર્ફે સંધ્યાબેન
જર્મન હતાં).
10 માર્ચ, 2021ના રોજ તેમનું અવસાન થયું. ઘણા વખતથી તેમની તબિયત નરમગરમ રહેતી હતી. સ્મૃતિભ્રંશ પણ થવા લાગ્યો હતો. આખરે 90 વર્ષની વયે તેમણે વિદાય લીધી. તેમના બન્ને પુત્રો હરિત અને શરદ પણ એટલા જ પ્રેમાળ અને ઉષ્માસભર છે. તેમની સાથે વાત થતાં તેમણે બહુ પ્રેમપૂર્વક પિતાજીની યાદો અને અમારી સાથેના તેમના વિશિષ્ટ સંબંધને પણ તાજો કર્યો.
તેમની જીવનકથાના
વિમોચન સમારંભમાં તેમણે મારો ઉલ્લેખ 'An expert on my life who
knows more about me than myself' કહીને કર્યો હતો. મારા જેવા ત્યારે સાવ નવાસવા અને અજાણ્યા જણને બિરદાવીને
તેમણે પોતાની ખેલદિલી અને સૌજન્ય દર્શાવ્યાં હતાં. તો રજનીકુમારે પણ આ પુસ્તકના
આલેખનમાં મારું પ્રદાન જોઈને બહુ ઉદારતાપૂર્વક મારું નામ તેમની (નીચે કે પુસ્તકની
અંદર નહીં, પણ) સાથે
મૂકવાનો આગ્રહ રાખ્યો હતો.
નવીસવી વ્યાવસાયિક કારકિર્દીના આરંભે આવા અનુભવો આગળ વધવાનો જબરદસ્ત ધક્કો પૂરો પાડે છે.
ત્રિવેદીસાહેબની
સ્મૃતિને વંદન.
No comments:
Post a Comment