Friday, January 27, 2023

સ્વ સાથેનો સંઘર્ષ

ચરિત્રલેખનનાં કામોમાં કેટલાક કામ એવાં આવે કે જેનું આલેખન કરવાની ખરેખર મઝા આવે. (કોઈક કામમાં મઝા ન આવે તો પણ વ્યાવસાયિક કામ હોવાથી તેને યોગ્ય ન્યાય આપીએ એ અલગ વાત છે.) કેવળ છ દાયકામાં ભરપૂર જીવન જીવી જનાર મહેન્દ્ર દેસાઈની કારકિર્દીનું વૈવિધ્ય કોઈ પણ ચરિત્રકારને આકર્ષે એવું હતું. સિવિલ એન્જિનિયરીંગ, નાટ્યલેખન-દિગ્દર્શન, કોર્પોરેટ કમ્યુનિકેશન, પત્રકારત્વ (પેડલ પર પૃથ્વી પરકમ્મા અને વલોપાત જેવી નવલકથાઓ સામેલ) તેમજ મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર....! પણ આ વૈવિધ્યસભર કારકિર્દીમાં ફૂલહારમાં રહેલા અદૃશ્ય દોરા જેવું તત્ત્વ તે એમનો જાત સાથેનો સંઘર્ષ. આરંભે સંજોગો સામે, અને પછી જાત સાથે સતત સંઘર્ષશીલ એવા મહેન્દ્ર દેસાઈની જીવનકથાનું શિર્ષક આ કારણે જ 'સ્વ સાથેનો સંઘર્ષ' રાખવામાં આવ્યું.

પુસ્તકના લેખક-સંપાદક તરીકે મારી કેફિયતનું બયાન

27 જાન્યુઆરી, 2018ના રોજ મર્યાદિત નિમંત્રિતોની ઉપસ્થિતિમાં એક ગરિમાપૂર્ણ સમારંભમાં આ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ-વક્તા તરીકે ઈન્દુકુમાર જાની (નયા માર્ગ), પ્રકાશ ન. શાહ (નિરીક્ષક) અને શંકરસિંહ વાઘેલા (જેમના મુખ્યમંત્રીકાળમાં મહેન્દ્ર દેસાઈ તેમના સલાહકાર રહેલા) એ ઉપસ્થિત રહીને મહેન્દ્ર દેસાઈનાં વિવિધ પાસાંનો પરિચય આપ્યો.

(ડાબેથી) નિહાલ મહેન્દ્ર દેસાઈ, ભરત મોહનલાલ દેસાઈ, બીરેન કોઠારી, પ્રકાશ ન. શાહ, શંકરસિંહ વાઘેલા, ઈન્દુકુમાર જાની, ભાનુ મહેન્દ્ર દેસાઈ અને તસવીરમાં 
ન દેખાતા સંચાલક ધૈવત જોશીપુરા 

આ પુસ્તક માટે લખેલું મારું સંપાદકીય લખાણ અહીં પ્રસ્તુત છે, જેમાં તેના આલેખનની પ્રક્રિયાનો અંદાજ મળી શકશે.

****

સિદ્ધિઓને નહીં, સંઘર્ષને ઝીલવાનો પ્રયાસ

-બીરેન કોઠારી

કવિમિત્ર રમણીક સોમેશ્વર થકી પહેલવહેલી વાર ભાનુબેન દેસાઈને રૂબરૂ મળવાનું બન્યું ત્યારે અમે પરસ્પરનાં નામથી પરિચિત હતાં. આમ છતાં, બન્નેમાંથી કોઈના મનમાં આ જીવનકથા બાબતે કોઈ વિચાર સુદ્ધાં ઝબક્યો ન હતો. એ વખતે ચિત્રકાર ભૂપેન ખખ્ખરની જીવનકથા અંગે હું સંશોધન કરી રહ્યો હતો. મારી પાસે મહેન્‍દ્ર દેસાઈએ અંગ્રેજીમાં લખેલા ભૂપેન અંગેના પુસ્તકની માહિતી હતી, પણ એ પુસ્તક મેં જોયું નહોતું. તેમની દોસ્તી હતી એ મને ખ્યાલ હતો. આથી મહેન્‍દ્રભાઈનાં જીવનસંગિની ભાનુબેન પાસેથી માહિતી મેળવવા માટે હું ગયો અને તેમનો ઈન્ટરવ્યૂ કર્યો.

મહેન્‍દ્ર દેસાઈનાં લખાણો ચિત્રલેખામાં મેં વખતોવખત વાંચ્યાં હતાં. તેથી તેમના વિષે પણ વાતો નીકળે એ સ્વાભાવિક છે. વધુ વાતો નીકળતાં તેમણે મને પોતે જાળવી રાખેલી સંપૂર્ણ સામગ્રી બતાવી. એ મુલાકાત પછી ભાનુબેનના મનમાં મહેન્દ્ર દેસાઈની પોતે ઈચ્છતાં હતાં એવી જીવનકથાનું બીજ રોપાયું હશે. તેમણે એ વિષે વાત કરી ત્યારે મને સૌથી પહેલો સવાલ એ થયો હતો કે તેમણે આ કથાનું આલેખન થઈ શકે એ માટે તેર તેર વર્ષ રાહ કેમ જોઈ હશે? વાત કરતાં ખ્યાલ આવ્યો કે મહેન્‍દ્રભાઈની કથામાં તેમની સિદ્ધિઓની પૃષ્ઠભૂમિમાં સ્વ સાથેનો તેમનો સંઘર્ષ આલેખાય એવી સ્પષ્ટતા તેમના મનમાં પહેલેથી હતી. અમે આગળ વધવાનું નક્કી કર્યું એ અગાઉ પ્રાથમિક વાતચીત કરી. શું હોવું જોઈએ અને કેવી રીતનું હોવું જોઈએ એ બાબત કરતાં વધુ ભાર એ હકીકત પર હતો કે શું અને કેવી રીતનું ન જ હોવું જોઈએ.

છ દાયકામાં જ સમેટાઈ જતી મહેન્દ્રભાઈની આ જીવનકથામાં સૌથી વિશિષ્ટ કોઈ પાસું હોય તો કારકિર્દીના વૈવિધ્યનું. સિવિલ એન્‍જિનિયરિંગ, નાટક, કમ્યૂનિકેશન, પત્રકારત્ત્વ, રાજકીય સલાહકાર જેવાં એકમેકથી સાવ ભિન્ન ક્ષેત્રોમાં મહેન્‍દ્રભાઈએ જે શિખરો સર કર્યાં હતાં એ કોઈ પણ ચરિત્રકારને આકર્ષે એવાં હતાં. પણ અલગ અલગ જણાતાં આ તમામ ક્ષેત્રોમાં લઘુત્તમ સામાન્ય અવયવ હતો જાત સાથેનો તેમનો સતત સંઘર્ષ. તેમની સ્પર્ધા કોઈ બાહ્ય પરિબળ સાથે નહીં, માત્ર પોતાની જાત સાથે હતી. અને આ સંઘર્ષનાં સૌથી નિકટનાં સાક્ષી બની રહ્યાં હતાં ભાનુબેન. એ રીતે ભાનુબેને પોતે નિહાળેલા મહેન્‍દ્ર દેસાઈના જાત સાથેના સંઘર્ષને ન્યાયી રીતે શબ્દરૂપે આલેખવાનો ઉપક્રમ મુખ્ય હતો.

અત્યાર સુધી સાચવી રાખેલા અનેક પત્રો, સામયિકો, લેખો તેમણે મારી સમક્ષ ખડકી દીધાં. એ સામગ્રીનો ઉપયોગ આ પુસ્તકમાં કર્યો છે. તદુપરાંત અનેક લોકોને અમે રૂબરૂ મળ્યાં, તેમની સાથે સમય ગાળ્યો, વાતો કરી અને મહેન્‍દ્રભાઈએ વિવિધ ક્ષેત્રે કરેલા કાર્યની જાણકારી મેળવી. ભાનુબેન સાથે સ્વાભાવિકપણે જ અનેક મુલાકાતો કરી. મહેન્‍દ્રભાઈનાં ભાઈબહેનો વનમાળાબેન, કીર્તિબેન-મહાદેવભાઈ, ભરતભાઈ, પિતરાઈ જયેશભાઈ-ઊષાબેન, મહાદેવભાઈને પણ મળવાનું બન્યું. સૌએ પોતાનાં બાળપણનાં, મહેન્‍દ્રભાઈની એ અવસ્થાનાં અનેક સંભારણાં તાજાં કર્યાં. વલસાડ જઈને અમે બકુલાબેન ઘાસવાલાને તેમજ શ્રી વિજય દેસાઈને મળ્યાં ત્યારે મહેન્‍દ્રભાઈની પ્રકૃતિનું મૃદુ પાસું જાણવા મળ્યું. અમદાવાદના શ્રી ઈન્‍દુકુમાર જાની, શ્રી પ્રકાશ ન. શાહ, ગાંધીનગરના શ્રી ડંકેશ ઓઝા જેવા સૌએ મહેન્‍દ્રભાઈની અનેક વિશિષ્ટતાઓ ચીંધી બતાવી. શ્રી ધીરુ મિસ્ત્રી, શ્રી અરવિંદ શિંદે, શ્રી ઉત્પલ ત્રિવેદી, શ્રી કુંવરજી ડોડિયા, શ્રી સાદિક સૈયદ (ભરુચ) જેવા એક સમયે મહેન્‍દ્રભાઈ સાથે જ્યોતિ થકી સંકળાયેલા સાથીદારોએ પણ અનેક મહત્ત્વની વિગતો આપી. ગાંધીનગરમાં શ્રી શંકરસિંહ વાઘેલાની શ્રી કિશોરસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં લેવાયેલી તેમજ શ્રી મધુસુદન મિસ્ત્રીની મુલાકાતની વિશેષતા એ હતી કે મહેન્‍દ્રભાઈની વિદાયના દોઢ દાયકા બાદ પણ પોતાની કારકિર્દીમાં મહેન્‍દ્ર દેસાઈના પ્રદાન બાબતે જણાવતી વેળાએ તેમણે કશો ફેરવિચાર કરવાનો નહોતો. શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટે પણ મહેન્‍દ્રભાઈ અંગે વાતો કરી. મહેન્‍દ્રભાઈના પુત્ર નિહાલભાઈ, પુત્રવધૂ શર્વરી, જમાઈ નીરવભાઈ સાથેની વાતચીતમાં મહેન્‍દ્રભાઈના કૌટુંબિક પાસાંનો પરિચય થયો.

આ રીતે પ્રાપ્ત થયેલી અનેકવિધ માહિતી પછી હવે તેના આયોજનનો વારો હતો.

**** **** *****

માહિતીનો મુખ્ય સ્રોત અલબત્ત, ભાનુબેન હતાં, છતાં, વિવિધ ક્ષેત્રને લગતી આંતરિક બાબતોમાંની મોટા ભાગની એવી હતી કે એક હદથી વધુ જાણ તેમને ન હોય. આથી ઉપલબ્ધ માહિતી તેમજ આનુષંગિક સંદર્ભોને આધારે પ્રકરણ લખાતાં ગયાં ત્યારે અમને થયું કે જે તે ક્ષેત્રમાં મહેન્‍‍દ્રભાઈ સાથે સંકળાયેલી વ્યક્તિ સંબંધિત પ્રકરણ જોઈ જાય તો કશું ચૂકી ન જવાય, તેમજ હકીકતદોષ નિવારી શકાય. ક્યાંય, સહેજ પણ અતિશયોક્તિ ન આવે એ બાબતે ભાનુબેન પોતે જ એકદમ સાવચેત હતાં. અતિશયોક્તિ તો ઠીક, મહેન્દ્રભાઈનો જાત સાથેનો સંઘર્ષ ઉજાગર થઈ શકે એ માટે જરૂરી પાત્રોનો જ સમાવેશ થાય એવો તેમનો આગ્રહ હતો. એમાંથી તેમણે પોતાની જાતને પણ બાકાત ન રાખી.

કુટુંબકથાનાં ચારેક પ્રકરણ લખાયાં પછી મહેન્‍દ્રભાઈનાં ભાઈબહેનો સમક્ષ તેનું પઠન કર્યું. નાટક વિશેનું પ્રકરણ નાટ્યવિદ્‍ શ્રી મહેશ ચંપકલાલે તપાસ્યું. જ્યોતિ વિષેના પ્રકરણમાં શ્રી ઉત્પલ ત્રિવેદીએ અનેકવિધ વિગતો પૂરી પાડી અને મહેન્દ્રભાઈના પ્રદાનને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં દર્શાવવામાં મદદ કરી. રાજકીય સલાહકાર તરીકેની કારકિર્દીવાળું પ્રકરણ ડંકેશભાઈ વાંચી ગયા અને કેટલાંક સૂચનો કર્યાં. આમ, હકીકતદોષ નિવારવા માટે શક્ય તમામ સાવચેતી લેવામાં આવી છે.

એક વાર આખી કથા લખાઈ ગયા પછી શ્રી રમણીક સોમેશ્વરે તેને વાંચી અને કેટલાંક મહત્ત્વનાં સૂચન કર્યાં. આ પુસ્તકની આખી હસ્તપ્રતની જોડણીશુદ્ધિ શ્રી રજનીકાન્‍ત કટારિયાએ ચોકસાઈપૂર્વક કરી આપી.

હસ્તપ્રત તૈયાર થઈ ગયા પછી પુસ્તકરૂપે તેનું લે-આઉટ તેમજ ટાઈટલ તૈયાર કરવાનું અમદાવાદના કલાકાર શ્રી ફરીદ શેખને સોંપાયું, જે તેમણે પોતાની આગવી કળાસૂઝથી પાર પાડ્યું છે.

આ સૌના આભાર સહિત આ કાર્યમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયા હોય એવા સૌનો અલાયદો નામોલ્લેખ પણ કરેલો છે અને એ સૌ આ કાર્યના યશોભાગી છે.

પોતાની મેળે પડકાર ઊભા કરીને તેને પાર પાડવા અને પછી ફરી કોઈ નવો પડકાર શોધીને તેને પાર પાડવા મચી પડવું. મહેન્‍દ્ર દેસાઈની આવી જીવનતરાહ કેવળ તેમના કુટુંબની જ નહીં, તમામ નવી પેઢી માટે પ્રેરણાદાયી બની શકે એવી છે. તેનું આલેખન કરવાની તક આપવા બદલ ભાનુબેનનો ખાસ આભાર.

(પુસ્તક બુકશેલ્ફ, અમદાવાદ, પ્રવિણ પુસ્તક ભંડાર, રાજકોટ અને અક્ષરભારતી, ભુજ ખાતે ઉપલબ્ધ.)





No comments:

Post a Comment