Monday, December 5, 2022

'સાગર મુવીટોન'ના એક પ્રકરણનું સમાપન

તેમની સીધેસીધી ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે 'સાગર મુવીટોન'ના ચીમનલાલ દેસાઈના પુત્ર સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ)ના નાના પુત્ર. સુકેતુ દેસાઈને જોઈને પહેલી છાપ એમ જ પડે કે તે ફિલ્મના અભિનય સાથે સંકળાયેલા રહ્યા હશે. અસાધારણ લંબાઈ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને શાલીન રીતભાત. આ કારણે જ તેમની ઈચ્છા જે તે સમયે ફિલ્મક્ષેત્રે જવાની હતી. એકાદ બે નિર્માતાઓ સાથે વાત પણ ચાલેલી. યોગાનુયોગ એવો થયો કે જે નિર્માતા સાથે વાત સહેજ આગળ વધે કે એ નિર્માતાનું અવસાન થઈ જાય. એ સમયે પડદા પર ખલનાયકી કરતા પ્રાણસાહેબે સુકેતુ દેસાઈને નાયકની નહીં, પણ ખલનાયક તરીકેની કારકિર્દી માટે સૂચન કરેલું, જેથી એ કારકિર્દી લાંબી ચાલી શકે. જો કે, એ કશું ન બની શક્યું. આખરે બાંદરામાં પોતાનાંં બે થિયેટર સંભાળવામાં તે પરોવાયેલા. સુકેતુ દેસાઈએ એ સમયે પડાવેલી તસવીર બતાવીને મને કહેલું, 'The coming Kumar તરીકે મારા નામની પબ્લિસિટી કરવાની હતી.' મેં તત્ક્ષણ જવાબ વાળતાં કહ્યું, 'The coming Kumar who never came.' આવી મજાકને તેમણે ખેલદિલીપૂર્વક સ્વીકારીને કહ્યું, 'ધેટ્સ ટ્રુ.'

સુકેતુ દેસાઈ: ધ કમિંગ કુમાર 

'સાગર મુવીટોન' પુસ્તકનું આલેખન નક્કી કર્યું એ પછી લગભગ એમ ગોઠવાતું કે દર અઠવાડિયે ઓછામાં ઓછું એક વાર મારે અમદાવાદ જવાનું થતું. મિત્ર ચંદ્રશેખર વૈદ્ય પણ લગભગ હોય જ. સુકેતુ-દક્ષા દેસાઈ અને મારી વચ્ચે આ પુસ્તક બાબતે ગોરકર્મ કરાવવામાં તેઓ નિમિત્ત બનેલા. એ મુલાકાતો ઉપરાંત બે-ત્રણ વાર મુંબઈ, સુરત-ભરૂચ પણ અમે સાથે ગયેલા. મુંબઈ જઈએ એટલે કાયમી તકલીફ તેમના 'માપ'ની ટેક્સી શોધવાની રહેતી. બાંદરા સ્ટેશનના પ્રિપેઈડ ટેક્સીસ્ટેન્ડ પર અમે ટિકીટ લઈને ઊભા રહીએ, અને મોટા ભાગના બધા મુસાફરોને ટેક્સી મળી જાય એ પછી અમારો વારો આવતો, કેમ કે, સુકેતુભાઈની લંબાઈ એટલી કે સાદી ફિયાટમાં તે સમાઈ ન શકે. આથી મોટે ભાગે મારુતિ વાનની રાહ જોઈને ઊભા રહેવું પડે. મુંબઈના રોકાણ દરમિયાન તે મોટે ભાગે નેપિયન સી રોડ પર ઊતરતા, અને હું પેડર રોડ પર. આથી મોટે ભાગે એવો ક્રમ રહેતો કે તે પોતાને ત્યાંથી નીકળીને રસ્તામાંથી મને ફોન કરે અને હું પેડર રોડ પરથી તેમની સાથે જોડાઈ જાઉં.
સુકેતુ દેસાઈ અને દક્ષા દેસાઈ, પુત્રી ઋતુજા સાથે 
સુકેતુ દેસાઈની બોલવાની શૈલી એવી કે તેમને ઓળખતા ન હોય એને એમ લાગે કે તે સામાવાળાને ધમકાવે છે યા અપમાનિત કરે છે. એ એમના અવાજની લાક્ષણિકતા હતી એટલું જ.
'સાગર મુવીટોન'ના કામ વખતે અસંખ્ય વખત એવું બન્યું કે મારે તેમના દ્વારા રજૂ કરાતી હકીકતોને પડકારવાની આવી હોય. વરસોથી કુટુંબમાં ચાલી આવતી વાતોને મારા જેવો, તેમના પરિવાર માટે નવોસવો માણસ પડકારે એટલે સુકેતુ દેસાઈ પહેલાં તો વિરોધ કરે. પછી હું કહું, 'પુરાવો બતાવું તો તમે માનશો?' એટલે હસીને કહે, 'માનવું જ પડશે ને! છૂટકો છે?' અને ખરેખર, એ પછી નિખાલસતાથી એ સચ્ચાઈ સ્વીકારે. પુસ્તકના આલેખન વખતે પણ તેમણે કહેલું, 'તને જે સાચું લાગે એ જ લખજે.' આ સ્વીકાર બહુ અઘરો હોય છે.
'સાગર મુવીટોન' પુસ્તકના વિમોચન વખતે
જૂના પાડોશી આમીર ખાન સાથે
સંજોગોની થપાટ તેમના પરિવારે બહુ ખાવી પડેલી. 1991માં તેઓ સપરિવાર અમેરિકા જઈ વસ્યાં, અને અઢારેક વરસ પછી પાછા ભારત આવીને સ્થાયી થયા. એ પછી દક્ષાબહેને પુસ્તકનું કામ કરાવવાનો વિચાર કરેલો.
સ્વાસ્થ્યને લઈને તેમને અનેક સમસ્યાઓ રહેતી. પુસ્તકનું કામ પૂરું થયા પછી સંપર્ક ઓછો થાય એ સ્વાભાવિક છે, પણ તે વડોદરા આવે ત્યારે અચૂક ફોન કરતા. યા વચ્ચે કોઈ વાર મન થાય તો પણ ફોન કરતા. આ એપ્રિલમાં દક્ષાબેનનું અવસાન થયું એ પછી તેમની સાથે થયેલી ફોન પરની વાતચીત છેલ્લી બની રહી.
સુકેતુભાઈ પથારીવશ રહેતા હતા. દક્ષાબેનની વિદાય પછી આઠેક મહિનામાં તેમણે પણ વિદાય લીધી. 4 ડિસેમ્બર, 2020ની સાંજે તેમણે શ્વાસ મૂક્યો હોવાના સમાચાર ચંદ્રશેખરભાઈ વૈદ્ય દ્વારા મળ્યા. તેઓ 80 વર્ષના હતા.

'સાગર મુવીટોન' અને 'સાગર' પરિવારના એક પ્રકરણનું આમ સમાપન થયું. અમેરિકાનિવાસ પછી તેઓ ભારતમાં ગમે એ કારણોસર સ્થાયી થવા આવ્યા હોય, 'સાગર મુવીટોન' પુસ્તકનું અવતરણ તેમનું અવતારકાર્ય બની રહ્યું. સિનેમા અને ઈતિહાસના પ્રેમીઓ તેમની આ ચેષ્ટા બદલ તેમના ઋણી રહેશે.

No comments:

Post a Comment