Wednesday, December 7, 2022

ગ્રાફિક નોવેલના અનુવાદની યાદગાર સફર

ઉંમરના એક તબક્કે અમર ચિત્રકથાઓ અને ઈન્દ્રજાલ કૉમિક્સ ભરપૂર વાંચવાને કારણે સંવાદની સાથોસાથ આનુષંગિક ચિત્રોના નિરીક્ષણની પણ આદત વિકસતી ગઈ. આથી 'બુકશેલ્ફ' દ્વારા ગ્રાફિક નોવેલના અનુવાદનો પ્રસ્તાવ મળ્યો ત્યારે જાણે કે એક ચક્ર પૂરું થઈ રહ્યું હોય એમ લાગેલું. સૌ પ્રથમ ડૉ. અબ્દુલ કલામ અને બાબાસાહેબ આંબેડકર વિશેની ગ્રાફિક નોવેલનો અનુવાદ કર્યો ત્યારે આ નવા માધ્યમનો વિશેષ પરિચય થયો. (આ બન્ને ગ્રાફિક નોવેલની અનુવાદપ્રક્રિયા વિશે અહીં વાંચી શકાશે.)

કૉમિક્સ અને ગ્રાફિક નોવેલના મૂળભૂત સ્વરૂપમાં ઘણું સામ્ય છે, પણ ગ્રાફિક નોવેલ સુદીર્ઘ હોય છે, જેનો ઉદ્દેશ્ય કેવળ બાળકો માટેના વાંચનનો જ નહીં, વયસ્કોના વાંચનનો પણ હોય છે. આ સ્વરૂપમાં હવે તો જબ્બર ખેડાણ થઈ રહ્યું છે, અને અનેક ગ્રાફિક નોવેલ બજારમાં ઉપલબ્ધ બની રહી છે. અલબત્ત, તે મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે, અને એ પછી અન્ય ભાષાઓમાં અનુવાદિત થાય છે.
અહીં મૂકેલી ત્રણ ગ્રાફિક નોવેલમાંની એક They changed the world નામની શ્રેણી છે, જેની અંતર્ગત મહાન શોધકોના જીવન વિશે સચિત્ર અને સ-રસ વિગતો હોય છે. આ એક પુસ્તકમાં ત્રણ સમકાલીનો એડિસન, ટેસ્લા અને ગ્રેહામ બેલના જીવનની કથા દર્શાવવામાં આવી છે. બીજા પુસ્તકમાં વિમાનના સફળ શોધક રાઈટ બંધુઓની કથા છે, તો ત્રીજા પુસ્તકમાં સ્ટીવ જોબ્સની કથા છે.




ગ્રાફિક નોવેલ માટે ચીતરનારા ચિત્રકારો શી રીતે કામ કરે છે એ ખ્યાલ નથી, પણ તેઓ લેખક સાથે સંવાદ સાધીને ચીતરતા હશે એમ લાગે છે. આ પુસ્તકમાંનાં ચિત્રો જોતાં જ આપણને કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોવાનો અહેસાસ થાય. કેવળ 'આઈ લેવલ'થી સમાંતર ચિત્રો બનાવવાને બદલે તેઓ સિનેમાના કેમેરાના એન્ગલથી ચિત્રો બનાવતાં હોય એમ લાગે.
એમાંય સ્ટીવ જોબ્સના પુસ્તકનું લે-આઉટ ગજબ છે. પ્રથમ નજરે એ આઈ-પેડ જેવું જણાય અને અંદરનાં આરંભિક પૃષ્ઠો પર પણ એ જ લે-આઉટ! આ પુસ્તકમાં કથા કેટલી સચોટ રીતે કહેવાઈ હોય છે એનું એક જ ઉદાહરણ પૂરતું થઈ પડશે. સ્ટીવ જોબ્સની પારિવારિક પૃષ્ઠભૂમિ બહુ સંકુલ અને ઝટ ન સમજાય એવી છે. પણ આ પુસ્તકના અનુવાદ દરમિયાન બહુ સરળતાથી એનો ખ્યાલ આવી ગયો. યોગાનુયોગ એવો બન્યો કે પહેલાં મેં આ અનુવાદ કર્યો અને એ પછી સ્ટીવ જોબ્સ પર બનેલી ફિલ્મ જોવાનું બન્યું એટલે ફિલ્મને બરાબર માણી શકાઈ અને તેના નાનામાં નાના પ્રસંગો સમજી શકાયા.


હજી ગ્રાફિક નોવેલનો આ પ્રકાર ગુજરાતીમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યો છે. તેની કિંમત કદાચ સહેજ વધુ જણાય, પણ તેની પૃષ્ઠસંખ્યા અને ઉત્કૃષ્ટ નિર્માણ એને વાજબી ઠેરવે છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે આ અતિ ઉપયોગી પુરવાર થઈ શકે એમ છે, કેમ કે, તેમાં વિગતવાર માહિતી આપવામાં આવે છે, અને ચિત્રો સાથે હોવાથી તે સહેલાઈથી યાદ રહી જતી હોય છે. તો વયસ્કો માટે આ ગ્રાફિક નોવેલ એક જુદા જ પ્રકારનો વાંચન અનુભવ પૂરો પાડે છે.
મારા દ્વારા આ ત્રણની સાથે કુલ પાંચ ગ્રાફિક નોવેલ અનુવાદિત થઈને પ્રકાશિત થઈ છે. છઠ્ઠીનો અનુવાદ થઈ ગયો છે, પણ એ હજી પ્રકાશિત થઈ નથી. મારા ઉપરાંત બીજા મિત્રો દ્વારા પણ એના અનુવાદ થઈ રહ્યા છે.
આશા રાખીએ કે સચિત્ર માહિતી આપતા આ માધ્યમનો આનંદ વધુ ને વધુ લોકો લઈ શકે.
આ ત્રણે પુસ્તકો બુકશેલ્ફ (અમદાવાદ) પર ઉપલબ્ધ છે અને ઑનલાઈન ઓર્ડર કરી શકાય છે.

No comments:

Post a Comment